________________
લબ્ધિઆંક અગાઉની પેઢીનાં બાળકો કરતાં ઘણો વધ્યો છે એ સંદર્ભે તેને તુષ્ટ કરે, તોષે તેવું બાળસાહિત્ય રચાય તે આજની તાતી જરૂરિયાત છે. ઘણી દિશાઓ એ તરફની ખોલવાની રહે છે.
ભાષાનું સતત સંમાર્જન
આપણો શબ્દકોશ ઘણો દરિદ્ર છે. આપણી પૂર્વેની પેઢીઓ જે શબ્દો પ્રયોજતી હતી, તેનો વિશાળ ભંડાર આપણે ગુમાવ્યો છે. નવા શબ્દો સર્જવાને બદલે અંગ્રેજી શબ્દોથી કામ ચલાવીએ છીએ, પરિણામે પરિભાષાનો મોટો સવાલ ઊભો થયો છે. ભાષાનો સાર્થક ઉપયોગ કરવાને બદલે એનો અમુક પ્રયોજન માટે ઉપયોગ થાય છે. વળી ભાષામાં સતત સંમાર્જનનું જે કાર્ય થવું જોઈએ, તે થતું નથી. ફિસ્સા કે લપટા શબ્દોને દૂર કરવામાં આવતા નથી. અર્થવિસ્તાર સાધી ચૂકેલા અથવા તો નવી ચેતનાને પ્રકટ કરતા નવા શબ્દોને આમેજ કરવાના રહે છે.
ભાષાને લગતો પ્રશ્ન એક બાજુએ મૂકીને હું આપ સહુને અપીલ કરું છું કે ગુજરાતી ભાષાની સમૃદ્ધિ વધે અર્થાત્ ગુજરાતી શબ્દકોશ વધુ ને વધુ સમૃદ્ધ થાય, તેવું આપ સહુ કરી શકો તેમ છો. ‘સાર્થ જોડણીકોશ ’માં છે, તેનાથી ઘણા વધારે શબ્દો આપણી પ્રજાના જીવનમાં રોજબરોજના વ્યવહારમાં વપરાતા રહે છે, જેનો આપણને ભાગ્યે જ ખ્યાલ છે. છેક ઉમરગામથી ગાંધીધામ સુધીના ગુજરાતના પ્રદેશમાં કેવી પ્રસન્નતા અર્પે તેવી ભાતીગળ ભાષા બોલાય છે ! આ પ્રદેશોની ભાષા અને બોલીઓના સંખ્યાબંધ શબ્દો આપણા કોશમાં ઉમેરવાની જરૂર છે. આપ સહુને સાહિત્ય પરિષદનું ઇજન છે કે દરેક પ્રદેશમાંથી ‘સાર્થ જોડણીકોશ’માં હોય નહીં તેવા ઓછામાં ઓછા પચાસ શબ્દો પરિષદના કાર્યાલયમાં મોકલી આપે. એ શબ્દો પરિષદના મુખપત્રમાં છપાય તેવી વ્યવસ્થા કરી શકાશે. આપણા ગ્રામજીવનને સ્પર્શતી નવલકથા, નવલિકા અને કવિતાઓ રચાય છે . તેમાંથી પણ કોઈ અભ્યાસી કે વિદ્યાર્થી આવા શબ્દો પસંદ કરીને મોકલી શકે છે.
ડાયસ્પોરા સાહિત્યનો ચહેરો સામે આવ્યો છે અને સાહિત્યકાર તે વડે કશુંક નૂતન અંકે કરી લેવાનો પ્રયાસ કરે છે. હમણાં હમણાં પરદેશમાં વસતા ગુજરાતીઓનો ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ માટેનો પ્રેમ વધુ ઉત્કટ રૂપે પ્રગટ થતો રહ્યો છે તે આનંદની વાત છે. આપણે ઇચ્છીએ કે પરદેશમાં વસતાં
ગુજરાતી કુટુંબો પોતાની રીતે ગુજરાતી ભાષાને સજીવ રાખે અને નવી પેઢીને આ ભાષાને ‘ગુજ઼ગ્લિશ’ની રીતે નહીં, પણ શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગ કરવાની તાલીમ આપે.
અક્ષરના યાત્રી
૧૪૪
73
ગુજરાતી સાહિત્યે હવે ટેક્નૉલોજીના યુગમાં પ્રવેશવું પડશે. આધુનિક શોધખોળોનો લાભ લઈને દુર્લભ હસ્તપ્રતો કે જૂનાં સામયિકો કાલગ્રસ્ત થાય તે પહેલાં બચાવી લેવાં જોઈએ. ગુજરાતી કાવ્યસંગ્રહ સાથે એની સીડી પણ મળવી જોઈએ. સર્જકોના અવાજ અને એમના કાર્યને દૃશ્ય-શ્રાવ્ય માધ્યમમાં જાળવવા માટે હજી ઘણું કરવાનું બાકી છે. જૂના મૂલ્યવાન ગ્રંથોને સીડીમાં ઉતારીને જાળવી રાખવા જોઈએ. વેબસાઇટ અને ઇન્ટરનેટ દ્વારા અદ્યતન સાહિત્યિક સામગ્રી અને પ્રવૃત્તિથી વાચક વાકેફ રહી શકે. કૉન્ફરન્સ દ્વારા અમેરિકામાં વસતો કવિ લંડન અને અમદાવાદમાં પોતાની કાવ્યરચના સંભળાવીને એની વિવેચના તત્કાળ મેળવી શકે. ટેક્નૉલૉજીના સંદર્ભમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિદેશસ્થિત હસ્તપ્રતોનું ડિજિટલાઇઝેશન પણ જોવું જોઈએ. લંડનમાં આવેલી બ્રિટિશ લાઇબ્રેરીમાંથી મધ્યકાલીન ગુજરાતીની મૂલ્યવાન હસ્તપ્રતો પ્રાપ્ત થઈ છે. ‘વસંતવિલાસ’ની સૌથી જૂની પ્રત આજે આપણી પાસે નથી. દેશમાં આવેલા જ્ઞાનભંડારોનું સૂચીકરણ થાય છે. એ જ રીતે અત્યારે ઇંગ્લૅન્ડમાં ભંડારોનું કામ ચાલે છે. વિદેશ ગયેલી આપણી સાંસ્કૃતિક વિરાસત મેળવવાનો આ એક પ્રયાસ છે.
અન્ય ભારતીય ભાષાઓમાંથી ગુજરાતી સાહિત્યે ઘણું મેળવ્યું છે. પણ ગુજરાતી સાહિત્યમાંથી કેટલી કૃતિઓ અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ હશે ? વર્તમાન સમયમાં ભારતીય ભાષાઓમાંથી અને વિદેશી સાહિત્યમાંથી
કેટલાય અનુવાદ થાય છે. આ અનુવાદની પ્રવૃત્તિ અંગે ગંભીરતાપૂર્વક વિચારવું
જોઈએ.
અનુવાદનું મહત્ત્વ ઓછું આંકવાની જરૂર નથી. ગુજરાત પર રવીન્દ્રનાથ ટાગોર અને શરદબાબુનો કેટલો મોટો પ્રભાવ છે ! એ જ રીતે મીર, ગાલિબ અને બીજા ઉર્દૂ કવિઓએ ગુજરાતને કેટલું બધું આપ્યું છે ! ગ્યુઇથે, તૉસ્તૉય, ચેખાવ, દોસ્તોયેવસ્કી, મૉલિયર, સાર્વ, કામુ, બ્રેખ્ત અને બૅકેટનો ભારતીય સાહિત્ય પર કેટલો બધો પ્રભાવ છે ? કોઈ એક ભાષા પર નહીં, ભારતની ઘણી ભાષાઓ પર તેઓનો પ્રભાવ જોવા મળે છે. કૉલરિજ, આર્નોલ્ડ, એલિયટ અને આઈ. એ. રિચાર્ડ્ઝ જેવા વિવેચકોએ ઘણું આપ્યું છે. આથી અનુવાદનું ઘણું મહત્ત્વ રહેવાનું જ છે.
અન્ય ભારતીય ભાષાના સાહિત્યમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ થતા રહ્યા છે, તેનાથી એકંદરે લાભ જ થયો છે. ગુજરાતી સાહિત્ય વિશ્વસાહિત્યના સંપર્કમાં કદાચ બીજી ભાષાઓ કરતાં કદાચ વધારે નિકટ રીતે આવી શક્યું, તેનું એક કારણ કદાચ આ અનુવાદપ્રવૃત્તિ ગણાય. વળી આપણે અનુવાદ કર્યા, પણ અનુકરણ કર્યું
સંવેદના, સહૃદયતા અને સજ્જતા
૧૪૫