________________ સંતાન ઉત્પન્ન થાય છે. તેમને પાળવાં-પોષવાં અને મોટાં કરવાં પડે છે. મારું તારું કરવું પડે છે. ઉદરભરણાદિ માટે તરખડથી વ્યાપારાદિમાં કપટ વેતરવાં પડે છે. મનુષ્યોને ઠગવાં, અને સોળ પંચ્યાં વ્યાસી અને બે મૂક્યા છૂટના આવા પ્રપંચો લગાવવા પડે છે. અરે ! એવી તો અનેક જંજાળોમાં જોડાવું પડે છે. ત્યારે એવા પ્રપંચમાંથી તે મુક્તિ સાધ્ય કોણ કરી શકવાનો હતો ? અને જન્મ, જરા, મરણનાં દુઃખો ક્યાંથી ટાળવાનો હતો ? પ્રપંચમાં રહેવું એ જ બંધન છે. માટે આ ઉપદેશ પણ એનો મહાન મંગલદાયક છે. 6. સુદેવભક્તિઃ - આ પણ એનો સિદ્ધાંત કંઈ જેવો તેવો નથી. જે કેવળ સંસારથી વિરક્ત થઈ, સત્ય ધર્મ પાળી અખંડ મુક્તિમાં બિરાજમાન થયા છે તેની ભક્તિ કાં સુખપ્રદ ન થાય ? એમની ભક્તિના સ્વાભાવિક ગુણ આપણે શિરથી ભવબંધનનાં દુઃખ ઉડાડી દે, એ કાંઈ સંશયાત્મક નથી. એ અખંડ પરમાત્માઓ કાંઈ રાગ કે દ્વેષવાળા નથી, પરંતુ પરમ ભક્તિનું એ સ્વતઃ ફળ છે. અગ્નિનો સ્વભાવ જેમ ઉષ્ણતાનો છે તેમ એ તો રાગદ્વેષરહિત છે. પરંતુ તેની ભક્તિ ન્યાયમતે ગુણદાયક છે. બાકી તો જે ભગવાન જન્મ, જરા તથા મરણનાં દુઃખમાં ડૂબકાં માર્યા કરે તે શું તારી શકે? પથ્થર પથ્થરને કેમ તારે ? માટે એનો આ ઉપદેશ પણ દ્રઢ હૃદયથી માન્ય કરવા યોગ્ય છે. 7. નિઃસ્વાર્થી ગુરુ - જેને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી તેવા ગુરૂ ધારણ કરવા જોઈએ, એ વાત કેવળ એની ખરી જ છે. જેટલો સ્વાર્થ હોય તેટલો ધર્મ અને વૈરાગ્ય ઓછો હોય છે. સઘળા ધર્મમાં ધર્મગુરૂઓનો મેં સ્વાર્થ દીઠો, પરંતુ તે એક જૈન સિવાય ! ઉપાશ્રયમાં આવતી વેળા ચપટી ચોખા કે પસલી જાર લાવવાનો પણ એણે બોધ બાંધ્યો નથી અને એવી જ રીતે કોઈ પણ પ્રકારનું તેણે સ્વાર્થપણું ચલાવ્યું નથી. ત્યારે એવા ધર્મગુરૂઓના આશ્રયથી મુક્તિ શા માટે ન મળે ? મળે જ. આ એનો ઉપદેશ મહા શ્રેયસ્કર છે. નાવ પથ્થરને તારે છે તેમ સદગુરૂ પોતાના શિષ્યને તારી શકે-ઉપદેશીને-તેમાં ખોટું શું ? 8. કર્મઃ - સુખ અને દુઃખ, જન્મ અને મરણ આદિ સઘળું કર્મને આધીન રહેલું છે. જેવાં, જીવ અનાદિ કાળથી કર્મો કર્યો આવે છે તેવાં ફળો પામતો જાય છે. આ ઉપદેશ પણ અનુપમ જ છે. કેટલાક કહે છે કે ભગવાન તે અપરાધની ક્ષમા કરે તો તે થઈ શકે છે. પરંતુ ના. એ એમની ભૂલ છે. આથી તે પરમાત્મા પણ રાગદ્વેષવાળો ઠરે છે. અને આથી પાલવે તેમ વર્તવાનું કાળે કરીને બને છે. એમ એ સઘળા દોષનું કારણ પરમેશ્વર બને છે. ત્યારે આ વાત સત્ય કેમ કહેવાય ? જૈનીનો સિદ્ધાંત કર્માનુસાર ફળનો છે તે જ સત્ય છે. આવો જ મત તેના તીર્થકરોએ પણ દર્શિત કર્યો છે. એમણે પોતાની પ્રશંસા ઇચ્છી નથી. અને જો ઇચ્છે તો તે માનવાળા ઠરે. માટે એણે સત્ય પ્રરૂપ્યું છે. કીર્તિને બહાને ધર્મવૃદ્ધિ કરી નથી. તેમ જ તેમણે કોઇ પણ પ્રકારે પોતાનો સ્વાર્થ ગબડાવ્યો પણ નથી. કર્મ સઘળાને નડે છે. મને પણ કરેલાં કર્મ મૂકતાં નથી. અને તે