Book Title: Shraddhadhan Sudarshan
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૨૩૮ • સંગીતિ પાકાં અનુયાયી, લોકો પણ તેમના ઉપાસક; કેટલાક તો વળી અઠંગ ઉપાસક. નગર આખામાં અને આસપાસ બધે સમાચારો ફરી વળ્યા, કે જ્યાં પેલો ફટકેલો અર્જુન દોડ્યા કરે છે, મોગરી ફેરવતો ફેરવતો માણસોનાં માથાં ધડથી જુદાં કરે છે એ રસ્તા ઉપર છેક છેડે આવેલા વનખંડમાં ભગવાન મહાવીર પધાર્યા છે. આમ તો આવા સમાચાર સાંભળતાં જ નગર આખુંય ઊમટી પડતું, રસ્તે તસુય ચાલવાની જગા ન રહે એવી ભીડ જામતી, રસ્તો ઘણો પહોળો હોય છતાં આવે ટાણે સાંકડો બની જતો. પણ આ વખતે આમાંનું કાંઈ ન બન્યું. એ રસ્તે કોઈ જ ન ફરક્યું. ઘરડાં ઉપાસકો અને ઉપાસિકાઓ પણ ભયભીત થઈ ઘરે બેસીને જ મહાવીરની સ્તુતિ ગાવા લાગ્યાં, જાપ જપવા લાગ્યો અને બોલવા લાગ્યાં કે “હે ભગવાન ! વનમાં રહેલા તમને અમે અહીં ઘેર બેઠાં બેઠાં જ નમીએ છીએ, વંદીએ છીએ અને ભજીએ છીએ; તમે અમારાં એ વંદન, નમન અને ભજન સ્વીકારો.” વળી કેટલાય જવાંમર્દ જુવાનો ભગવાન મહાવીરના દર્શને જવા તૈયાર થયા તો તેમનાં માબાપોએ અને તેમની જુવાનડીઓએ તેમને સમસંઘરા દઈને અટકાવી દીધા. કોઈ વળી બળજબરીથી જવા તૈયાર થયા, ત્યારે રાજાની આણે તેમને રોકી રાખ્યા. ખરેખર આ ટાણે નગર આખાની સંતદર્શનની ભાવના ઊડી ગઈ. કેટલાક ભાવનાવાળા ભાવના ભાવવા લાગ્યા કે પ્રભુ તો પવનની જેમ ફરનારા છે અને આ માળી હવે કેટલાક દી કાઢવાનો ? એ તો દયાના સાગર, વળી પાછા આવતે ઉનાળે કે શિયાળે રાજગૃહને જરૂર પાવન કરવાના. ઉતાવળા ન થાઓ, આ વખતે વળી દર્શનનો અંતરાય લખ્યો હશે; કર્મની ગતિ ગહન છે. શું કરીએ? આ વખતે, જેને હાડોહાડ ભગવાનની વાણી લાગી ગઈ છે એવો ભગવાનનો અનન્ય ઉપાસક સાર્થવાહ-પુત્ર સુદર્શન મૃત્યુભય છાંડી ખડો થાય છે. રાજગૃહનો એ પ્રસિદ્ધ જુવાન છે. ભગવાન આવ્યાના સમાચાર સાંભળતાં જ એ જુવાનનાં રોમરોમ ખડાં થઈ ગયાં, હર્ષના આવેશથી હૈયું વધુ ને વધુ ધડકવા લાગ્યું, આંખમાં આનંદનાં આંસુ ઊભરાયાં. સંતનું માત્ર નામ પણ પાવનકારી છે, તો પછી તેમનાં દર્શનની અને વચનશ્રવણની શી વાત ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7