Book Title: Shraddhadhan Sudarshan
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf
Catalog link: https://jainqq.org/explore/249427/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૩૧. શ્રદ્ધાધન સુદર્શન ચોવીસસો ચોવીસસો ચોમાસાં ચોધાર નીરે વરસી ગયાં, ચોવીસસો ચોવીસસો વસંત ફૂલડે ફાલી ગઈ, ચોવીસસો ચોવીસસો દીવાળીઓ દીપકથી ઝળહળી ગઈ. એ પહેલાંના વખતની આ વાત છે. માનવીય શ્રદ્ધાની કસોટીની આ કથા છે. મગધ દેશ છે. એમાં રાજગૃહ નગરી ભારે પ્રસિદ્ધ. ત્યાંનો રાજવી મહારાજા શ્રેણિક બિંબિસાર ભારે મોજીલો, રંગરાગવાળો. એ નગરમાં રાજાના જેવું જ મોજીલું એક માળી-કુટુંબ વસે. કુટુંબના વડાનું નામ અર્જુન માળી. માલણનું નામ બંધુમતી ! આ માળી ને માલણની જુગલ જોડી ભારે ફૂટડી, ભારે રંગીલી, ભારે વિલાસી. માળીને અનેક બગીચા ! ગુલાબ, મોગરો, જાઈ, જૂઈ, માલતી, ચંપો, બેલાં, કેસૂડાં— આવાં કંઈ કંઈ જાતનાં ફૂલ ઊતરે. રાજગૃહમાં ફૂલોનાં શોખીન ભારે ! ભારે ખપત રહે. અર્જુન ને બંધુમતી—આ ગુલાબી જુવાનીવાળું જોડું એક યક્ષદેવતાનું ઉપાસક. એ યક્ષનું નામ મુગરપાણિ ! મુગર એટલે મોગરી (ગદા) જેના હાથમાં છે તે. રોજ સવારે આ જોડું યક્ષબાપજીના મંદિરે આવે, ને ફૂલોનો ઢગ ચઢાવે. યક્ષબાપજીનો વરસોવરસ મેળો આવે. અઢારે વરણ એ મેળામાં ઊમટે. મેળામાં બધાય સમાન; નહિ આભડછેટ કે નહિ અંબોટ. સૌ સાથે નાચે, સાથે ગાનતાન કરે, સાથે નાસ્તાપાણી કરે. મેળામાં ભારે ભપકો કરીને અર્જુન માળી આવ્યો. ઠાઠમાઠ રચીને બંધુમતી આવી. બેનાં રૂપ-રંગ જોઈને સહુ કહેવા લાગ્યાં કે કામદેવ અને રિત પોતે મેળો મહાલવા આવ્યાં છે. મેળામાં સારાં આવે તેમ ખોટાં પણ આવે એને ન રોકાય. એવી એક છ-સાત જણાની લલિત મંડળી પણ લહેર કરવા આવેલી. એમની નજર રૂપના સાગર જેવી બંધુમતી પર મંડાઈ ગઈ. Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાધન સુદર્શન • ર૩૭ સાંજ પડી. મેળો વીખરાયો. અંધારાં ઊતરવા લાગ્યાં. અર્જુન માળી ને બંધુમતી યક્ષબાપજીનાં દર્શન કરવા મંદિરે ગયાં. પેલી શેતાનમંડળીએ લાગ જોયો. અર્જુન માળીને ચાર-છ જણાએ થઈને પકડી લીધો. મંદિરના થાંભલે કસકસાવીને બાંધી દીધો. પછી પકડી બધુમતીને ! છ બાજના હાથમાં એક કબૂતરી ! શી એની હાલત થાય ? એ અનાચારથી મંદિર અપવિત્ર થયું. બંધુમતીનું પ્રાણપંખેરું અપવિત્ર થયેલા દેહ-મંદિરને છોડીને ચાલ્યું ગયું. લલિત મંડળી પણ અંધકારની કાળાશમાં પોતાનાં કાળાં મોં લઈ નાસી છૂટી ! રહ્યો એક અર્જુન માળી–થાંભલે બંધાયેલો, આ તમામ અત્યાચારનો પરવશ સાક્ષી ! એણે યક્ષબાપજીને ઘણી આજીજી કરી, પણ માલણના યક્ષબાપજી પાષાણના જ રહ્યા ! સામે ચૂંથાયેલી બંધુમતીનું મડદું પડ્યું હતું. એ જોતાં જોતાં અર્જુનનું મગજ ફટકી ગયું. સવાર થતાં તો જાણે એ ઠાવકો ને શાણો અર્જુન માળી જ ન રહ્યો. માનવમાંથી રાક્ષસ સરજાઈ ગયો. એણે જોરથી આંચકો માર્યો; દોરડું તૂટી ગયું. દોડીને એણે મૂર્તિના હાથમાંની મોગરી ઉઠાવી દેવને જ મારી; કડડભૂસ ! પછી નીકળ્યો બહાર. સામે જે મળ્યાં એને મોગરીથી ઠાર કર્યા. જોતજોતામાં હાહાકાર વર્તી ગયો. રાજા જેવો રાજા પણ કંઈ કરી ન શક્યો. અર્જુન માળીનો જ્યાં સંચાર થયો ત્યાં ભરેલાં નગર ખાલી થવા લાગ્યાં. રોજરોજ ખૂનની વાતો ફેલાવા માંડી. પ્રજા “ત્રાહિ’, ‘ત્રાહિ પોકારી ગઈ. રાજાએ કોટવાળને હુકમ કર્યો કે ગામ આખામાં ઢોલ વગડાવો કે કોઈ કઠિયારો, ઘાસવાળો, ફૂલ વીણનારો, નિંભાડા પકવનારો કુંભાર કે બહારગામનો પ્રવાસી એ રસ્તે ન ચાલે; એ રસ્તે ખૂનનો ભય છે, મોત માથે છે. માટે કોઈ નાનું-મોટું, બૂટું-ઘરડું, જુવાન-જવાંમર્દ એ મોતને માર્ગે ફરકે પણ નહીં. છતાંય કોઈ જશે તો તેના ખૂનની જવાબદારી એને શિર છે. ગામ આખાએ ઢોલ સાંભળ્યો. સૌ સડક થઈ ગયાં. એ રસ્તે ધંધા માટે જનારા તો મૂંઝાઈ ગયા. જયાં માથે મોત ગાજે ત્યાં કોણ ડગ માંડે ? બનવાકાળ છે, કે બરાબર એ જ ટાણે એ રસ્તા તરફ છેક છેડે આવેલા મોટા વનખંડમાં ગુણશીલ નામના ચૈત્ય પાસે ભગવાન મહાવીર પધાર્યા. એ તો નિર્ભય, મોટા મરજીવા, શાંતિના દરિયા, કરુણાના ભંડાર. મગધ આખાયમાં ગામેગામ વિચરે, પોતાનું ધર્મચક્ર ફરતું રાખી તમામ જનતાને શાંતિ પમાડે, મારગ બતાવે. એઓ ફરતાં ફરતાં રાજગૃહ તરફ આવી ચડ્યા. રાજારાણી એમનાં Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ • સંગીતિ પાકાં અનુયાયી, લોકો પણ તેમના ઉપાસક; કેટલાક તો વળી અઠંગ ઉપાસક. નગર આખામાં અને આસપાસ બધે સમાચારો ફરી વળ્યા, કે જ્યાં પેલો ફટકેલો અર્જુન દોડ્યા કરે છે, મોગરી ફેરવતો ફેરવતો માણસોનાં માથાં ધડથી જુદાં કરે છે એ રસ્તા ઉપર છેક છેડે આવેલા વનખંડમાં ભગવાન મહાવીર પધાર્યા છે. આમ તો આવા સમાચાર સાંભળતાં જ નગર આખુંય ઊમટી પડતું, રસ્તે તસુય ચાલવાની જગા ન રહે એવી ભીડ જામતી, રસ્તો ઘણો પહોળો હોય છતાં આવે ટાણે સાંકડો બની જતો. પણ આ વખતે આમાંનું કાંઈ ન બન્યું. એ રસ્તે કોઈ જ ન ફરક્યું. ઘરડાં ઉપાસકો અને ઉપાસિકાઓ પણ ભયભીત થઈ ઘરે બેસીને જ મહાવીરની સ્તુતિ ગાવા લાગ્યાં, જાપ જપવા લાગ્યો અને બોલવા લાગ્યાં કે “હે ભગવાન ! વનમાં રહેલા તમને અમે અહીં ઘેર બેઠાં બેઠાં જ નમીએ છીએ, વંદીએ છીએ અને ભજીએ છીએ; તમે અમારાં એ વંદન, નમન અને ભજન સ્વીકારો.” વળી કેટલાય જવાંમર્દ જુવાનો ભગવાન મહાવીરના દર્શને જવા તૈયાર થયા તો તેમનાં માબાપોએ અને તેમની જુવાનડીઓએ તેમને સમસંઘરા દઈને અટકાવી દીધા. કોઈ વળી બળજબરીથી જવા તૈયાર થયા, ત્યારે રાજાની આણે તેમને રોકી રાખ્યા. ખરેખર આ ટાણે નગર આખાની સંતદર્શનની ભાવના ઊડી ગઈ. કેટલાક ભાવનાવાળા ભાવના ભાવવા લાગ્યા કે પ્રભુ તો પવનની જેમ ફરનારા છે અને આ માળી હવે કેટલાક દી કાઢવાનો ? એ તો દયાના સાગર, વળી પાછા આવતે ઉનાળે કે શિયાળે રાજગૃહને જરૂર પાવન કરવાના. ઉતાવળા ન થાઓ, આ વખતે વળી દર્શનનો અંતરાય લખ્યો હશે; કર્મની ગતિ ગહન છે. શું કરીએ? આ વખતે, જેને હાડોહાડ ભગવાનની વાણી લાગી ગઈ છે એવો ભગવાનનો અનન્ય ઉપાસક સાર્થવાહ-પુત્ર સુદર્શન મૃત્યુભય છાંડી ખડો થાય છે. રાજગૃહનો એ પ્રસિદ્ધ જુવાન છે. ભગવાન આવ્યાના સમાચાર સાંભળતાં જ એ જુવાનનાં રોમરોમ ખડાં થઈ ગયાં, હર્ષના આવેશથી હૈયું વધુ ને વધુ ધડકવા લાગ્યું, આંખમાં આનંદનાં આંસુ ઊભરાયાં. સંતનું માત્ર નામ પણ પાવનકારી છે, તો પછી તેમનાં દર્શનની અને વચનશ્રવણની શી વાત ? Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાધન સુદર્શન • ૨૩૯ વાણિયો ધન માટે જોખમ ખેડવા તૈયાર થાય, બ્રાહ્મણ દક્ષિણા માટે ક્યાંથી ક્યાં પહોંચે, ગમે તેવો ક્ષત્રિય ગામગરાસ માટે માથું મૂકતાંય પાછી પાની ન કરે, તેમ સંતનાં નામ અને વચનનો પ્રેમી, દર્શનનો આશક શું ન કરે? સુદર્શન તો સવારના ઝટઝટ ઊઠી સવારનું તમામ કામ પતાવી, યોગ્ય વસ્ત્રો પહેરી પોતાનાં માતપિતા પાસે આવ્યો. આવતાં જ તેણે માતાપિતાને જણાવ્યું : “હું ગુણશિલ ચૈત્યમાં પધારેલા ભગવાન મહાવીરનાં દર્શને જાઉં છું.” માતાપિતાએ પુત્રને પગથી જ પારખો. માતાપિતાએ તેને કહ્યું: “બેટા ! તને ખબર છે ને એક તરફ મોત છે અને બીજી તરફ ભગવાનનાં દર્શન છે ? બેટા ! હજી તો તું જુવાન છે. ઘરમાં તારી રાહ જોનારી જોબનવંતી નાની બાળા બેઠેલી છે. અમેય ભગવાનના દર્શન માટે ઘણું ઘણું તલસીએ છીએ, તરફડીએ છીએ; પણ આમ કાંઈ મોતને મળવા જવાય?” સુદર્શને માવતરની ગણિતનજર પારખી. એ આવા ગણિતનેડામાં માનતો ન હતો. એ અભી ભક્તિ કરતાં પ્રત્યક્ષ ઉપાસનામાં રસ ધરાવતો. ફરી એક વાર સુદર્શને પોતાનાં પૂજનીય માતાપિતાને સંતસમાગમનો મહિમા સમજાવ્યો અને મરણને કાંઠે બેઠેલાં તેમને પોતાની સાથે જ ભગવાનની ઉપાસના માટે ચાલી નીકળવા વિનવણી કરી. એ તો એકનો બે ન થયાં; એટલે સુદર્શન તો મૂઠીઓ વાળી ભગવાનની દિશામાં દોડવા લાગ્યો. એને કાંઈ બીજું સાંભળવું નહોતું, એને મન તો એક ભગવાન જ ભગવાન જ ! એમની ધૂનમાં એ તો મસ્ત બની વેગથી ઊપડ્યો. સાથે માત્ર ભક્તિનું ભાતું, ભગવાનનું નામસ્મરણ, તેમના પુરુષાર્થનું ચિંતન અને નરમાંથી નારાયણ થવાની તેમની પ્રવૃત્તિનું મનન. દૂરથી પેલા ફટકેલા માળીએ માણસને એ રસ્તે આજ ઘણે દિવસ આવતો જોઈ મલકાટ કર્યો, આનંદની ચિચિયારીઓ પાડી. એ તો પોતાનું ખાજ આવેલું જોઈ કોઈ નરરાક્ષસની પેઠે નાચવા લાગ્યો અને મોગરી ફેરવતો ફેરવતો સુદર્શનનું સામૈયું કરવા તલપાપડ થઈ રહ્યો. પણ એ સામો દોડે એ પહેલાં જ ધીર, વીર, ગંભીર, પ્રશમરસથી ભરેલો જીવનસાધનાનો ઉમેદવાર સુદર્શન જ તેની તરફ વેગથી ઊપડ્યો. જેમ જેમ સુદર્શન પાસે આવતો દેખાયો તેમ તેમ માળીની ફટક નરમ થવા લાગી. આમેય વખત વધારે થઈ જવાથી ફટક થોડી થોડી બેસી ગઈ હતી, પણ આજે તો તેમાં કાંઈ ઓર જ ફેર થતો લાગ્યો. Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ૦ સંગીતિ માળીની બરાબર સામે સુદર્શન હવે આવી પહોંચ્યો. માળીએ પડકાર્યો : “અરે નાદાન, શું તારે મરવું છે ? શું તારે આજે હતા ન હતા થઈ જવું છે ? તને ખબર નથી કે આ રસ્તે જનારા તમામનું હું લોહી પી જાઉં છું ? મારું નામ અર્જુન માળી. આ મોગરી જોઈ ? તું તો બેલી ! એક જ ફટકાના લાગનો છો. આ રસ્તે શા માટે આવ્યો ? શું તારે આગળપાછળ કોઈ નથી ? ઘેર મારી બંધુમતી જેવી કોઈ જુવાનડી રાહ જોનારી નથી ? અરે ભલા માણસ ! પાછો ફરી જા. હજી હું તને ચેતવું છું : ઘરભેગો થઈ જા, નાહકનો મને ન ઉશ્કેર.’ સુદર્શન તો પ્રશમપૂર્ણ નેત્રે માળીની બરાબર સામે ત્રાટક-નજરે જોઈ જ રહ્યો; ન હલ્યો, ન ચલ્યો, ન ભડક્યો, ન ધ્રુજ્યો, ન કંપ્યો. એ તો અડગ જ ઊભો રહ્યો. હોઠ મરકતા હતા. મનમાં ઉલ્લાસ ઊભરાતો હતો કે ક્યારે ગુણશીલમાં પહોંચું અને ભગવાનને ભાવું ! એની તો ધૂન એક જ કે ક્યારે ભગવાનનાં દર્શન કર્યું ! કચારે તેમનાં સુધા સમાન વચન સાંભળું ! જે પળો જતી હતી તે તેને મન વરસ વરસ જેવડી જણાતી હતી. માળી વળી તાડૂક્યો : ‘‘બોલ છોકરા બોલ, બોલ જુવાન બોલ; ફાટી નાખ, અહીં આવવાની તારી શી મકસદ ?'' મોગરીના આંટા જોર જોરથી ફરતા હતા તેમ સુદર્શન તદ્દન અડોલ, સ્થિર, અકંપ અને રોમમાં પણ ક્ષોભ વિનાનો ઊભો હતો. ‘‘શું તું મૂંગો છે ? બોલતો કેમ નથી ? આ ઝાડની જેમ શું મારી સામે તાકે છે ? બોલે છે કે ફટકારું ?” શાંત સ્વરે સુદર્શન બોલ્યો : “ગુણશીલ ચૈત્યમાં પરમગુરુ સંતપુરુષ શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા છે, તેમને વંદન કરવા, તેમની વાણી સાંભળવા, તેમને ભેટવા જાઉં છું ભાઈ !” ગગનને ગજવી મૂકે એવું હાસ્ય કરતો માળી બરાડ્યો : ‘મારી માલણને મારી નાખી એ કે બીજો તું ? આવ, ઓરો આવ અને મોગરીનો સ્વાદ ચાખ.” સુદર્શન માળીની વધુ નજીક ગયો, કેમ જાણે સગા ભાઈને ભેટતો હોય તેમ તે બંધુભાવ અનુભવવા લાગ્યો. સુદર્શનને સ્થિર, નિર્ભય અને સ્મિતવદન જોઈને માળી ચમક્યો. તેની ભડક-ફટક વધારે નરમ થતી દેખાઈ. તેના અંતરમાં વલોણું શરૂ થઈ ગયું. કેમ આ ડરતો નથી ? મારી પાસે સરતો આવે છે કેમ ? આ કશું બરાડતો નથી ? મહાવી૨ વળી કોણ ? આ જુવાન એનાં દર્શન માટે મરવા તૈયાર શા માટે થાય છે ?’ Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાધન સુદર્શન ૦ ૨૪૧ માળીના મનનો વિચાર-રવૈયો એના હૃદયમાં જોરથી ફરવા લાગ્યો. હાથમાંથી મોગરી ક્યારે સરી ગઈ તેનું તેને ભાન ન રહ્યું. કાંઈક નરમ પડેલો, કાંઈક ભોંઠો પડેલો માળી થંભ્યો. સુદર્શનની સામે ફાટે ડોળે જોવા લાગ્યો, વારંવાર જોવા લાગ્યો. ઊંચે જોયું, નીચે જોયું, ત્યારે પાસ જોયું અને એમ કેટલીક પળો જોયા જ કર્યું. પછી વળી ઘૂમરી ખાતો તે બબડવા લાગ્યો : “અરે ઓ નવલોહિયા જુવાન ! ભગવાન, દેવ, દર્શન, પૂજા બધું ઢોંગ છે. માણસ માણસનો શત્રુ છે. મેં ઘણી પૂજા કરી. એનું ફળ આ મળ્યું.” સુદર્શન બોલ્યો : “ના ભાઈ ! આ પૂજા આવી નહીં. આ પૂજાનો અર્થ ટીલાટપકાં કરવાં તે નહીં, પણ આદર, સદૂભાવ, સમભાવ. એટલે જે તમામ પ્રાણીઓ તરફ આદર રાખતો હોય, સદૂભાવથી વર્તતો હોય. સમભાવે તમામ ભણી નજર રાખતો હોય, કોઈને પણ કોઈ પણ રીતે દૂભવતો ન હોય એટલે મનથી, વચનથી અને કાયાથી કોઈ પણ પ્રાણીને જે દુઃખી ન કરતો હોય; એટલું જ નહીં, પોતાના સ્વાર્થને કાજે કે પોતાના શરીરને માટે પણ કોઈને લેશમાત્ર ત્રાસ ન આપતો હોય, અને વખત આવ્યું બીજાના બચાવ માટે, રક્ષણ માટે પોતાના પ્રાણોની પણ આહુતિ આપતો હોય તે અરિહંત કહેવાય. એવા અરિહંતોમાં આ મહાવીર શ્રમણ જીવંત અરિહંત છે ને તે મારા પરમગુરુ છે; તેમનાં દર્શને જવા સારુ હું આ રસ્તે આવી નીકળ્યો છું.” માળી વધારે શાંત થયો. તેના હૃદયમાં કાંઈક અજવાળું થયું. તે બોલ્યો : “ભાઈ ! તારો એ પરમગુરુ મારો આ સંતાપ ટાળી શકશે ખરો ?” સુદર્શન બોલ્યો : “ભાઈ માળી ! તારો આ સંતાપ તે જરૂર ટાળી શકશે. મને એનો પૂરો અનુભવ છે ને પાકો વિશ્વાસ છે.” માળી જરાક મરક્યો અને બોલ્યો : “શું હું તારી સાથે ચાલી શકું ?” સુદર્શન બોલ્યો : “હા ભાઈ જરૂર, આપણે બન્ને સાથે જ જઈએ. તું એમ કર ભાઈ, આ પાસેની પુષ્કરિણીમાં નિર્મળ શીતળ જળ ભરેલું છે; તેમાં સ્નાન કરી લે. દર્શને પછી આપણે બન્ને સાથે જ ઊપડીએ.” અર્જુન પાસેની મનોહર કમળભરેલી પુષ્કરિણીમાં નાહીને તાજો થઈને આવી પહોંચ્યો. કપડાં ઠીકઠાક કર્યા અને એ બન્ને જાણે ઘણા કાળના સ્નેહી હોય એમ પોતપોતાના હાથના આંકડા ભીડી ઝપાટાબંધ ગુણશીલ ચૈત્ય ભણી ચાલવા માંડ્યા. Page #7 -------------------------------------------------------------------------- ________________ 242 - સંગીતિ કેટલાક શિષ્યો ભગવંત મહાવીરની આસપાસ ટોળે વળી કોઈ અવનવા પ્રશ્નો પૂછતા હતા. આ બધું જોતા આ બન્ને ભેરુઓ, માળી અર્જુન અને સુદર્શન સાર્થવાહ પુત્ર, ભગવંતની નજીક આવી પહોંચ્યા. સુદર્શન તો ભગવંતને જોતાં જ ગળગળો થઈ ગયો. ભગવંત પણ તેને ઓળખતા હતા અને તેની પાત્રતાને પિછાણતા હતા. ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દઈ તે તો તેમનાં ચરણમાં લોટી પડ્યા. ભગવંતે પોતાને હાથે સાહીને તેને તેવા જ પ્રેમે નવરાવી ઊભો કર્યો. ભગવંતે આવેલા બન્ને જણના સુખસમાચાર જાણ્યા અને પોતાની નિત્યની રીતે તેમને પોતાનો અનુભવ જણાવવા મેઘગંભીર મધુર વાણીનો પ્રવાહ છોડ્યો : “સુદર્શન ! ભાઈ, મેં આ મારા મોટા શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમને વારેવારે કહેલું છે કે “માણસને સર્વચન સાંભળવાનો મોકો મહામુસીબતે મળે છે. કદાચ એ મોકો મળી જાય તો મારા વાલીડા માણસો એવા પણ હોય છે, કે તે વચનોમાં તેમને શ્રદ્ધા-વિશ્વાસ પડતો નથી. કેટલાક વળી સાંભળે છે, સમજે છે અને તેમાં વિશ્વાસ રાખે છે, શ્રદ્ધા રાખે છે; પણ તેઓ તે વિશ્વાસ પ્રમાણે, શ્રદ્ધા પ્રમાણે આચરી શકતા નથી. માનવ માટે સંતવચનોમાં શ્રદ્ધા થવી ઘણી કઠણ છે. શ્રદ્ધા થઈ ગઈ તો તે શ્રદ્ધા પ્રમાણે પ્રવૃત્તિ થવી વળી ભારે કઠણ છે. માનવ માને છે કે મારામાં શ્રદ્ધા તો પ્રગટી છે, હવે ઘણું થયું, પણ સુદર્શન, પ્રવૃત્તિ વગરની વાંઝણી શ્રદ્ધા શું કામ આવે? જન્મેલી શ્રદ્ધા હમેશાં વાંઝણી જ રહે, તો માનવ કેવળ શ્રદ્ધાને બહાને ધર્મવિમુખ બને, કર્તવ્યનિષ્ઠારહિત, થઈ જાય અને શ્રદ્ધાનો મદ વધતો જાય, અને એ દ્વારા છેવટે બીજાં અનેક પાખંડો ઊભાં કરી વધારે પતિત બનતો જાય. માટે કલ્યાણવાંએ તો શ્રદ્ધાને સાચવવી અને તેને અનુસાર પ્રવૃત્તિ પણ કરવાનું સાહસ અવશ્ય ખેડવું. આમ થાય તો જ માનવનો જીવનવિકાસ થાય છે.” . સુદર્શન એકચિત્તે સાંભળતો હતો અને મહાવીર કરુણામય પ્રેમમય વાણીથી બોલ્ટે જતા હતા. એ બધું જોતો અર્જુન માળી પણ ભગવંતને શરણે ગયો અને સંતવચનમાં શ્રદ્ધા પામી તે અનુસાર સ્વાર્થત્યાગની સાહસિક વૃત્તિ ઉપજાવી પરમશક્તિને અનુભવવા લાગ્યો. - જનકલ્યાણ