________________ એ બન્નેમાં એથી લાભ છે. આજે સંસારનો લાભ એકલો તો જો. એક પત્નીવ્રત (સ્ત્રીને પતિવ્રત) પાળતાં પ્રત્યક્ષમાં પણ તેમની સુમનઃ કામના ધાર્યા પ્રમાણે પાર પડે છે. કીર્તિકર અને શરીરે પણ આરોગ્યપ્રદ છે. આ પણ સંસારી લાભ. પરસ્ત્રીગામી કલંકિત થાય છે. ચાંદી, પ્રમેહ અને ક્ષય આદિ રોગ સહન કરવા પડે છે. અને બીજાં અનેક દુરાચરણો વળગે છે. આ સઘળું સંસારમાં પણ દુઃખકારક છે. તો તે મુક્તિમાર્ગમાં શા માટે દુઃખપ્રદ ન હોય ? જો, કોઈને પોતાની પુનિત સ્ત્રીથી તેવો રોગ થયો સાંભળ્યો છે? માટે એના સિદ્ધાંતો બન્ને પક્ષે શ્રેયસ્કર છે. સાચું તો સઘળે સારું જ હોય ને ? ઊનું પાણી પીવા સંબંધીનો એનો ઉપદેશ સઘળાઓને છે અને છેવટ જે તેમ વર્તી ન શકે તેણે પણ ગાળ્યા વગર તો પાણી ન જ પીવું. આ સિદ્ધાંત બન્ને પક્ષે લાભદાયક છે. પરંતુ હે દુરાત્મા ! તું માત્ર સંસારપક્ષ જ (તારી ટૂંક નજર છે તો) જો. એક તો રોગ થવાનો થોડો જ સંભવ રહે. અણગળ પાણી પીવાથી કેટલી કેટલી જાતના રોગોની ઉત્પન્નતા છે. વાળા, કોગળિયાં આદિ અનેક જાતના રોગોની ઉત્પત્તિ એથી જ છે. જ્યારે અહીં આગળ પવિત્ર રીતે લાભકારક છે, ત્યારે મુક્તિમતમાં શા માટે ન હોય ? આ નવે સિદ્ધાંતોમાં કેટલું બધું તત્ત્વ રહ્યું છે ! એક સિદ્ધાંત છે તે એક ઝવેરાતની સેર છે. તેવી નવ સિદ્ધાંતથી બનેલી આ નવસરી માળા જે અંતઃકરણરૂપી કોટમાં પહેરે તે શા માટે દિવ્ય સુખનો ભોક્તા ન થાય ? ખરો અને નિઃસ્વાર્થ ધર્મ તો આ એક જ છે. હે દુરાત્મા ! આ કાળો નાગ હવે પાસું ફેરવી તારા પર તાકી રહેવા તૈયાર થયો છે. માટે તું હવે તે ધર્મના ‘નવકાર સ્તોત્રને સંભાર. અને હવે પછીના જન્મમાં પણ એ જ ધર્મ માગ. આવું જ્યાં મારું મન થઈ ગયું અને “નમો અરિહંતાણં" એ શબ્દ મુખથી કહું છું ત્યાં બીજું કૌતુક થયું. જે ભયંકર નાગ મારો પ્રાણ લેવા માટે પાસું ફેરવતો હતો તે કાળો નાગ ત્યાંથી હળવેથી ખસી જઈ રાફડા તરફ જતો જણાયો. એના મનથી જ એવી ઇચ્છા ઊપજી કે હું હળવે હળવે ખસકી જઉં, નહીં તો આ બીચારો પામર પ્રાણી હવે ભયમાં જ કાળધર્મ પામી જશે. એમ વિચારીને તે ખસકીને આઘો જતો રહ્યો. આઘો જતો તે બોલ્યો કે હે રાજકુમાર ! તારો જીવ લેવાને હું એક પળની પણ ઢીલ કરું તેમ નહોતો, પરંતુ તને શુદ્ધ વૈરાગ્ય તથા જૈનધર્મમાં ઊતરેલો દેખીને મારું કાળજું હળવે હળવે પીગળતું ગયું. તે એવું તો કોમળ થઈ ગયું કે હદ ! આ સઘળું થવાનું કારણ માત્ર જૈનધર્મ જ. તારા અંતઃકરણમાં જ્યારે તે ધર્મના તરંગો ઊઠતા હતા ત્યારે મારા મનમાં તે જ ધર્મના તરંગથી તને ન મારવો આમ ઊગી નીકળ્યું હતું. જેમ હળવે હળવે તે ધર્મની તને અસર વધતી ગઈ તેમ તેમ મારી સુમનોવૃત્તિ તારા તરફ થતી ગઈ. છેવટે તે જ્યારે “નમો અરિહંતાણં” આટલું કહ્યું ત્યારે મારું અંગ મેં તને પૂરો જૈનાસ્તિક થયેલો જોઈને ખેસવ્યું. માટે તું મન, વચન અને કાયાથી તે ધર્મ પાળજે. જૈનધર્મના પ્રતાપથી જ માન કે હું અત્યારે તને જીવતો જવા દઉં છું. એ ધર્મ તો એ ધર્મ જ છે. રે ! મને મનુષ્યજન્મ મળ્યો નથી. નહીં તો એ ધર્મનું એવું તો સેવન કરત કે બસ ! પરંતુ જેવો મારો કર્મપ્રભાવ. તોપણ મારાથી જેમ બનશે તેમ હું એ ધર્મનું શુદ્ધ આચરણ કરીશ. હે રાજકુમાર ! હવે તું હેઠો પગ આનંદથી મૂકી, તારી તલવાર મ્યાનમાં નાંખ. જિનશાસનના શૃંગાર તિલકરૂપ મહા મુનીશ્વર અહીં આગળના સામાં સુંદર બાગમાં બિરાજે છે. માટે તું ત્યાં જા. તેઓના મુખકમળનો પવિત્ર ઉપદેશ શ્રવણ કરીને તારો માનવજન્મ કૃતાર્થ કર. હે મહા મુનિરાજ ! મણિધરનાં આવાં વચન સાંભળીને હું તો દિંગ થઈ ગયો. શો જૈનધર્મનો પ્રતાપ ! હું મોતના પંજામાંથી છટકી ચૂક્યો. ત્યારે હું દિંગ થઈ ગયો તો ખરો, પરંતુ તે આશ્ચર્યતાની સાથે અહો ! જીવનદાન આપનાર તો