Book Title: Aksharni Yatra
Author(s): Nalini Desai
Publisher: Kusum Prakashan

View full book text
Previous | Next

Page 83
________________ શ્રી ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક એનાયત થયા બાદ આપેલું વ" તવ્ય પરિશિષ્ટ : ૨ મારી નિસબત આખું આકાશ આંખમાં ભરી લેવાની પહેલેથી જ ઝંખના રહેતી. આકાશમાં એકાદ વાદળને અહીંતહીં ભ્રમણ કરતું નીરખતો, પરંતુ એનાથી ક્યારેય ધરવ થતો નહીં. મનમાં એક જ ઇચ્છા રહેતી અને તે આકાશનું ઊંડાણ અને એનો વ્યાપ પામવાની. પ્રકૃતિમાં જે પસંદ એ જ પ્રવૃત્તિમાં પસંદ. એક ક્ષેત્રની સીમાઓમાં બંધાઈ રહેવાને બદલે ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ઘૂમવાનું ગમે અને એ રીતે ‘વ્યાપ ’નો મનભર, વિચારસમૃદ્ધ અનુભવ થાય. સદ્ભાગ્યે આકાશસમગ્રને આંખમાં ભરી લેવાની એક દૃષ્ટિ મળી અને તે છે મૂલ્ય સાથેની નિસબત. સંકીર્ણતાનો ત્યાગ કરીને વ્યાપક ભૂમિકા પર વિચાર કરવાની વૃત્તિ જાગી અને એની સાથે મૂલ્યને કેન્દ્રમાં રાખીને જીવનના આચાર-વિચાર ઘડાય એવી પ્રતીતિ થઈ. મૂલ્ય સાથેની નિસબતે જીવન અને સાહિત્ય વચ્ચેની દીવાલ દૂર કરી. જીવનની નિસબત એ જ સાહિત્યની નિસબત બની ગઈ. આ મૂલ્ય-દૃષ્ટિએ આકાશમાં કેટલાંય મેઘધનુષો રચ્યાં. પ્રવૃત્તિઓના કેટલાય આનંદરંગો રેલાવ્યા અને એથી જ આફ્રિકાના નાટ્યકાર સોયેન્કા કે ઑસ્ટિન બુકેન્યાની સાથેસાથે સચિનના ડ્રાઇવ અને રોનાલ્ડોના ગોલ માણવાની મજા માણી. ઉપનિષદ, ગીતા અને જૈનદર્શનોનું સારતત્ત્વ પામવાનો આનંદ મળ્યો. વર્તમાન સમયમાં શ્રીમદ્ રાજચંદ્રની મહાત્મા ગાંધીની વિચારધારા પર અસર કરનારી જીવનકથા ગમી ગઈ. શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓના અધ્યાપન ઉપરાંત એમની જીવનશૈલીનો વિચાર કરતો થયો. અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા મૂંગે મોંએ ઘસાઈને ઊજળા થવાનો આનંદ આવ્યો. અારના યાત્રી ૧૫૦ 76 પિતાશ્રી લેખક હોવાથી સાહિત્ય અને સાહિત્યકારોની વચ્ચે બાળપણ વીત્યું. ઝવેરચંદ મેઘાણી રાણપુરમાં વસતા હતા મારા મામાના ઘરની સાવ નજીકમાં. એમનો ‘કાં ભાઈ’નો લહેકો આજેય કાનમાં ગુંજે છે. ‘ધૂમકેતુ’ આવે ત્યારે ખિસ્સામાં ચૉકલેટ હોય જ. ઘરમાં બેસતાં પહેલાં અમને - બાળકોને - બોલાવીને ચૉકલેટ આપે. ગુણવંતરાય આચાર્યની ટુચકા અને ઓઠા સાથે વાતને મલાવીને હલકભેર કહેવાની રીત ગમે. દુલેરાય કારાણી જુસ્સાભેર કચ્છની વીર કથા કહે, તો કાગ બાપુ ભાવ-તરબોળ થઈ જવાય તેમ રામાયણનું રહસ્ય ખોલી આપે. કનુ દેસાઈ, ધીરુભાઈ ઠાકર, ચંદ્ર ત્રિવેદી, ગુર્જરના મુરબ્બી ગોવિંદભાઈ અને શંભુભાઈ જેવા સહુને મળવાનું બનતું. આ કલાજીવીઓના મેળાપની વિશેષતા એ કે એમાં ક્યાંય કોઈની ટીકા કે દ્વેષ ન મળે. માત્ર મસ્તી રેલાતી હોય. પરસ્પર માટેનો હૃદયનો પ્રેમ પ્રગટતો જાય. પરિણામે ઉદાર, પ્રેમાળ અને ઝિંદાદિલ હોય એ જ સાહિત્યકાર હોય એવી મનમાં ગાંઠ બંધાઈ ગઈ. સૌથી વધુ પ્રભાવ પં. સુખલાલજીનો અનુભવ્યો. શાસ્ત્રોનો અભ્યાસ, સત્યપ્રાપ્તિની તીવ્ર ઇચ્છા, શારીરિક મર્યાદાને ઓળંગતું આંતરિક ખમીર એ બધું સાથેલાગુ જોવા મળ્યું. ઘરમાં રોજ સવારે પિતાશ્રીનું લેખન કાર્ય ચાલે. અક્ષર સુંદર, પેનને બદલે કલમ વાપરે. મને મનમાં થતું કે હું પણ કંઈક લખું. એ સમયે બાળસાપ્તાહિક ‘ઝગમગ’ની જાહોજલાલી હતી. ‘ગુજરાત સમાચાર' કરતાં પણ એની વધુ નકલ પ્રકાશિત થતી. એમાં વાર્તા મોકલી. ‘જયભિખ્ખુ’ના પુત્ર હોવાને કારણે એ પ્રકાશિત થાય તે તો ગમે નહીં. ‘જયભિખ્ખુ’નું મૂળ નામ બાલાભાઈ હતું. કદાચ બાલાભાઈ નામ લખવાથી તંત્રીને ખ્યાલ આવી જાય તો ? તેથી કુ. બા. દેસાઈના નામે વાર્તા મોકલી. વાર્તા સ્વીકારાઈ. મનમાં થયું કે આની બે-ત્રણ નકલ વધુ લઈ આવું, જેથી મિત્રોને બતાવી શકાય. એ નકલ લેવા સાપ્તાહિકના કાર્યાલય પર ગયો ત્યારે એના તંત્રી મળ્યા. એમણે જ્યારે જાણ્યું કે ગુજરાતના સિદ્ધહસ્ત લેખક ‘જયભિખ્ખુ’નો હું પુત્ર છું તો તે જાણીને આનંદ થયો. મને બેસાડ્યો અને નિયમિત રૂપે કૉલમ લખવા કહ્યું. નવમા ધોરણની એ વાત હશે. ત્યારથી લેખનનો પ્રારંભ થયો. આથી કૉલમ લખવાનો મહાવરો એવો કે અર્ધો-પોણા કલાકમાં કૉલમ લખાઈ જાય. ઘણી વ્યક્તિ એકાદ કૉલમ લખતી હોય તો એના બોજ હેઠળ દબાઈ જતી હોય છે. આવો બોજ મને કદી લાગ્યો નથી. આખું આકાશ પામવાની એ મૂલ્ય-દૃષ્ટિએ જોયું કે માનવીના જીવનમાં સૌથી મોટો ધર્મ હોય તો તે માનવતા છે અને સૌથી મોટું કાર્ય હોય તો તે માનવકલ્યાણ મારી નિસબત ૧૫૧

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88