________________ 4. પ્ર0- મોક્ષ મળશે કે નહીં તે ચોક્કસ રીતે આ દેહમાં જ જાણી શકાય ? ઉ૦- એક દોરડીના ઘણા બંધથી હાથ બાંધવામાં આવ્યો હોય, તેમાંથી અનુક્રમે જેમ જેમ બંધ છોડવામાં આવે, તેમ તેમ તે બંધના સંબંધની નિવૃત્તિ અનુભવમાં આવે છે, અને તે દોરડી વળ મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે છે એમ પણ જણાય છે, અનુભવાય છે. તેમ જ અજ્ઞાનભાવના અનેક પરિણામરૂપ બંધનો પ્રસંગ આત્માને છે, તે જેમ જેમ છૂટે છે, તેમ તેમ મોક્ષનો અનુભવ થાય છે; અને તેનું ઘણું જ અલ્પપણું જ્યારે થાય છે ત્યારે, સહજ આત્મામાં નિજભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાનભાવરૂપ બંધથી છૂટી શકવાનો પ્રસંગ છે, એવો સ્પષ્ટ અનુભવ થાય છે. તેમ જ કેવળ અજ્ઞાનાદિ ભાવથી નિવૃત્તિ થઈ કેવળ આત્મભાવ આ જ દેહને વિષે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે, અને સર્વ સંબંધથી કેવળ પોતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે; અર્થાત મોક્ષપદ આ દેહમાં પણ અનુભવમાં આવવા યોગ્ય છે. 5. પ્ર0- એમ વાંચવામાં આવ્યું કે માણસ દેહ છોડી કર્મ પ્રમાણે જનાવરોમાં અવતરે, પથરો પણ થાય, ઝાડ પણ થાય, આ બરાબર છે ? ઉ0- દેહ છોડી ઉપાર્જિત પ્રમાણે જીવની ગતિ થાય છે, તેથી તે તિર્યંચ (જનાવર) પણ થાય છે અને પૃથ્વીકાય એટલે પૃથ્વીરૂપ શરીર ધારણ કરી બાકીની બીજી ચાર ઇંદ્રિયો વિના કર્મ ભોગવવાનો જીવને પ્રસંગ પણ આવે છે; તથાપિ તે કેવળ પથ્થર કે પૃથ્વી થઈ જાય છે, એવું કાંઈ નથી. પથ્થરરૂપ કાયા ધારણ કરે, અને તેમાં પણ અવ્યક્તપણે જીવ જીવપણે જ હોય છે. બીજી ચાર ઇંદ્રિયોનું ત્યાં અવ્યક્ત(અપ્રગટ)પણું હોવાથી પૃથ્વીકાયરૂપ જીવ કહેવા યોગ્ય છે. અનુક્રમે તે કર્મ ભોગવી જીવ નિવૃત્ત થાય છે ત્યારે, ફકત પથ્થરનું દળ પરમાણુરૂપે રહે છે, પણ જીવ તેના સંબંધથી ચાલ્યો જવાથી આહારાદિ સંજ્ઞા તેને હોતી નથી, અર્થાત કેવળ જડ એવો પથ્થર જીવ થાય છે એવું નથી. કર્મના વિષમપણાથી ચાર ઇન્દ્રિયોનો પ્રસંગ અવ્યક્ત થઈ ફકત એક સ્પર્શેન્દ્રિયપણે દેહનો પ્રસંગ જીવને જે કર્મથી થાય છે, તે કર્મ ભોગવતાં તે પૃથ્વી આદિમાં જન્મે છે, પણ કેવળ પૃથ્વીરૂપ કે પથ્થરરૂપ થઈ જતો નથી. જનાવર થતાં કેવળ જનાવર પણ થઈ જતો નથી. દેહ છે તે, જીવને વેષધારીપણું છે, સ્વરૂપપણું નથી. પ્ર૦ 6-7. છઠ્ઠા પ્રશ્નનું પણ આમાં સમાધાન આવ્યું છે. સાતમાં પ્રશ્નનું પણ સમાધાન આવ્યું છે કે, કેવળ પથ્થર કે કેવળ પ્રથ્વી કંઈ કર્મના કર્તા નથી. તેમાં આવીને ઊપજેલો એવો જીવ કર્મનો કર્તા છે, અને તે પણ દૂધ અને પાણીની પેઠે છે. જેમ તે બન્નેનો સંયોગ થતાં પણ દૂધ તે દૂધ છે અને પાણી તે પાણી છે, તેમ એકેન્દ્રિયાદિ કર્મબંધે જીવને પથ્થરપણું, જડપણું જણાય છે, તોપણ તે જીવ અંતર તો જીવપણે જ છે; અને ત્યાં પણ તે આહારભયાદિ સંજ્ઞાપૂર્વક છે, જે અવ્યક્ત જેવી છે. 8. પ્ર0- (1) આર્યધર્મ તે શું ? (2) બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે શું ?