Book Title: Bhagwan Mahavir
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf
Catalog link: https://jainqq.org/explore/249397/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૧. ભગવાન મહાવીર સર્વધર્મસમભાવી અથવા બિનસાંપ્રદાયિક આપણી સરકાર ભગવાન મહાવીરની પચીસમી નિર્વાણશતાબ્દીનું ઉજમણું આ વર્ષે કરવાની છે એ પ્રસંગ સરકાર માટે અને ભારતની પ્રજા માટે ઘણો આનંદદાયી અને પ્રેરક છે. આ અગાઉ સરકારે ભગવાન બુદ્ધની પણ નિર્વાણશતાબ્દીની ઉજવણી ઘણી શાનદાર રીતે ભારે ઉમંગથી કરેલી. આ એક સુંદર શિરસ્તો છે કે ભારતના ઉત્તમોત્તમ આદર્શ પુરુષોની જન્મજયંતી અથવા નિર્વાણતિથિ ઊજવીને તે તે મહાપુરુષોનું પ્રજાને સ્મરણ કરાવવું, તેમના ગુણોનું સમૂહકીર્તન કરવાના પ્રસંગો ઊભા કરવા તથા તેમનું સ્મરણ કાયમ ટકે એવી પ્રજા-જાગૃતિની કે પ્રજાને હિતકર નીવડે એવી કોઈ ને કોઈ પ્રવૃત્તિ સરકાર કરે અથવા સરકાર અને પ્રજા બંને મળીને યથાશક્તિ કરે; તેમ કરીને તે તે મહાપુરુષો પ્રતિ સરકાર અને પ્રજા પોતપોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક મેળવે. જે સરકાર કે પ્રજા ગુણાનુરાગી છે અને કૃતજ્ઞતાના ગુણને વરેલી છે તેની તો ઉક્ત રીતે વર્તવાની અનિવાર્ય ફરજ છે જ. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્ર રચેલ યોગશાસ્ત્રની વૃત્તિના પ્રારંભમાં જ આલેખેલ કથાનો મુખ્ય આધાર અને અન્ય કથાઓનો પણ આધાર લઈ પ્રસ્તુત લખાણ લખું છું. યોગશાસ્ત્રમાં ભગવાન વીરને “યોગિનાથ” એવું વિશેષણ આપીને યાદ કરેલ છે. આ ભારતભૂમિ ઉપર જે જે યોગિનાથ થયેલા છે તેઓ બધા જ સાધારણ માનવની ભૂમિકા ઉપરથી જ પૂર્ણ સમદર્શી થયેલા છે, સ્થિતપ્રજ્ઞની ભૂમિકાને પામેલા છે અને ગીતાજીમાં સ્થિતપ્રજ્ઞના જે જે લક્ષણો બતાવેલાં છે તે તમામ લક્ષણોથી અલંકૃત થયેલા છે. જે મનુષ્ય પૂર્ણ સમદર્શી હોય, સ્થિતપ્રજ્ઞ હોય તે પૂર્ણપણે વિતરાગ જ હોય છે, અનાસક્ત જ હોય છે અને તેણે યોગની સાધનાનું ધ્યેય ઉક્ત રીતે પૂર્ણપણે સિદ્ધ કરેલ હોય છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨ • સંગીતિ કોઈ પણ ઉચ્ચતમ ધ્યેયને પૂર્ણપણે મેળવતાં ઘણો લાંબો કાળ જાય છે તેમ વીરભગવાનને પણ વીતરાગની ભૂમિકાને–સ્થિતપ્રજ્ઞતાની ભૂમિકાને પ્રાપ્ત કરવાનું ધ્યેય સિદ્ધ કરતાં સારો એવો લાંબો કાળ લાગેલ છે. “ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય”, “મારો દિ કર્મ શત્રમ્ વિદતિ ? આ ન્યાયે ભગવાનને પોતાના પૂર્વજીવનમાં ઘણી-ઘણી સાધનાઓમાંથી પસાર થવું પડેલું. એમના આમ તો ન ગણી શકાય એટલા જન્મો થયેલા કહેવાય છે. પણ એમાંથી ભગવાનના જીવનની કથા લખનારે મુખ્ય-મુખ્ય છવ્વીસ જન્મોની જ કથા કહેલી છે. પ્રસ્તુતમાં એ છવ્વીસે જન્મોની કથા લખવી નથી, પણ એ જન્મોમાંથી જે જન્મમાં ભગવાને પોતાની સાધના તરફ પગલાં ભર્યા તે જન્મનો થોડો પરિચય આપી પછી તેમના પૂર્ણસિદ્ધિપ્રાપ્તિવાળા છેલ્લા જીવનની એટલે વીર ભગવાનના જીવનની ઝાંખી બતાવવાની છે. (૧) પ્રથમ ભાવમાં ભગવાનના જીવનું નામ નયસાર હતું. તે જંગલમાં લાકડાં કાપવા ગયો હતો. તેણે પોતાના માણસોને એવી સૂચના આપેલી કે જે વૃક્ષો તદ્દન જરઠ થઈ ગયાં હોય, લગભગ સુકાઈ ગયા જેવાં થઈ ગયાં હોય તેમને જ કાપવાનાં, બીજાંને નહીં. (૨) લાકડાં કાપતાં કાપતાં ખરો બપોર થઈ ગયો અને સૂરજ માથે આવ્યો, ત્યારે નયસાર અને તેની આખી મંડળી એક ઘટાદાર વૃક્ષની નીચે ભોજન લેવા બેઠી. એટલામાં ત્યાં બેચાર શ્રમણનિગ્રંથો આવી પહોંચ્યા. આ શ્રમણો તાપ અને થાકને લીધે હેરાન-પરેશાન થઈ ગયેલા જણાતા હતા. આમ અચાનક શ્રમણોને આવેલા જોઈને નયસાર પોતે સવિનય તેમની પાસે પહોંચ્યો, અને તેમને થાકેલા જોઈને વિનંતિ કરી કે “આપ વિશેષ થાકેલા છો તેથી આ છાયાદાર વૃક્ષની નીચે થોડો આરામ કરો અને પછી અમારી ભોજન-સામગ્રીમાંથી જે આપને ખપતું હોય તે લઈને ભોજન કરો. પછી આપની સાથે વિગતથી વાત કરીશ.” પછી શ્રમણોએ આરામ કરીને ભોજન લીધું અને વળી થાક ઉતારવા વિશેષ આરામ કર્યો. (૩) ત્યારપછી શ્રમણોનો થાક ઊતરી ગયેલો જાણીને નયસારે તેમની પાસે જઈને સવિનય પ્રણામ કરીને પૂછ્યું કે “આ ઘોર જંગલમાં માણસોનો સંચાર ભાગ્યે જ થાય છે. તેમાં આપ શી રીતે આવી પહોંચ્યા?શ્રમણોએ કહ્યું કે “મહાનુભાવ! અમે એક સાર્થવાહના સંઘ સાથે હતા, પણ દૈવયોગે અમે જુદા પડી ગયા અને પછી તો રસ્તો જ ભૂલી ગયા. ચાલતાં ચાલતાં Page #3 -------------------------------------------------------------------------- ________________ ,, ભગવાન મહાવીર ૦૩ તાપે અને થાકે અમે પરેશાન થયા, અને થયું કે રસ્તા બાબત કોઈ માણસ મળે તો તેને પૂછીએ. પણ ઘણું ચાલ્યા પછી પણ કોઈ મનુષ્ય તો દેખાયો નહીં, પણ લાકડાં કાપવાના અવાજો સંભળાયા; તેથી તે દિશા તરફ અમે વળ્યા અને ચાલતા ચાલતા આ જંગલમાં આવી પહોંચ્યા છીએ. હવે અમારે વિશેષ ખોટી થવું પોષાય તેમ નથી. તેથી તમે રસ્તો બતાવો તો અમે જલદી રવાના થઈને પેલા અમારા સંઘની સાથે થઈ જઈએ. સંઘ પણ આટલામાં જ ક્યાંક ભોજન કરવા બેઠો હશે.” નયસારે નમ્ર ભાવે કહ્યું કે, ‘‘આપ તૈયાર થઈ જાઓ. હું મારા માણસોને સૂચના આપીને આવી જાઉં છું.” નયસાર દોડતો જઈ આવ્યો અને પછી શ્રમણોની સાથે તેમને રસ્તો બતાવવા નીકળ્યો. ખરો રસ્તો આવતાં જ તેણે શ્રમણોને કહ્યું કે ‘‘આ ધોરીમાર્ગ છે અને હવે આપ આ રસ્તે પધારો, અને આશા છે કે તમારા સંઘનો તમને જરૂર સમાગમ થઈ જશે.” મુનિઓને થયું કે આ ભાઈ વિશેષ સરળ છે અને કે સારી શિખામણોના ગ્રાહક સુપાત્ર છે એમ વિચારીને પોતાથી છૂટા પડતા નયસારને સદ્ધર્મનાં બે વચન સંભળાવ્યાં. નયસાર તે અમૃતમય વચનોને સાંભળીને મુનિઓને પ્રણામ કરી પાછો ફર્યો અને જ્યાં તેની મંડળી કામ કરતી હતી ત્યાં પહોંચી ગયો. મંડળીએ લાકડાં કાપી, તેમને વહેરીને નાના કટકા કરી ગાડીઓ ભરી લીધી હતી અને સૂર્ય નમતો જતો હતો એથી પોતાને સ્થાને જવાની તૈયારી પણ કરી લીધી હતી. એટલામાં નયસાર આવી પહોંચ્યો અને તેઓની મંડળી પોતાને સ્થાને પહોંચી ગઈ. આ વાતમાં ૧, ૨ અને ૩ અંકો કરેલા છે. પહેલા અંકમાં સૂકાં ઝાડોને જ કાપવાની આજ્ઞા આપેલ છે, એ ઉપરથી નયસારને વૃક્ષો પણ આત્મવત્ પ્રિય હતાં એવું સૂચન થાય છે અને સાથે જ નયસારમાં રહેલી સર્વજીવમૈત્રીનો ખ્યાલ આવે છે. બીજા અંકમાં શ્રમણોને આવતા જોઈને નયસારને જે વિચાર આવે છે તે ઉપરથી સંતજનો પ્રત્યે તેનો કેવો અને કેટલો બધો સદ્ભાવ છે તે સ્પષ્ટ જણાય છે, અને ૩જા અંકમાં તે ભારે સદ્ભાવ સાથે સંતોને ભોજન આપે છે, તેથી તેનો અતિથિ તરફનો ભારે વિનયયુક્ત સદ્ભાવ તરી આવે છે. સાથે જ તેમની હકીકત જાણી લઈને તેમને ઠેઠ ધોરીમાર્ગ સુધી પહોંચાડવા જાય છે અને નયસારને યોગ્ય સમજીને મુનિઓ બે ધર્મવચન તેને સંભળાવે છે. નયસાર પોતાની ચર્યા એ વચનો પ્રમાણે ગોઠવીને પોતાનું જીવન પાવન કરવા લાગે છે. ઉક્ત ત્રણે બાબતોમાં નયસાર, મહાવીર ભગવાનના ભવમાં જે પૂર્ણ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૪ સંગીતિ મૈત્રીવૃત્તિને–પૂર્ણ સમભાવને મેળવવાનો છે, તેનાં બીજ સમાયેલાં છે; અને નયસાર જે યોગિનાથનું પદ પામવાનો છે તે યોગસાધનાની શરૂઆત પણ દેખાય છે. હવે નયસાર તેણે પ્રાપ્ત કરેલ યોગસાધનાને ધીરે ધીરે સાધતો સાધતો છેવટ યોગિનાથ થાય છે. આ વચગાળાના જન્મોમાં તેની યોગસાધનામાં કષાયો દ્વારા વિનો તો આવે છે, છતાં તે યોગસાધનાને છોડતો નથી, પણ ધીરે ધીરે વિકસાવતો જાય છે અને છેવટે વિકસેલ સાધના દ્વારા ખરા અર્થમાં યોગિનાથ બને છે. આચાર્યશ્રી હેમચંદ્રજી કહે છે કે : શ્રી વીરનો જીવ નયસારના ભવથી ફરતો ફરતો અને પોતાની ચિત્તશુદ્ધિના વિકાસને વધારતો વધારતો તથા ચિત્તશુદ્ધિરૂપ યોગની સાધનામાં આવતાં વિઘ્નોને હઠાવતો હઠાવતો પ્રાણત નામના સ્વર્ગમાં પુષ્પોત્તર નામના વિમાનમાં દેવરૂપે જન્મ્યો, અને એ દેવભવ પૂરો થઈ ગયા પછી દેવના દેહને તજીને સિદ્ધાર્થરાજાને ઘરે ત્રિશલારાણીની કુક્ષિમાં, જેમ કોઈ રાજહંસ સુંદર સરોવરમાં આવે, તેમ આવ્યો. શ્રી વીરનો જીવ ત્રિશલા રાણીની કુક્ષિમાં આવ્યા પછી રાણીને ઘણાં જ સુંદર અને વિવિધ શુભ ભાવિનાં સૂચક એવાં ચૌદ સ્વો આવ્યાં. તેમાં સૌથી પહેલો રાણીએ સ્વપ્નમાં સિંહને જોયો, પછી હાથીને, ત્યાર પછી અનુક્રમે વૃષભ, અભિષેકની ક્રિયાથી યુક્ત લક્ષ્મીદેવી, સુગંધયુક્ત તાજી માળા, ચંદ્ર, સૂર્ય, મહાધ્વજ, પૂર્ણકુંભ, વિકસેલાં પદ્મોનું સરોવર, સરિસ્પતિ સમુદ્ર, વિમાન, રત્નરાશિ, નિધૂમ અગ્નિ. રાણીએ રાજાને પોતાને આવેલાં સ્વપ્નોની હકીકત જણાવી એટલે રાજા રાજી થયો અને બોલ્યો, કે આપણે ઘેર કોઈ ઉત્તમ જીવ આવેલ છે, જે આપણા કુળમાં દીવા જેવો થશે. પછી ગર્ભને યથાવિધિ ઉછેરતી રાણીએ યથાકાલે પુત્રને જન્મ આપ્યો અને પોતાના વંશની વૃદ્ધિનું કારણ આ પુત્ર છે, એમ સમજીને માતાપિતાએ પુત્રનું નામ વર્ધમાન પાડ્યું. વર્ધમાન ધીરે ધીરે શુક્લપક્ષના ચંદ્રની જેમ વધવા લાગ્યો. ભણવા જવાની ઉંમરે પહોંચેલ વર્ધમાનકુમારને રાજારાણીએ ધામધૂમ કરીને નિશાળે ભણવા બેસાડ્યો, નિશાળિયાઓને મીઠાઈ વહેંચી તથા ભણવાનાં સાધનો પાટી, પેન, પુસ્તકો ઉપરાંત સરસ કપડાં પણ વહેંચ્યાં. ઉપાધ્યાયજીનો પણ સરસ રીતે સત્કાર કર્યો : શાલદુશાલા આપી ઉપાધ્યાયજીને મોટો થાળ ભરીને મીઠાઈ આપી. નિશાળમાં વર્ધમાનકુમાર તમામ બીજા નિશાળિયાઓ સાથે મિત્રભાવે એકરસ થઈ ગયા. પોતે કોઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ૦૫ રાજકુમાર છે એ વાતનું એમને મહત્ત્વ ન લાગ્યું પણ બ્રાહ્મણોના, ક્ષત્રિયના અને વૈશ્ય તથા શૂદ્રો એટલે કારીગર– એમ તમામ વર્ગના નાનામોટા વિદ્યાર્થીઓ સાથે તેઓ ભળી ગયા. સાથે વાંચવું, દાખલા કરવા, વાર્તાઓને સમજવી વગેરે તેઓ તે વિદ્યાર્થીઓ સાથે જ કરવા લાગ્યા. જે દાખલો બીજા વિદ્યાર્થીને ન આવડે કે અઘરો લાગે, તેને વર્ધમાનકુમાર પોતાના બુદ્ધિબળે ઝટ ગણી આપતા અને વિદ્યાર્થીઓને ભારે અચંબામાં નાખી દેતા. કેટલીક વાર તો વૃદ્ધ ઉપાધ્યાયનું કામ પણ તેઓ મુખ્ય છાત્ર તરીકે સંભાળી લેતા. નિશાળ છૂટતાં સૌ પોતપોતાને ઘેર જતા, ત્યારે વર્ધમાનકુમાર વૃદ્ધ ઉપાધ્યાયને ઘરે પહોંચાડવા તેની સાથે ઠેઠ તેના ઘર સુધી જતા અને પછી પોતાની ડેલીએ પહોચતા. રાજા-રાણી બંને તેમની રાહ જોતાં બેસી રહેતાં અને પૂછતાં કે આ આપણા પાડોશમાં રહેતો કાત્યાયન તો કયારનો નિશાળેથી ઘેર આવી ગયો છે, ત્યારે બેટા ! તને કેમ વાર લાગી ? વર્ધમાનકુમાર માતાજીને કહેતા કે “માતાજી ! મારા ઉપાધ્યાય વયોવૃદ્ધ છે એટલે તેમની સાથે જઈને તેમને ઘેર પહોંચાડી આવ્યો એટલે ઘડીઅધઘડી મોડું થઈ ગયું.” દીકરાની ગુરુભક્તિ જાણીને માતા-પિતા વિશેષ ખુશ થતાં. પછી કુમાર જમી કરીને આરામ કરતા, બાદ ઘરે સંગીતકારો આવતા એટલે સંગીત સાંભળતા, અને સંગીતમાં રસ જામતો હોવાથી સંગીતને પણ શીખવા પ્રયત્ન કરતા. દિવસ ઢળતાં છાંયો થતાં પોતાના દોસ્ત મિત્રો સાથે બહાર ઉપવનમાં રમવા નીકળી પડતા. એક વાર આમલી પીપળીની રમત ચાલતી હતી અને છોકરાઓ બધા ઝાડ ઉપર ઠેકઠેકા કરતા હતા અને રમતમાં તન્મય થઈ ગયા હતા, એવામાં અકસ્માતું વૃક્ષ ઉપર એક મોટો ભોરિંગ દેખાયો. એટલે રમનારા છોકરાઓ તો ઝાડ ઉપરથી ટપોટપ નીચે પડવા લાગ્યા. આ જોઈ વર્ધમાને ધીરજ અને હિંમત સાથે સાપને પકડીને દૂર દૂર ફેંકી દીધો, એટલે પાછી રમત જામી અને ચગી. છોકરાઓ માંહોમાંહે કહેવા લાગ્યા કે “આ વર્ધમાન તો ભાઈ ભારે હિંમતવાળો છે ને બીકણ તો લેશ પણ નથી. ભારે જબરો છે.” જયારે સૌ ઘેર પાછા ફર્યા ત્યારે કેટલાક છોકરાઓએ વર્ધમાનનાં માતાજી પાસે આવી તેની હિંમતની, નિર્ભયતાની વાત કરતાં પેલા સર્પની વાત કહી સંભળાવી. માતા તો સાંભળીને ભારે ખુશ થઈ, પણ તેને થોડી આશંકા આવી કે આવા જોખમનું કામ વર્ધમાને નહીં કરવું; એમ વિચારીને બધા છોકરાઓ પોતપોતાને ઘરે પહોંચ્યા પછી વર્ધમાનને પાસે બોલાવીને પોતાનો વિચાર Page #6 -------------------------------------------------------------------------- ________________ ૬. સંગીતિ જણાવ્યો. ત્યારે વર્ધમાન બોલ્યો કે “હે માતાજી, તમે જાણતા નથી કે વર્ધમાન ક્ષત્રિય બચ્યો છે ? ક્ષત્રિય એટલે સતત ત્રાયતે–આફતમાંથી બચાવે તે. એટલે એ તો મેં મારો ધર્મ બજાવ્યો છે, એ વિશે તમારે ચિંતા ન કરવી. અને કદાચ દૈવયોગે દેહ પડી જાય તો પણ ક્ષત્રિય પોતાનો ધર્મ ચૂકે ખરો ? જો ચૂકે તો પછી ક્ષત્રિય શાનો?” હવે માતા શું કહે ? વાત રાજા પાસે પહોંચી. એ પણ રાજી થયા અને પુત્રનાં લક્ષણ પારણામાંથી એ કહેવતને યાદ કરી ક્ષત્રિયાણીને કહ્યું કે ““તમારે મૂંઝાવાની જરૂર નથી. વીર પુરુષનાં તો આવાં જ લક્ષણ હોય.” પછી તો બીજો પણ આવો ભયનો પ્રસંગ આવી પડ્યો, પણ નીડર વર્ધમાન તેમાંથી પોતે તો બચ્યા જ, પણ બીજા બધાને પણ બચાવ્યા. હવે તો ભણીગણી બાજંદા થયા, સંગીતમાં પણ પ્રવીણ થયા, ઘોડેસવારી, તીરંદાજી વગેરે ક્ષત્રિયોને ઉચિત બધી વિદ્યાઓમાં પણ વર્ધમાન એક્કા થયા. હવે તેમની ઉંમર શહેરમાં ભમવા જેવી અને લોકોના જીવનનું નિરીક્ષણ કરવા જેવી થઈ હતી. એટલે એકલા એકલા શહેરમાં જુદા જુદા લત્તાઓમાં ફરવા નીકળે અને લોકોની પરિસ્થિતિનો અભ્યાસ કરે. લોકો રાજકુમાર આવ્યો જાણી તેની અદબ જાળવીને વાત કરે, ત્યારે વર્ધમાન કહેતા કે “આપણે બધા જ એકસરખા માનવી છીએ અને એકબીજાનાં સુખદુઃખની વાતો જરૂર કરી શકીએ છીએ.” જ્યારે લોકોએ વર્ધમાનકુમારનો પરદુઃખભંજન સ્વભાવ જાણ્યો ત્યારે તો તેઓ નિઃસંકોચ ભાવે પોતાના હૃદયનાં કમાડ કુમાર પાસે ખોલી નાખતા. ખેડૂત લોકોની તથા બીજા મજૂરી કરનાર લોકોની દીન દશાની વાત સાંભળી વર્ધમાન ભારે દુઃખી થતા અને આનો ઉપાય શોધવા પ્રયત્ન કરતા. કુમાર ભારે વિચક્ષણ, વિશેષ પ્રતિભા-સંપન્ન અને ભારે વિચારશીલ હતા. કેટલીક વાર તો સવારના એકલા ઉપવનમાં જઈને ચિંતન-મનન પણ કરતા રહેતા. એમ કરતાં વખત વીતવા લાગ્યો અને કુમારને પ્રતીતિ થઈ કે જેટલી સુખસામગ્રી વધુ, તેટલું પ્રજાને માથે દુઃખ વધારે. ગરાસદાર તો કાંઈ કમાતો નથી, મહેનત કરતો નથી પણ એશઆરામ અને ગાનતાન તથા બીજો વૈભવ માણે છે. પ્રજા કર ભરીભરીને તૂટી જાય છે અને કેટલીક વાર ગરાસદારના-જમીનદારના અમલદારો દુકાળ જેવા વરસમાં પણ કર વસૂલ કરીને પોતાના માલિકને ખુશ કરે છે અને પ્રજાની સ્થિતિ તરફ કોઈનું ધ્યાન જતું નથી. આમ વિચારમાં ને વિચારમાં વર્ધમાન ઘણી વાર ઉદાસ બની Page #7 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર ૦ ૭ જતા અને આ વૈભવવિલાસથી વિરક્ત રહેવાનું વિચારવા લાગ્યા. માતાપિતાને પણ આનો કાંઈ અણસાર આવવા લાગ્યો. તેઓ આનો ખુલાસો મેળવવા તત્કાળ તો તત્પર ન થયાં, પણ જયારે વર્ધમાને ગાનતાનમાં ભાગ લેવો છોડી દીધો અને બીજા ખાનપાન વગેરેના સમારંભોમાં પણ ગેરહાજર રહેવા લાગ્યા તથા સાધારણ ભોજનથી સંતુષ્ટિ માનવા લાગ્યા, ત્યારે તો વહાલા પુત્રને પાસે બેસાડીને માતા બધું જ પૂછવા લાગી. ત્યારે વર્ધમાને પોતે જે જોયું હતું તે બધું જ કહી સંભળાવ્યું અને “આવી પરિસ્થિતિમાં મારે જમીનદારી નથી કરવી” એવો પણ પોતાનો વિચાર સ્પષ્ટ રૂપે માતાને અને પછી પિતાને પણ જણાવી દીધો. માતાપિતા પુત્રના વિચારો સાંભળી અને તેની ક્ષત્રિયવટ સાચા અર્થમાં જોઈને ખુશ ખુશ થઈ ગયાં અને ગળગળાં પણ થઈ ગયાં. આ પવિત્ર પ્રવૃત્તિથી વર્ધમાનને અટકાવવાનું મન તેમણે ન જ કર્યું, પણ એટલું તો ઇચ્છર્યું કે પોતાના જીવતાં સુધી ગમે તેમ કરીને વર્ધમાનકુમાર જમીનદારીને સંભાળી લે અને પછી તેને જે ઠીક પડે તે કરે. વર્ધમાનકુમાર માતાપિતાના અસાધારણ ભક્ત હતા અને રોજ માતાપિતાની સર્વ પ્રકારે સેવામાં તત્પર રહેતા. નોકરો હાજર હોવા છતાંય માતા કે પિતા કાંઈ કામ ચીંધે એટલે તરત પોતે જ કરી આવતા; નોકર તો આવે ત્યારે ખરા. આમ વર્ધમાનકુમાર માતાપિતાની સેવામાં ઘણો જ આનંદ અનુભવતા અને વિચારતા કે મહાપુણ્યનો યોગ હોય તો આવાં માતાપિતા મળે, અને માતાપિતા પણ હૃદયથી સમજતાં કે પ્રબળ પુણ્યનો યોગ હોય તો જ આવું પુત્રરત્ન સાંપડે. વર્ધમાને તો હવે લગભગ નિર્ણય જ કરી લીધો હતો કે હું મારી કોઈ પણ અંગત પ્રવૃત્તિ માટે કોઈને દુઃખનું નિમિત્ત થવા ચાહતો જ નથી. આ સ્થિતિ ત્યારે જ થઈ શકે, જયારે હું જૂના તપસ્વીઓની પેઠે સાધનાના માર્ગે ચડું, દેહકષ્ટને જરા પણ ન ગણકારું અને ચિંતન-મનન દ્વારા મારામાં જે હજી થોડી ઘણી વાસનાઓ પડી છે તેમને બાળીને ખાખ કરી દઉં, અને અનાસક્તભાવ પૂર્ણ પણે કેળવી સુખદુઃખમાં, માનઅપમાનમાં, ભૂખતરસમાં તથા ગમે તેવા પ્રતિકૂળ કે અનુકૂળ સંયોગોમાં તદન સમચિત્ત રહી ધ્યાન, ચિંતન, મનન, દેહકષ્ટ વગેરે દ્વારા વીતરાગભય-ક્રોધની ભૂમિકાને પૂર્ણપણે પ્રાપ્ત કરું તો જ મને બ્રહ્મવિહારનો અખંડ આનંદ મળે. એક તરફ વર્ધમાનકુમાર ભરજુવાનીમાં ઉક્ત પ્રકારનો વિચાર કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ માતાપિતા વૃદ્ધ અવસ્થાને કારણે હવે ખખડી Page #8 -------------------------------------------------------------------------- ________________ ૮ • સંગીતિ જવાને લીધે દેવગતિ તરફ પ્રયાણ કરી ગયાં. એથી હવે તેમને રાજમહેલમાં એક ક્ષણ પણ રહેવું કષ્ટકર થયું અને જમીનદારીમાં લેશમાત્ર રસ ન રહ્યો. એટલે તેમણે અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે પોતાના ભાઈને જમીનદારી સોંપી દીધી. પણ માતાપિતાના અવસાનનો તાજો જ ઘા હોવાથી તેમના ભાઈ નંદિવર્ધને વર્ધમાનકુમારને વિનંતિ કરી કે, “ભાઈ ! આ તો ઘા ઉપર મીઠું ભભરાવવા જેવું થાય છે. તમે મારી સ્થિતિ તો જુઓ.” કરુણાળુ વર્ધમાનકુમાર ભાઈની લાગણી જોઈને તેના કહેવા મુજબ એક તપસ્વીની પેઠે ઘરમાં રહ્યા. પણ પછી ભાઈની અનુમતિ મેળવી અને જમીનદારીમાં જે કાંઈ પોતાનો ભાગ હતો તે લઈ જનતામાં વહેંચી દીધો અને ભાઈની તથા જ્ઞાતવંશીય સ્વજનોની સંમતિ મેળવી ત્રીશ વરસની ભરજુવાન વયે વર્ધમાનકુમાર એકાકી સાધના માટે ચાલતા થયા. લોકોએ વર્ધમાનકુમારને બાળકની જેમ સર્વથા અવર્સ જોઈને પ્રાચીન પરંપરાને ધ્યાનમાં રાખી તેમના ખભા ઉપર એક કીમતી વસ્ત્ર મૂકી દીધું. પણ જેમને સાધનાની દૃષ્ટિએ પોતાના દેહની પણ પરવા ન હતી તેઓ વસ્ત્ર તરફ શું કામ જુએ? આચારઅંગ-સૂત્રમાં તેમની સાધનાનું જે સ્વાભાવિક અને નિર્ભેળ વર્ણન મળે છે તે ઉપરથી સ્પષ્ટ જણાય છે કે તેમણે એ વસ્ત્રની ગડી પણ ખુલ્લી નહીં કરેલી; જેમ વસ્ત્રને લોકોએ નાખેલ તેમ જ તે વસ્ત્ર ખભે પડી રહેલું અને વર્ધમાનકુમાર તો યથાજાતરૂપે (કુદરતી સ્થિતિમાં) જ મગધની કે વિહારની ભૂમિમાં વિહરવા લાગ્યા. તેઓ પ્રથમ વિશાલાના જ્ઞાતખંડથી નીકળી પાસેના જ કર્માર ગામમાં સાંજ થતા પહેલાં પહોંચી ગયા. જ્યારે તેમણે દિવસને ચોથે પહોરે પ્રવ્રયા સ્વીકારી ત્યારે એવો સંકલ્પ કરેલો કે આજથી સાવધ પ્રવૃત્તિનો મારે ત્યાગ છે. કર્માર ગામ પહોંચી ગામના પરિસરમાં જ આવેલા કોઈ એકાંત સ્થાનમાં તેઓ ઊભા ઊભા ધ્યાન-સમાધિ કરવા લાગ્યા. ગમે તેવું એકાંત સ્થાન હોય તો પણ આજુબાજુ અનેક ખેતરો અને વાડીઓ આવેલાં હતાં. સાંજનો સમય હોવાથી જોકે ત્યાં કોઈનો પાદસંચાર ન હતો, પણ ખેતરો વગેરે હોવાથી ત્યાં કોઈ ને કોઈ મનુષ્ય કે પશુઓ હોવાનો સંભવ ખરો. એટલે જ્યાં શ્રી વિમાન-શ્રમણ ધ્યાનસ્થ ઊભા હતા, ત્યાંથી કોઈ ગોપાલ નીકળ્યો અને વીર વર્ધમાનશ્રમણને યથાજાતરૂપે ત્યાં એકાંતમાં જાળા પાછળ ઊભેલા જોઈને તે ગ્રામીણને એકદમ અચાનક રોષ ચડી આવ્યો અને તે યથાજાત શ્રમણને ઉપદ્રવ કરવા લાગ્યો. શ્રમણ તો ધ્યાનસ્થ જ હતા; ન હલ્યા ન ચલ્યા અને Page #9 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર - ૯ એમના ધ્યાનમાં કોઈ ફરક પણ ન પડ્યો. પછી વર્ધમાન શ્રમણ શ્વેતાંબી નગરી તરફ વિચારવા લાગ્યા. તેઓ વિશાલામાં રાજકુમાર હતા ત્યારે તેમણે શ્વેતાંબી તરફના પ્રદેશમાં પ્રવર્તતા એક ભયંકર ઉપદ્રવની વાત સાંભળી હતી. એમને થયેલું કે એ ઉપદ્રવ ટાળવો જોઈએ; પણ એ વખતે તો એવો મોકો તેમને સાંપડ્યો નહીં. હવે તો પોતે તે ઉપદ્રવને દૂર કરી શકે એમ છે; એટલું જ નહીં, પણ ઉપદ્રવના નિરાકરણનો પ્રસંગ તેમની સાધનામાં ભારે સહાયક થાય તેમ છે. પહેલાં સાંભળેલું તેના કરતાં શ્વેતાંબી તરફના માર્ગે પ્રયાણ કરતાં આ પરદુઃખભંજન શ્રમણે લોકોનો કકળાટ વધારે જાણ્યો અને પ્રવાસીઓને, સાર્થવાહના સંઘોને, પશુપાલોને તથા મૂંગા પશુઓને અને પક્ષીઓને થતો પ્રાણનાશક ઉપદ્રવ તેઓએ પ્રત્યક્ષ જોયો. અત્યાર સુધીમાં સેંકડો માનવોનો નાશ થઈ ગયેલો, અને પશુઓ તથા પક્ષીઓના નાશનો તો કોઈ સુમાર જ ન હતો. આમ છતાં તે પ્રદેશનો કોઈ રાજા કે વ્યવસ્થાપક અધિકારી આ ઉપદ્રવને નિવારી શકતો ન હતો. આ ઉપદ્રવના નાશ માટે પ્રાણોની બાજી લગાવવી પડે તેમ હતું. એથી મોટા મોટા બળિયા પણ લાચાર બની ગયા હતા. ભાવિ ભગવાન શ્રી વર્ધમાનશ્રમણે આ ઉપદ્રવનો નાશ કરવાનો દઢ સંકલ્પ કર્યો અને તમામ લોકોની ના છતાં તેઓ જ્યાં ઉપદ્રવકારી ચંડકૌશિક સર્પ રહેતો હતો ત્યાં ગયા અને ત્યાં એક દેરીની પાસે ધ્યાનસમાધિ લગાડી અને મેરુની પેઠે અચળ રીતે ધ્યાનસ્થ ઊભા રહ્યા. એવામાં ચંડકૌશિક ફરતો ફરતો ત્યાં આવી ચડ્યો. એને થોડું અચરજ થયું કે મારા પ્રદેશમાં આજ સુધી માણસ તો શું પણ એક ચકલુંય ફરકી શકતું નથી, ત્યાં આ માણસ અહીં ક્યાંથી આવી ચડ્યો ? આવી તો ચડ્યો પણ તે તો મસ્તની પેઠે ધ્યાનસ્થ થઈને સર્વથા નિર્ભય બનીને અહીં અડોલ ઊભો છે. આ બધું જોઈને ચિંડકૌશિકનો અહંકાર ઘવાયો, અને તે પ્રચંડ ક્રોધી હોવા છતાંય આ પરિસ્થિતિ જોઈને વળી વિશેષ ઝનૂને ચડ્યો અને પોતાની વિષમ જવાલાઓથી ભરેલી નજર તેણે પેલા ધ્યાનસ્થ શ્રમણ તરફ ફેંકી; પણ એ તો પથ્થર ઉપર પાણીની જેમ સર્વથા નિષ્ફળ નીવડી. એટલે ચંડકૌશિક વધારે રોષે ભરાઈ તેના વિષમય મુખ દ્વારા સંતપુરુષને બચકાં ભરવા લાગ્યો. છતાંય શાંતમૂર્તિ એવા એ ધ્યાનસ્થ સંત પણ તેની પર કશી અસર ન થઈ. એટલે તેનો સઘળો ગર્વ ગળી ગયો અને ધીરે ધીરે સ્વસ્થ થઈને તે વિચારવા Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦ • સંગીતિ લાગ્યો કે આમ કેમ? તેને લાગ્યું કે ભયંકર પ્રચંડ રોષની સામે શામક શક્તિ પણ તેટલી જ બલવતી છે. તે વધારે સ્વસ્થ થઈ વિચારવા લાગ્યો. એટલે તેને ધ્યાનસ્થ માની ભગવાન વીરે પોતાની અમૃતમય શીતળ વાણી દ્વારા સંબોધ્યો કે હે “ચંડકૌશિક, “બુધ્યસ્વ બુધ્યસ્વ'- સમજ સમજ. તું પ્રચંડ ક્રોધની વૃત્તિને લીધે આ સ્થિતિ અનુભવી રહ્યો છે અને હજુ પણ આ વૃત્તિને નીં છોડે અને શાંતિના માર્ગ ભણી નહીં વળે તો તારી વિશેષ દુર્દશા થવાની છે.” આ સાંભળતાં જ તેને શાંતિ અનુભવવા જેવું લાગવા માંડ્યું, અને એ સંત પુરુષે ચંડકૌશિકના પૂર્વજન્મની કથા કહી સંભળાવતાં તેને પોતાનો પૂર્વજન્મ આબેહૂબ નજર સામે ખડો થઈ ગયો. એથી એ સંત તરફ વિશેષ આકર્ષાયો અને પોતાની ચેષ્ટાઓ દ્વારા તેણે સંત સમક્ષ પોતાની ભૂલ કબૂલ કરી અને આજથી કોઈ પણ પ્રાણીને જરા પણ ન પજવવાની તેણે પ્રતિજ્ઞા કરી. અને એ તો પોતાને કોઈ ન જુએ એમ રહેવા લાગ્યો. આમ શ્રમણ વર્ષમાને પોતાના પ્રાણની પણ પરવા રાખ્યા વિના એક આત્માને દુર્ગતિથી બચાવી લીધો, અને તે પરિસરની આસપાસના તમામ લોકોનો એક ભારે ભય દૂર થયો છે તેનું આનુષંગિક (પેટા) પરિણામ પેદા થયું. જયારે વર્ધમાનકુમાર પોતાની જમીનદારી સંભાળતા હતા, ત્યારે આ ચંડકૌશિકના જુલમની વાત તે પ્રદેશના ખેડૂતો, મજૂરો, પ્રવાસીઓ અને પશુપાલકોને મુખે તેમણે સાંભળી હતી, અને તે જ વખતે તેમને આ જુલમનો પ્રતિકાર કરવાનું સૂઝેલું. પણ તે વખતે માતાપિતા વિદ્યમાન હતાં અને તેઓ આવા મૃત્યુના જોખમી કામ માટે તેને નહીં જ જવા દે એમ સમજીને તેમણે આ વાત પોતાના મનમાં જ સંઘરી રાખેલી, જેનો નિકાલ તેમણે પોતાના આત્મબળ દ્વારા કર્યો. આને લીધે ક્ષમાશક્તિ તથા અહિંસાશક્તિના અપાર બળનો તેમને જાત-અનુભવ થયો, અને પોતાની યોગસાધના હવે ધાર્યું પરિણામ જરૂર નિપજાવવાની એની સવિશેષ ખાતરી થઈ. આ પછી તેમણે આવા જ પ્રચંડ રાક્ષસી બળ ધરાવતા અને માણસોને વિશેષ ઉપદ્રવ કરનાર શૂલપાણિ નામના યક્ષને પણ સમભાવમાં સ્થાપિત કર્યો હતો. એ રાક્ષસી યક્ષની ઘાતકી વૃત્તિથી લોકો “ત્રાહિ, ત્રાહિ' થઈ ગયા હતા; પણ એવી કોઈની તાકાત ન હતી કે એ નરપિશાચ યક્ષનો સામનો કરી શકે. વર્ધમાન શ્રમણ આ પરિસ્થિતિ જોઈને, લોકોએ ઘણું વારવા છતાં, તેના રહેવાના સ્થાને ગયા અને ત્યાં જ આખી રાત ધ્યાનમાં પસાર કરી. Page #11 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર • ૧૧ પછી તો પેલા ચંડકૌશિકની જેમ જ આ ગર્વિષ્ઠ યક્ષ પણ ભારે કોપાયમાન થયો, અને વિવિધ પ્રકારે પોતાનું બળ અજમાવીને ધ્યાની ભગવાન શ્રી વર્ધમાનસ્વામીને આખી રાત હેરાન પરેશાન કરી મૂકડ્યા અને જીવ લઈ લેવા સુધીના ભયાનક ઉત્પાતો મચાવ્યા. પણ આ તો શાંતમૂર્તિ ન હલે, ન ચાલે, ન બોલે. જેમ અડગ ઊભા હતા તેમ જ ઊભા રહ્યા. રાત પૂરી થવા આવી છતાં યક્ષ જરા પણ કામયાબ ન થયો ત્યારે તે પણ આ માણસ વિશે વિચારવા લાગ્યો કે હજી સુધી મેં આવો કોઈ માઈનો લાલ જોયો જ નથી. યક્ષ વધારે શાંત થયો, ત્યારે આ સંતપુરુષે તેને થોડી સમજ આપી અને જીવનને સફળ કરવાની રીત પણ સમજાવી. પછી તો યક્ષે ભારે પશ્ચાત્તાપ સાથે શ્રમણની ક્ષમા માગી અને તેમના ઉપદેશ પ્રમાણે જીવનચર્યા ગોઠવી પ્રસન્નતાથી રહેવા લાગ્યો. અહીં આ યક્ષને ઉપદેશનો લાભ મળ્યો અને આજુબાજુ વસતી તમામ વસ્તીને શાંતિ અનુભવવાનો આનંદ થયો. જેમ નરવીર કૃષ્ણ કંસ વગેરેને હણી લોકોમાં શાંતિ ફેલાવતા તેમ આ મહાત્મા પોતાના આંતરશાસ્ત્ર ક્ષમાના બળે, મૈત્રીવૃત્તિને બળે તથા પૂર્ણ અદ્વેષભાવે આવા દુષ્ટ લોકોનો પ્રતિકાર કરી પરિણામે શાંતિ પેદા કરવામાં નિમિત્ત બનતા હતા. વર્ધમાન શ્રમણવરે દીક્ષા લીધા પહેલાં જયારે પોતાની તમામ મિલકત લોકોમાં વહેંચી લોકોને ન્યાલ કરી દીધા, ત્યારે એક ગરીબ બ્રાહ્મણ ધન મેળવવા પરદેશમાં ભટકી રહ્યો હતો. તે પાછો ફર્યો અને એક કાણી કોડી પણ ન લાવી શક્યો, ત્યારે બ્રાહ્મણીએ તેને ખૂબ ફિટકાર આપ્યો અને કહ્યું કે “જયારે જ્ઞાતનંદન વીર વર્ધમાનકુમાર ધનનો વરસાદ વરસાવતા હતા ત્યારે હે અભાગિયા ! તું કેમ ન આવી પહોંચ્યો? જો તો ખરો આ આપણા જ પાડોશી મહાદરિદ્ર હતા તેઓ હવે ખૂબ મજામાં રહે છે અને તેનાં છોકરાંછોકરીઓ રૂપા-સોનાથી લદાયેલાં છે.” પણ હવે શું થાય? તેમ છતાં બ્રાહ્મણીના ફિટકારને લીધે દુઃખી દુઃખી થયેલો તે સોમિલ બ્રાહ્મણ તે તદ્દન યથાજાત રહેનાર ભિક્ષુની શોધમાં તેમની માહિતી મેળવી જે રસ્તે તેઓ ગયા હતા તે રસ્તે થઈ તેમની પાસે પહોંચી ગયો. જતાં જ એ બ્રાહ્મણે તેમના વિપુલ દાનની વાત યાદ કરી અને પોતે અત્યંત કંગાળ હોવાથી તેમની પાસે કાંઈક યાચવા આવેલ છે એ વાત જણાવી. યથાકાત દિગંબર) ભિક્ષુએ કહ્યું કે ““હે મહાનુભાવ, હું તો યથાજાત ભિક્ષુ છું. તમને આપવા જેવું મારી પાસે કશું જ નથી. પણ તમારે Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૨ - સંગીતિ જોઈતું હોય તો આ એક વસ્ત્ર મારે ખભે પડ્યું છે તે લઈ જાઓ.” બ્રાહ્મણ તો ખુશ ખુશ થઈ ગયો અને એ વસ્ત્ર ઉપાડીને ચાલતો થયો. અને વેચીને સારું એવું ધન એ બ્રાહ્મણે મેળવ્યું અને સુખે રહેવા લાગ્યો તથા બ્રાહ્મણીએ દીધેલા ઉપાલંભને હિતકર માનવા લાગ્યો. જુઓ તો ખરા, સંતની અસાધારણ આત્મવત્ સર્વભૂતેષુની આચરણમય વૃત્તિ ! પોતે દરેક પ્રકારનું કષ્ટ સુખરૂપ માની પ્રસન્ન રહે છે અને બીજાનાં દુઃખો ઓછો કરવા નિરંતર કાળજી રાખે છે. આ રીતે વીર વર્ધમાન શ્રમણે ભૂખ-તરસ, ટાઢ, તાપ, શરદી વગેરેનાં અનેક કષ્ટો સહેતાં સહેતાં પોતાની જન્મભૂમિમાં અને આસપાસના બીજા પ્રદેશોમાં વિહાર કર્યો, અને આવી પડતાં કષ્ટો હજી ઓછાં છે એમ વિચારી અનાર્ય પ્રદેશમાં પણ તેઓ ફરવા લાગ્યા. ત્યાંના લોકો અવિચારી અને ક્રૂર હોવાથી તેમને વધારે દુઃખો આપવા લાગ્યા અને તેમના ઉપર ડાઘિયા કૂતરા છોડવા લાગ્યા. આમ તેવું મhતં(દહકષ્ટનું મોટું ફળ છે)ના નિયમ પ્રમાણે તેઓ અનેક પ્રતિકૂળ ઉપરાંત બાધક પણ અનુકૂળ એવી અપરંપાર પીડાઓ સહેતા સહેતા પોતાના ધ્યેયની તદન નજીક પહોંચી ગયા. તેમણે ભૂખ, તરસને, ટાઢ-તાપ વગેરેને પણ જીતી લીધાં હતાં. વિષયોને તો તેમણે ક્યારના દૂર-સુદૂર કરી દીધા હતા. પણ વિષયગત રસ પણ તેમનો સર્વથા નાશ પામ્યો હતો. શરૂશરૂમાં શરીર, ઇન્દ્રિયો અને મન તેમના ઉપર હુકમ છોડતાં તે હવે ઊલટું બની ગયું; એટલે હવે તો તેમના ઉપર શ્રીવર્ધમાન ભગવંતનો આત્મા હુકમ છોડે ત્યારે જ તે ગતિમાનું થઈ શકે એવી સ્થિતિએ તેઓ પહોંચી ગયા. એક તપ એટલે કે બાર વર્ષ સુધી આમ પોતાની સાધના પ્રખર રીતે કર્યા પછી તેઓ બ્રહ્મવિહારનો આનંદ માણવા લાગ્યા; જેને યોગશાસ્ત્રની ભાષામાં કે ગીતાજીની ભાષામાં “પ્રસાદ' કહેવામાં આવે છે તેવો પ્રસાદ (પ્રસન્નતા) તેમના રોમેરોમમાં વ્યાપી ગયો. આ સાધનાને પરિણામે દક્ષ અને મેધાવી એવા તેઓ ગતતૃષ્ણ, અનાસક્ત, વીતરાગ, સ્થિતપ્રજ્ઞ, સમદર્શી બની ચિત્તપ્રસન્નતાની ભૂમિકાએ બરાબર બેતાળીસ વર્ષે પહોંચી ગયા; એક રીતે કહીએ તો તેઓ મુક્તની ભૂમિકાને વરી ચૂક્યા. આ સમયની તેમની સ્થિતિનું વર્ણન આચાર્ય હેમચંદ્ર આ પ્રમાણે કરેલ છે : ભગવાન વર્ધમાનસ્વામી ચંદ્ર જેવા શીતળ, તપતેજથી સૂર્ય સમાન, ગજરાજ જેવા શૌંડીર્યવાળા, મેરુ જેવા નિશ્ચલ, પૃથ્વી જેવા સર્વસહ, સમુદ્ર Page #13 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર 0 13 જેવા ગંભીર, સિંહ જેવા નિર્ભય, અગ્નિ જેવા જાજવલ્યમાન, વરાહના શિંગ જેવા એકાકી, મહાબલીવદની જેવા સ્થામ(જોરાવરી)વાળા, કાચબા જેવા ગુખેંદ્રિય, સાપની જેવા એક દષ્ટિવાળા, ષોડશાવર્ત શંખની જેમ કોઈ જાતના લેપ વિનાના, સુવર્ણના જેવી દેડકાંતિવાળા, પક્ષીની જેમ સર્વથા મુક્ત, આત્માની પેઠે અસ્મલિત ગતિવાળા, આકાશની પેઠે કોઈ આધાર વિનાના, ભારંડ પક્ષીની પેઠે અપ્રમત્ત, કમળની પેઠે સદા ખરડાયા વિનાના, શત્રુ-મિત્ર, સોનું-ઢેરું, પથ્થર-મણિ તથા ભવ કે મુક્તિ એ બધામાં સર્વથા સમાન વૃત્તિવાળા બની ગયા; અને કરુણાના તો એક મોટા ભંડાર સમા એવા તે ભગવાન વીરવર્ધમાન હવે પછીનાં ત્રીસ વર્ષ ભૂતલમાં વિહરી પોતાનાં વચનામૃતો દ્વારા પ્રજાનું અજ્ઞાન દૂર કરતાં કરતાં અપાપા નગરીમાં પહોંચ્યા. ત્યાં પણ ઉપદેશરૂપ શાંતિમય મેઘ વરસાવી પૂર્ણ શાંતિને પામ્યા. આમ બોતેર વર્ષ સુધી તેઓ પાવન જીવન જીવી ગયા. એ વાતને આજ પચીસસો વરસ વીતી ગયા છતાં તેઓ ભારતની પ્રજાના મનમાં તાજા જ ઝળહળી રહ્યા છે. તેઓ પોતાની અમૃતવર્ષી દેશના દ્વારા જનજીવન શાંતિમય બને અને મનુષ્યમાત્ર વિવેક કેળવી શાંતિસુખ અનુભવે અને ક્રમે ક્રમે તૃષ્ણાનો સંયમ કરી, તૃષ્ણાનો ત્યાગ કરી તેમની જેમ બ્રહ્મવિહારે વિહરે એ માર્ગ આપણને ચીંધી ગયા છે. આપણે જેટલું એ માર્ગે ખરા અર્થમાં ચાલીશું તેટલું જરૂર શાંતિ-સુખ અનુભવીશું. તેમની આ પચીસસોમી શતાબ્દી ઊજવવાનો મુખ્ય ઉદેશ એ છે કે આપણે તેમના પાવન જીવનના પ્રસંગોનું યથાશક્તિ અનુકરણ કરીને પાવન થઈએ. - અખંડ આનંદ, ડિસે. - 1974