________________ ઉ૦- એમ હોય તોપણ તેથી તે બન્ને શાસ્ત્ર વિષે વિચાર કરવો ઘટે છે. તેમ જ એવું ભવિષ્ય તે પણ ઈસુને ઈશ્વરાવતાર કહેવામાં બળવાન પ્રમાણ નથી, કેમકે જ્યોતિષાદિકથી પણ મહાત્માની ઉત્પત્તિ જણાવી સંભવે છે. અથવા ભલે કોઈ જ્ઞાનથી તેવી વાત જણાવી હોય પણ તેવા ભવિષ્યવેત્તા સંપૂર્ણ એવા મોક્ષમાર્ગના જાણનાર હતા તે વાત, જ્યાં સુધી યથાસ્થિત પ્રમાણરૂપ ન થાય, ત્યાં સુધી તે ભવિષ્ય વગેરે એક શ્રદ્ધાગ્રાહ્ય પ્રમાણ છે. તેમ બીજાં પ્રમાણોથી તે હાનિ ન પામે એવું ધારણામાં નથી આવી શકતું. 16. પ્ર0- ‘ઈસુ ખ્રિસ્તના ચમત્કાર’ વિષે લખ્યું છે. ઉ0- કેવળ કાયામાંથી જીવ ચાલ્યો ગયો હોય, તે જ જીવ તે જ કાયામાં દાખલ કર્યો હોય, અથવા કોઈ બીજા જીવને તેમાં દાખલ કર્યો હોય, તો તે બની શકે એવું સંભવતું નથી; અને એમ થાય તો પછી કર્માદિની વ્યવસ્થા પણ નિષ્ફળ થાય. બાકી યોગાદિની સિદ્ધિથી કેટલાક ચમત્કાર ઉત્પન્ન થાય છે, અને તેવા કેટલાક ઈસુને હોય તો તેમાં તદ્દન ખોટું છે કે અસંભવિત છે, એમ કહેવાય નહીં; તેવી સિદ્ધિઓ આત્માના ઐશ્વર્ય આગળ અલ્પ છે, આત્માનું ઐશ્વર્ય તેથી અનંતગુણ મહતુ સંભવે છે. આ વિષયમાં સમાગમે પૂછવા યોગ્ય છે. 17. પ્ર0- આગળ ઉપર શો જન્મ થશે તેની આ ભવમાં ખબર પડે ? અથવા અગાઉ શું હતા તેની ? ઉ0- તેમ બની શકે. નિર્મળજ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે. વાદળાં વગેરેનાં ચિહ્નો પરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેનાં પૂર્વકારણ કેવાં હોવાં જોઈએ, તે પણ સમજી શકાય; થોડે અંશે વખતે સમજાય. તેમ જ તે ચેષ્ટા ભવિષ્યમાં કેવું પરિણામ પામશે, તે પણ તેના સ્વરૂપ ઉપરથી જાણી શકાય, અને તેને વિશેષ વિચારતાં કેવો ભવ થવો સંભવે છે, તેમ જ કેવો ભવ હતો, તે પણ વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે. 18, પ્ર0- પડી શકે તો કોને ? ઉ0- આનો ઉત્તર ઉપર આવી ગયો છે. 19. પ્ર0- જે મોક્ષ પામેલાનાં નામ આપો છો તે શા આધાર ઉપરથી ? ઉ0- મને આ પ્રશ્ન ખાસ સંબોધીને પૂછો તો તેના ઉત્તરમાં એમ કહી શકાય કે અત્યંત સંસારદશા પરિક્ષીણ જેની થઈ છે, તેનાં વચનો આવાં હોય, આવી તેની ચેષ્ટા હોય, એ આદિ અંશે પણ પોતાના આત્મામાં અનુભવ થાય છે, અને તેને આશ્રયે તેના મોક્ષપરત્વે કહેવાય; અને ઘણું કરીને તે યથાર્થ હોય એમ માનવાનાં પ્રમાણો પણ શાસ્ત્રાદિથી જાણી શકાય. 20. પ્ર0- બુદ્ધદેવ પણ મોક્ષ નથી પામ્યા એ શા ઉપરથી આપ કહો છો ? ઉ૦- તેના શાસ્ત્રસિદ્ધાંતોને આશ્રયે. જે પ્રમાણે તેમનાં શાસ્ત્રસિદ્ધાંતો છે, તે જ પ્રમાણે જો તેમનો અભિપ્રાય હોય તો તે અભિપ્રાય પૂર્વાપર વિરુદ્ધ પણ દેખાય છે, અને તે લક્ષણ સંપૂર્ણ જ્ઞાનનું નથી.