Book Title: Bhagwan Mahavir
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૧. ભગવાન મહાવીર સર્વધર્મસમભાવી અથવા બિનસાંપ્રદાયિક આપણી સરકાર ભગવાન મહાવીરની પચીસમી નિર્વાણશતાબ્દીનું ઉજમણું આ વર્ષે કરવાની છે એ પ્રસંગ સરકાર માટે અને ભારતની પ્રજા માટે ઘણો આનંદદાયી અને પ્રેરક છે. આ અગાઉ સરકારે ભગવાન બુદ્ધની પણ નિર્વાણશતાબ્દીની ઉજવણી ઘણી શાનદાર રીતે ભારે ઉમંગથી કરેલી. આ એક સુંદર શિરસ્તો છે કે ભારતના ઉત્તમોત્તમ આદર્શ પુરુષોની જન્મજયંતી અથવા નિર્વાણતિથિ ઊજવીને તે તે મહાપુરુષોનું પ્રજાને સ્મરણ કરાવવું, તેમના ગુણોનું સમૂહકીર્તન કરવાના પ્રસંગો ઊભા કરવા તથા તેમનું સ્મરણ કાયમ ટકે એવી પ્રજા-જાગૃતિની કે પ્રજાને હિતકર નીવડે એવી કોઈ ને કોઈ પ્રવૃત્તિ સરકાર કરે અથવા સરકાર અને પ્રજા બંને મળીને યથાશક્તિ કરે; તેમ કરીને તે તે મહાપુરુષો પ્રતિ સરકાર અને પ્રજા પોતપોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક મેળવે. જે સરકાર કે પ્રજા ગુણાનુરાગી છે અને કૃતજ્ઞતાના ગુણને વરેલી છે તેની તો ઉક્ત રીતે વર્તવાની અનિવાર્ય ફરજ છે જ. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્ર રચેલ યોગશાસ્ત્રની વૃત્તિના પ્રારંભમાં જ આલેખેલ કથાનો મુખ્ય આધાર અને અન્ય કથાઓનો પણ આધાર લઈ પ્રસ્તુત લખાણ લખું છું. યોગશાસ્ત્રમાં ભગવાન વીરને “યોગિનાથ” એવું વિશેષણ આપીને યાદ કરેલ છે. આ ભારતભૂમિ ઉપર જે જે યોગિનાથ થયેલા છે તેઓ બધા જ સાધારણ માનવની ભૂમિકા ઉપરથી જ પૂર્ણ સમદર્શી થયેલા છે, સ્થિતપ્રજ્ઞની ભૂમિકાને પામેલા છે અને ગીતાજીમાં સ્થિતપ્રજ્ઞના જે જે લક્ષણો બતાવેલાં છે તે તમામ લક્ષણોથી અલંકૃત થયેલા છે. જે મનુષ્ય પૂર્ણ સમદર્શી હોય, સ્થિતપ્રજ્ઞ હોય તે પૂર્ણપણે વિતરાગ જ હોય છે, અનાસક્ત જ હોય છે અને તેણે યોગની સાધનાનું ધ્યેય ઉક્ત રીતે પૂર્ણપણે સિદ્ધ કરેલ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13