Page #1
--------------------------------------------------------------------------
________________ 11 મુનિસમાગમ રાજા-હે મુનિરાજ ! આજે હું આપનાં દર્શન કરીને કૃતાર્થ થયો છું. એક વાર મારું અબઘડીએ બનેલું, તેમજ અગાઉ બનેલું સાંભળવા યોગ્ય ચરિત્ર સાંભળી લઈને પછી મને આપના પવિત્ર જૈનધર્મનો સત્વગુણી ઉપદેશ કરો. આટલું બોલ્યા પછી તે બંધ રહ્યો. મુનિ-હે રાજા ! ધર્મને લગતું તારું ચરિત્ર હોય તો ભલે આનંદ સહિત કહી બતાવ. રાજા-(મનમાં) અહો ! આ મહા મુનિરાજે હું રાજા છું એમ ક્યાંથી જાણું ! હશે. એ વાત પછી. હમણાં તો પરણે તેને જ ગાઉં. (પ્રસિદ્ધ) હે ભગવન! મેં એક પછી એક એમ અનેક ધર્મો અવલોકન કર્યા. પરંતુ તે પ્રત્યેક ધર્મમાંથી મારી કેટલાંક કારણોથી આસ્થા ઊઠી ગઈ. હું જ્યારે દરેક ધર્મ ગ્રહણ કરતો ત્યારે તેમાં ગુણ વિચારીને, પરંતુ પાછળથી કોણ જાણે શુંય થાય કે જામેલી આસક્તિ એકદમ નાશ થઈ જાય. જો કે આમ થવાનાં કેટલાંક કારણો પણ હતાં. એક મારી મનોવૃત્તિ એવી જ હતી એમ નહોતું. કોઈ ધર્મમાં ધર્મગુરૂઓનું ધૂર્તપણું દેખીને તે ધર્મ છોડીને મેં બીજો સ્વીકૃત કર્યો. વળી તેમાં કોઈ વ્યભિચાર જેવી છીટ દેખીને તે મુકી દઈને ત્રીજો ગ્રહણ કર્યો. વળી તેમાં હિંસાયુકત સિદ્ધાંતો દેખવાથી તે તજી દઈને ચોથો ગ્રહણ કર્યો. વળી તે તજી દેવાની કોઈ કારણથી ફરજ પડવાથી તે મૂકીને પાંચમો ધર્મ ગ્રહણ કર્યો. એમ અનેક ધર્મ જૈનધર્મ સિવાયના લીધા અને મૂક્યા. જૈનધર્મનો એકલો વૈરાગ્ય જ દેખીને મૂળથી તે ધર્મ પર મને ભાવ ચોંટ્યો જ નહોતો. ઘણા ધર્મની લેમેલમાં મેં છેવટે આવો સિદ્ધાંત નક્કી કર્યો કે બધા ય ધર્મ મિથ્યા છે. ધર્માચાર્યોએ જેને જેમ રુચ્યું તેમ પોતાની રુચિ માફક પાખંડી જાળો પાથરી છે. બાકી કશુંયે નથી. જો ધર્મ પાળવાનો સૃષ્ટિનો સ્વાભાવિક નિયમ હોત તો આખી સૃષ્ટિમાં એક જ ધર્મ કાં ન હોત ? આવા આવા તરંગોથી હું કેવળ નાસ્તિક થઈ ગયો. સંસારીશૃંગાર એ જ મેં તો મોક્ષ ઠરાવ્યું. પાપ નથી, પુણ્ય નથી, ધર્મ નથી, કર્મ નથી, સ્વર્ગ નથી, નરક નથી, એ સઘળાં પાખંડો છે. જન્મ પામવાનું કારણ માત્ર સ્ત્રી-પુરુષનો સંયોગ છે, અને જરેલું વસ્ત્ર જેમ કાળે કરીને નાશ પામે છે તેમ આ કાયા હળવે હળવે ઘસાઈ છેવટે જીવનરહિત થઈ જઈ નાશ પામે છે. બાકી સઘળું મિથ્યા છે. આવું મારા અંતઃકરણમાં દ્રઢ થવાથી મને જેમ રુચ્યું, મને કેમ ગમ્યું અને મને જેમ પાલવ્યું તેમ વર્તવા માંડ્યું. અનીતિનાં આચરણ કરવા માંડ્યાં. રાંકડી રૈયતને પીડવામાં કોઈ પણ પ્રકારની કચાશ મેં રાખી નહીં. શિયળવંતી સુંદરીઓનાં શિયળભંગ કરાવીને મેં આકરા કેર બોલાવી દેવામાં કોઈ પણ પ્રકારની ખામી રાખી નહીં. સજ્જનોને દંડવામાં, સંતોને રિબાવવામાં અને દુર્જનોને સુખ દેવામાં મેં એટલાં પાપ કર્યો છે કે કોઇ પણ પ્રકારની ન્યૂનતા રાખી નથી. હું ધારું છું કે મેં એટલાં પાપ કર્યા છે કે એ પાપનો એક પ્રબળ પર્વત બાંધ્યો હોય તો તે મેરુથી પણ સવાયો થાય ! આ સઘળું થવાનું કારણ માત્ર લુચ્ચા ધર્માચાર્યો હતો. આવી ને આવી ચંડાળમતિ મારી હમણાં સુધી રહી. માત્ર અદ્ભુત કૌતુક બન્યું કે જેથી મને શુદ્ધ આસ્તિકતા આવી ગઈ. હવે એ કૌતુક હું આપની સમક્ષ નિવેદન કરું છું - હું ઉજ્જયની નગરીનો અધિપતિ છું. મારું નામ ચંદ્રસિંહ છે. ખાસ દયાળુઓનાં દિલ દુભાવવાને માટે હું પ્રબળ દળ લઈને આજે શિકારને માટે ચઢયો હતો. એક રંક હરણની પાછળ ધાતાં હું સૈન્યથી વિખૂટો પડ્યો. અને
Page #2
--------------------------------------------------------------------------
________________ આ તરફ તે હરણની પાછળ અશ્વ દોડાવતો દોડાવતો નીકળી પડ્યો. પોતાનો જાન બચાવવાને માટે કોને ખાએશ ન હોય ? અને તેમ કરવા માટે એ બિચારા હરણે દોડવામાં કશીયે કચાશ રાખી નથી. પરંતુ એ બિચારાની પાછળ આ પાપી પ્રાણીએ પોતાનો જુલમ ગુજારવા માટે અશ્વ દોડાવી તેની નજદીકમાં આવવા કંઈ ઓછી તદબીર કરી નથી. છેવટે આ બાગમાં તે હરણને પેસતું દેખી કમાન ઉપર બાણ ચડાવી મેં છોડી મૂક્યું. આ વખતે મારા પાપી અંતઃકરણમાં લેશમાત્ર પણ દયાદેવીનો છાંટો નહોતો. આખી દુનિયાના ઢીમર અને ચંડાળનો સરદાર તે હું જ હોઉં એવું મારું કાળજું ફ્રરાવેશમાં ઝોકાં ખાતું હતું. મેં તાકીને મારેલું તીર વ્યર્થ જવાથી મને બેવડો પાપાવેશ ઊપજ્યો. તેથી મેં મારા ઘોડાને પગની પાની મારીને આ તરફ ખૂબ દોડાવ્યો. દોડાવતાં દોડાવતાં જેવો આ સામી દેખાતી ઝાડીના ઘાડા મધ્યભાગમાં આવ્યો તેવો જ ઘોડો ઠોકર ખાઈને લથડ્યો. લથડ્યા ભેળો તે ભડકી ગયો. અને ભડકી ગયા ભેળો તે ઊભો થઈ રહ્યો. જેવો ઘોડો લથડ્યો હતો તેવો જ મારો એક પગ એક બાજુના પાગડા ઉપર અને બીજો પગ નીચે ભોંયથી એક વેંતને છેટે લટકી રહ્યો હતો. મ્યાનમાંથી તકતકતી તલવાર પણ નીસરી પડી હતી. આથી કરીને જો હું ઘોડા ઉપર ચડવા જાઉં તો તે તીખી તલવાર મને ગળાઢુંકડી થવામાં પળ પણ ઢીલ કરે તેમ નહોતું જ. અને નીચે જ્યાં દ્રષ્ટિ કરી જોઉં છું ત્યાં એક કાળો તેમ જ ભયંકર નાગ પડેલો દીઠો. મારા જેવા પાપીનો પ્રાણ લેવાને કાજે જ અવતરેલો તે કાળો નાગ જોઈને મારું કાળજું કંપી ગયું. મારા અંગેઅંગ થરથર ધ્રુજવા મંડ્યાં. મારી છાતી ધબકવા લાગી. મારી જિંદગી હવે ટૂંકી થશે ! રે હવે ટૂંકી થશે ! આવો ધ્રાસકો મને લાગ્યો. હે ભગવન અગાઉ દર્શાવ્યા પ્રમાણે તે વખતે હું નીચે ઊતરી શકું તેમ નહોતો અને ઘોડા ઉપર પણ ચઢી શકું તેમ નહોતો. હવે કોઈક તદબીર એ જ કારણથી શોધવામાં હું ગૂંથાયો. પરંતુ નિરર્થક ! કેવળ ફોકટ અને વેઠ !! હળવેથી કરી આઘો ખસી જઈ રસ્તે પડું એમ વિચાર ઉઠાવીને હું જ્યાં સામી દ્રષ્ટિ કરું છું તો ત્યાં એક વિકરાળ સિંહરાજને પડેલો દીઠો. રે હવે તો હું શિયાળાની ટાઢથી પણ સોગણો પૂજવા મંડી ગયો. વળી પાછો વિચારમાં પડી ગયો. ‘ખસકીને પાછો વળું તો કેમ ?' એમ લાગ્યું, ત્યાં તો તે તરફમાં ઘોડાની પીઠ પર રહેલી નાગી પોણા ભાગની તલવાર દીઠી. એટલે અહીં આગળ હવે મારા વિચાર તો પૂર્ણ થઈ રહ્યા. જ્યાં જોઉં ત્યાં મોત. પછી વિચાર શું કામ આવે ? ચારે દિશાએ પોતે પોતાનો જબરજસ્ત પહેરો બેસાડી મૂક્યો. હે મહા મુનિરાજ ! આવો ચમત્કારિક પરંતુ ભયંકર દેખાવ જોઈને મને મારા જીવનની શંકા થઈ પડી. મારો વહાલો જીવ કે હું જેથી કરીને આખા બ્રહ્માંડના રાજ્યની તુલ્ય વૈભવ ભોગવું છું તે હવે આ નરદેહ તજીને ચાલ્યો જશે !! રે ચાલ્યો જશે !! અરે ! અત્યારે મારી શી વિપરીત ગતિ થઈ પડી ! મારા જેવા પાપીને આમ જ છાજે. લે પાપી જીવ ! તું જ તારાં કર્તવ્ય ભોગવ.. તેં અનેકનાં કાળજાં બાળ્યાં છે. તે અનેક રંક પ્રાણીઓને દમ્યાં છે, તે અનેક સંતોને સંતાપ્યા છે. તે અનેક સતી સુંદરીઓનાં શિયળભંગ કર્યા છે. અનેક મનુષ્યોને અન્યાયથી દંડ્યા છે. ટૂંકામાં તે કોઈ પણ પ્રકારના પાપની કચાશ રાખી નથી. માટે રે પાપી જીવ ! હવે તું જ તારાં ફળ ભોગવ. તું તને જેમ ફાવે તેમ વર્તતો; અને તેની સાથે મદમાં આંધળો થઈને આમ પણ માનતો કે હું શું દુઃખી થવાનો હતો ? મને શું કષ્ટો પડવાનાં હતાં ? પણ રે પાપી પ્રાણ ! હવે જોઈ લે. તું એ તારા મિથ્યા મદનું ફળ ભોગવી લે. પાપનું ફળ તું
Page #3
--------------------------------------------------------------------------
________________ માનતો હતો કે છે જ નહીં. પરંતુ જોઈ લે, અત્યારે આ શું ? એમ હું પશ્ચાત્તાપમાં પડી ગયો. અરે ! હાય ! હું હવે નહીં જ બચું ? એ વિટંબના મને થઈ પડી. આ વખતે મારા પાપી અંતઃકરણમાં એમ આવ્યું કે જો અત્યારે મને કોઈક આવીને એકદમ બચાવે તો કેવું માંગલિક થાય ! એ પ્રાણદાતા અબઘડી જે માગે તે આપવા હું બંધાઉં. મારું આખા માળવા દેશનું રાજ્ય તે માગે તો આપતાં ઢીલ ન કરું. અને એટલું બધુંયે આપતાં એ માગે તો મારી એક હજાર નવયૌવન રાણીઓ આપી દઉં. એ માગે તો મારી અઢળક રાજ્યલક્ષ્મી એના પદકમળમાં ધરું. અને એટલું બધુંયે આપતાં છતાં જો એ કહેતો હોય તો હું એનો જિંદગીપર્યંત કિંકરનો કિંકર થઈને રહું. પરંતુ મને આ વખતે કોણ જીવનદાન આપે ? આવા આવા તરંગમાં ઝોકાં ખાતો ખાતો હું તમારા પવિત્ર જૈનધર્મમાં ઊતરી પડ્યો. એના કથનનું મને આ વખતે ભાન થયું. એના પવિત્ર સિદ્ધાંતો આ વખતે મારા અંતઃકરણમાં અસરકારક રીતે ઊતરી ગયા. અને તેણે તેનું ખરેખરું મનન કરવા માંડ્યું, કે જેથી આ આપની સમક્ષ આવવાને આ પાપી પ્રાણી પામ્યો. 1 અભયદાનઃ - એ સર્વોત્કૃષ્ટ દાન છે. એના જેવું એક્કે દાન નથી. આ સિદ્ધાંત પ્રથમ મારા અંતઃકરણે મનન કરવા માંડ્યો. અહો ! આ એનો સિદ્ધાંત કેવો નિર્મળ અને પવિત્ર છે ! કોઈ પણ પ્રાણીભૂતને પીડવામાં મહાપાપ છે. એ વાત મને હાડોહાડ ઊતરી ગઇ-ગઇ તે પાછી હજાર જન્માંતરે પણ ન ચસકે તેવી ! આમ વિચાર પણ આવ્યો કે કદાપિ પુનર્જન્મ નહીં હોય એમ ઘડીભર માનીએ તોપણ કરેલી હિંસાનું કિંચિત ફળ પણ આ જન્મમાં મળે છે. ખરું જ. નહીં તો આવી તારી વિપરીત દશા ક્યાંથી હોત ? તને હમેશાં શિકારનો પાપી શોખ લાગ્યો હતો, અને એ જ માટે થઈને તે આજે ચાહી ચાહીને દયાળુઓનાં દિલ દુભાવવાને આ તદબીર કરી હતી. તો હવે આ તેનું ફળ તને મળ્યું. તું હવે કેવળ પાપી મોતના પંજામાં પડ્યો. તારામાં કેવળ હિંસામતિ ન હોત તો આવો વખત તને મળત કેમ ? ન જ મળત. કેવળ આ તારી નીચ મનોવૃત્તિનું ફળ છે. હે પાપી આત્મા ! હવે તું અહીંથી એટલે આ દેહથી મુક્ત થઈ ગમે ત્યાં જા, તોપણ એ દયાને જ પાળજે. હવે તારે અને આ કાયાને જુદા પડવામાં શું ઢીલ રહી છે? માટે એ સત્ય, પવિત્ર અને અહિંસાયુક્ત જૈનધર્મના જેટલા સિદ્ધાંતો તારાથી મનન થઈ શકે તેટલા કર અને તારા જીવની શાંતિ ઇચ્છ. એના સઘળા સિદ્ધાંતો જ્ઞાનદ્રષ્ટિએ અવલોકતાં અને સૂક્ષ્મ બુદ્ધિએ વિચારતાં ખરા જ છે. જેમ અભયદાન સંબંધીનો તેનો અનુપમ સિદ્ધાંત આ વખતે તને તારા આ અનુભવથી ખરો લાગ્યો તેમ તેના બીજા સિદ્ધાંતો પણ સૂક્ષ્મતાથી મનન કરતાં ખરા જ લાગશે. એમાં કાંઈ ન્યૂનાધિક નથી જ. સઘળા ધર્મમાં દયા સંબંધી થોડો થોડો બોધ છે ખરોપરંતુ એમાં તો જૈન તે જૈન જ છે. હરકોઈ પ્રકારે પણ ઝીણામાં ઝીણા જંતુઓનો બચાવ કરવો, તેને કોઈ પણ પ્રકારે દુઃખ ન આપવું એવા જૈનના પ્રબળ અને પવિત્ર સિદ્ધાંતોથી બીજો કયો ધર્મ વધારે સાચો હતો ! તેં એક પછી એક એમ અનેક ધર્મો લીધા મૂકયા, પરંતુ તારે હાથ જૈનધર્મ આવ્યો જ નહીં. રે! ક્યાંથી આવે ? તારા અઢળક પૂણ્યના ઉદય સિવાય કયાંથી આવે ? એ ધર્મ તો ગંદો છે. નહીં નહીં મ્લેચ્છ જેવો છે. એ ધર્મને તે કોણ
Page #4
--------------------------------------------------------------------------
________________ ગ્રહણ કરે ? આમ ગણીને જ તે તે ધર્મ તરફ દ્રષ્ટિ સરખી પણ ન કરી. અરે ! તું દ્રષ્ટિ શું કરી શકે ? તારા અનેક ભવના તપને લીધે તું રાજા થયો. તો હવે નરકમાં જતો કેમ અટકે? ‘તપેશ્વરી તે રાજેશ્વરી અને રાજેશ્વરી તે નરકેશ્વરી” આ કહેવત તને તે ધર્મ હાથ લાગવાથી ખોટી ઠરત, અને તું નરકે જતો અટકત. હે મૂઢાત્મા ! આ સઘળા વિચારો હવે તને રહી રહીને સૂઝે છે. પણ હવે એ સૂઝયું શું કામ આવે ? કંઈયે નહીં. પ્રથમથી જ સૂઝયું હોત તો આ દશા ક્યાંથી હોત ? થનારું થયું. પરંતુ હવે તારા અંતઃકરણમાં દ્રઢ કર કે એ જ ધર્મ ખરો છે. એ જ ધર્મ પવિત્ર છે. અને હવે એના બીજા સિદ્ધાંતો અવલોકન કર. 2. તપઃ - એ વિષય સંબંધી પણ એણે જે ઉપદેશ આપ્યો છે તે અનુપમ છે. અને તપના મહાન યોગથી હું માળવા દેશનું રાજ્ય પામ્યો છું એમ કહેવાય છે. તે પણ ખરું જ છે. મનગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ એ ત્રણ એણે તપનાં પેટાં પાડ્યાં છે. તે પણ ખરાં છે. આમ કરવાથી ઊપજતા સઘળા વિકારો શાંત થતા થતા કાળે કરીને લય થઈ જાય છે. તેથી કરીને બંધાતી કર્મચાળ અટકી પડે છે. વૈરાગ્ય સહિત ધર્મ પણ પાળી શકાય છે. અને અંતે એ મહાન સુખપ્રદ નીવડે છે. જો ! એનો આ સિદ્ધાંત પણ કેવો ઉત્કૃષ્ટ છે ! 3. ભાવઃ - ભાવ વિષે એણે કેવો ઉપદેશ આપ્યો છે ! એ પણ ખરો જ છે. ભાવ વિના ધર્મ કેમ ફળીભૂત થાય ? ભાવ વિના ધર્મ હોય જ ક્યાંથી ? ભાવ એ તો ધર્મનું જીવન છે. જ્યાં સુધી ભાવ ન હોય ત્યાં સુધી કઈ વસ્તુ ભલી લાગત તેમ હતું ? ભાવ વિના ધર્મ પાળી શકાતો નથી. ત્યારે ધર્મ પાળ્યા વિના મુક્તિ કયાંથી હોય ? એ સિદ્ધાંત પણ એનો ખરો અને અનુપમ છે. 4 બ્રહ્મચર્ય - અહો ! બ્રહ્મચર્ય સંબંધીનો એનો સિદ્ધાંત પણ ક્યાં ઓછો છે ? સઘળા મહા વિકારોમાં કામવિકાર એ અગ્રેસર છે. તેને દમન કરવો એ મહા દુર્ઘટ છે. એને દહન કરવાથી ફળ પણ મહા શાંતિકારક હોય, એમાં અતિશયોક્તિ શી ? કશીયે નહીં. દુઃસાધ્ય વિષયને સાધ્ય કરવો એ દુર્ધટ છે જ તો ! આ સિદ્ધાંત પણ એનો કેવો ઉપદેશજનક છે ! 5 સંસારત્યાગઃ - સાધુ થવાનો એનો ઉપદેશ કેટલાક વ્યર્થ ગણે છે. પરંતુ એ તેમની કેવળ મૂર્ખતા છે. તેઓ એવો મત દર્શાવે છે કે ત્યારે સ્ત્રીપુરુષનું જોડું ઉત્પન્ન થવાની શી અગત્ય હતી ? પરંતુ એ એમની ભ્રમણા છે. આખી સૃષ્ટિ કંઇ મોક્ષે જવાની નથી. આવું જૈનનું એક વચન મેં સાંભળ્યું હતું. તે પ્રમાણે થોડા જ મોક્ષવાસી થઈ શકે, એવું મારી ટૂંક નજરમાં આવે છે. ત્યારે સંસાર પણ થોડા જ ત્યાગી શકે છે. એ ક્યાં છાનું છે? સંસારત્યાગ કર્યા વિના મુક્તિ ક્યાંથી હોય ? સ્ત્રીના શૃંગારમાં લુબ્ધ થઈ જવાથી કેટલા બધા વિષયમાં લુબ્ધાઈ જવું પડે છે.
Page #5
--------------------------------------------------------------------------
________________ સંતાન ઉત્પન્ન થાય છે. તેમને પાળવાં-પોષવાં અને મોટાં કરવાં પડે છે. મારું તારું કરવું પડે છે. ઉદરભરણાદિ માટે તરખડથી વ્યાપારાદિમાં કપટ વેતરવાં પડે છે. મનુષ્યોને ઠગવાં, અને સોળ પંચ્યાં વ્યાસી અને બે મૂક્યા છૂટના આવા પ્રપંચો લગાવવા પડે છે. અરે ! એવી તો અનેક જંજાળોમાં જોડાવું પડે છે. ત્યારે એવા પ્રપંચમાંથી તે મુક્તિ સાધ્ય કોણ કરી શકવાનો હતો ? અને જન્મ, જરા, મરણનાં દુઃખો ક્યાંથી ટાળવાનો હતો ? પ્રપંચમાં રહેવું એ જ બંધન છે. માટે આ ઉપદેશ પણ એનો મહાન મંગલદાયક છે. 6. સુદેવભક્તિઃ - આ પણ એનો સિદ્ધાંત કંઈ જેવો તેવો નથી. જે કેવળ સંસારથી વિરક્ત થઈ, સત્ય ધર્મ પાળી અખંડ મુક્તિમાં બિરાજમાન થયા છે તેની ભક્તિ કાં સુખપ્રદ ન થાય ? એમની ભક્તિના સ્વાભાવિક ગુણ આપણે શિરથી ભવબંધનનાં દુઃખ ઉડાડી દે, એ કાંઈ સંશયાત્મક નથી. એ અખંડ પરમાત્માઓ કાંઈ રાગ કે દ્વેષવાળા નથી, પરંતુ પરમ ભક્તિનું એ સ્વતઃ ફળ છે. અગ્નિનો સ્વભાવ જેમ ઉષ્ણતાનો છે તેમ એ તો રાગદ્વેષરહિત છે. પરંતુ તેની ભક્તિ ન્યાયમતે ગુણદાયક છે. બાકી તો જે ભગવાન જન્મ, જરા તથા મરણનાં દુઃખમાં ડૂબકાં માર્યા કરે તે શું તારી શકે? પથ્થર પથ્થરને કેમ તારે ? માટે એનો આ ઉપદેશ પણ દ્રઢ હૃદયથી માન્ય કરવા યોગ્ય છે. 7. નિઃસ્વાર્થી ગુરુ - જેને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી તેવા ગુરૂ ધારણ કરવા જોઈએ, એ વાત કેવળ એની ખરી જ છે. જેટલો સ્વાર્થ હોય તેટલો ધર્મ અને વૈરાગ્ય ઓછો હોય છે. સઘળા ધર્મમાં ધર્મગુરૂઓનો મેં સ્વાર્થ દીઠો, પરંતુ તે એક જૈન સિવાય ! ઉપાશ્રયમાં આવતી વેળા ચપટી ચોખા કે પસલી જાર લાવવાનો પણ એણે બોધ બાંધ્યો નથી અને એવી જ રીતે કોઈ પણ પ્રકારનું તેણે સ્વાર્થપણું ચલાવ્યું નથી. ત્યારે એવા ધર્મગુરૂઓના આશ્રયથી મુક્તિ શા માટે ન મળે ? મળે જ. આ એનો ઉપદેશ મહા શ્રેયસ્કર છે. નાવ પથ્થરને તારે છે તેમ સદગુરૂ પોતાના શિષ્યને તારી શકે-ઉપદેશીને-તેમાં ખોટું શું ? 8. કર્મઃ - સુખ અને દુઃખ, જન્મ અને મરણ આદિ સઘળું કર્મને આધીન રહેલું છે. જેવાં, જીવ અનાદિ કાળથી કર્મો કર્યો આવે છે તેવાં ફળો પામતો જાય છે. આ ઉપદેશ પણ અનુપમ જ છે. કેટલાક કહે છે કે ભગવાન તે અપરાધની ક્ષમા કરે તો તે થઈ શકે છે. પરંતુ ના. એ એમની ભૂલ છે. આથી તે પરમાત્મા પણ રાગદ્વેષવાળો ઠરે છે. અને આથી પાલવે તેમ વર્તવાનું કાળે કરીને બને છે. એમ એ સઘળા દોષનું કારણ પરમેશ્વર બને છે. ત્યારે આ વાત સત્ય કેમ કહેવાય ? જૈનીનો સિદ્ધાંત કર્માનુસાર ફળનો છે તે જ સત્ય છે. આવો જ મત તેના તીર્થકરોએ પણ દર્શિત કર્યો છે. એમણે પોતાની પ્રશંસા ઇચ્છી નથી. અને જો ઇચ્છે તો તે માનવાળા ઠરે. માટે એણે સત્ય પ્રરૂપ્યું છે. કીર્તિને બહાને ધર્મવૃદ્ધિ કરી નથી. તેમ જ તેમણે કોઇ પણ પ્રકારે પોતાનો સ્વાર્થ ગબડાવ્યો પણ નથી. કર્મ સઘળાને નડે છે. મને પણ કરેલાં કર્મ મૂકતાં નથી. અને તે
Page #6
--------------------------------------------------------------------------
________________ ભોગવવાં પડે છે. આવાં વિમળ વચનો ભગવાન શ્રી વર્ધમાને કહ્યાં છે. અને તે વર્ણનને આકારે પાછાં દ્રષ્ટાંતથી મજબૂત કર્યા છે. ઋષભદેવજી ભગવાનને ભરતેશ્વરે પૂછ્યું કે હે ભગવાન ! હવે આપણા વંશમાં કોઈ તીર્થકર થશે ? ત્યારે આદિ તીર્થકર ભગવાને કહ્યું કે હા, આ બહાર બેઠેલા ત્રિદંડી ચોવીસમા તીર્થંકર વર્તમાન ચોવીસીમાં થશે. આ સાંભળી ભરતેશ્વરજી આનંદ પામ્યા. અને ત્યાંથી વિનયયુક્ત અભિવંદન કરીને ઊડ્યા. બહાર આવીને ત્રિદંડીને વંદન કર્યું ત્યારે સૂચવ્યું કે હમણાંનું તારું પરાક્રમ જોઈને હું કંઈ વંદન કરતો નથી, પરંતુ તું વર્તમાન ચોવીસીમાં છેલ્લો તીર્થકર ભગવાન વર્ધમાનને નામે થવાનો છે તે પરાક્રમને લીધે વંદન કરું છું. આ સાંભળી ત્રિદંડીજીનું મન પ્રફુલ્લિત થયું. અને અહંપદ આવી ગયું કે હું તીર્થકર થાઉં તેમાં શી આશ્ચર્યતા ? મારો દાદો કોણ છે ? આદ્ય તીર્થકર શ્રી ઋષભદેવજી. મારો પિતા કોણ છે ? છ ખંડના રાજાધિરાજ ચક્રવર્તી ભરતેશ્વર. મારું કુળ કયું છે ? ઇસ્વાકુ. ત્યારે હું તીર્થકર થાઉં એમાં શું ? આમ અભિમાનના આવેશમાં હસ્યા, રમ્યા અને કૂદકા માર્યા, જેથી સત્તાવીશ શ્રેષ્ઠ, નષ્ટ ભવ બાંધ્યા. અને એ ભવ ભોગવ્યા પછી વર્તમાન ચોવીસીના છેલ્લા તીર્થકર ભગવાન મહાવીર સ્વામી થયા. જો એમણે કીતિ કે સ્વાર્થ ખાતર ધર્મ પ્રવર્તાવ્યો હોત તો એ વાત તે પ્રગટ પણ કરત ? પરંતુ એનો સ્વાર્થ વગરનો ધર્મ તેથી ખરું કહેતાં કેમ અટકે ? જો ભાઈ! મને પણ કર્મ મૂકતાં નથી. તો તમને કેમ મૂકશે ? માટે કર્મવાળો આ પણ તેનો સિદ્ધાંત ખરો છે. જો એમનો સ્વાર્થી અને કીતિને બહાને ભુલાવવાનો ધર્મ હોત તો એ વાત એ પ્રદર્શિત પણ કરત ? જેનો સ્વાર્થ હોય તે તો આવી વાત કેવળ ભોંયમાં જ ભંડારે. અને દેખાડે છે, નહીં, નહીં મને કર્મ નડતાં નથી. હું સઘળાનો જેમ ચાહું તેમ કરી શકી તારણહાર છું. આવો ભપકો ભભકાવત. પરંતુ ભગવાન વર્ધમાન જેવા નિઃસ્વાર્થી અને સત્યાળુને પોતાની જૂઠી પ્રશંસા કહેવા-કરવાનું છાજે જ કેમ ? એવા નિર્વિકારી પરમાત્મા તે જ ખરું બોધે. માટે આ પણ એનો સિદ્ધાંત કોઈ પણ પ્રકારે શંકા કરવા યોગ્ય નથી. 9. સમ્યગદ્રષ્ટિનોઃસમ્યદ્રષ્ટિ એટલે ભલી દ્રષ્ટિ. અપક્ષપાતે સારાસારે વિચારવું. તેનું નામ વિવેકદ્રષ્ટિ અને વિવેકદ્રષ્ટિ એટલે સમ્યુઝષ્ટિ. આ એમનું બોલવું તાદ્રશ ખરું જ છે. વિવેકદ્રષ્ટિ વિના ખરું ક્યાંથી સૂઝે ? અને ખરું સૂઝયા વિના ખરું ગ્રહણ પણ ક્યાંથી થાય ? માટે સઘળા પ્રકારે સમ્યગદ્રષ્ટિનો ઉપયોગ કરવો જોઈએ. આ પણ એનું સૂચવન શું ઓછું શ્રેયસ્કર છે ? અહિંસા સહિત આ નવે સિદ્ધાંત હે પાપી આત્મા ! ઘણે સ્થળે જૈન મુનીશ્વરોને ઉપદેશતાં તેં સાંભળ્યા હતા, પરંતુ તે વખતે તને ક્યાં ભલી દ્રષ્ટિ જ હતી ? એ એના નવે સિદ્ધાંતો કેવા નિર્મળ છે? એમાં તલભાર વધારો કે જવભાર ઘટાડો નથી. કિંચિત એના ધર્મમાં મીનમેખ નથી. એમાં જેટલું કહ્યું છે તેટલું ખરું જ છે. મન વચન અને કાયાનું દમન કરી આત્માની શાંતિ ઇચ્છો. એ જ એનું સ્થળે સ્થળે બોધવું છે. એના પ્રત્યેક સિદ્ધાંતો સૃષ્ટિનિયમને સ્વાભાવિક રીતે અનુસરતા છે. એણે શિયળ સંબંધી જે ઉપદેશ આપ્યો છે, તે કેવો અસરબંધ છે? એક પત્નીવ્રત પુરુષોએ, અને એક પતિવ્રત સ્ત્રીઓએ તો (સંસાર ન તજી શકાય, અને કામ દહન ન થઈ શકે તો) પાળવું જ. આમાં ઉભયપક્ષે કેટલું ફળ છે ! એક તો મુક્તિમાર્ગ અને બીજો સંસારમાર્ગ,
Page #7
--------------------------------------------------------------------------
________________ એ બન્નેમાં એથી લાભ છે. આજે સંસારનો લાભ એકલો તો જો. એક પત્નીવ્રત (સ્ત્રીને પતિવ્રત) પાળતાં પ્રત્યક્ષમાં પણ તેમની સુમનઃ કામના ધાર્યા પ્રમાણે પાર પડે છે. કીર્તિકર અને શરીરે પણ આરોગ્યપ્રદ છે. આ પણ સંસારી લાભ. પરસ્ત્રીગામી કલંકિત થાય છે. ચાંદી, પ્રમેહ અને ક્ષય આદિ રોગ સહન કરવા પડે છે. અને બીજાં અનેક દુરાચરણો વળગે છે. આ સઘળું સંસારમાં પણ દુઃખકારક છે. તો તે મુક્તિમાર્ગમાં શા માટે દુઃખપ્રદ ન હોય ? જો, કોઈને પોતાની પુનિત સ્ત્રીથી તેવો રોગ થયો સાંભળ્યો છે? માટે એના સિદ્ધાંતો બન્ને પક્ષે શ્રેયસ્કર છે. સાચું તો સઘળે સારું જ હોય ને ? ઊનું પાણી પીવા સંબંધીનો એનો ઉપદેશ સઘળાઓને છે અને છેવટ જે તેમ વર્તી ન શકે તેણે પણ ગાળ્યા વગર તો પાણી ન જ પીવું. આ સિદ્ધાંત બન્ને પક્ષે લાભદાયક છે. પરંતુ હે દુરાત્મા ! તું માત્ર સંસારપક્ષ જ (તારી ટૂંક નજર છે તો) જો. એક તો રોગ થવાનો થોડો જ સંભવ રહે. અણગળ પાણી પીવાથી કેટલી કેટલી જાતના રોગોની ઉત્પન્નતા છે. વાળા, કોગળિયાં આદિ અનેક જાતના રોગોની ઉત્પત્તિ એથી જ છે. જ્યારે અહીં આગળ પવિત્ર રીતે લાભકારક છે, ત્યારે મુક્તિમતમાં શા માટે ન હોય ? આ નવે સિદ્ધાંતોમાં કેટલું બધું તત્ત્વ રહ્યું છે ! એક સિદ્ધાંત છે તે એક ઝવેરાતની સેર છે. તેવી નવ સિદ્ધાંતથી બનેલી આ નવસરી માળા જે અંતઃકરણરૂપી કોટમાં પહેરે તે શા માટે દિવ્ય સુખનો ભોક્તા ન થાય ? ખરો અને નિઃસ્વાર્થ ધર્મ તો આ એક જ છે. હે દુરાત્મા ! આ કાળો નાગ હવે પાસું ફેરવી તારા પર તાકી રહેવા તૈયાર થયો છે. માટે તું હવે તે ધર્મના ‘નવકાર સ્તોત્રને સંભાર. અને હવે પછીના જન્મમાં પણ એ જ ધર્મ માગ. આવું જ્યાં મારું મન થઈ ગયું અને “નમો અરિહંતાણં" એ શબ્દ મુખથી કહું છું ત્યાં બીજું કૌતુક થયું. જે ભયંકર નાગ મારો પ્રાણ લેવા માટે પાસું ફેરવતો હતો તે કાળો નાગ ત્યાંથી હળવેથી ખસી જઈ રાફડા તરફ જતો જણાયો. એના મનથી જ એવી ઇચ્છા ઊપજી કે હું હળવે હળવે ખસકી જઉં, નહીં તો આ બીચારો પામર પ્રાણી હવે ભયમાં જ કાળધર્મ પામી જશે. એમ વિચારીને તે ખસકીને આઘો જતો રહ્યો. આઘો જતો તે બોલ્યો કે હે રાજકુમાર ! તારો જીવ લેવાને હું એક પળની પણ ઢીલ કરું તેમ નહોતો, પરંતુ તને શુદ્ધ વૈરાગ્ય તથા જૈનધર્મમાં ઊતરેલો દેખીને મારું કાળજું હળવે હળવે પીગળતું ગયું. તે એવું તો કોમળ થઈ ગયું કે હદ ! આ સઘળું થવાનું કારણ માત્ર જૈનધર્મ જ. તારા અંતઃકરણમાં જ્યારે તે ધર્મના તરંગો ઊઠતા હતા ત્યારે મારા મનમાં તે જ ધર્મના તરંગથી તને ન મારવો આમ ઊગી નીકળ્યું હતું. જેમ હળવે હળવે તે ધર્મની તને અસર વધતી ગઈ તેમ તેમ મારી સુમનોવૃત્તિ તારા તરફ થતી ગઈ. છેવટે તે જ્યારે “નમો અરિહંતાણં” આટલું કહ્યું ત્યારે મારું અંગ મેં તને પૂરો જૈનાસ્તિક થયેલો જોઈને ખેસવ્યું. માટે તું મન, વચન અને કાયાથી તે ધર્મ પાળજે. જૈનધર્મના પ્રતાપથી જ માન કે હું અત્યારે તને જીવતો જવા દઉં છું. એ ધર્મ તો એ ધર્મ જ છે. રે ! મને મનુષ્યજન્મ મળ્યો નથી. નહીં તો એ ધર્મનું એવું તો સેવન કરત કે બસ ! પરંતુ જેવો મારો કર્મપ્રભાવ. તોપણ મારાથી જેમ બનશે તેમ હું એ ધર્મનું શુદ્ધ આચરણ કરીશ. હે રાજકુમાર ! હવે તું હેઠો પગ આનંદથી મૂકી, તારી તલવાર મ્યાનમાં નાંખ. જિનશાસનના શૃંગાર તિલકરૂપ મહા મુનીશ્વર અહીં આગળના સામાં સુંદર બાગમાં બિરાજે છે. માટે તું ત્યાં જા. તેઓના મુખકમળનો પવિત્ર ઉપદેશ શ્રવણ કરીને તારો માનવજન્મ કૃતાર્થ કર. હે મહા મુનિરાજ ! મણિધરનાં આવાં વચન સાંભળીને હું તો દિંગ થઈ ગયો. શો જૈનધર્મનો પ્રતાપ ! હું મોતના પંજામાંથી છટકી ચૂક્યો. ત્યારે હું દિંગ થઈ ગયો તો ખરો, પરંતુ તે આશ્ચર્યતાની સાથે અહો ! જીવનદાન આપનાર તો
Page #8
--------------------------------------------------------------------------
________________ એ જ જૈનધર્મ છે. આ વખતે મારા આનંદનો કશો પાર રહ્યો નહીં. મારું શરીર જ જાણે આખું હર્ષનું બંધાયું હોય તેવું થઈ ગયું, અને તરત જ તે દયા લાવનાર નાગદેવને હું પ્રણામ કરી અને તલવાર મ્યાન કરી બીજે રસ્તે થઈ આપના પવિત્ર દર્શન કરવા માટે આ તરફ વળ્યો. હવે મને તે ધર્મની ખરી સૂક્ષ્મતાનો બોધ કરો. એક નવકાર મંત્રના પ્રતાપથી હં જીવનદાન પામ્યો તો એ આખો ધર્મ પાળતાં શું ન થઈ શકે ? હે ભગવાન ! હવે મને તે નવસરી માળાનો અનુપમ ઉપદેશ બોધો. (શાર્દૂલવિક્રીડિત વૃત્ત) પામ્યા મોદ મુનિ સુણી મન વિષે, વૃત્તાંત રાજા તણો, પાછું નિજ ચરિત્ર તે વરણવ્યું, ઉત્સાહ રાખી ઘણો; થાશે ત્યાં મન ભૂપને દ્રઢ દયા, ને બોધ જારી થશે, ત્રીજો ખંડ ખચીત માન સુખદા, આ મોક્ષમાળા વિષે. (અપૂર્ણ)