________________
અભિષેકપર્વ ધરાઈને જોવા મળ્યું મહા વિદે ૧૨ના દિવસે, જ્યારે શક્રસ્તવના ઉચ્ચારણ સાથે અભિષેક ઉત્સવ રાખેલો. ભક્તહૃદયી હેમેન્દ્રભાઈ, જયેન્દ્રભાઈ, પુલિનભાઈ આદિ પણ આ ઉત્સવ પર ઉપસ્થિત હતા. એક શક્રસ્તવનું ઉચ્ચારણ પૂરું થાય અને અભિષેકનું નયન-પાવન દૃશ્ય જોવા આંખો તલસી રહે.
ભોંયરામાં બિરાજમાન અમીઝરા પાર્શ્વનાથ પ્રભુના દર્શનનો લહાવો પણ અદ્ભુત હતો. ભોંયરાની નાની જગ્યાને કારણે પ્રભુનાં આન્દોલનો માણવાનું સુખ પણ અપૂર્વ હતું. પૂજ્યપાદ સાધનામનીષી પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબ આદિ ઘણા દિગ્ગજ સાધકોએ આ પ્રભુ આગળ સાધના કરેલી છે. તેથી પ્રભુનાં આન્દોલનોની સાથે આવા શ્રેષ્ઠ ભક્તોનાં આન્દોલનો પણ આવા સ્થળે મળે.
સહસાવનમાં પણ ભક્તિ કરવાનો આનન્દ સરસ રહ્યો. ત્યાં, દીક્ષા કલ્યાણકની જગ્યાએ બે કલાક બોલવાનું થયેલું. પ્રશમના ભાવવાહી ગીતગાન અને એક કળાકારના સિતારવાદને ભાવધારા ઊંચકાઈ. પછી, નીરવ શાન્તિમાં તે પવિત્ર આન્દોલનોમાં ડૂબ્યા. પ્રભુની દીક્ષા સમયનાં આન્દોલનોને માણવાનો પ્રયાસ કર્યો. એમ લાગ્યું કે, શિબિકા સહસ્રામ્રવન (સહસાવન)માં આવ્યા પછી કેશલુંચન અને ‘કરેમિ... સામાઇયં' સૂત્ર ઉચ્ચ૨વા પ્રભુ સજ્જ થયા ત્યારે ઇન્દ્ર મહારાજે લોકોના કોલાહલને ઇશારાથી થોભાવ્યો અને જે નીરવ શાન્તિ તે ક્ષણે ત્યાં પથરાયેલી એ ક્ષણોમાં જાણે કે અમે પ્રવેશ્યા.
એ બે કલાકનો સમય, એ પછી ઘણીવાર ભીતર આવર્તિત થતો રહ્યો. કેવળજ્ઞાન કલ્યાણકની દેરીએ પણ બેઠા. આવા સ્થળે ધ્યાનમાં
જવાનો અર્થ છે સમયને પેલે પાર પહોંચી જવું. હજારો-લાખો વર્ષોના સમયના અન્તરાલને વીંધીને ઘટના જે ક્ષણે ઘટી હોય એ ક્ષણમાં પ્રવેશી શકીએ.
પ્રગટ્યો પૂરન રાગ
૧૩૫