________________
૧0
મુંબઈની કોઈ ફૂટપાથ પર સૂતેલા ભિખારીને સપનું આવે છે તેને લોટરી લાગી રોડપતિમાંથી કરોડપતિ બની ગયો. ચારે બાજુ આશ્ચર્ય છે. સપનામાં તે શ્રીમંત બનેલો ભિખારી પોતાની જાતને ઉઠાડવા છેક મલબાર હિલથી કારમાં બેસીને આવે છે. કારમાંથી ઉતરીને પોતે જ પોતાને ઉઠાડે છે. તે ઉઠતો નથી એટલે જોરથી ઢંઢોળે છે ને ભિખારીનું સ્વપ્ન તૂટે છે. પોલીસ દંડો મારવાની તૈયારી કરતો હોય છે. ભિખારીના સુખદ સ્વપ્નનો કરુણ અંજામ આવે છે. તે મીઠાં સ્વપ્નને આંખમાં આંજીને ભિખારી ઊભો થાય છે. સપનાંને ખંખેરીને ભીખ માંગવાના કામમાં લાગી જાય છે. સપનાં જોવાથી પેટ નથી ભરાતું. શ્રીમંત થવાની વાત તો ઘણી દૂર છે.
ભિખારીની માનસિક્તા જેવી જ દરેકની માનસિકતા છે. વાર્તાના ભિખારીને સમજણ હતી કે શ્રીમંત બનવાના સ્વપ્ન જોવાથી શ્રીમંત થવાતું નથી. ઉપરથી એ સ્વપ્ન આપણા દુઃખમાં ઉમેરો કરે છે. સપનાંઓની શ્રીમંતાઈનો કેફ શ્રીમંત બનવા દેતો નથી અને રોજની રોટલી કડવી કરી મૂકે છે. એ સપનાંઓને ભૂલવાં જ સારાં...મનમાંથી દૂર કરવા જ સારાં....
સપને રાજ પાય કોઉ રંક ક્યું, કરત કાજ મન ભાયા; ઉઘરત નયન, હાથ લખ ખપ્પર...
રાત્રિસ્વપ્નો અને દિવાસ્વપ્નો વચ્ચે ફરક એટલો જ છે કે એકમાં આંખ ખુલ્લી હોય છે બીજામાં બંધ. તે સિવાય તેમનામાં કોઈ તફાવત નથી અસારતાની દષ્ટિએ, વ્યર્થતાની દૃષ્ટિએ બન્ને સરખાં છે. અને જયારે આપણે સેવેલા સપનાં પૂર્ણ થતાં નથી ત્યારે પારાવાર પસ્તાવો થાય છે અને એ પસ્તાવો કોઈને કહી શકાતો નથી. એને પ્રગટ કરવો આપણી મૂર્ખામીનું પ્રદર્શન છે. કોઈએ કહ્યું ન હતું કે સપના જોજો...તમે જોયા તમે પસ્તાઓ.
આપણાં સપનાં પૂર્ણ નથી થતાં તેમાં પરિસ્થિતિનો વાંક કાઢી શકવાની સ્થિતિમાં આપણે નથી, કારણ કોઈ પરિસ્થિતિ તમારા સપનાઓમાં ભાગીદાર નથી. તમે પથ્થરને ગળે વળગાડો કે એને મારો. પથ્થરને કોઈ ફરક પડતો નથી. પથ્થર હીરાનો હશે તો ગળે વળગાડશો તેથી પથ્થર ખુશ
નથી થવાનો કે પથ્થર વાગશે અને મારશો તો રડશે પણ નહિ. પથ્થરને મારવાથી ઉપરથી આપણને વાગશે.
આપણા સુખ-દુ:ખ માટે પરિસ્થિતિ જવાબદાર નથી. આપણા સપનાં જવાબદાર છે. તેની આપણને બરોબર ખબર છે એટલે જ કોઈને કહી શકતા નથી. પણ મનમાં ને મનમાં પસ્તાવો થાય છે. દુ:ખી છીએ પણ દુ:ખી હોવાની સ્વીકૃતિ નથી. સુખી નથી છતાં સુખી હોવાનો દેખાવ ચાલુ છે. આ દંભ છે. દંભી માણસ સતત સળગ્યા કરતો હોય છે. દંભના મૂળમાં જ અસફળતા છે. અસફળતાને છૂપાવવાના પ્રયત્નનું નામ ‘દંભ' છે. દંભ પણ લાંબો સમય ટકતો નથી. વાસ્તવિકતા દંભને ખુલ્લો પાડે જ છે. દંભ ખુલ્લો પડે છે મતલબ અસફળતા છતી થાય છે. અસફળતા માનવીની બહુ મોટી વેદના છે.
મન હી મન પછતાયા.
ભીતરની આંખો ઉઘડે છે...બધું જ વ્યર્થ જણાવા માંડે છે ત્યારે પસ્તાવો કે અસફળતાનો પ્રશ્ન ઉઠતો નથી. બધું જ વ્યર્થ છે તેથી પ્રાપ્તિની આકાંક્ષા નથી તેથી જ અપ્રાપ્તિનું દુઃખ નથી. મેળવવાનો પ્રયત્ન જ નથી. તેથી અસફળતાનો કે સફળતાનો સવાલ જ પેદા થતો નથી.
સંસારની વ્યર્થતાનો બોધ જાગૃતિનું પ્રથમ ચરણ છે. સપનાંના સંસારનું દૃશ્ય મનોરમ છે. સપનામાં દેખાતા પદાર્થો રૂડાં અને રૂપાળાં લાગે છે, સારાં અને પ્યારા લાગે છે. પણ તે વાસ્તવિક નથી. ઉધાડી આંખે સંસાર કેવો દેખાય છે ? તેની વાત શ્રી ચિદાનંદજી મહારાજ કરી રહ્યા છે.
ચપળા ચમકાર જિમ ચંચળ, નરભવ સૂત્ર બતાયા.
સૂત્રમાં = શાસ્ત્રમાં કહ્યું છે. આ મનુષ્યજન્મ વિજળીના ચમકારા જેવો છે, ચંચળ, વિજળીનો ચમકાર રોજ જોવા નથી મળતો. વર્ષાઋતુમાં, વરસાદના દિવસો નજીકમાં હોય ત્યારે જ વિજળી ચમકે. તેમાં પણ જ્યારે બે વાદળો અથડાય ત્યારે જ વિજળી ચમકી જાય ક્ષણ માટે. વાદળો બંધાય, વરસાદ પડે તે સહજ ઘટના છે. પણ વિજળી ચમકી જવી જરા દુર્લભ ઘટના છે. વિજળી ચમકી તે તરફ ગરદન ઊઠી ન ઊઠી, આંખો અટકી ન