________________
સમસ્યાઓથી ઘેરાયેલા છે. પરંતુ વત્સ ! તું નિરાશ ન થા. સમસ્યા છે તો તેનો ઉકેલ પણ છે. બુદ્ધના સમયમાં એક દંપતીનો એકનો એક પુત્ર મરી ગયો હતો. તે દંપતી મૃતપુત્રને બુદ્ધ પાસે લાવ્યા. બુદ્ધના પગમાં પડીને વિનવવા લાગ્યા ગમે તે કરો. પુત્રને જીવિત કરો. બુદ્ધે શું કહ્યું ખબર છે? બુદ્ધે કહ્યું જેના ઘરમાં કોઈનું મરણ ન થયું હોય તેના ઘરમાંથી મીઠું લઈ આવો. એવું મીઠું મળ્યું નહિ અને બુદ્ધના આશ્વાસનથી દંપતી શાંતભાવમાં ઉપસ્થિત થયું. વત્સ ! દરેક સમસ્યાનો ઉકેલ છે. તે પણ એક કામ કર. બધાના જીવનમાં સમસ્યા તો છે અને સમસ્યા એક નથી અનેક છે. એટલે બિલકુલ સમસ્યા વિનાનો માણસ મળવો મુશ્કેલ છે. તું એવો એક આદમી શોધી લાવ જેના જીવનમાં એક જમાત્ર એક જ સમસ્યા હોય, બિલકુલ ન હોય તો અતિ ઉત્તમ. પણ તેવો આદમી મળવો મુશ્કેલ છે. જેના જીવનમાં માત્ર એક જ સમસ્યા હોય તેવો આદમી ખોજી લાવ અને તેના હાથે બનાવેલી ‘ચા' પી લે. તારી તમામ સમસ્યા ઉકેલાઈ જશે. ભગવાન બુદ્ધના આશીર્વાદ તારી સાથે છે.'
પેલો યુવક શોધમાં નીકળ્યો. બધાં જ માણસોના જીવનમાં નાનીમોટી ઘણી સમસ્યાઓ છે. માત્ર એક જ સમસ્યા લઈને જીવતો હોય તેવો માણસ તેને મળતો નથી. આખરે એક આદમી એવો મળી ગયો જેનાં જીવનમાં એક જ સમસ્યા હતી. તે યુવક અધીર બની ગયો તેના પગ પકડીને કહ્યું “મહેરબાની કરીને તમારા હાથની એક કપ ચા પીવરાવી દો નહીં તો મારે આત્મહત્યા કરવી પડશે.” પેલા આદમીએ કહ્યું “મારા જીવનમાં એક જ સમસ્યા છે અને તે એ કે મને ચા બનાવતા આવડતું નથી.' યુવકે બેહોશ થઈને ઢળી પડ્યો.
સમસ્યાઓ તો અનેક છે પણ મૂળ સમસ્યા એ છે કે માનવીના મનનો એક ખુણો સદા ખાલી રહે છે. ગમે તેટલો પ્રયત્ન કરવા છતાં તે ખૂણો ભરાતો નથી. પૈસા પાછળ માનવી એટલા માટે દોડે છે કે પૈસાથી એ ખૂણો ભરાય. પ્રિયપાત્રને એટલા માટે ઝંખે છે કે – પ્રિયપાત્ર એ ખાલી જગ્યા ભરી દે. પદ કે પ્રતિષ્ઠા પાછળ એટલા માટે મરે છે – પદ કે પ્રતિષ્ઠાથી મન ભરાઈ જશે. પણ કશું જ બનતું નથી. શું પૈસા, શું પ્રિયપાત્ર, શું પદ કે શું પ્રતિષ્ઠા,
કોઈ જ મનના ખાલી ખૂણાને ભરી શકતું નથી. જીવન અઘરું અઘરું લાગે છે. મનનું આખું મંદિર માણસે સમજાવ્યું છે છતાં તેમાં મૂર્તિની જગ્યા જ ખાલી પડી છે, મૂર્તિની જગ્યાએ માણસે બધું મૂકી જોયું પૈસા, પ્રિયપાત્ર, પદ, પ્રતિષ્ઠા પણ કોઈ ચીજ ત્યાં શોભતી નથી. ઉપરથી તે કદરૂપી લાગે છે અને મંદિરની સજાવટમાં દખલ કરે છે. તેનું શું કરવું તે સમજાતું નથી. મૂર્તિની જગ્યા તે લઈ શકે તેમ નથી. બીજે ક્યાંય ઍડજેસ્ટ થતી નથી અને બહાર કાઢી શકાય તેમ નથી. નવી સમસ્યા સર્જાય છે.
મનની શાંતિ માણસ પામવા પૈસા ભેગા કરવા માંડે છે. પૈસાથી શાંતિ તો મળતી જ નથી, સમસ્યા તો ટળતી જ નથી. ઉપરથી પૈસો સમસ્યાની નવી ફોજ લઈને આવે છે. પૈસો આવે છે, લોભ આવે છે, ભય આવે છે, સ્પર્ધા આવે છે, ઇર્ષા આવે છે, સંઘર્ષ આવે છે, અભિમાન આવે છે. પ્રિયપાત્ર પોતે જ સમસ્યામાં છે તે આપણી સમસ્યામાં શું સહાય કરશે ? ઉપરથી તેના સુખદુઃખ આપણા બની જાય છે. પદ અને પ્રતિષ્ઠા સાથે તો રાજકારણનો જનમોજનમનો નાનો છે.
કોઈ ચીજથી મનની જગ્યા ભરાતી નથી. કોઈ ચીજથી સમસ્યા ઉકેલાતી નથી. માણસ, જેનાથી સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરે છે તે જ ચીજો નવી સમસ્યાઓ ખડી કરે છે. તે સમસ્યાઓ ઉકેલવામાં મૂળ સમસ્યા ભૂલાઈ જાય છે અને સમસ્યાઓનું આખું વિષચક્ર ચાલુ થઈ જાય છે.
માનવીના મનની ખાલી જગ્યા પૂરવાની તાકાત કોઈ સાંસારિક વસ્તુઓમાં નથી. એ ગલતફહેમી છે કે - સંસાર કે સાંસારિક પદાર્થો આપણને સંતોષથી ભરી શકશે. એક ગલત દૃષ્ટિકોણને કારણે જન્મેલી ભ્રાંતિ છે. સચ્ચાઈ નથી, આભાસ છે. સંસારમાં માનવીના મનોરથોને પૂર્ણ કરવાની ક્ષમતા હોત તો આજ સુધીમાં આપણે કયારનાય સંતુષ્ટ થઈ ચૂક્યા હોત. કોઈ અનાદિકાળચક્રથી આપણે ઘૂમ્યા કરીએ છીએ પણ તૃષ્ણા એની એ જ છે. કારણ આપણી દોટ સત્ય પાછળની નથી, સ્વપ્ન પાછળની છે.
સ્વપ્ન પાછળની દોટને કારણે આપણે ઘૂમીએ છીએ. પણ એ દોટમાં પ્રગતિ નથી. ઘાણીના બળદની જેમ અનંત કાળથી એકના એક