Book Title: Vishva Kalyanni Vate
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 57
________________ ૨૬ વિશ્વકલ્યાણની વાટે વૃક્ષોના રક્ષણ માટે શહાદતની કથા સૃષ્ટિની સમગ્ર પ્રકૃતિ તાલબદ્ધ ચાલી રહી છે. સૃષ્ટિના તમામ પદાર્થો માનવી માટે જ સર્જાયા છે, આવા ખોટા ખયાલને કારણે ઉપભોક્તાવાદનો જન્મ થયો. ઉપભોક્તા સંસ્કૃતિના ઉદયે માનવીની જરૂરિયાતો વધારી તેથી ઉત્પાદન વધારવાની જરૂર પડી. વૈજ્ઞાનિક શોધોનો વિવેકહીન ઉપયોગ અસંયમ અને કુદરતી સાધનોના શોષણ દ્વારા માનવીએ પ્રકૃતિ પર આક્રમણ કર્યું. પર્યાવરણના સંદર્ભે અહિંસા વિશે વિચારણા કરતાં જણાશે કે ભગવાન મહાવીરે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ દરેકમાં જીવ છે એમ જણાવેલ. આ દરેકને સ્વતંત્ર સત્તા છે. તેઓ કોઈકના માટે નથી બન્યાં. આ પાંચ તત્ત્વોમાં સ્થિર રહેનારા જીવોના અસ્તિત્વનો સ્વીકાર કરી હિંસાથી બચવા કહ્યું. જલ (પાણી), વાયુ, માટી (પૃથ્વી), ઉષ્ણતા (પ્રકાશ) અને પ્રાણીઓ આ તમામ મળીને પર્યાવરણ અથવા વાતાવરણ રચે છે. આ તમામ ઘટકોનું પરસ્પર સંતુલન ન જળવાય તો પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. જનજીવન પર પર્યાવરણ સંકટ આવી પડે છે. વળી વૈશ્વિક તાપમાનને સંતુલિત કરવામાં વૃક્ષોનું ઊંચું યોગદાન છે. પર્યાવરણની રક્ષા માટે અને જનજીવન માટે વૃક્ષો ઉપયોગી છે. વૃક્ષો ફળ અને છાંયડો આપે છે. સંતો વૃક્ષમંદિરો રચવાની વાતો કરે છે. તો વૃક્ષપ્રેમીઓ સ્મૃતિવન દ્વારા પર્વના દિવસોએ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજે છે. વિશ્નોઈ ધર્મગુરુ શ્રી જાંભેશ્વરજી મહારાજ તો કહેતા કે (સર સાઠે ડંખ બચે તો ભી સસ્તો જાન) શિર ૧૦૫ વિશ્વકલ્યાણની વાટે ક સાટે પણ વૃક્ષની રક્ષા કરવાનો, વૃક્ષને બચાવવાનો પ્રસંગ આવે તો વૃક્ષની કિંમત કરતાં મસ્તક સસ્તું છે એમ ગણવું તે જ ખરો ધર્મ છે. શાયત ધર્મ દ્વારા અચલચંદજી કહે છે કે આ ગુરુજીનો ઉપદેશ ચરિતાર્થ કરતી એક ઘટના રાજસ્થાનના જોધપુર જિલ્લામાં બની ગઈ. વિક્રમ સંવત ૧૭૮૭, ઈ.સ. ૧૭૩૦, ખેજડલી ગામમાં જોધપુર નરેશના આદેશથી ખીજડા (ખેજડી)નાં વૃક્ષો કાપવા કઠિયારાઓ આવ્યા. શ્રીમતી અમૃતાદેવીના નેતૃત્વમાં તેનો સખત વિરોધ કરવામાં આવ્યો. કઠિયારાઓ-વૃક્ષહત્યારાઓની કુહાડીથી વૃક્ષને બચાવવા અમૃતાદેવી ખેજડીના વૃક્ષને બન્ને ભૂજાઓ પહોળી કરી વીંટળાઈ વળી અને તેણે પોતાની ડોક પર કુહાડીનો પ્રહાર ઝીલી લીધો. લોહીથી લથબથ બની અને વૃક્ષની રક્ષા કરવા શહીદ થઈ ગઈ. શ્રીમતી અમૃતાદેવીની પુત્રીઓ, પડોશી આસીબાઈ, રત્નીબાઈ, ઈમરતીબાઈ, સીમાબાઈ, ભાગુબાઈ સહિત એકએક વીરાંગનાએ શહાદત વહોરી. શ્રીમતી અમૃતાદેવીના પતિ રામોજી સહિત ઘણા લોકો શહીદ થયા. એક વ્યક્તિની ગરદન પર કુહાડો પડતાં ધડથી મસ્તક અલગ થતું તો બીજી વ્યક્તિ નીડરતાથી શહાદતને આમંત્રણ આપતી. આમ ૩૬૩ લોકો શહીદ બન્યા. લોહીની નદી વહી. રાજાના કઠિયારા હરકારોના હાથ રક્તરંજિત બની કાંપી ઊઠચા. હથિયારવિહીન ‘નિહત્યા’ લોકોનો વૃક્ષપ્રેમ જોઈ તેમના આવા અપ્રતિમ અને ભવ્ય બલિદાન જોઈ રાજા પાસે જઈ ઘટનાની વાત કહી. લોકોનો અહિંસા-પર્યાવરણ અને વૃક્ષો પ્રત્યેનો પ્રેમ જોઈ નરેશે વિશ્નોઈ ગામોમાં વૃક્ષો કાપવા પર અને શિકાર કરવા પર પ્રતિબંધ જાહેર કર્યો. શ્રીમતી અમૃતાદેવીના નેતૃત્વમાં વૃક્ષની રક્ષા માટે સ્ત્રીઓ દ્વારા દેવાયેલાં આ બલિદાન પર્યાવરણ અને વૃક્ષપ્રેમી માટે એક અનેરા ઉદાહરણરૂપ છે. રાજ્ય સરકાર શ્રીમતી અમૃતાદેવીની સ્મૃતિમાં દર વર્ષે પર્યાવરણ પુરસ્કાર આપે છે, એટલું જ નહીં, પરંતુ ખેજડીને રાજ્યવૃક્ષ ઘોષિત કર્યું છે. સંવત ૧૭૮૭ની ભાદરવા સુદ દશમના બનેલી આ ઘટનાની સ્મૃતિને જીવંત રાખવા અને વૃક્ષપ્રેમીઓની શહાદતને શ્રદ્ધાંજલિ આપવા આ સ્થળે એક મેળો ભરાય છે, જેની સામે એક મેદાન છે. દુ:ખની વાત એ છે કે ત્યાં વૃક્ષો બહુ જ ઓછાં છે. જે વૃક્ષો છે તેની સંભાળ પણ ઓછી લેવાય છે. શહીદોના નામની કોઈ ખાંભી પણ નથી. એ સ્થળ પર ૩૬૩ ખેજડી વૃક્ષ ઉગાડી વૃક્ષમંદિર બનાવવું જોઈએ અને તમામ શહીદોનાં નામની તકતી મૂકી સ્થળને રાષ્ટ્રીય સ્મારક બનાવવું જોઈએ જેથી પર્યાવરણ અને વૃક્ષપ્રેમીઓ માટે તે સ્થળ તીર્થ બની શકે અને તે દિવસ વૃક્ષારોપણનો પાવન દિવસ બની શકે. ૧૦૬

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75