Book Title: Pragatyo Puran Rag
Author(s): Yashovijaysuri
Publisher: Pulinbhai Rajendrabhai Shah

View full book text
Previous | Next

Page 145
________________ અજારા તીર્થથી ઉના શહેરનો પૂરો માર્ગ આવા બગીચાઓ વડે સુરમ્ય છે. ફાગણ વદ-૧૧ (વિ.સં.૨૦૬૬)ની સાંજે ચાર વાગ્યે બાગમાં આવ્યા. જગદ્ગુરુ પૂજ્યપાદ હીરવિજયસૂરિ મહારાજના અન્તિમ સંસ્કારનું એ સ્થળ. બાગની વચ્ચે ચોકમાં હારબંધ દેરીમાં અલગ અલગ પૂજ્ય ગુરુભગવન્તોની ચરણપાદુકાઓ. ચરણપાદુકાની કલ્પના ભવ્ય લાગે છે. સ્વામી રામ “હિમાલયન માસ્ટર્સ'માં લખે છે કે એમને એમના ગુરુએ એકવાર પુછેલું: લોકો સદ્ગુરુનો ચરણસ્પર્શ જ કેમ કરે છે ? ઉત્તર આપતાં ગુરુએ કહેલું : સદ્ગુરુ એટલે પ્રભુનાં ચરણોમાં ઝૂકેલું વ્યક્તિત્વ. પ્રભુની સમક્ષ સદ્ગુરુ બેઠેલ હોય અને પાછળ આપણે બેઠેલ હોઈએ ત્યારે આપણી તરફ લંબાયેલ હોય છે માત્ર એમનાં ચરણ... માટે ચરણ પૂજા. મૂર્તિ અને અમૂર્તને જોડનાર કડી તરીકે પણ ચરણપાદુકાની સંકલ્પના મનોરમ્ય લાગે. સદ્ગુરુ મૂર્ત હતા. અત્યારે અમૂર્ત છે. અને ઑરા/આભા આન્દોલનો રૂપે કાર્ય કરી રહ્યા છે. એ મૂર્ત અને અમૂર્તનું વચલું અનુસન્ધાન તે ચરણપાદુકા. ચરણપાદુકાની સમક્ષ ઝૂકતી વખતે પૂર્વે જીવન્ત એવા સદ્ગુરુની સ્મૃતિ દ્વારા ભક્તને સદ્ગુરુનું માનસ-પ્રત્યક્ષ થાય છે અને એ ચરણપાદુકા અમૂર્ત આભામંડળનો અનુભવ પણ કરાવે. ઉનાના એક વયોવૃદ્ધ શ્રાવકે મને કહેલું કે આપની પાસે સમય ઓછો છે, તે મને ખ્યાલ છે, તો ય એક રાત્રી આપ ઉનાના એ ઉપાશ્રયમાં વીતાવજો, જ્યાં જગદ્ગુરુ પોતે રહેલા છે, અને જ્યાં તેઓશ્રીએ પોતાની દેહલીલા સંકેલી હતી. અને એક રાત શાહબાગમાં – તેઓ શ્રીમદ્ભા અન્તિમ સંસ્કારના સ્થળે – રોકાજો. ૧૩૮ પ્રગટ્યો પૂરન રાગ

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150