Book Title: Khambhatna Jinalayo Author(s): Chandrakant Kadia Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 9
________________ છે. જિનાલયોનું વર્ણન કરતી વેળાએ સૌ પ્રથમ તેના વિસ્તારની માહિતી આપી છે. તે વિસ્તારની સરહદો બદલાઈ હોય કે તે વિસ્તારમાં જિનાલયોની સંખ્યા વધઘટ થવા પામી હોય તો તેની વિગતો કે અનુમાનો આધારભૂત ગ્રંથો તથા ચૈત્યપરિપાટીનાં અવતરણો દ્વારા રજૂ કરવામાં આવ્યાં છે. પ્રત્યક્ષ મુલાકાત ઉપરાંત આ ગ્રંથલેખનમાં બહુમૂલ્ય ફાળો ચૈત્યપરિપાટીઓનો છે. ખંભાતની ચૈત્યપરિપાટીઓમાં શ્રાવક ડુંગરની ચૈત્યપરિપાટી ઉપલબ્ધ હતી. ત્યારબાદ અનુસંધાન અંક-૮માં મુનિ ભુવનચંદ્ર દ્વારા સંપાદિત કવિ ઋષભદાસની ૧૭મા સૈકાની ચૈત્યપરિપાટી લક્ષ્મણભાઈ ભોજકે મેળવી આપી. આ ચૈત્યપરિપાટીમાં પરિશિષ્ટ તરીકે સં૧૯૦૦માં ખંભાતનાં જિનાલયોની સૂચિ પણ સમાવિષ્ટ હતી. વિવિધ ગ્રંથોમાં મહિસાગરની સં. ૧૭૦૧માં રચાયેલી ખંભાતિ તીર્થમાલાનો ઉલ્લેખ તથા પદ્મવિજયની સં૧૮૧૭ની ખંભાત ચૈત્યપરિપાટીનો ઉલ્લેખ પ્રાપ્ત થતો હતો પરંતુ ક્યાંય પ્રસિદ્ધ થયેલી માલૂમ પડી નહિ. પ્રસ્તુત બે ચૈત્યપરિપાટી પ્રાપ્ત કરવા માટે વિવિધ જ્ઞાનભંડારોની મુલાકાતો લીધી હતી. અંતે અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના ભંડારમાંથી પદ્મવિજયની રચેલી ચૈત્યપરિપાટીની હસ્તપ્રત તેમજ કોબાના આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનભંડારમાંથી મહિસાગરની ચૈત્યપરિપાટીની હસ્તપ્રત ઉપલબ્ધ થઈ. આ બન્ને હસ્તપ્રતોનું સંપાદન રસીલા કડીઆ તથા શીતલ શાહે કર્યું છે. તેઓને આ સંપાદનમાં શ્રી લક્ષ્મણભાઈ ભોજકનું માર્ગદર્શન સતત મળતું રહ્યું હતું. મધુસૂદન ઢાંકી તથા જિતેન્દ્ર બી. શાહ દ્વારા સંપાદિત નિર્ઝન્થ વૉ.૩માં તે પ્રસિદ્ધ થનાર છે. સંપાદકોની સંમતિથી આ ચૈત્યપરિપાટીઓના સંપાદનનો પ્રસ્તુત ગ્રંથમાં આધાર લીધો છે. ખંભાતનાં જિનાલયોના કડીબદ્ધ ઇતિહાસ માટે આ બન્ને ચૈત્યપરિપાટીઓ ખૂબ જ ઉપયોગી નીવડી છે. ઉપલબ્ધ તમામ ચૈત્યપરિપાટીઓને અહીં એકસાથે મૂકવામાં આવી છે અને તેને આધારે જિનાલયની તથા પ્રતિમાની ગણતરીના કોષ્ટક બનાવ્યા છે જેથી અભ્યાસીઓને ભવિષ્યમાં ઉપયોગી થાય. ઉપરાંત ૧૬મા સૈકાની શ્રાવક ડુંગરની ચૈત્યપરિપાટીથી માંડીને સં. ૨૦૧૦ સુધીનાં જિનાલયોની યાદીને આધારે એક ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રસ્તુત ચાટને આધારે આજે વિદ્યમાન ન હોય તેવાં જિનાલયો, વિસ્તારોના લુપ્ત થયેલાં નામો, બદલાયેલાં નામો, સમયાંતરે ખંભાતની જૈન પરંપરાના મહિમાનું બદલાયેલું કેન્દ્રસ્થાન વગેરે વિગતો સહજ રીતે સ્પષ્ટ થતી રહે તે તેનો હેતુ છે. કોષ્ટકમાં પ્રતિમાજીઓ તથા પટની સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગણતરીમાં પાષાણની પ્રતિમાજીઓની સંખ્યામાં મૂળનાયકની પ્રતિમાજીની ગણતરી સામેલ છે. દેવદેવીઓની મૂર્તિઓને ગણતરીમાં સમાવિષ્ટ કરી નથી. માત્ર તીર્થકરોની જ પ્રતિમાઓને ગણતરીમાં સામેલ કરવામાં આવી છે. પ્રતિમાજીઓનાં નામ જ્યાં આપ્યાં નથી અથવા લાંછન દ્વારા ઓળખી શકાયાં નથી ત્યાં તીર્થકર ભગવાનનું નામ આપી શકાયું નથી. એનો ઉલ્લેખ આરસપ્રતિમા તરીકે કર્યો છે. આરસના પથ્થરમાં અથવા સાદા પથ્થરમાં કે કાષ્ઠમાં ઉપસાવેલ હોય અથવા ચિત્રાંકન થયેલ પટ હોય તેવા પટોની સંખ્યાને કોષ્ટકમાં ગણતરીમાં લીધેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 476