Page #1
--------------------------------------------------------------------------
________________ પ૩૦ આત્માર્થી ગુણગ્રાહી સત્સંગયોગ્ય ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે, ડરબન મુંબઈ, આસો વદ 6, શનિ, 1950 સપુરુષને નમસ્કાર આત્માર્થી ગુણગ્રાહી સત્સંગયોગ્ય ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે, ડરબન. શ્રી મુંબઈથી લિ૦ જીવન્મુક્તદશાઇચ્છક રાયચંદના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પહોંચે. અત્ર કુશળતા છે. તમારું લખેલું એક પત્ર મને પહોંચ્યું છે. કેટલાંક કારણોથી તેનો ઉત્તર લખવામાં ઢીલ થઈ હતી. પાછળથી તમે આ તરફ તરતમાં આવવાના છો એમ જાણવામાં આવ્યાથી પત્ર લખ્યું નહોતું; પણ હાલ એમ જાણવામાં આવ્યું કે, હમણાં લગભગ એક વર્ષ સુધી સ્થિતિ કરવાનું ત્યાં સંબંધીનું કારણ છે, જેથી મેં આ પત્ર લખ્યું છે. તમારા લખેલા પત્રમાં જે આત્માદિ વિષયપરત્વે પ્રશ્નો છે અને જે પ્રશ્નોના ઉત્તર જાણવાની તમારા ચિત્તમાં વિશેષ આતુરતા છે, તે બન્ને પ્રત્યે મારું અનુમોદન સહજે સહજે છે, પણ એવામાં તમારું તે પત્ર મને મળ્યું તેવામાં તેના ઉત્તર લખી શકાય એવી મારા ચિત્તની સ્થિતિ નહોતી, અને ઘણું કરી તેમ થવાનું કારણ પણ તે પ્રસંગમાં બાહ્યોપાધિ પ્રત્યેનો વૈરાગ્ય વિશેષ પરિણામ પામ્યો હતો તે હતું. અને તેમ હોવાથી તે પત્રના ઉત્તર લખવા જેવા કાર્યમાં પણ પ્રવૃત્તિ થઈ શકે તેમ નહોતું. થોડો વખત જવા દઈ, કંઈ તેવા વૈરાગ્યમાંથી પણ અવકાશ લઈ તમારા પત્રનો ઉત્તર લખીશ એમ વિચાર્યું હતું, પણ પાછળથી તેમ પણ બનવું અશક્ય થયું. તમારા પત્રની પહોંચ પણ મેં લખી નહોતી અને આવા પ્રકારે ઉત્તર લખી મોકલવા પરત્વે ઢીલ થઈ તેથી મારા મનમાં પણ ખેદ થયો હતો, અને જેમાંનો અમુક ભાવ હજુ સુધી વર્તે છે. જે પ્રસંગમાં વિશેષ કરીને ખેદ થયો, તે પ્રસંગમાં એમ સાંભળવામાં આવ્યું કે તમે તરતમાં આ દેશમાં આવવાની ધારણા રાખો છો તેથી કંઈક ચિત્તમાં એમ આવ્યું કે તમને ઉત્તર લખવાની ઢીલ થઈ છે પણ તમારો સમાગમ થવાથી સામી લાભકારક થશે. કેમકે લેખ દ્વારા કેટલાક ઉત્તર સમજાવવા વિકટ હતા; અને પત્ર તરતમાં તમને નહીં મળી શકવાથી તમારા ચિત્તમાં જે આતુરપણું વર્ધમાન થયેલું તે, ઉત્તર તરત સમજી શકવાને સમાગમમાં એક સારું કારણ ગણવા યોગ્ય હતું. હવે પ્રારબ્ધોદયે જ્યારે સમાગમ થાય ત્યારે કંઈ પણ તેવી જ્ઞાનવાર્તા થવાનો પ્રસંગ થાય એવી આકાંક્ષા રાખી સંક્ષેપમાં તમારા પ્રશ્નોના ઉત્તર લખું છું. જે પ્રશ્નોના ઉત્તર વિચારવાને નિરંતર તત્સંબંધી વિચારરૂપ અભ્યાસની આવશ્યકતા છે. તે ઉત્તર સંક્ષેપમાં લખવાનું થયું છે, તેથી કેટલાક સંદેહની નિવૃત્તિ વખતે થવી કઠણ પડશે, તોપણ મારા ચિત્તમાં એમ રહે છે કે, મારા વચન પ્રત્યે કંઈ પણ વિશેષ વિશ્વાસ છે, અને તેથી તમને ધીરજ રહી શકશે, અને પ્રશ્નોનું યથાયોગ્ય 1 મહાત્મા ગાંધીજીએ ડરબન, આફ્રિકાથી પૂછેલ પ્રશ્નોના આ ઉત્તર છે.
Page #2
--------------------------------------------------------------------------
________________ સમાધાન થવાને અનુક્રમે કારણભૂત થશે; એમ મને લાગે છે. તમારા પત્રમાં 27 પ્રશ્નો છે તેના સંક્ષેપે નીચે ઉત્તર લખું છું :1. પ્રશ્ન-(૧) આત્મા શું છે ? (2) તે કંઈ કરે છે ? (3) અને તેને કર્મ નડે છે કે નહીં ? ઉ0- (1) જેમ ઘટપટાદિ જડ વસ્તુઓ છે તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. ઘટપટાદિ અનિત્ય છે, ત્રિકાળ એકસ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવા નથી. આત્મા એકસ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થઈ શકી ન હોય, તે પદાર્થ નિત્ય હોય છે. આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી. કેમકે જડના હજારોગમે સંયોગો કરીએ તોપણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા યોગ્ય છે. જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી, તે ઉત્પન્ન થઈ શકે નહીં, એવો સૌને અનુભવ થઈ શકે એમ છે. જે ઘટપટાદિ પદાર્થો છે તેને વિષે જ્ઞાનસ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોના પરિણામાંતર કરી સંયોગ કર્યો હોય અથવા થયા હોય તોપણ તે તેવી જ જાતિના થાય, અર્થાત્ જડસ્વરૂપ થાય, પણ જ્ઞાનસ્વરૂપ ન થાય. તો પછી તેવા પદાર્થના સંયોગે આત્મા કે જેને જ્ઞાની પુરુષો મુખ્ય જ્ઞાનસ્વરૂપ લક્ષણવાળો કહે છે, તે તેવા (ઘટપટાદિ, પૃથ્વી, જળ, વાયુ, આકાશી પદાર્થથી, ઉત્પન્ન કોઈ રીતે થઈ શકવા યોગ્ય નથી. જ્ઞાનસ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જડનું છે. તે બન્નેના અનાદિ સહજ સ્વભાવ છે. આ તથા બીજાં તેવાં સહસંગમે પ્રમાણો આત્માને નિત્ય પ્રતિપાદન કરી શકે છે. તેમ જ તેનો વિશેષ વિચાર કર્યો સહજસ્વરૂપ નિત્યપણે આત્મા અનુભવવામાં પણ આવે છે. જેથી સુખદુ:ખાદિ ભોગવનાર, તેથી નિવર્તનાર, વિચારનાર, પ્રેરણા કરનાર એ આદિ ભાવો જેના વિદ્યમાનપણાથી અનુભવમાં આવે છે, તે આત્મા મુખ્ય ચેતન (જ્ઞાન) લક્ષણવાળો છે, અને તે ભાવે (સ્થિતિએ) કરી તે સર્વકાળ રહી શકે એવો નિત્ય પદાર્થ છે, એમ માનવામાં કંઈ પણ દોષ કે બાધ જણાતો નથી, પણ સત્યનો સ્વીકાર થયારૂપ ગુણ થાય છે. આ પ્રશ્ન તથા તમારાં બીજાં કેટલાંક પ્રશ્નો એવાં છે કે, જેમાં વિશેષ લખવાનું તથા કહેવાનું અને સમજાવવાનું અવશ્ય છે. તે પ્રશ્ન માટે તેવા સ્વરૂપમાં ઉત્તર લખવાનું બનવું હાલ કઠણ હોવાથી પ્રથમ ‘ષદર્શનસમુચ્ચય’ ગ્રંથ તમને મોકલ્યો હતો કે જે વાંચવા, વિચારવાથી તમને કંઈ પણ અંશે સમાધાન થાય, અને આ પત્રમાં પણ કંઈ વિશેષ અંશે સમાધાન થાય એટલું બની શકે. કેમકે તે સંબંધી અનેક પ્રશ્નો ઊઠવા યોગ્ય છે, જે ફરી ફરી સમાધાન પ્રાપ્ત થવાથી, વિચારવાથી સમાવેશ પામે એવી પ્રાયે સ્થિતિ છે. (2) જ્ઞાનદશામાં, પોતાના સ્વરૂપના યથાર્થબોધથી ઉત્પન્ન થયેલી દશામાં તે આત્મા નિજભાવનો એટલે જ્ઞાન, દર્શન (યથાસ્થિત નિર્ધાર) અને સહજસમાધિપરિણામનો કર્તા છે. અજ્ઞાનદશામાં ક્રોધ, માન, માયા, લોભ એ આદિ પ્રકૃતિનો કર્તા છે, અને તે ભાવનાં ફળનો ભોક્તા થતાં પ્રસંગવશાત ઘટપટાદિ પદાર્થનો નિમિત્તપણે કર્તા છે, અર્થાત ઘટપટાદિ પદાર્થના મૂળ દ્રવ્યનો તે કર્તા નથી, પણ તેને કોઈ આકારમાં લાવવારૂપ ક્રિયાનો કર્તા છે. એ જે પાછળ તેની દશા કહી તેને જૈન કર્મ કહે છે; વેદાંત ભ્રાંતિ કહે છે; તથા
Page #3
--------------------------------------------------------------------------
________________ બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે. વાસ્તવ્ય વિચાર કર્યોથી આત્મા ઘટપટાદિનો તથા ક્રોધાદિનો કર્તા થઈ શકતો નથી, માત્ર નિજસ્વરૂપ એવા જ્ઞાનપરિણામનો જ કર્તા છે, એમ સ્પષ્ટ સમજાય છે. (3) અજ્ઞાનભાવથી કરેલાં કર્મ પ્રારંભકાળે બીજરૂપ હોઈ વખતનો યોગ પામી ફળરૂપ વૃક્ષપરિણામે પરિણમે છે; અર્થાત તે કર્મો આત્માને ભોગવવા પડે છે. જેમ અગ્નિના સ્પર્શે ઉષ્ણપણાનો સંબંધ થાય છે, અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે, તેમ આત્માને ક્રોધાદિ ભાવના કર્તાપણાએ જન્મ, જરા, મરણાદિ વેદનારૂપ પરિણામ થાય છે. આ વિચારમાં તમે વિશેષપણે વિચારશો, અને તે પરત્વે જે કંઈ પ્રશ્ન થાય તે લખશો, કેમકે જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય કર્યું જીવને મોક્ષદશા પ્રાપ્ત થાય છે. 2. પ્ર0- (1) ઈશ્વર શું છે ? (2) તે જગતકર્તા છે એ ખરું છે ? ઉ.)- (1) અમે તમે કર્મબંધમાં વસી રહેલા જીવ છીએ. તે જીવનું સહજસ્વરૂપ, એટલે કર્મરહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. જ્ઞાનાદિ ઐશ્વર્ય જેને વિષે છે, તે ઈશ્વર કહેવા યોગ્ય છે; અને તે ઈશ્વરતા આત્માનું સહજસ્વરૂપ છે. જે સ્વરૂપ કર્મપ્રસંગે જણાતું નથી, પણ તે પ્રસંગ અન્યસ્વરૂપ જાણી, જ્યારે આત્મા ભણી દ્રષ્ટિ થાય છે ત્યારે જ અનુક્રમે સર્વજ્ઞતાદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે; અને તેથી વિશેષ ઐશ્વર્યવાળો કોઈ પદાર્થ સમસ્ત પદાર્થો નીરખતાં પણ અનુભવમાં આવી શકતો નથી, જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે, એથી કોઈ વિશેષ સત્તાવાળો પદાર્થ ઈશ્વર છે એમ નથી, એવા નિશ્ચયમાં મારો અભિપ્રાય છે. (2) તે જગતકર્તા નથી, અર્થાત પરમાણુ, આકાશાદિ પદાર્થ નિત્ય હોવા યોગ્ય છે, તે કોઈ પણ વસ્તુમાંથી બનવા યોગ્ય નથી. કદાપિ એમ ગણીએ કે, તે ઈશ્વરમાંથી બન્યા છે, તો તે વાત પણ યોગ્ય લાગતી નથી, કેમકે ઈશ્વરને જો ચેતનપણે માનીએ. તો તેથી પરમાણ. આકાશ વગેરે ઉત્પન્ન કેમ થઈ શકે ? કેમકે ચેતનથી જડની ઉત્પત્તિ થવી જ સંભવતી નથી. જો ઈશ્વરને જડ સ્વીકારવામાં આવે તો સહેજે તે અનૈશ્વર્યવાન ઠરે છે, તેમ જ તેથી જીવરૂપ ચેતન પદાર્થની ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. જડચેતન ઉભયરૂપ ઈશ્વર ગણીએ, તો પછી જડચેતન ઉભયરૂપ જગત છે તેનું ઈશ્વર એવું બીજું નામ કહી સંતોષ રાખી લેવા જેવું થાય છે; અને જગતનું નામ ઈશ્વર રાખી સંતોષ રાખી લેવો તે કરતાં જગતને જગત કહેવું, એ વિશેષ યોગ્ય છે. કદાપિ પરમાણુ, આકાશાદિ નિત્ય ગણીએ અને ઈશ્વરને કર્માદિનાં ફળ આપનાર ગણીએ તોપણ તે વાત સિદ્ધ જણાતી નથી. એ વિચાર પર “ષટ્રદર્શનસમુચ્ચય'માં સારા પ્રમાણો આપ્યાં છે. 3. પ્ર0- મોક્ષ શું છે ? ઉ૦- જે ક્રોધાદિ અજ્ઞાનભાવમાં, દેહાદિમાં આત્માને પ્રતિબંધ છે તેથી સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી તે મોક્ષપદ જ્ઞાનીઓએ કહ્યું છે. તે સહજ વિચારતાં પ્રમાણભૂત લાગે છે.
Page #4
--------------------------------------------------------------------------
________________ 4. પ્ર0- મોક્ષ મળશે કે નહીં તે ચોક્કસ રીતે આ દેહમાં જ જાણી શકાય ? ઉ૦- એક દોરડીના ઘણા બંધથી હાથ બાંધવામાં આવ્યો હોય, તેમાંથી અનુક્રમે જેમ જેમ બંધ છોડવામાં આવે, તેમ તેમ તે બંધના સંબંધની નિવૃત્તિ અનુભવમાં આવે છે, અને તે દોરડી વળ મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે છે એમ પણ જણાય છે, અનુભવાય છે. તેમ જ અજ્ઞાનભાવના અનેક પરિણામરૂપ બંધનો પ્રસંગ આત્માને છે, તે જેમ જેમ છૂટે છે, તેમ તેમ મોક્ષનો અનુભવ થાય છે; અને તેનું ઘણું જ અલ્પપણું જ્યારે થાય છે ત્યારે, સહજ આત્મામાં નિજભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાનભાવરૂપ બંધથી છૂટી શકવાનો પ્રસંગ છે, એવો સ્પષ્ટ અનુભવ થાય છે. તેમ જ કેવળ અજ્ઞાનાદિ ભાવથી નિવૃત્તિ થઈ કેવળ આત્મભાવ આ જ દેહને વિષે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે, અને સર્વ સંબંધથી કેવળ પોતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે; અર્થાત મોક્ષપદ આ દેહમાં પણ અનુભવમાં આવવા યોગ્ય છે. 5. પ્ર0- એમ વાંચવામાં આવ્યું કે માણસ દેહ છોડી કર્મ પ્રમાણે જનાવરોમાં અવતરે, પથરો પણ થાય, ઝાડ પણ થાય, આ બરાબર છે ? ઉ0- દેહ છોડી ઉપાર્જિત પ્રમાણે જીવની ગતિ થાય છે, તેથી તે તિર્યંચ (જનાવર) પણ થાય છે અને પૃથ્વીકાય એટલે પૃથ્વીરૂપ શરીર ધારણ કરી બાકીની બીજી ચાર ઇંદ્રિયો વિના કર્મ ભોગવવાનો જીવને પ્રસંગ પણ આવે છે; તથાપિ તે કેવળ પથ્થર કે પૃથ્વી થઈ જાય છે, એવું કાંઈ નથી. પથ્થરરૂપ કાયા ધારણ કરે, અને તેમાં પણ અવ્યક્તપણે જીવ જીવપણે જ હોય છે. બીજી ચાર ઇંદ્રિયોનું ત્યાં અવ્યક્ત(અપ્રગટ)પણું હોવાથી પૃથ્વીકાયરૂપ જીવ કહેવા યોગ્ય છે. અનુક્રમે તે કર્મ ભોગવી જીવ નિવૃત્ત થાય છે ત્યારે, ફકત પથ્થરનું દળ પરમાણુરૂપે રહે છે, પણ જીવ તેના સંબંધથી ચાલ્યો જવાથી આહારાદિ સંજ્ઞા તેને હોતી નથી, અર્થાત કેવળ જડ એવો પથ્થર જીવ થાય છે એવું નથી. કર્મના વિષમપણાથી ચાર ઇન્દ્રિયોનો પ્રસંગ અવ્યક્ત થઈ ફકત એક સ્પર્શેન્દ્રિયપણે દેહનો પ્રસંગ જીવને જે કર્મથી થાય છે, તે કર્મ ભોગવતાં તે પૃથ્વી આદિમાં જન્મે છે, પણ કેવળ પૃથ્વીરૂપ કે પથ્થરરૂપ થઈ જતો નથી. જનાવર થતાં કેવળ જનાવર પણ થઈ જતો નથી. દેહ છે તે, જીવને વેષધારીપણું છે, સ્વરૂપપણું નથી. પ્ર૦ 6-7. છઠ્ઠા પ્રશ્નનું પણ આમાં સમાધાન આવ્યું છે. સાતમાં પ્રશ્નનું પણ સમાધાન આવ્યું છે કે, કેવળ પથ્થર કે કેવળ પ્રથ્વી કંઈ કર્મના કર્તા નથી. તેમાં આવીને ઊપજેલો એવો જીવ કર્મનો કર્તા છે, અને તે પણ દૂધ અને પાણીની પેઠે છે. જેમ તે બન્નેનો સંયોગ થતાં પણ દૂધ તે દૂધ છે અને પાણી તે પાણી છે, તેમ એકેન્દ્રિયાદિ કર્મબંધે જીવને પથ્થરપણું, જડપણું જણાય છે, તોપણ તે જીવ અંતર તો જીવપણે જ છે; અને ત્યાં પણ તે આહારભયાદિ સંજ્ઞાપૂર્વક છે, જે અવ્યક્ત જેવી છે. 8. પ્ર0- (1) આર્યધર્મ તે શું ? (2) બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે શું ?
Page #5
--------------------------------------------------------------------------
________________ ઉ0- (1) આર્યધર્મની વ્યાખ્યા કરવામાં સૌ પોતાના પક્ષને આર્યધર્મ કહેવા ઇચ્છે છે. જૈન જૈનને, બૌદ્ધ બૌદ્ધને, વેદાંતી વેદાંતને આર્યધર્મ કહે એમ સાધારણ છે. તથાપિ જ્ઞાની પુરુષો તો જેથી આત્માને નિજસ્વરૂપની પ્રાપ્તિ થાય એવો જે આર્ય (ઉત્તમ) માર્ગ તેને આર્યધર્મ કહે છે, અને એમ જ યોગ્ય છે. બધાની ઉત્પત્તિ વેદમાંથી થવી સંભવતી નથી. વેદમાં જેટલું જ્ઞાન કહ્યું છે તેથી સહસ્રગણા આશયવાળું જ્ઞાન શ્રી તીર્થકરાદિ મહાત્માઓએ કહ્યું છે એમ મારા અનુભવમાં આવે છે, અને તેથી હું એમ જાણું છું કે, અલ્પ વસ્તુમાંથી સંપૂર્ણ વસ્તુ થઈ શકે નહીં, એમ હોવાથી વેદમાંથી સર્વની ઉત્પત્તિ કહેવી ઘટતી નથી. વૈષ્ણવાદિ સંપ્રદાયોની ઉત્પત્તિ તેના આશ્રયથી માનતા અડચણ નથી. જૈન, બૌદ્ધના છેલ્લા મહાવીરાદિ મહાત્માઓ થયા પહેલાં, વેદ હતા એમ જણાય છે; તેમ તે ઘણા પ્રાચીન ગ્રંથ છે એમ પણ જણાય છે, તથાપિ જે કંઈ પ્રાચીન હોય તે જ સંપૂર્ણ હોય કે સત્ય હોય એમ કહી શકાય નહીં, અને પાછળથી ઉત્પન્ન થાય તે અસંપૂર્ણ અને અસત્ય હોય એમ પણ કહી શકાય નહીં. બાકી વેદ જેવો અભિપ્રાય અને જૈન જેવો અભિપ્રાય અનાદિથી ચાલ્યો આવે છે. સર્વ ભાવ અનાદિ છે; માત્ર રૂપાંતર થાય છે. કેવળ ઉત્પત્તિ કે કેવળ નાશ થતો નથી. વેદ, જૈન અને બીજા સૌના અભિપ્રાય અનાદિ છે, એમ માનવામાં અડચણ નથી; ત્યાં પછી વિવાદ શાનો રહે? તથાપિ એ સૌમાં વિશેષ બળવાન, સત્ય અભિપ્રાય કોનો કહેવા યોગ્ય છે, તે વિચારવું તે અમને તમને સૌને યોગ્ય છે. 9. પ્ર0- (1) વેદ કોણે કર્યા ? તે અનાદિ છે? (2) જો અનાદિ હોય તો અનાદિ એટલે શું? ઉ0- (1) ઘણા કાળ પહેલાં વેદ થયા સંભવે છે. (2) પુસ્તકપણે કોઈ પણ શાસ્ત્ર અનાદિ નથી; તેમાં કહેલા અર્થ પ્રમાણે તો સૌ શાસ્ત્ર અનાદિ છે, કેમકે તેવા તેવા અભિપ્રાય જુદા જુદા જીવો જુદે જુદે રૂપે કહેતા આવ્યા છે, અને એમ જ સ્થિતિ સંભવે છે. ક્રોધાદિભાવ પણ અનાદિ છે, અને ક્ષમાદિભાવ પણ અનાદિ છે. હિંસાદિ ધર્મ પણ અનાદિ છે, અને અહિંસાદિધર્મ પણ અનાદિ છે. માત્ર જીવને હિતકારી શું છે ? એટલું વિચારવું કાર્યરૂપ છે. અનાદિ તો બેય છે. પછી ક્યારેક ઓછા પ્રમાણમાં અને ક્યારેક વિશેષ પ્રમાણમાં કોઈનું બળ હોય છે. 10. પ્ર0- ગીતા કોણે બનાવી ? ઈશ્વરકૃત તો નથી ? જો તેમ હોય તો તેનો કાંઈ પુરાવો ? ઉ0- ઉપર આપેલા ઉત્તરોથી કેટલુંક સમાધાન થઈ શકવા યોગ્ય છે કે, ઈશ્વરકૃતનો અર્થ જ્ઞાની (સંપૂર્ણજ્ઞાની) એવો કરવાથી તે ઈશ્વરકૃત થઈ શકે; પણ નિત્ય અક્રિય એવા આકાશની પેઠે વ્યાપક ઈશ્વરને સ્વીકાર્યું તેવા પુસ્તકાદિની ઉત્પત્તિ થવી સંભવે નહીં, કેમકે તે તો સાધારણ કાર્ય છે, કે જેનું કર્તાપણું આરંભ પૂર્વક હોય છે, અનાદિ નથી હોતું. ગીતા વેદવ્યાસજીનું કરેલું પુસ્તક ગણાય છે, અને મહાત્મા શ્રીકૃષ્ણ અર્જુનને તેવો બોધ કર્યો હતો, માટે મુખ્યપણે કર્તા શ્રીકૃષ્ણ કહેવાય છે, જે વાત સંભવિત છે. ગ્રંથ શ્રેષ્ઠ છે, તેવો ભાવાર્થ અનાદિથી ચાલ્યો આવે છે, પણ તે જ શ્લોકો અનાદિથી ચાલ્યા આવે એમ બનવા યોગ્ય નથી; તેમ અક્રિય ઈશ્વરથી પણ તેની ઉત્પત્તિ હોય એમ બનવા યોગ્ય નથી. સક્રિય એટલે કોઈ દેહધારીથી તે ક્રિયા બનવા
Page #6
--------------------------------------------------------------------------
________________ યોગ્ય છે. માટે સંપૂર્ણજ્ઞાની તે ઈશ્વર છે, અને તેનાથી બોધાયેલાં શાસ્ત્રો તે ઈશ્વરીશાસ્ત્ર છે એમ માનવામાં અડચણ નથી. 11. પ્ર0- પશુ આદિના યજ્ઞથી જરાયે પુણ્ય છે ખરું ? ઉ0- પશુના વધથી, હોમથી કે જરાયે તેને દુઃખ આપવાથી પાપ જ છે; તે પછી યજ્ઞમાં કરો. કે ગમે તો ઈશ્વરના ધામમાં બેસીને કરો. પણ યજ્ઞમાં જે દાનાદિ ક્રિયા થાય છે તે, કાંઈક પુણ્યહેતુ છે, તથાપિ હિંસામિશ્રિત હોવાથી તે પણ અનુમોદનયોગ્ય નથી. 12. પ્ર0- જે ધર્મ ઉત્તમ છે, એમ કહો તેનો પુરાવો માગી શકાય ખરો કે ? ઉ૦- પુરાવો માગવામાં ન આવે અને ઉત્તમ છે એમ, વગર પુરાવે પ્રતિપાદન કરવામાં આવે તો તો અર્થ, અનર્થ, ધર્મ, અધર્મ સૌ ઉત્તમ જ ઠરે. પ્રમાણથી જ ઉત્તમ અનુત્તમ જણાય છે. જે ધર્મ સંસાર પરિક્ષીણ કરવામાં સર્વથી ઉત્તમ હોય, અને નિજસ્વભાવમાં સ્થિતિ કરાવવાને બળવાન હોય તે જ ઉત્તમ, અને તે જ બળવાન છે. 13. પ્ર0- ખ્રિસ્તીધર્મ વિષે આપ કાંઈ જાણો છો ? જો જાણતા હો તો આપના વિચાર દર્શાવશો. ઉ0- ખ્રિસ્તીધર્મ વિષે સાધારણપણે હું જાણું છું. ભરતખંડમાં મહાત્માઓએ જેવો ધર્મ શોધ્યો છે, વિચાર્યો છે તેવો ધર્મ બીજા કોઈ દેશથી વિચારાયો નથી, એમ તો એક અલ્પ અભ્યાસે સમજી શકાય તેવું છે. તેમાં (ખ્રિસ્તીધર્મમાં) જીવનું સદા પરવશપણું કહ્યું છે, અને મોક્ષમાં પણ તે દશા તેવી જ રાખી છે. જીવના અનાદિસ્વરૂપનું વિવેચન જેમાં યથાયોગ્ય નથી, કર્મસંબંધી વ્યવસ્થા અને તેની નિવૃત્તિ પણ યથાયોગ્ય કહી નથી, તે ધર્મ વિષે મારો અભિપ્રાય સર્વોત્તમ તે ધર્મ છે, એમ થવાનો સંભવ નથી. ખ્રિસ્તી ધર્મમાં મેં જે ઉપર કહ્યા તેવા પ્રકારનું યથાયોગ્ય સમાધાન દેખાતું નથી. આ વાક્ય મતભેદવશે કહ્યું નથી. વધારે પૂછવા યોગ્ય લાગે તો પૂછશો તો વિશેષ સમાધાન કરવાનું બની શકશે. 14. પ્ર0- તેઓ એમ કહે છે કે બાઈબલ ઈશ્વરપ્રેરિત છે; ઈસુ તે ઈશ્વરનો અવતાર, તેનો દીકરો છે, ને હતો. ઉ0- એ વાત તો શ્રદ્ધાથી માન્યાથી માની શકાય, પણ પ્રમાણથી સિદ્ધ નથી. જેમ ગીતા અને વેદના ઈશ્વરપ્રેરિતપણા માટે ઉપર લખ્યું છે, તેમ જ બાઈબલના સંબંધમાં પણ ગણવું. જે જન્મ મરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર લે તે બનવા યોગ્ય નથી, કેમકે રાગદ્વેષાદિ પરિણામ જ જન્મનો હેતુ છે; તે જેને નથી એવો ઈશ્વર અવતાર ધારણ કરે એ વાત વિચારતાં યથાર્થ લાગતી નથી. ઈશ્વરનો દીકરો છે, ને હતો, તે વાત પણ કોઈ રૂપક તરીકે વિચારીએ તો વખતે બંધ બેસે; નહીં તો પ્રત્યક્ષ પ્રમાણથી બાધા પામતી છે. મુક્ત એવા ઈશ્વરને દીકરો હોય એમ શી રીતે કહેવાય ? અને કહીએ તો તેની ઉત્પત્તિ શી રીતે કહી શકીએ ? બન્નેને અનાદિ માનીએ તો પિતાપુત્રપણું શી રીતે બંધ બેસે ? એ વગેરે વાત વિચારવા યોગ્ય છે. જે વિચારેથી મને એમ લાગે છે કે, એ વાત યથાયોગ્ય નહીં લાગે. 15. પ્ર0- જૂના કરારમાં જે ભવિષ્ય ભાખ્યું છે તે બધું ઈસામાં ખરું પડ્યું છે.
Page #7
--------------------------------------------------------------------------
________________ ઉ૦- એમ હોય તોપણ તેથી તે બન્ને શાસ્ત્ર વિષે વિચાર કરવો ઘટે છે. તેમ જ એવું ભવિષ્ય તે પણ ઈસુને ઈશ્વરાવતાર કહેવામાં બળવાન પ્રમાણ નથી, કેમકે જ્યોતિષાદિકથી પણ મહાત્માની ઉત્પત્તિ જણાવી સંભવે છે. અથવા ભલે કોઈ જ્ઞાનથી તેવી વાત જણાવી હોય પણ તેવા ભવિષ્યવેત્તા સંપૂર્ણ એવા મોક્ષમાર્ગના જાણનાર હતા તે વાત, જ્યાં સુધી યથાસ્થિત પ્રમાણરૂપ ન થાય, ત્યાં સુધી તે ભવિષ્ય વગેરે એક શ્રદ્ધાગ્રાહ્ય પ્રમાણ છે. તેમ બીજાં પ્રમાણોથી તે હાનિ ન પામે એવું ધારણામાં નથી આવી શકતું. 16. પ્ર0- ‘ઈસુ ખ્રિસ્તના ચમત્કાર’ વિષે લખ્યું છે. ઉ0- કેવળ કાયામાંથી જીવ ચાલ્યો ગયો હોય, તે જ જીવ તે જ કાયામાં દાખલ કર્યો હોય, અથવા કોઈ બીજા જીવને તેમાં દાખલ કર્યો હોય, તો તે બની શકે એવું સંભવતું નથી; અને એમ થાય તો પછી કર્માદિની વ્યવસ્થા પણ નિષ્ફળ થાય. બાકી યોગાદિની સિદ્ધિથી કેટલાક ચમત્કાર ઉત્પન્ન થાય છે, અને તેવા કેટલાક ઈસુને હોય તો તેમાં તદ્દન ખોટું છે કે અસંભવિત છે, એમ કહેવાય નહીં; તેવી સિદ્ધિઓ આત્માના ઐશ્વર્ય આગળ અલ્પ છે, આત્માનું ઐશ્વર્ય તેથી અનંતગુણ મહતુ સંભવે છે. આ વિષયમાં સમાગમે પૂછવા યોગ્ય છે. 17. પ્ર0- આગળ ઉપર શો જન્મ થશે તેની આ ભવમાં ખબર પડે ? અથવા અગાઉ શું હતા તેની ? ઉ0- તેમ બની શકે. નિર્મળજ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે. વાદળાં વગેરેનાં ચિહ્નો પરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેનાં પૂર્વકારણ કેવાં હોવાં જોઈએ, તે પણ સમજી શકાય; થોડે અંશે વખતે સમજાય. તેમ જ તે ચેષ્ટા ભવિષ્યમાં કેવું પરિણામ પામશે, તે પણ તેના સ્વરૂપ ઉપરથી જાણી શકાય, અને તેને વિશેષ વિચારતાં કેવો ભવ થવો સંભવે છે, તેમ જ કેવો ભવ હતો, તે પણ વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે. 18, પ્ર0- પડી શકે તો કોને ? ઉ0- આનો ઉત્તર ઉપર આવી ગયો છે. 19. પ્ર0- જે મોક્ષ પામેલાનાં નામ આપો છો તે શા આધાર ઉપરથી ? ઉ0- મને આ પ્રશ્ન ખાસ સંબોધીને પૂછો તો તેના ઉત્તરમાં એમ કહી શકાય કે અત્યંત સંસારદશા પરિક્ષીણ જેની થઈ છે, તેનાં વચનો આવાં હોય, આવી તેની ચેષ્ટા હોય, એ આદિ અંશે પણ પોતાના આત્મામાં અનુભવ થાય છે, અને તેને આશ્રયે તેના મોક્ષપરત્વે કહેવાય; અને ઘણું કરીને તે યથાર્થ હોય એમ માનવાનાં પ્રમાણો પણ શાસ્ત્રાદિથી જાણી શકાય. 20. પ્ર0- બુદ્ધદેવ પણ મોક્ષ નથી પામ્યા એ શા ઉપરથી આપ કહો છો ? ઉ૦- તેના શાસ્ત્રસિદ્ધાંતોને આશ્રયે. જે પ્રમાણે તેમનાં શાસ્ત્રસિદ્ધાંતો છે, તે જ પ્રમાણે જો તેમનો અભિપ્રાય હોય તો તે અભિપ્રાય પૂર્વાપર વિરુદ્ધ પણ દેખાય છે, અને તે લક્ષણ સંપૂર્ણ જ્ઞાનનું નથી.
Page #8
--------------------------------------------------------------------------
________________ સંપૂર્ણ જ્ઞાન જો ન હોય તો સંપૂર્ણ રાગદ્વેષ નાશ પામવા સંભવિત નથી. જ્યાં તેમ હોય ત્યાં સંસારનો સંભવ છે. એટલે કેવળ મોક્ષ તેને હોય એમ કહેવું બની શકે એવું નથી, અને તેમનાં કહેલાં શાસ્ત્રોમાં જે અભિપ્રાય છે તે સિવાય બીજો તેમનો અભિપ્રાય હતો, તે બીજી રીતે જાણવાનું અમને તમને કઠણ પડે તેવું છે; અને તેમ છતાં કહીએ કે બુદ્ધદેવનો અભિપ્રાય બીજો હતો તો તે કારણપૂર્વક કહેવાથી પ્રમાણભૂત ન થાય એમ કાંઈ નથી. 21. પ્ર0- દુનિયાની છેવટ શી સ્થિતિ થશે ? ઉ0- કેવળ મોક્ષરૂપે સર્વ જીવની સ્થિતિ થાય કે કેવળ આ દુનિયાનો નાશ થાય, તેવું બનવું મને પ્રમાણરૂપ લાગતું નથી. આવા ને આવા પ્રવાહમાં તેની સ્થિતિ સંભવે છે. કોઈ ભાવ રૂપાંતર પામી ક્ષીણ થાય, તો કોઈ વર્ધમાન થાય, પણ તે એક ક્ષેત્રે વધે તો બીજે ક્ષેત્રે ઘટે એ આદિ આ સૃષ્ટિની સ્થિતિ છે; તે પરથી અને ઘણા જ ઊંડા વિચારમાં ગયા પછી એમ જણાવું સંભવિત લાગે છે કે, કેવળ આ સૃષ્ટિ નાશ થાય કે પ્રલયરૂપ થાય એ ન બનવા યોગ્ય છે. સૃષ્ટિ એટલે એક આ જ પૃથ્વી એવો અર્થ નથી. 22. પ્રી- આ અનીતિમાંથી સુનીતિ થશે ખરી ? ઉ0- આ પ્રશ્નનો ઉત્તર સાંભળી જે જીવ અનીતિ ઇચ્છે છે તેને તે ઉત્તર ઉપયોગી થાય એમ થવા દેવું યોગ્ય નથી. સર્વ ભાવ અનાદિ છે, નીતિ, અનીતિ; તથાપિ તમે અમે અનીતિ ત્યાગી નીતિ સ્વીકારીએ તો તે સ્વીકારી શકાય એવું છે અને એ જ આત્માને કર્તવ્ય છે, અને સર્વ જીવઆશ્રયી અનીતિ મટી નીતિ સ્થપાય એવું વચન કહી શકાતું નથી, કેમકે એકાંતે તેવી સ્થિતિ થઈ શકવા યોગ્ય નથી. 23. પ્ર0- દુનિયાનો પ્રલય છે ? ઉ0- પ્રલય એટલે જો કેવળ નાશ એવો અર્થ કરવામાં આવે તો તે વાત ઘટતી નથી, કેમકે પદાર્થનો કેવળ નાશ થઈ જવો સંભવતો જ નથી. પ્રલય એટલે સર્વ પદાર્થોનું ઈશ્વરાદિને વિષે લીનપણું તો કોઈના અભિપ્રાયમાં તે વાતનો સ્વીકાર છે, પણ મને તે સંભવિત લાગતું નથી, કેમકે સર્વ પદાર્થ, સર્વ જીવ એવાં સમપરિણામ શી રીતે પામે કે એવો યોગ બને, અને જો તેવાં સમપરિણામનો પ્રસંગ આવે તો પછી ફરી વિષમપણું થવું બને નહીં. અવ્યક્તપણે જીવમાં વિષમપણું હોય અને વ્યક્તપણે સમપણું એ રીતે પ્રલય સ્વીકારીએ તોપણ દેહાદિ સંબંધ વિના વિષમપણું શા આશ્રયે રહે? દેહાદિ સંબંધ માનીએ તો સર્વને એકેન્દ્રિયપણું માનવાનો પ્રસંગ આવે, અને તેમ માનતાં તો વિના કારણે બીજી ગતિઓનો અસ્વીકાર કર્યો ગણાય, અર્થાત ઊંચી ગતિના જીવને તેના પરિણામનો પ્રસંગ મટવા આવ્યો હોય તે પ્રાપ્ત થવાનો પ્રસંગ આવે. એ આદિ ઘણા વિચાર ઉદભવે છે. સર્વ જીવઆશ્રયી પ્રલય સંભવતો નથી. 24. પ્ર0- અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે? ઉ૦- ભક્તિ જ્ઞાનનો હેતુ છે. જ્ઞાન મોક્ષનો હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને અભણ કહ્યો હોય, તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, એવું કંઈ છે નહીં. જીવ માત્ર જ્ઞાનસ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય
Page #9
--------------------------------------------------------------------------
________________ છે. નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મોક્ષ હોય એમ મને લાગતું નથી, અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સર્વ ભાષાજ્ઞાન સમાય એમ કહેવાની પણ જરૂર નથી. ભાષાજ્ઞાન મોક્ષનો હેતુ છે તથા તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય, એવો કાંઈ નિયમ સંભવતો નથી. 25. પ્ર0- (1) કૃષ્ણાવતાર ને રામાવતાર એ ખરી વાત છે ? એમ હોય તો તે શું ? એ સાક્ષાત ઈશ્વર હતા કે તેના અંશ હતા ? (2) તેમને માનીને મોક્ષ ખરો ? ઉ0- (1) બન્ને મહાત્માપુરુષ હતા, એવો તો મને પણ નિશ્ચય છે. આત્મા હોવાથી તેઓ ઈશ્વર હતા. સર્વ આવરણ તેમને મટ્યાં હોય તો તેનો મોક્ષ પણ સર્વથા માનવામાં વિવાદ નથી. ઈશ્વરનો અંશ કોઈ જીવ છે એમ મને લાગતું નથી, કેમકે તેને વિરોધ આપતાં એવાં હજારો પ્રમાણ દ્રષ્ટિમાં આવે છે. ઈશ્વરનો અંશ જીવને માનવાથી બંધ મોક્ષ બધા વ્યર્થ થાય કેમકે ઈશ્વર જ અજ્ઞાનાદિનો કર્તા થયો; અને અજ્ઞાનાદિનો જે કર્તા થાય તેને પછી સહેજે અનૈશ્વર્યપણું પ્રાપ્ત થાય ને ઈશ્વરપણું ખોઈ બેસે, અર્થાત ઊલટું જીવના સ્વામી થવા જતાં ઈશ્વરને નુકસાન ખમવાનો પ્રસંગ આવે તેવું છે. તેમ જીવને ઈશ્વરનો અંશ માન્યા પછી પુરુષાર્થ કરવો યોગ્ય શી રીતે લાગે ? કેમકે તે જાતે તો કંઈ કર્તાહર્તા ઠરી શકે નહીં, એ આદિ વિરોધથી ઈશ્વરના અંશ તરીકે કોઈ જીવને સ્વીકારવાની પણ મારી બુદ્ધિ થતી નથી, તો પછી શ્રીકૃષ્ણ કે રામ જેવા મહાત્માને તેવા યોગમાં ગણવાની બુદ્ધિ કેમ થાય ? તે બન્ને અવ્યક્ત ઈશ્વર હતા એમ માનવામાં અડચણ નથી. તથાપિ તેમને વિષે સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટ્યું હતું કે કેમ તે વાત વિચારવા યોગ્ય છે. (2) તેમને માનીને મોક્ષ ખરો કે ? એનો ઉત્તર સહજ છે. જીવને સર્વ રાગદ્વેષ અજ્ઞાનનો અભાવ અર્થાત તેથી છૂટવું તે મોક્ષ છે. તે જેના ઉપદેશે થઈ શકે તેને માનીને અને તેનું પરમાર્થસ્વરૂપ વિચારીને સ્વાત્માને વિષે પણ તેવી જ નિષ્ઠા થઈ, તે જ મહાત્માના આત્માને આકારે (સ્વરૂપે) પ્રતિષ્ઠાન થાય ત્યારે, મોક્ષ થવો સંભવે છે. બાકી બીજી ઉપાસના કેવળ મોક્ષનો હેતુ નથી; તેના સાધનનો હેતુ થાય છે, તે પણ નિશ્ચય થાય જ એમ કહેવા યોગ્ય નથી. 26. પ્ર0- બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, તે કોણ ? ઉ0- સૃષ્ટિના હેતુરૂપ ત્રણ ગુણ ગણી તે આશ્રયે રૂપ આપ્યું હોય તો તે વાત બંધ બેસી શકે તથા તેવાં બીજાં કારણોથી તે બ્રહ્માદિનું સ્વરૂપ સમજાય છે. પણ પુરાણોમાં જે પ્રકારે તેમનું સ્વરૂપ કહ્યું છે, તે પ્રકારે સ્વરૂપ છે, એમ માનવા વિષેમાં મારું વિશેષ વલણ નથી, કેમકે તેમાં કેટલાંક ઉપદેશાર્થે રૂપક કહ્યાં હોય એમ પણ લાગે છે. તથાપિ આપણે પણ તેનો ઉપદેશ તરીકે લાભ લેવો, અને બ્રહ્માદિના સ્વરૂપના સિદ્ધાંત કરવાની જંજાળમાં ન પડવું. એ મને ઠીક લાગે છે. 27. પ્ર0 -મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દેવો કે મારી નાખવો ? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ. ઉ0- સર્પ તમારે કરડવા દેવો એવું કામ બતાવતાં વિચારમાં પડાય તેવું છે. તથાપિ તમે જો “દેહ અનિત્ય છે' એમ જાણ્યું હોય તો પછી આ અસારભૂત દેહના રક્ષણાર્થે, જેને દેહમાં પ્રીતિ રહી છે, એવા સર્પને, તમારે
Page #10
--------------------------------------------------------------------------
________________ મારવો કેમ યોગ્ય હોય ? જેણે આત્મહિત ઇચ્છવું હોય તેણે તો ત્યાં પોતાના દેહને જતો કરવો એ જ યોગ્ય છે. કદાપિ આત્મહિત ઇચ્છવું ન હોય તેણે કેમ કરવું ? તો તેનો ઉત્તર એ જ અપાય છે કે તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું, અર્થાત્ સર્પને મારવો એવો ઉપદેશ ક્યાંથી કરી શકીએ ? અનાર્યવૃત્તિ હોય તો મારવાનો ઉપદેશ કરાય. તે તો અમને તમને સ્વપ્ન પણ ન હોય એ જ ઇચ્છવા યોગ્ય છે. હવે સંક્ષેપમાં આ ઉત્તરો લખી પત્ર પૂરું કરું છું. ‘ષદનસમુચ્ચય' વિશેષ સમજવાનું યત્ન કરશો. આ પ્રશ્નોના ઉત્તરમાં મારા લખાણના સંકોચથી તમને સમજવું વિશેષ મુઝવણવાળું થાય એવું ક્યાંય પણ હોય તોપણ વિશેષતાથી વિચારશો, અને કંઈ પણ પત્ર દ્વારાએ પૂછવા જેવું લાગે તે પૂછશો તો ઘણું કરીને તેનો ઉત્તર લખીશ. વિશેષ સમાગમે સમાધાન થાય તે વધારે યોગ્ય લાગે છે. લિ૦ આત્મસ્વરૂપને વિષે નિત્ય નિષ્ઠાના હેતુભૂત એવા વિચારની ચિંતામાં રહેનાર રાયચંદના પ્રણામ.