________________
૧૬
અથડામણ ટાળો
ઘર્ષણથી હણાય શક્તિઓ ! બધી આત્મશક્તિ જો કદી ખલાસ થતી હોય તો તે ઘર્ષણથી. સંઘર્ષથી સહેજ પણ ટકરાયા તો ખલાસ ! સામો ટકરાય તો આપણે સંયમપૂર્વક રહેવું જોઈએ ! ટકરામણ તો થવી જ ના જોઈએ. પછી આ દેહ જવાનો હોય તો જાય, પણ ટકરામણમાં ના આવવું જોઈએ. ઘર્ષણ એકલું ના હોય તો માણસ મોક્ષે જાય. કોઈ શીખી ગયો કે મારે ઘર્ષણમાં આવવું જ નથી તો પછી એને વચ્ચે ગુરુની કે કોઈની ય જરૂર નથી. એક-બે અવતારે સીધો મોક્ષે જાય. ‘ઘર્ષણમાં આવવું જ નથી’ એવું જો એની શ્રદ્ધામાં બેસી ગયું ને નક્કી જ કર્યું. તો ત્યારથી જ સમકિત થઈ ગયું ! એટલે જો કદી કોઈને સમકિત કરવું હોય તો અમે ગેરન્ટી આપીએ છીએ કે જાવ, ઘર્ષણ નહીં કરવાનું નક્કી કરો ત્યારથી સમકિત થઈ જશે ! દેહની અથડામણ તો થઈ હોય ને વાગ્યું હોય તો દવા કરાવે કે મટી જાય. પણ ઘર્ષણ અને સંઘર્ષણથી જે મનમાં ડાઘ પડ્યા હોય, બુદ્ધિના ડાઘ પડ્યા હોય, તેને કોણ કાઢે ? હજારો અવતારે ય ના જાય.
પ્રશ્નકર્તા : ઘર્ષણ અને સંઘર્ષણથી મન અને બુદ્ધિ ઉપર ઘા પડે ?
દાદાશ્રી : અરે ! મન ઉપર, બુદ્ધિ ઉપર તો શું, આખા અંતઃકરણ ઉપર ઘા પડ્યા કરે અને તેની અસર શરીર પર પણ પડે ! એટલે ઘર્ષણથી તો કેટલી બધી મુશ્કેલી છે !
પ્રશ્નકર્તા ઃ આપ કહો છો, ઘર્ષણથી શક્તિઓ બધી ખલાસ થઈ જાય. તો જાગૃતિથી શક્તિ પાછી ખેંચાશે ખરી ?
દાદાશ્રી : શક્તિઓ ખેંચવાની જરૂર નથી. શક્તિઓ તો છે જ. હવે ઉત્પન્ન થાય છે. પૂર્વે જે ઘર્ષણ થયેલાં હતાં ને તે ખોટ ગયેલી, તે જ પાછી આવે છે. પણ હવે જો નવું ઘર્ષણ ઊભું કરીએ તો પાછી શક્તિ જતી રહે, આવેલી શક્તિ પણ જતી રહે ને પોતે ઘર્ષણ ન જ થવા દે તો શક્તિ ઉત્પન્ન થયા કરે !
અથડામણ ટાળો આ જગતમાં વેરથી ઘર્ષણ થાય છે. સંસારનું મૂળ બીજ વેર છે. જેનાં વેર અને ઘર્ષણ, બે બંધ થયાં તેનો મોક્ષ થઈ ગયો ! પ્રેમ નડતો નથી, વેર જાય તો પ્રેમ ઉત્પન્ન થાય.
કોમનસેન્સ, એવરીવ્હેર એપ્લિકેબલ ! વ્યવહાર શુદ્ધ થવા માટે શું જોઈએ ? ‘કોમનસેન્સ’ કમ્પ્લીટ જોઈએ. સ્થિરતા-ગંભીરતા જોઈએ. વ્યવહારમાં ‘કૉમનસેન્સની જરૂર. કૉમનસેન્સએટલે “એવરીવ્હેર એપ્લિકેબલ', સ્વરૂપજ્ઞાન સાથે કૉમનસેન્સ’ હોય તો બહુ દીપે.
પ્રશ્નકર્તા : ‘કૉમનસેન્સ’ કેવી રીતે પ્રગટ થાય ?
દાદાશ્રી : કોઈ પોતાને અથડાય, પણ પોતે કોઈને અથડાય નહીં, એવી રીતે રહે, તો ‘કૉમનસેન્સ’ ઉત્પન્ન થાય. પણ પોતે કોઈને અથડાવો ના જોઈએ, નહીં તો ‘કૉમનસેન્સ' જતી રહે ! ઘર્ષણ પોતાના તરફનું ના હોવું જોઈએ.
સામાના ઘર્ષણથી ‘કૉમનસેન્સ’ ઉત્પન્ન થાય. આ આત્માની શક્તિ એવી છે કે ઘર્ષણ વખતે કેમ વર્તવું, એનો બધો ઉપાય બતાવી દે અને એક વખત બતાવે પછી એ જ્ઞાન જાય નહીં. આમ કરતાં કરતાં ‘કૉમનસેન્સ' ભેગી થાય. મારે ખાસ ઘર્ષણ નહીં થવાનું. મને ‘કૉમનસેન્સ” જબરજસ્ત એટલે તમે શું કહેવા માગો છો એ તરત જ સમજાઈ જાય. લોકોને એમ લાગે કે આ દાદાનું અહિત કરી રહ્યા છે, પણ મને તરત સમજાઈ જાય કે આ અહિત અહિત નથી. સાંસારિક અહિત નથી ને ધાર્મિક અહિતે ય નથી અને આત્મા સંબંધમાં અહિત છે જ નહીં. લોકોને એમ લાગે કે આત્માનું અહિત કરી રહ્યા છે, પણ અમને એમાં હિત સમજાય. એટલો આ ‘કૉમનસેન્સ'નો પ્રભાવ. તેથી અમે “કોમનસેન્સ'નો અર્થ લખ્યો છે કે ‘એવરીવ્હેર એપ્લિકેબલ.’ હાલની જનરેશનમાં ‘કોમનસેન્સ' જેવી વસ્તુ જ નથી. જનરેશન ટુ જનરેશન ‘કૉમનસેન્સ” ઓછી થતી ગઈ છે.