________________ આ તરફ તે હરણની પાછળ અશ્વ દોડાવતો દોડાવતો નીકળી પડ્યો. પોતાનો જાન બચાવવાને માટે કોને ખાએશ ન હોય ? અને તેમ કરવા માટે એ બિચારા હરણે દોડવામાં કશીયે કચાશ રાખી નથી. પરંતુ એ બિચારાની પાછળ આ પાપી પ્રાણીએ પોતાનો જુલમ ગુજારવા માટે અશ્વ દોડાવી તેની નજદીકમાં આવવા કંઈ ઓછી તદબીર કરી નથી. છેવટે આ બાગમાં તે હરણને પેસતું દેખી કમાન ઉપર બાણ ચડાવી મેં છોડી મૂક્યું. આ વખતે મારા પાપી અંતઃકરણમાં લેશમાત્ર પણ દયાદેવીનો છાંટો નહોતો. આખી દુનિયાના ઢીમર અને ચંડાળનો સરદાર તે હું જ હોઉં એવું મારું કાળજું ફ્રરાવેશમાં ઝોકાં ખાતું હતું. મેં તાકીને મારેલું તીર વ્યર્થ જવાથી મને બેવડો પાપાવેશ ઊપજ્યો. તેથી મેં મારા ઘોડાને પગની પાની મારીને આ તરફ ખૂબ દોડાવ્યો. દોડાવતાં દોડાવતાં જેવો આ સામી દેખાતી ઝાડીના ઘાડા મધ્યભાગમાં આવ્યો તેવો જ ઘોડો ઠોકર ખાઈને લથડ્યો. લથડ્યા ભેળો તે ભડકી ગયો. અને ભડકી ગયા ભેળો તે ઊભો થઈ રહ્યો. જેવો ઘોડો લથડ્યો હતો તેવો જ મારો એક પગ એક બાજુના પાગડા ઉપર અને બીજો પગ નીચે ભોંયથી એક વેંતને છેટે લટકી રહ્યો હતો. મ્યાનમાંથી તકતકતી તલવાર પણ નીસરી પડી હતી. આથી કરીને જો હું ઘોડા ઉપર ચડવા જાઉં તો તે તીખી તલવાર મને ગળાઢુંકડી થવામાં પળ પણ ઢીલ કરે તેમ નહોતું જ. અને નીચે જ્યાં દ્રષ્ટિ કરી જોઉં છું ત્યાં એક કાળો તેમ જ ભયંકર નાગ પડેલો દીઠો. મારા જેવા પાપીનો પ્રાણ લેવાને કાજે જ અવતરેલો તે કાળો નાગ જોઈને મારું કાળજું કંપી ગયું. મારા અંગેઅંગ થરથર ધ્રુજવા મંડ્યાં. મારી છાતી ધબકવા લાગી. મારી જિંદગી હવે ટૂંકી થશે ! રે હવે ટૂંકી થશે ! આવો ધ્રાસકો મને લાગ્યો. હે ભગવન અગાઉ દર્શાવ્યા પ્રમાણે તે વખતે હું નીચે ઊતરી શકું તેમ નહોતો અને ઘોડા ઉપર પણ ચઢી શકું તેમ નહોતો. હવે કોઈક તદબીર એ જ કારણથી શોધવામાં હું ગૂંથાયો. પરંતુ નિરર્થક ! કેવળ ફોકટ અને વેઠ !! હળવેથી કરી આઘો ખસી જઈ રસ્તે પડું એમ વિચાર ઉઠાવીને હું જ્યાં સામી દ્રષ્ટિ કરું છું તો ત્યાં એક વિકરાળ સિંહરાજને પડેલો દીઠો. રે હવે તો હું શિયાળાની ટાઢથી પણ સોગણો પૂજવા મંડી ગયો. વળી પાછો વિચારમાં પડી ગયો. ‘ખસકીને પાછો વળું તો કેમ ?' એમ લાગ્યું, ત્યાં તો તે તરફમાં ઘોડાની પીઠ પર રહેલી નાગી પોણા ભાગની તલવાર દીઠી. એટલે અહીં આગળ હવે મારા વિચાર તો પૂર્ણ થઈ રહ્યા. જ્યાં જોઉં ત્યાં મોત. પછી વિચાર શું કામ આવે ? ચારે દિશાએ પોતે પોતાનો જબરજસ્ત પહેરો બેસાડી મૂક્યો. હે મહા મુનિરાજ ! આવો ચમત્કારિક પરંતુ ભયંકર દેખાવ જોઈને મને મારા જીવનની શંકા થઈ પડી. મારો વહાલો જીવ કે હું જેથી કરીને આખા બ્રહ્માંડના રાજ્યની તુલ્ય વૈભવ ભોગવું છું તે હવે આ નરદેહ તજીને ચાલ્યો જશે !! રે ચાલ્યો જશે !! અરે ! અત્યારે મારી શી વિપરીત ગતિ થઈ પડી ! મારા જેવા પાપીને આમ જ છાજે. લે પાપી જીવ ! તું જ તારાં કર્તવ્ય ભોગવ.. તેં અનેકનાં કાળજાં બાળ્યાં છે. તે અનેક રંક પ્રાણીઓને દમ્યાં છે, તે અનેક સંતોને સંતાપ્યા છે. તે અનેક સતી સુંદરીઓનાં શિયળભંગ કર્યા છે. અનેક મનુષ્યોને અન્યાયથી દંડ્યા છે. ટૂંકામાં તે કોઈ પણ પ્રકારના પાપની કચાશ રાખી નથી. માટે રે પાપી જીવ ! હવે તું જ તારાં ફળ ભોગવ. તું તને જેમ ફાવે તેમ વર્તતો; અને તેની સાથે મદમાં આંધળો થઈને આમ પણ માનતો કે હું શું દુઃખી થવાનો હતો ? મને શું કષ્ટો પડવાનાં હતાં ? પણ રે પાપી પ્રાણ ! હવે જોઈ લે. તું એ તારા મિથ્યા મદનું ફળ ભોગવી લે. પાપનું ફળ તું