________________
૫
વર્તુળમાં આપણે ચક્કર મારી રહ્યા છીએ. એ જ સવારે ઉઠવું, નહાવું, ધોવું, ખાવું, પીવું, કમાવું, ફરવું, રાત્રે એ જ પથારીમાં સૂઈ જવું આ આપણું જીવન છે. પ્રેમ કરીને દુશ્મનાવટ કરવી, દુશ્મનાવટ કરીને પ્રેમ કરવો, છેતરાવું, છેતરવું એ જ ક્રમ ચાલ્યા કરે છે. ઘાણીના બળદની જેમ. ઘાણીનો બળદ એકની એક જગ્યાએ કેમ ચાલી શકે છે ? ખુલ્લી આંખે બળદ ઘાણી ફેરવી જ ન શકે. ધાણી ફેરવવા તેની આંખે પટ્ટી બાંધવી જરૂરી છે. એ પટ્ટીમાંથી આજુબાજુનું દશ્ય દેખાતું નથી માત્ર સામેનું દૃશ્ય જ દેખાય છે. એટલે બળદને એમ જ લાગ્યા કરે કે હું સીધી લાઈનમાં ચાલું છું. આગળને આગળ ચાલું છું. પણ તેનું પરિભ્રમણ એક ધરીની આસપાસ જ થતું હોય છે.
ઘાણીના બળદની જેમ માનવીની આંખો પર પણ પટ્ટી બંધાયેલી છે. વાસનાની પટ્ટી...વાસનાની પટ્ટીમાંથી સંસારનું સાચું દશ્ય દેખાતું નથી પરિણામે એક જ વર્તુળમાં ગતિ ચાલ્યા કરે છે. ઘાણીના બળદની આંખો પર પટ્ટી ઘાંચી બાંધે છે. આપણી આંખો પર વાસનાની પટ્ટો ચઢાવનાર બીજું કોઈ નથી આપણે પોતે છીએ. હા...આપણે સ્વયં...આપણા સિવાય કોઈ આપણને વાસનાની પટ્ટી ચઢાવી નથી શકતું. બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે આપણે જ આપણી જાતે વાસનાના ગુલામ બન્યા છીએ.
વાસના એટલે આવેશ પેદા કરનારી પદાર્થો પ્રત્યેની જબરદસ્ત આસક્તિ. આસક્તિ આવેશ પેદા કરે છે. આવેશમાં માનવી આંધળો બને
છે અને આવેશમાં અંધ બનેલા આદમીને સાચું દર્શન ક્યારેય થતું નથી. વાસનાથી હંમેશા આભાસ દેખાય છે. હરણને જેમ મૃગજળનો આભાસ થાય તેમ. વાસનાથી સત્ય દેખાતું નથી. વાસનાની નજરે દેખાતું દશ્ય સત્ય નથી પણ સ્વપ્ન છે. આપણા મનમાં જન્મોજનમથી વાસનાનો પ્રવાહ ચાલી રહ્યો છે એ વાસનાને કારણે જ સંસાર સત્ય લાગે છે. જેનું મન શુદ્ધ બની ગયું, જેનું મન વાસનારહિત બની ગયું છે તેને સંસાર સ્વપ્ન જેવો લાગે છે.
જે દિવસે આ સત્ય સમજાઈ જશે કે સંસાર સત્ય નથી પણ સ્વપ્ન છે, એ દિવસથી જ સમસ્યાઓ દૂર થઈ જશે. મનની ખાલી જગ્યા
૬
ભરાવાનો સાચો પ્રયત્ન શરૂ થશે. તે પહેલાના તમામ પ્રયત્નો વિફળ સાબિત થવાના છે. મનને ભરવું હોય, પરિપૂર્ણ બનવું હોય તો સહુથી પહેલો ઉપાય છે—ગલત દૃષ્ટિને ત્યાગો, મનને વાસનાની ગુલામીમાંથી બહાર કાઢો. સંસાર સ્વપ્ન છે, સત્ય નથી.
શ્રી ચિદાનંદજી મહારાજા પદમાં આ સંદેશ આપી રહ્યા છે. જગ સપનેં કી માયા, રે નર ! જગ સપને કી માયા.
પૂરો સંસાર સપનાંઓથી માયાવી સૃષ્ટિ છે. માયા એટલે વાસનાએ જન્માવેલું વિપરીત જ્ઞાન. વેદાંત દર્શનમાં માયાની બે શક્તિઓ માનવામાં આવી છે. આવરણ શક્તિ અને વિક્ષેપશક્તિ. જે છે તેને ઢાંકી દેવું તે આવરણ અને જે નથી તેનું સર્જન કરવું તે વિક્ષેપ. વાસના, સત્યને તિરોહિત કરે છે અને સ્વપ્નનું સર્જન કરે છે. ચિદાનંદજી મહારાજા જગને સપનાંઓની માયા કહે છે.
મહાપુરુષો જ્યારે એમ કહે છે કે સંસાર સ્વપ્ન છે કે સંસાર ભ્રમ છે, ત્યારે તેનો અર્થ સમજવા જેવો છે. બાહ્ય સંસારની વાત તેઓ નથી કરતાં. એ સંસાર તો છે જ. જે દેખાય છે, અનુભવાય છે તેને સપનું કેવી રીતે કહેવાય ? આ સ્થૂલ સંસાર છે. સ્થૂલ સંસાર સાથે મહાપુરુષોને ઝાઝો સંબંધ નથી. મહાપુરુષો સંસારને સ્વપ્ન હોવાની વાત કરે છે તે સંસાર સૂક્ષ્મ સંસાર છે. ભીતરનો સંસાર.
દરેક માનવી બે સંસારમાં જીવે છે એક સંસાર છે જે બાહ્ય નજરોથી દેખાય છે તે અને બીજો છે તે બાહ્ય સંસારના આધારે કલ્પનાઓ કરીને માણસે જન્માવેલી એક નવી સૃષ્ટિ છે. બાહ્ય સંસાર બધા માટે એક સરખો છે પણ ભીતરનો સંસાર દરેકનો અલગ અલગ છે. દરેકની કલ્પનાઓ અલગ અલગ છે. દરેકની દિષ્ટ અલગ અલગ છે. વાસના, બાહ્ય સંસારના સહારે મનમાં હવા ભરવાનું કામ ચાલુ કરે છે અને અપેક્ષાઓની નવી સૃષ્ટિનું નિર્માણ થાય છે.
ચાર દિવાલ, બારી-બારણાં, છાપરું, ફર્નીચર, કિચન, બેડરૂમ,