Book Title: 0530 Vachanamrut Y Answer to Gandhiji Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ પ૩૦ આત્માર્થી ગુણગ્રાહી સત્સંગયોગ્ય ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે, ડરબન મુંબઈ, આસો વદ 6, શનિ, 1950 સપુરુષને નમસ્કાર આત્માર્થી ગુણગ્રાહી સત્સંગયોગ્ય ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે, ડરબન. શ્રી મુંબઈથી લિ૦ જીવન્મુક્તદશાઇચ્છક રાયચંદના આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પહોંચે. અત્ર કુશળતા છે. તમારું લખેલું એક પત્ર મને પહોંચ્યું છે. કેટલાંક કારણોથી તેનો ઉત્તર લખવામાં ઢીલ થઈ હતી. પાછળથી તમે આ તરફ તરતમાં આવવાના છો એમ જાણવામાં આવ્યાથી પત્ર લખ્યું નહોતું; પણ હાલ એમ જાણવામાં આવ્યું કે, હમણાં લગભગ એક વર્ષ સુધી સ્થિતિ કરવાનું ત્યાં સંબંધીનું કારણ છે, જેથી મેં આ પત્ર લખ્યું છે. તમારા લખેલા પત્રમાં જે આત્માદિ વિષયપરત્વે પ્રશ્નો છે અને જે પ્રશ્નોના ઉત્તર જાણવાની તમારા ચિત્તમાં વિશેષ આતુરતા છે, તે બન્ને પ્રત્યે મારું અનુમોદન સહજે સહજે છે, પણ એવામાં તમારું તે પત્ર મને મળ્યું તેવામાં તેના ઉત્તર લખી શકાય એવી મારા ચિત્તની સ્થિતિ નહોતી, અને ઘણું કરી તેમ થવાનું કારણ પણ તે પ્રસંગમાં બાહ્યોપાધિ પ્રત્યેનો વૈરાગ્ય વિશેષ પરિણામ પામ્યો હતો તે હતું. અને તેમ હોવાથી તે પત્રના ઉત્તર લખવા જેવા કાર્યમાં પણ પ્રવૃત્તિ થઈ શકે તેમ નહોતું. થોડો વખત જવા દઈ, કંઈ તેવા વૈરાગ્યમાંથી પણ અવકાશ લઈ તમારા પત્રનો ઉત્તર લખીશ એમ વિચાર્યું હતું, પણ પાછળથી તેમ પણ બનવું અશક્ય થયું. તમારા પત્રની પહોંચ પણ મેં લખી નહોતી અને આવા પ્રકારે ઉત્તર લખી મોકલવા પરત્વે ઢીલ થઈ તેથી મારા મનમાં પણ ખેદ થયો હતો, અને જેમાંનો અમુક ભાવ હજુ સુધી વર્તે છે. જે પ્રસંગમાં વિશેષ કરીને ખેદ થયો, તે પ્રસંગમાં એમ સાંભળવામાં આવ્યું કે તમે તરતમાં આ દેશમાં આવવાની ધારણા રાખો છો તેથી કંઈક ચિત્તમાં એમ આવ્યું કે તમને ઉત્તર લખવાની ઢીલ થઈ છે પણ તમારો સમાગમ થવાથી સામી લાભકારક થશે. કેમકે લેખ દ્વારા કેટલાક ઉત્તર સમજાવવા વિકટ હતા; અને પત્ર તરતમાં તમને નહીં મળી શકવાથી તમારા ચિત્તમાં જે આતુરપણું વર્ધમાન થયેલું તે, ઉત્તર તરત સમજી શકવાને સમાગમમાં એક સારું કારણ ગણવા યોગ્ય હતું. હવે પ્રારબ્ધોદયે જ્યારે સમાગમ થાય ત્યારે કંઈ પણ તેવી જ્ઞાનવાર્તા થવાનો પ્રસંગ થાય એવી આકાંક્ષા રાખી સંક્ષેપમાં તમારા પ્રશ્નોના ઉત્તર લખું છું. જે પ્રશ્નોના ઉત્તર વિચારવાને નિરંતર તત્સંબંધી વિચારરૂપ અભ્યાસની આવશ્યકતા છે. તે ઉત્તર સંક્ષેપમાં લખવાનું થયું છે, તેથી કેટલાક સંદેહની નિવૃત્તિ વખતે થવી કઠણ પડશે, તોપણ મારા ચિત્તમાં એમ રહે છે કે, મારા વચન પ્રત્યે કંઈ પણ વિશેષ વિશ્વાસ છે, અને તેથી તમને ધીરજ રહી શકશે, અને પ્રશ્નોનું યથાયોગ્ય 1 મહાત્મા ગાંધીજીએ ડરબન, આફ્રિકાથી પૂછેલ પ્રશ્નોના આ ઉત્તર છે.Page Navigation
1