Book Title: Bhagwan Mahavir Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 5
________________ ભગવાન મહાવીર ૦૫ રાજકુમાર છે એ વાતનું એમને મહત્ત્વ ન લાગ્યું પણ બ્રાહ્મણોના, ક્ષત્રિયના અને વૈશ્ય તથા શૂદ્રો એટલે કારીગર– એમ તમામ વર્ગના નાનામોટા વિદ્યાર્થીઓ સાથે તેઓ ભળી ગયા. સાથે વાંચવું, દાખલા કરવા, વાર્તાઓને સમજવી વગેરે તેઓ તે વિદ્યાર્થીઓ સાથે જ કરવા લાગ્યા. જે દાખલો બીજા વિદ્યાર્થીને ન આવડે કે અઘરો લાગે, તેને વર્ધમાનકુમાર પોતાના બુદ્ધિબળે ઝટ ગણી આપતા અને વિદ્યાર્થીઓને ભારે અચંબામાં નાખી દેતા. કેટલીક વાર તો વૃદ્ધ ઉપાધ્યાયનું કામ પણ તેઓ મુખ્ય છાત્ર તરીકે સંભાળી લેતા. નિશાળ છૂટતાં સૌ પોતપોતાને ઘેર જતા, ત્યારે વર્ધમાનકુમાર વૃદ્ધ ઉપાધ્યાયને ઘરે પહોંચાડવા તેની સાથે ઠેઠ તેના ઘર સુધી જતા અને પછી પોતાની ડેલીએ પહોચતા. રાજા-રાણી બંને તેમની રાહ જોતાં બેસી રહેતાં અને પૂછતાં કે આ આપણા પાડોશમાં રહેતો કાત્યાયન તો કયારનો નિશાળેથી ઘેર આવી ગયો છે, ત્યારે બેટા ! તને કેમ વાર લાગી ? વર્ધમાનકુમાર માતાજીને કહેતા કે “માતાજી ! મારા ઉપાધ્યાય વયોવૃદ્ધ છે એટલે તેમની સાથે જઈને તેમને ઘેર પહોંચાડી આવ્યો એટલે ઘડીઅધઘડી મોડું થઈ ગયું.” દીકરાની ગુરુભક્તિ જાણીને માતા-પિતા વિશેષ ખુશ થતાં. પછી કુમાર જમી કરીને આરામ કરતા, બાદ ઘરે સંગીતકારો આવતા એટલે સંગીત સાંભળતા, અને સંગીતમાં રસ જામતો હોવાથી સંગીતને પણ શીખવા પ્રયત્ન કરતા. દિવસ ઢળતાં છાંયો થતાં પોતાના દોસ્ત મિત્રો સાથે બહાર ઉપવનમાં રમવા નીકળી પડતા. એક વાર આમલી પીપળીની રમત ચાલતી હતી અને છોકરાઓ બધા ઝાડ ઉપર ઠેકઠેકા કરતા હતા અને રમતમાં તન્મય થઈ ગયા હતા, એવામાં અકસ્માતું વૃક્ષ ઉપર એક મોટો ભોરિંગ દેખાયો. એટલે રમનારા છોકરાઓ તો ઝાડ ઉપરથી ટપોટપ નીચે પડવા લાગ્યા. આ જોઈ વર્ધમાને ધીરજ અને હિંમત સાથે સાપને પકડીને દૂર દૂર ફેંકી દીધો, એટલે પાછી રમત જામી અને ચગી. છોકરાઓ માંહોમાંહે કહેવા લાગ્યા કે “આ વર્ધમાન તો ભાઈ ભારે હિંમતવાળો છે ને બીકણ તો લેશ પણ નથી. ભારે જબરો છે.” જયારે સૌ ઘેર પાછા ફર્યા ત્યારે કેટલાક છોકરાઓએ વર્ધમાનનાં માતાજી પાસે આવી તેની હિંમતની, નિર્ભયતાની વાત કરતાં પેલા સર્પની વાત કહી સંભળાવી. માતા તો સાંભળીને ભારે ખુશ થઈ, પણ તેને થોડી આશંકા આવી કે આવા જોખમનું કામ વર્ધમાને નહીં કરવું; એમ વિચારીને બધા છોકરાઓ પોતપોતાને ઘરે પહોંચ્યા પછી વર્ધમાનને પાસે બોલાવીને પોતાનો વિચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13