________________
૧૫
જાય છે. રંગછટાઓમાં પરિવર્તન આવતું જાય છે. નવાં નવાં દશ્યો સરજાતા જાય છે. વાદળા અસ્થિર છે. સૂરજ પણ અસ્થિર છે તો એ બંનેને રમતથી સર્જાનારા રંગો ક્યાંથી સ્થિર હોવાના ? જે ક્ષણે રંગ ઊઠે છે, તેની બીજી ક્ષણે તેની જગ્યાએ નવો રંગ આવી જાય છે, યૌવન સુદ્ધાં આ રંગની જેમ પલકમાં વિલાઈ જાય છે. યૌવનની ઉંઘ ધેરી હોય છે. સપનાં મજબૂત હોય છે. તેમાં સમય ક્યાં વીતી ગયો તેની ખબર પડતી નથી.
યૌવન જઈ રહ્યું છે કે યૌવન જતું રહ્યું એ વાત બુદ્ધિ ક્યારેય નહિ સ્વીકારે. તેમાં બુદ્ધિનો સ્વાર્થ ઘવાશે. યૌવન કરમાય તેનો મતલબ કે નિવૃત્તિની તૈયારી થઈ. બુદ્ધિને નિવૃત્તિ જરા પણ ફાવતી નથી. એટલે માનવીને જાણી જોઈને ઊંધી દિશામાં ફેરવે છે. ૬૦ વરસની ઉંમરના માનવીને કોઈ ‘કાકા’ કહીને બોલાવે તો તેને ગમતું નથી, તરત કહેશે ‘સમી તો મેં નવાન હૂં' આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, સીધા ચાલી શકાતું નથી. જમીન પર બેસી શકાતું નથી. ખાવાનું પચતું નથી, દાંત તૂટી ગયા છે. મગજની બેટરી ડાઉન થઈ ગઈ છે ને ‘અભી તો મૈં નવાન હૂં. ૬૨ કે ૬૫ વરસના વૃદ્ધો પણ જવાનીના સપનાં જુએ છે. શરીરને જુવાનની જેમ સંભાળે છે. ચટાપટાવાળાં કપડાં પહેરે છે, માથે ડાઈ લગાવે છે. મોઢાંમાં ચોકઠું બેસાડે છે. શરીર થાકી જાય ત્યારે ન છૂટકે બદલાવું પડે છે, છતાં જુવાની ટકાવવાના કે જુવાન દેખાવાના પ્રયત્નો અટકતાં નથી.
મલ મલિન અતિ કાયા....
માણસને સહુથી વધુ ભ્રમ યૌવનનો છે અને સહુથી વધુ પ્રેમ શરીરનો છે. યૌવનને ટકાવવા અને શરીરને સજાવવા માણસ સહુથી વધુ મહેનત કરે છે. જે યૌવન ઝંઝવાતની ઝડપથી પસાર થઈ જાય છે; જે શરીર તમામ પ્રકારની ગંદકીની ઉત્પત્તિ ભૂમિ છે; તેની પૂજામાં આદમી નિરંતર રત રહે છે.
શરીરને સારું દેખાડવા તેને રોજ સાફ કરવું પડે છે. પરસેવો ન થાય માટે પાવડર લગાવવો પડે છે. છતાં ય પરસેવો તો થાય જ છે તેની દુર્ગંધ બીજા સુધી ન પહોંચે તે માટે ડીયોઽૉરન્ટ લગાવવું પડે છે. શરીરની
૧૬
સાથે રહેવાથી કપડામાં પણ દુર્ગંધ ઉઠે છે તેને અટકાવવા સૅન્ટ, પરફ્યુમ, લગાવવાના. મોઢાં પર ખાડાટેકરાં ન દેખાય માટે જાતજાતની ક્રીમો, માથામાં તેલ ન નાખો તો વાળ ધોળા થઈ જાય છે. અરે ! ટાલ પડવા માંડે છે. ખોરાક વગર નબળું પડી જાય છે. ખોરાક મળે તો તેનો કચરો થાય છે. આ બધાનો મતલબ એ જ છે કે - તે ગંદું છે. જ્યાં જુઓ ત્યાં મલિનતા છે. કાનમાં મેલ, આંખમાં મેલ, નાકમાં મેલ, મોઢામાં મેલ, નખમાં મેલ, બીજી કેટલીય જગ્યાએ મેલ, મેલ, ને મેલ. મલિનતા સિવાય આ શરીરમાં કંઈ નથી. છતાં બુદ્ધિને આ શરીરનું સૌંદર્ય જ દેખાય છે. શરીરની ભીતર અદશ્યપણે વહેતા ચેતનાના સ્રોતનો વિચાર નથી આવતો. ચેતનાના સૌંદર્ય સામે જગતનું તમામ સૌંદર્ય ફીક્કું છે. તે તરફ નજર જાય તો બુદ્ધિના અસ્તિત્વ સામે જ ખતરો ઊભો થાય. કારણ કે ચેતનાના સૌંદર્યને આ શરીર સાથે સંબંધ નથી અને બુદ્ધિને તો શરીરનું સૌંદર્ય જ દેખાય છે. બુદ્ધિ શરીરની સહધર્મિણી છે. શરીર સાથે આવે છે શરીર સાથે જતી રહે છે.
વસ્તુતઃ બુદ્ધિ અને શરીર બન્નેની આધારશિલા ચેતના જ છે. ચેતના વિના બન્નેનું અસ્તિત્વ કલ્પવું મુશ્કેલ છે. ચેતનાની સહાય વિના શરીરનું સૌંદર્ય પણ અસંભવિત છે. ઉપરથી ચેતના વિના શરીર કદરૂપું બની જાય છે. ચેતનાના સહયોગ વિના શરીરનું સૌંદર્ય કેવું ? અને શરીરની ક્ષમતા પણ શું છે ? અમુક હદથી વધારે ઠંડી કે અમુક હદથી વધારે ગરમી શરીર સહન કરી શકશે નહીં તરત જ વિક્રિયાઓ ઉત્પન્ન થશે અને એક હદ એવી આવે છે કે તે નાશ પામે છે તેનો કોઈ ઉપાય નથી.
વાસનાની પ્રબળતાના કારણે જ અસ્થિર યૌવન સ્થિર લાગે છે અને મલિન કાયા રૂપાળી લાગે છે. વાસનાના આ અંધાપાને ટાળવાનું અનુપમ સૂત્ર શ્રી ચિદાનંદજી મહારાજ આપી રહ્યા છે - મૃત્યુનું ચિંતન કરો.’
મૃત્યુનું નામ સાંભળતા જ માણસ ગભરાય છે. જેનાથી માનવી ગભરાય છે તેના વિશે વિચારવાનું છોડી દે છે. મૃત્યુના ગભરાટને ટાળવાનો રસ્તો જ એ છે કે તેની સત્યતાને સ્વીકારી તેના પર વિચાર કરો. મૃત્યુનો વિચાર કરવાથી ભય ટળે છે. ભય અને વિચાર કદિ એક સાથે રહી શકતા નથી. મૃત્યુનો ભય જાય તે ક્ષણે જ સત્યના કિરણો પ્રગટવા માંડે છે.