________________ ઉ0- (1) આર્યધર્મની વ્યાખ્યા કરવામાં સૌ પોતાના પક્ષને આર્યધર્મ કહેવા ઇચ્છે છે. જૈન જૈનને, બૌદ્ધ બૌદ્ધને, વેદાંતી વેદાંતને આર્યધર્મ કહે એમ સાધારણ છે. તથાપિ જ્ઞાની પુરુષો તો જેથી આત્માને નિજસ્વરૂપની પ્રાપ્તિ થાય એવો જે આર્ય (ઉત્તમ) માર્ગ તેને આર્યધર્મ કહે છે, અને એમ જ યોગ્ય છે. બધાની ઉત્પત્તિ વેદમાંથી થવી સંભવતી નથી. વેદમાં જેટલું જ્ઞાન કહ્યું છે તેથી સહસ્રગણા આશયવાળું જ્ઞાન શ્રી તીર્થકરાદિ મહાત્માઓએ કહ્યું છે એમ મારા અનુભવમાં આવે છે, અને તેથી હું એમ જાણું છું કે, અલ્પ વસ્તુમાંથી સંપૂર્ણ વસ્તુ થઈ શકે નહીં, એમ હોવાથી વેદમાંથી સર્વની ઉત્પત્તિ કહેવી ઘટતી નથી. વૈષ્ણવાદિ સંપ્રદાયોની ઉત્પત્તિ તેના આશ્રયથી માનતા અડચણ નથી. જૈન, બૌદ્ધના છેલ્લા મહાવીરાદિ મહાત્માઓ થયા પહેલાં, વેદ હતા એમ જણાય છે; તેમ તે ઘણા પ્રાચીન ગ્રંથ છે એમ પણ જણાય છે, તથાપિ જે કંઈ પ્રાચીન હોય તે જ સંપૂર્ણ હોય કે સત્ય હોય એમ કહી શકાય નહીં, અને પાછળથી ઉત્પન્ન થાય તે અસંપૂર્ણ અને અસત્ય હોય એમ પણ કહી શકાય નહીં. બાકી વેદ જેવો અભિપ્રાય અને જૈન જેવો અભિપ્રાય અનાદિથી ચાલ્યો આવે છે. સર્વ ભાવ અનાદિ છે; માત્ર રૂપાંતર થાય છે. કેવળ ઉત્પત્તિ કે કેવળ નાશ થતો નથી. વેદ, જૈન અને બીજા સૌના અભિપ્રાય અનાદિ છે, એમ માનવામાં અડચણ નથી; ત્યાં પછી વિવાદ શાનો રહે? તથાપિ એ સૌમાં વિશેષ બળવાન, સત્ય અભિપ્રાય કોનો કહેવા યોગ્ય છે, તે વિચારવું તે અમને તમને સૌને યોગ્ય છે. 9. પ્ર0- (1) વેદ કોણે કર્યા ? તે અનાદિ છે? (2) જો અનાદિ હોય તો અનાદિ એટલે શું? ઉ0- (1) ઘણા કાળ પહેલાં વેદ થયા સંભવે છે. (2) પુસ્તકપણે કોઈ પણ શાસ્ત્ર અનાદિ નથી; તેમાં કહેલા અર્થ પ્રમાણે તો સૌ શાસ્ત્ર અનાદિ છે, કેમકે તેવા તેવા અભિપ્રાય જુદા જુદા જીવો જુદે જુદે રૂપે કહેતા આવ્યા છે, અને એમ જ સ્થિતિ સંભવે છે. ક્રોધાદિભાવ પણ અનાદિ છે, અને ક્ષમાદિભાવ પણ અનાદિ છે. હિંસાદિ ધર્મ પણ અનાદિ છે, અને અહિંસાદિધર્મ પણ અનાદિ છે. માત્ર જીવને હિતકારી શું છે ? એટલું વિચારવું કાર્યરૂપ છે. અનાદિ તો બેય છે. પછી ક્યારેક ઓછા પ્રમાણમાં અને ક્યારેક વિશેષ પ્રમાણમાં કોઈનું બળ હોય છે. 10. પ્ર0- ગીતા કોણે બનાવી ? ઈશ્વરકૃત તો નથી ? જો તેમ હોય તો તેનો કાંઈ પુરાવો ? ઉ0- ઉપર આપેલા ઉત્તરોથી કેટલુંક સમાધાન થઈ શકવા યોગ્ય છે કે, ઈશ્વરકૃતનો અર્થ જ્ઞાની (સંપૂર્ણજ્ઞાની) એવો કરવાથી તે ઈશ્વરકૃત થઈ શકે; પણ નિત્ય અક્રિય એવા આકાશની પેઠે વ્યાપક ઈશ્વરને સ્વીકાર્યું તેવા પુસ્તકાદિની ઉત્પત્તિ થવી સંભવે નહીં, કેમકે તે તો સાધારણ કાર્ય છે, કે જેનું કર્તાપણું આરંભ પૂર્વક હોય છે, અનાદિ નથી હોતું. ગીતા વેદવ્યાસજીનું કરેલું પુસ્તક ગણાય છે, અને મહાત્મા શ્રીકૃષ્ણ અર્જુનને તેવો બોધ કર્યો હતો, માટે મુખ્યપણે કર્તા શ્રીકૃષ્ણ કહેવાય છે, જે વાત સંભવિત છે. ગ્રંથ શ્રેષ્ઠ છે, તેવો ભાવાર્થ અનાદિથી ચાલ્યો આવે છે, પણ તે જ શ્લોકો અનાદિથી ચાલ્યા આવે એમ બનવા યોગ્ય નથી; તેમ અક્રિય ઈશ્વરથી પણ તેની ઉત્પત્તિ હોય એમ બનવા યોગ્ય નથી. સક્રિય એટલે કોઈ દેહધારીથી તે ક્રિયા બનવા