________________ બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે. વાસ્તવ્ય વિચાર કર્યોથી આત્મા ઘટપટાદિનો તથા ક્રોધાદિનો કર્તા થઈ શકતો નથી, માત્ર નિજસ્વરૂપ એવા જ્ઞાનપરિણામનો જ કર્તા છે, એમ સ્પષ્ટ સમજાય છે. (3) અજ્ઞાનભાવથી કરેલાં કર્મ પ્રારંભકાળે બીજરૂપ હોઈ વખતનો યોગ પામી ફળરૂપ વૃક્ષપરિણામે પરિણમે છે; અર્થાત તે કર્મો આત્માને ભોગવવા પડે છે. જેમ અગ્નિના સ્પર્શે ઉષ્ણપણાનો સંબંધ થાય છે, અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે, તેમ આત્માને ક્રોધાદિ ભાવના કર્તાપણાએ જન્મ, જરા, મરણાદિ વેદનારૂપ પરિણામ થાય છે. આ વિચારમાં તમે વિશેષપણે વિચારશો, અને તે પરત્વે જે કંઈ પ્રશ્ન થાય તે લખશો, કેમકે જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય કર્યું જીવને મોક્ષદશા પ્રાપ્ત થાય છે. 2. પ્ર0- (1) ઈશ્વર શું છે ? (2) તે જગતકર્તા છે એ ખરું છે ? ઉ.)- (1) અમે તમે કર્મબંધમાં વસી રહેલા જીવ છીએ. તે જીવનું સહજસ્વરૂપ, એટલે કર્મરહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. જ્ઞાનાદિ ઐશ્વર્ય જેને વિષે છે, તે ઈશ્વર કહેવા યોગ્ય છે; અને તે ઈશ્વરતા આત્માનું સહજસ્વરૂપ છે. જે સ્વરૂપ કર્મપ્રસંગે જણાતું નથી, પણ તે પ્રસંગ અન્યસ્વરૂપ જાણી, જ્યારે આત્મા ભણી દ્રષ્ટિ થાય છે ત્યારે જ અનુક્રમે સર્વજ્ઞતાદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે; અને તેથી વિશેષ ઐશ્વર્યવાળો કોઈ પદાર્થ સમસ્ત પદાર્થો નીરખતાં પણ અનુભવમાં આવી શકતો નથી, જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે, એથી કોઈ વિશેષ સત્તાવાળો પદાર્થ ઈશ્વર છે એમ નથી, એવા નિશ્ચયમાં મારો અભિપ્રાય છે. (2) તે જગતકર્તા નથી, અર્થાત પરમાણુ, આકાશાદિ પદાર્થ નિત્ય હોવા યોગ્ય છે, તે કોઈ પણ વસ્તુમાંથી બનવા યોગ્ય નથી. કદાપિ એમ ગણીએ કે, તે ઈશ્વરમાંથી બન્યા છે, તો તે વાત પણ યોગ્ય લાગતી નથી, કેમકે ઈશ્વરને જો ચેતનપણે માનીએ. તો તેથી પરમાણ. આકાશ વગેરે ઉત્પન્ન કેમ થઈ શકે ? કેમકે ચેતનથી જડની ઉત્પત્તિ થવી જ સંભવતી નથી. જો ઈશ્વરને જડ સ્વીકારવામાં આવે તો સહેજે તે અનૈશ્વર્યવાન ઠરે છે, તેમ જ તેથી જીવરૂપ ચેતન પદાર્થની ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. જડચેતન ઉભયરૂપ ઈશ્વર ગણીએ, તો પછી જડચેતન ઉભયરૂપ જગત છે તેનું ઈશ્વર એવું બીજું નામ કહી સંતોષ રાખી લેવા જેવું થાય છે; અને જગતનું નામ ઈશ્વર રાખી સંતોષ રાખી લેવો તે કરતાં જગતને જગત કહેવું, એ વિશેષ યોગ્ય છે. કદાપિ પરમાણુ, આકાશાદિ નિત્ય ગણીએ અને ઈશ્વરને કર્માદિનાં ફળ આપનાર ગણીએ તોપણ તે વાત સિદ્ધ જણાતી નથી. એ વિચાર પર “ષટ્રદર્શનસમુચ્ચય'માં સારા પ્રમાણો આપ્યાં છે. 3. પ્ર0- મોક્ષ શું છે ? ઉ૦- જે ક્રોધાદિ અજ્ઞાનભાવમાં, દેહાદિમાં આત્માને પ્રતિબંધ છે તેથી સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી તે મોક્ષપદ જ્ઞાનીઓએ કહ્યું છે. તે સહજ વિચારતાં પ્રમાણભૂત લાગે છે.