________________ મારવો કેમ યોગ્ય હોય ? જેણે આત્મહિત ઇચ્છવું હોય તેણે તો ત્યાં પોતાના દેહને જતો કરવો એ જ યોગ્ય છે. કદાપિ આત્મહિત ઇચ્છવું ન હોય તેણે કેમ કરવું ? તો તેનો ઉત્તર એ જ અપાય છે કે તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું, અર્થાત્ સર્પને મારવો એવો ઉપદેશ ક્યાંથી કરી શકીએ ? અનાર્યવૃત્તિ હોય તો મારવાનો ઉપદેશ કરાય. તે તો અમને તમને સ્વપ્ન પણ ન હોય એ જ ઇચ્છવા યોગ્ય છે. હવે સંક્ષેપમાં આ ઉત્તરો લખી પત્ર પૂરું કરું છું. ‘ષદનસમુચ્ચય' વિશેષ સમજવાનું યત્ન કરશો. આ પ્રશ્નોના ઉત્તરમાં મારા લખાણના સંકોચથી તમને સમજવું વિશેષ મુઝવણવાળું થાય એવું ક્યાંય પણ હોય તોપણ વિશેષતાથી વિચારશો, અને કંઈ પણ પત્ર દ્વારાએ પૂછવા જેવું લાગે તે પૂછશો તો ઘણું કરીને તેનો ઉત્તર લખીશ. વિશેષ સમાગમે સમાધાન થાય તે વધારે યોગ્ય લાગે છે. લિ૦ આત્મસ્વરૂપને વિષે નિત્ય નિષ્ઠાના હેતુભૂત એવા વિચારની ચિંતામાં રહેનાર રાયચંદના પ્રણામ.