Book Title: Shraddhadhan Sudarshan Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 7
________________ 242 - સંગીતિ કેટલાક શિષ્યો ભગવંત મહાવીરની આસપાસ ટોળે વળી કોઈ અવનવા પ્રશ્નો પૂછતા હતા. આ બધું જોતા આ બન્ને ભેરુઓ, માળી અર્જુન અને સુદર્શન સાર્થવાહ પુત્ર, ભગવંતની નજીક આવી પહોંચ્યા. સુદર્શન તો ભગવંતને જોતાં જ ગળગળો થઈ ગયો. ભગવંત પણ તેને ઓળખતા હતા અને તેની પાત્રતાને પિછાણતા હતા. ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દઈ તે તો તેમનાં ચરણમાં લોટી પડ્યા. ભગવંતે પોતાને હાથે સાહીને તેને તેવા જ પ્રેમે નવરાવી ઊભો કર્યો. ભગવંતે આવેલા બન્ને જણના સુખસમાચાર જાણ્યા અને પોતાની નિત્યની રીતે તેમને પોતાનો અનુભવ જણાવવા મેઘગંભીર મધુર વાણીનો પ્રવાહ છોડ્યો : “સુદર્શન ! ભાઈ, મેં આ મારા મોટા શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમને વારેવારે કહેલું છે કે “માણસને સર્વચન સાંભળવાનો મોકો મહામુસીબતે મળે છે. કદાચ એ મોકો મળી જાય તો મારા વાલીડા માણસો એવા પણ હોય છે, કે તે વચનોમાં તેમને શ્રદ્ધા-વિશ્વાસ પડતો નથી. કેટલાક વળી સાંભળે છે, સમજે છે અને તેમાં વિશ્વાસ રાખે છે, શ્રદ્ધા રાખે છે; પણ તેઓ તે વિશ્વાસ પ્રમાણે, શ્રદ્ધા પ્રમાણે આચરી શકતા નથી. માનવ માટે સંતવચનોમાં શ્રદ્ધા થવી ઘણી કઠણ છે. શ્રદ્ધા થઈ ગઈ તો તે શ્રદ્ધા પ્રમાણે પ્રવૃત્તિ થવી વળી ભારે કઠણ છે. માનવ માને છે કે મારામાં શ્રદ્ધા તો પ્રગટી છે, હવે ઘણું થયું, પણ સુદર્શન, પ્રવૃત્તિ વગરની વાંઝણી શ્રદ્ધા શું કામ આવે? જન્મેલી શ્રદ્ધા હમેશાં વાંઝણી જ રહે, તો માનવ કેવળ શ્રદ્ધાને બહાને ધર્મવિમુખ બને, કર્તવ્યનિષ્ઠારહિત, થઈ જાય અને શ્રદ્ધાનો મદ વધતો જાય, અને એ દ્વારા છેવટે બીજાં અનેક પાખંડો ઊભાં કરી વધારે પતિત બનતો જાય. માટે કલ્યાણવાંએ તો શ્રદ્ધાને સાચવવી અને તેને અનુસાર પ્રવૃત્તિ પણ કરવાનું સાહસ અવશ્ય ખેડવું. આમ થાય તો જ માનવનો જીવનવિકાસ થાય છે.” . સુદર્શન એકચિત્તે સાંભળતો હતો અને મહાવીર કરુણામય પ્રેમમય વાણીથી બોલ્ટે જતા હતા. એ બધું જોતો અર્જુન માળી પણ ભગવંતને શરણે ગયો અને સંતવચનમાં શ્રદ્ધા પામી તે અનુસાર સ્વાર્થત્યાગની સાહસિક વૃત્તિ ઉપજાવી પરમશક્તિને અનુભવવા લાગ્યો. - જનકલ્યાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7