________________ 22 જ વિચાર આવે છે. મરવાના વિચાર કરી તે ચોવીસ કલાક દુ:ખી રહેવાની છે. આવતીકાલ સુધારવા આજ બગાડવાની મૂર્ખામી મને જરાપણ પસંદ નથી. કાલની વાત કાલે. આજે મોજ કરી લો.” આટલું કહીને તે તો નીકળી ગઈ. બે માછલી રહી ગઈ. જે સમાચાર લાવી હતી તે માછલીએ બીજી માછલીને કહ્યું, ‘જતી રહી. આજકાલ મીઠું જરા વધારે ખાતી લાગે છે. હું તો આજે જવાની છું. તારો શું વિચાર છે ?' બીજી માછલીની માનસિક સ્થિતિ ડામાડોળ હતી. તેને બન્નેની વાત સાચી લાગે છે. પહેલી માછલીની વાત સાંભળી ભાગી જવાનું મન પણ છે. અને બીજી માછલીની વાત સાંભળી મજા કરવાનું પણ મન છે. આજની મોજનું આકર્ષણ છે અને કાલના મૃત્યુનો ભય પણ છે. મોજનું આકર્ષણ વધારે છે. કેમ કે તે તાત્કાલિક છે. પેલી માછલીએ કહ્યું, ‘તારું મન આવવા માટે તૈયાર લાગતું નથી. પણ મારી વાત તું સાંભળે એવી છે તેથી કહું છું. કાલનું ભવિષ્ય મને દેખાય છે. અહીં રહેનારી બધી માછલીઓ સપડાવાની છે. માછીમાર કાંટાવાળી જાળ નાંખશે તેમાં માંસના ટૂકડાં હશે તે ટૂકડાં ખાવા જતાં ગળામાં કાંટો ભરાઈ જશે. અને જાળ તો છે જ. તે માછીમારો તમને પાણીની બહાર કાઢશે. પાણી વિના તમે જીવશો કેવી રીતે ? પકડાવાનું નક્કી જ છે છતાં એક ઉપાય કહું છું. જો તું જાળમાં ફસાઈ જાય તો મરી જવાનો ઢોંગ કરજે. મરેલી માછલીને તેઓ નથી પકડતા. તે લોકો ચાલ્યા જાય પછી પાછી આવતી રહે છે. ચાલ ત્યારે આવજે.' આટલું કહીને પહેલી માછલી નીકળી ગઈ. બીજે દિવસે જે થવાનું હતું તે જ થયું. બધી માછલીઓ પકડાઈ ગઈ. મરી જવાનો ઢોંગ કરીને એક માછલી બચી ગઈ. પાછી સરોવરમાં ગઈ. તેણે ઘણી શોધ કરી પણ સાચી સલાહ આપનારી માછલી તેને મળી, નહિ. સપનાંની સૃષ્ટિના ભયાનક પરિણામોથી બચવાનો ઉપાય છે - યા તો તેને છોડી દો યા તો તેને માટે નકામા બની જાઓ. પોતાની સ્વાર્થપૂર્તિમાં જે નકામા છે તેને સંસાર જ ફેંકી દે છે. જે લાલચમાં રહે છે તેને ફસાવાનું નક્કી જ છે. એ સંસાર અસાર સાર પિણ, તેહમેં ઇતના પાયા; ચિદાનંદ પ્રભુ સુમિરન સેતિ, ધરીયે નેહ સવાયા. સંસારની તમામ કાલ્પનિક સમસ્યાઓનો ઉકેલ એક જ છે - સંસારને સત્ય માનવાનું છોડી દો. સ્વપ્ન માનવાનું ચાલુ કરી દો.” સ્વપ્નને છોડો સત્યને પકડો, જાગવાનો આ એક માત્ર ઉપાય છે. સતત એ વાતનું સ્મરણ કરી - ‘રે નર ! જગ સપને કી માયા” ‘હું સપનાંઓના નહિ પણ સત્યના માર્ગનો મુસાફર છું.’ ‘હું વાસનાનો નહિ પણ ઉપાસનાની કેડીએ ચાલનારો યાત્રી છું' આ વાતનું સ્મરણ જાગૃતિનો ઉપાય છે. આ સ્મરણ જ પરમાત્મપદ સુધી લઈ જાય છે. આપણી સુષુપ્ત અવસ્થા આપણો શત્રુ છે, જાગૃત અવસ્થા આપણી મિત્ર છે અને મુક્ત અવસ્થા આપણું લક્ષ્ય છે. સંસારનું વિસ્મરણ અને સત્યનું સ્મરણ મુક્તિનું પ્રથમ સોપાન છે. સત્યનું સ્મરણ એ જ પ્રભુનું સ્મરણ છે. જે ઘડીએ સ્વપ્નનું વિસ્મરણ થાય છે તે ઘડી સાક્ષાત્કારની ઘડી છે. ઉપલબ્ધિની ક્ષણ છે, પ્રકાશનું આગમન છે. તે જ પ્રાપ્ય છે, તે જ ઉપાસ્ય છે. ચિદાનંદ પ્રભુ સુમિરન સેતિ, ધરિયે નેહ સવાયા.