Book Title: Guj Contemporary Jain Way of Compassionate Living
Author(s): Pravin K Shah
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 5
________________ આમ કુદરતી નિયમ પ્રમાણે ગાય કે ભેંસને પોતાના વાછરડા માટે આવશ્યક દૂધ કરતાં વધુ દૂધ પેદા કરવાની કોઈ વ્યવસ્થા કુદરતે કરી નથી. અપવાદ: 1. ગાય માતાના દૂધ ઉપર જ નભવાની વાછરડાની ઉંમર સુધીમાં, જો ગાય કે ભેંસ માંદી પડે તો તે વાછરડા માટે જરૂરી દૂધ કરતાં ઓછું દૂધ પેદા કરે છે. આવા સંજોગોમાં વાછરડાના યોગ્ય વિકાસ માટે અન્ય પ્રકારના વૈકલ્પિક દૂધની કે દૂધની બનાવટોની જરૂર ઊભી થાય છે. સ્તનપાનની ઉંમર દરમ્યાન કદાચ જો વાછરડું બિમાર પડે તો જ તે વાછરડું ઓછુ દૂધ પીએ છે. આવા સંજોગોમાં; તે ગાય કે ભેંસના આંચળમાંથી જે વધારાનું દૂધ હોય છે તે દૂધને આપણે દોહી લેવું જરૂરી છે. જો તેમ ન કરીએ તો ગાયને થશે કે હવે તેનું વાછરડું ઓછું દૂધ પીએ છે એટલે તે બીજે દિવસે ઓછું દૂધ પેદા કરે છે. ત્યારપછી જ્યારે તેનું વાછરડું પુનઃ સ્વસ્થ થાય ત્યારે તેને પૂરતું દૂધ મળે નહિ. માટે વાછરડાને સ્વસ્થ થયા બાદ પૂરતું દૂધ મળી રહે તે માટે આમ કરવું જરૂરી છે. આથી આપણે એમ ચોકક્સ કહી શકીએ કે આપણે જે દૂધ અને દૂધની બનાવટોમાં જે દૂધ ઉપયોગમાં લેવાય છે તે બધુ જ દૂધ કુદરતી નિયમ અનુસાર ગાયના વાછરડા માટે પેદા કરેલ છે. તે દૂધને બળજબરીથી ગાય પાસેથી પડાવી લેવાય છે અને તેને જૈન સિદ્ધાંત અનુસાર જીવઅદત્ત, મહા ચોરી, અને મહા હિંસા કહેવાય છે. કેટલાક લોકો તેમજ પ્રાચીન પરંપરાના આગ્રહી વડીલો કે ધર્મગુરુઓ કહે છે કે આપણે જે દૂધ દોહી લઈએ છીએ તે વાછરડાના પીધા પછી ગાયનું વધારાનું હોય છે, એ વાત કુદરતના નિયમ અનુસાર તદ્દન અસત્ય છે અને કહેનાર વ્યક્તિને તેનું સહેજ પણ જ્ઞાન કે અનુભવ નથી. ૪. ભૂતકાળમાં દૂધને અહિંસક ખોરાક માનવાના કારણો: મોટા ભાગના જૈનો શાકાહારી છે અને બધા જૈનો શાકાહારમાં માને છે. દૂધ એ શાકાહારી ખોરાક નથી આમ છતાં મોટાભાગના જૈન દૂધ અને તેની પેદાશનો (દૂધ, ઘી, દહીં, પનીર વગેરેનો) આહારમાં ઉપયોગ કરે છે કારણ કે દૂધ દોહવાની પ્રક્રિયામાં ગાય કે ભેંસની સીધેસીધી હત્યા થતી નથી. વળી પ્રાચીન જૈન સાહિત્યમાં બતાવવામાં આવ્યું છે કે પ્રાચીન કાળના મહાપુરુષોએ તથા ભગવાન મહાવીરસ્વામી સહિત ઘણા તીર્થકર ભગવંતોએ પણ દૂધ દહીં નો આહારમાં ઉપયોગ કર્યો હતો. આ કારણથી મોટા ભાગના જૈન એમ માને છે કે દૂધની વસ્તુઓ વાપરવાથી જૈન દર્શનના પાયાના સિદ્ધાંત સ્વરૂપ અહિંસા, અચૌર્ય, અને અદત્તાદાનવિરમણ વ્રતનો ભંગ થતો નથી. તેઓ પોતાના અજ્ઞાનના કારણે માતૃત્વના કુદરતી વૈશ્વિક નિયમનો સહેજ પણ વિચાર કરતાં નથી અને નજરઅંદાજ કરે છે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14