________________
પરમપાવન શ્રી ગિરનાર મહાતીર્થનાં આન્દોલનોમાં ઝબોળાયેલી સ્વાધ્યાયની ક્ષણો : પ્રગટ્યો પૂરન રાગ..”
‘તુજ કરુણાધારમાં હું નિત્ય ભીંજાતો રહું; વહાલા ને મીશ્વર પ્રભુ, હું શરણ તો તારું ગ્રહું.” પરમપાવન ગિરનાર તીર્થમાં દાદા પરમતારક, મહામહિમ પ્રભુ શ્રી નેમિનાથ ભગવાનનાં ચરણોમાં આ પંક્તિઓ જ્યારે પેશ થઈ ત્યારે સાંભળનાર અમારા સહુની આંખો ભીંજાયેલી હતી. આ ગીત પેશ કરનાર હતા અમદાવાદથી આવેલ ભક્તહૃદયી રાજુભાઈ, સંપ્રતિ અને પ્રશમ.
તુજ કરુણાધારમાં.” કેવી કપાધારા પ્રભુની વહી કે ત્રીશત્રીશ વર્ષનાં વહાણાં વીત્યા પછી પ્રભુનું દર્શન થયું. કહો કે પ્રભુએ દર્શન આપ્યું. મનમાંથી પેલી પંક્તિ પ્રથમ દર્શને જ નીકળેલી : “કર કે કૃપા પ્રભુ દરિસન દીનો...”
પ્રભુએ અનરાધાર દર્શનસુખ આપ્યું. જો કે તોય આંખો કે મન ક્યાં ધરવ પામનાર હતા ? સાંજના સમયે આરતી પછી પ્રભુના ગર્ભગૃહનાં દ્વાર ધીરે ધીરે બચુભાઈ માંગલિક કરતા, એ સમયે બધા જ ભક્તોની પ્યાસી આંખો, તે દિવસ માટે, પ્રભુનું રૂપ છેલ્લે છેલ્લે જોઈ લેવા માટે, કહો કે આંખોમાં ભરી લેવા માટે ઉત્સુક બની રહેતી. અને એથી જ તો, સમણામાં દાદા આવી જતા ! પૂરા દિવસ પર દાદાનો અધિકાર હતો, તો રાત્રે વળી બીજા કોનો અધિકાર હોઈ શકે ?