________________
વડોદરાનાં જિનાલયો
૧૪૭
બુધવાર આગમોદ્ધારક તપાગચ્છ આચાર્ય ૧૦૦૮ શ્રીમાન આનંદસાગરસૂરીશ્વરના શિષ્યરત્ન ઉ. શ્રી માણેકસાગર મહારાજના હસ્તે કરાવવામાં આવી છે.
શ્રી છોટા ઉદેપુર નગરે વીર સં. ૨૫૨૫ વિ. સં. ૨૦૫૫ વૈશાખ સુદ ૭ ગુરુવારે તા. ૨૨-૪-૧૯૯૯ શુભ મુહૂર્તે પ્રતિષ્ઠા, મહોત્સવ સંપન્ન પાવન નિશ્રા માર્ગદર્શન એવમ પ્રેરણા શ્રી આત્મવલ્લભસમુદ્રસૂરીશ્વરજી મ. સા.ના ક્રમિક પટ્ટધર ગચ્છાધિપતિ આ. વિજયઇન્દ્રનીલસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન આ. શ્રી વિજયવિરેન્દ્રસૂરીશ્વરજી મ. સા. મુનિ શ્રી ગૌતમવિજયજી મ. સા. રાજેન્દ્રમુનિ તથા આ. શ્રી કેસરસૂરીશ્વરજી મ. સા. સમુદાયના ગચ્છાધિપતિ આ. શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ. સા.નાં આજ્ઞાવર્તી સાધ્વી શ્રી કુસુમશ્રીજી વગેરે.”
૬ પગથિયાં ચઢતાં ૩ લાકડાનાં પ્રવેશદ્વારમાંથી રંગમંડપમાં પ્રવેશ થાય છે. પ્રવેશદ્વાર પર અષ્ટમંગલ તેમજ ૧૪ સ્વપ્ન દોરેલાં છે અને શ્રી શાંતિનાથ ભગવાનના ૧૨ ભવ વિશિષ્ટ પ્રકારે બતાવ્યાં છે. રંગમંડપમાં ડાબી બાજુ નાના ગોખમાં શ્રી પદ્માવતી દેવીની પ્રતિમા, શ્રી શાંતિનાથ ભગવાનના જીવનચરિત્ર દર્શાવતા અંશો અને પાંચ કલ્યાણક દોરેલા છે તેમજ વિવિધ તીર્થપટ અને ગોખમાં શ્રી ગરૂડ યક્ષ બિરાજમાન છે.
બે બાજુના બે પ્રવેશદ્વારમાંથી પ્રદક્ષિણા આપવાની જગ્યા રાખવામાં આવેલ છે. મધ્યના મુખ્ય પ્રવેશદ્વારની દિવાલ પર શ્રી પાર્શ્વનાથ ભગવાનને કમઠનો ઉપસર્ગ તથા શ્રી બાહુબલી દોરેલ છે. શ્રી અષ્ટાપદ મહાતીર્થ, શ્રીપાલ અને મયણાસુંદરીનો જીવનપ્રસંગ ચિત્રિત કરેલ છે. શ્રી સિદ્ધચક્ર યંત્ર, શ્રી રૈવતાચલ તીર્થ તથા અન્ય વિવિધ તીર્થપટ છે. ધુમ્મટમાં નેમિનાથ કુમારની જાનના ચિત્રો છે.
ગભારામાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ૧૧" ની પ્રતિમા સહિત ૯ પાષાણ પ્રતિમાઓ તથા ૫ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ ફાગણ સુદ ૨ છે જે નિમિત્તે મહેન્દ્રભાઈ મોહનલાલ શાહ પરિવાર તરફથી ધ્વજા ચઢાવવામાં આવે છે.
ગામમાં શ્રાવક-શ્રાવિકાનો ૧-૧ ઉપાશ્રય છે.
ગામમાં હાલ ૩૦ જૈન કુટુંબો વસે છે. છેલ્લા ૫૦ વર્ષમાં ગામમાંથી ૩ મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી છે.
ઐતિહાસિક સંદર્ભ
સંવત ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે થયો છે. ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૩ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે સંવત ૧૯૯૧માં આ દેરાસર બંધાવ્યું હતું જેનો વહીવટ શેઠ અમૃતલાલ ગોરધનદાસ કરતા હતા. મૂળનાયક ભગવાનની પ્રતિમા પરના લેખની સંવત ૧૬૫૪ છે. દેરાસરની સ્થિતિ સારી હતી.
જિનાલયનો સમય સં. ૧૯૯૧નો છે.