Book Title: Shraddhadhan Sudarshan Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 4
________________ શ્રદ્ધાધન સુદર્શન • ૨૩૯ વાણિયો ધન માટે જોખમ ખેડવા તૈયાર થાય, બ્રાહ્મણ દક્ષિણા માટે ક્યાંથી ક્યાં પહોંચે, ગમે તેવો ક્ષત્રિય ગામગરાસ માટે માથું મૂકતાંય પાછી પાની ન કરે, તેમ સંતનાં નામ અને વચનનો પ્રેમી, દર્શનનો આશક શું ન કરે? સુદર્શન તો સવારના ઝટઝટ ઊઠી સવારનું તમામ કામ પતાવી, યોગ્ય વસ્ત્રો પહેરી પોતાનાં માતપિતા પાસે આવ્યો. આવતાં જ તેણે માતાપિતાને જણાવ્યું : “હું ગુણશિલ ચૈત્યમાં પધારેલા ભગવાન મહાવીરનાં દર્શને જાઉં છું.” માતાપિતાએ પુત્રને પગથી જ પારખો. માતાપિતાએ તેને કહ્યું: “બેટા ! તને ખબર છે ને એક તરફ મોત છે અને બીજી તરફ ભગવાનનાં દર્શન છે ? બેટા ! હજી તો તું જુવાન છે. ઘરમાં તારી રાહ જોનારી જોબનવંતી નાની બાળા બેઠેલી છે. અમેય ભગવાનના દર્શન માટે ઘણું ઘણું તલસીએ છીએ, તરફડીએ છીએ; પણ આમ કાંઈ મોતને મળવા જવાય?” સુદર્શને માવતરની ગણિતનજર પારખી. એ આવા ગણિતનેડામાં માનતો ન હતો. એ અભી ભક્તિ કરતાં પ્રત્યક્ષ ઉપાસનામાં રસ ધરાવતો. ફરી એક વાર સુદર્શને પોતાનાં પૂજનીય માતાપિતાને સંતસમાગમનો મહિમા સમજાવ્યો અને મરણને કાંઠે બેઠેલાં તેમને પોતાની સાથે જ ભગવાનની ઉપાસના માટે ચાલી નીકળવા વિનવણી કરી. એ તો એકનો બે ન થયાં; એટલે સુદર્શન તો મૂઠીઓ વાળી ભગવાનની દિશામાં દોડવા લાગ્યો. એને કાંઈ બીજું સાંભળવું નહોતું, એને મન તો એક ભગવાન જ ભગવાન જ ! એમની ધૂનમાં એ તો મસ્ત બની વેગથી ઊપડ્યો. સાથે માત્ર ભક્તિનું ભાતું, ભગવાનનું નામસ્મરણ, તેમના પુરુષાર્થનું ચિંતન અને નરમાંથી નારાયણ થવાની તેમની પ્રવૃત્તિનું મનન. દૂરથી પેલા ફટકેલા માળીએ માણસને એ રસ્તે આજ ઘણે દિવસ આવતો જોઈ મલકાટ કર્યો, આનંદની ચિચિયારીઓ પાડી. એ તો પોતાનું ખાજ આવેલું જોઈ કોઈ નરરાક્ષસની પેઠે નાચવા લાગ્યો અને મોગરી ફેરવતો ફેરવતો સુદર્શનનું સામૈયું કરવા તલપાપડ થઈ રહ્યો. પણ એ સામો દોડે એ પહેલાં જ ધીર, વીર, ગંભીર, પ્રશમરસથી ભરેલો જીવનસાધનાનો ઉમેદવાર સુદર્શન જ તેની તરફ વેગથી ઊપડ્યો. જેમ જેમ સુદર્શન પાસે આવતો દેખાયો તેમ તેમ માળીની ફટક નરમ થવા લાગી. આમેય વખત વધારે થઈ જવાથી ફટક થોડી થોડી બેસી ગઈ હતી, પણ આજે તો તેમાં કાંઈ ઓર જ ફેર થતો લાગ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7