________________
ઉપદેશમાલા કર્ણિકાવૃત્તિસંપાદન-સંશોધનની વેળાએ યત્કિંચિત્
શ્રીમાન્ પૂ.ધર્મદાસગણિવરે રચેલ ઉપદેશમાળાગ્રંથને શ્રીમાન્ પૂ.ઉદયપ્રભસૂરિવિરચિત કર્ણિકાવૃત્તિ સાથે નવ હસ્તલિખિત પ્રતોના આધારે સંપાદિત સંશોધિત કરીને તત્ત્વજિજ્ઞાસુવર્ગ સામે પ્રસ્તુત કરતાં ઘણો આનંદ થાય છે.
જેમ શ્રી શય્યભવાચાર્યજીએ સ્વપુત્ર મનક માટે ‘દશવૈકાલિકસૂત્ર’ની રચના કરી છે તેમ શ્રીધર્મદાસગણિએ સ્વપુત્ર રણસિંહને ભવિષ્યમાં ઉપયોગી બનશે એમ અવધિજ્ઞાનથી જોઈને-જાણીને ઉપદેશમાળાગ્રંથની રચના કરી છે.
ઉપદેશમાલાગ્રંથ અને ગ્રંથકાર શ્રીધર્મદાસગણી માટે જૈનસંઘ સુપેરે પરિચિત છે તે અંગે અહીં વિશેષ ઉલ્લેખ કરવો નથી પરંતુ ઉપદેશમાળા ગ્રંથ ઉપરની ‘કર્ણિકા’વૃત્તિ જે અદ્યાવધિ અપ્રકાશિત હતી તે પ્રકાશિત થઈ રહેલ છે તેથી આ અવસરે વૃત્તિકારશ્રીનો પરિચય આપવો જરૂરી લાગે છે.
નાગેન્દ્રગચ્છીય પૂજ્યાચાર્યવર્ય ઉદયપ્રભસૂરિમહારાજ
:
નાગેન્દ્રગચ્છના વિજયસેનસૂરિમહારાજના શિષ્યરત્ન અને મહામંત્રી વસ્તુપાલના ગુરુ છે. તેમને વસ્તુપાલમંત્રીએ સૂરિપદથી સમલંકૃત કરાવેલા હતા. તેમણે સુકૃતકીર્તિકલ્લોલિની નામનું પ્રશસ્તિકાવ્ય રચ્યું છે તેમાં વસ્તુપાલ અને તેજપાલનાં સુકૃત્યો-ધાર્મિકકાર્યો અને યશનો ગુણાનુવાદ કર્યો છે. વસ્તુપાલે શત્રુંજયની યાત્રા કરી તે પ્રસંગે આ કાવ્ય રચાયું લાગે છે. વસ્તુપાલે પોતે બંધાવેલા ઇંદ્રમંડપમાં એક મોટી પથ્થરની તકતી ઉપર તે કોતરાવ્યું હતું. આમાં કાવ્યત્વના ઊંચા ગુણો હોવા ઉપરાંત ઐતિહાસિક દૃષ્ટિએ આપણને ઘણી માહિતી મળે છે. અરિસિંહના સુકૃતસંકીર્તન કાવ્યની માફક આમાં પણ વસ્તુપાલની વંશાવલી આપેલી છે અને ચાપોત્કટ (ચાવડા) અને ચૌલુક્યવંશના રાજાઓનું વર્ણન આપ્યું છે.
વિશેષમાં ઉક્ત સૂરિજીએ બહુ મોટા ગ્રંથો રચ્યા છે ઃ
(૧) ધર્માભ્યુદયમહાકાવ્ય વસ્તુપાલના યાત્રા પ્રસંગે ‘લક્ષ્યક’ રચ્યું છે. તેનું બીજું નામ સંઘાધિપતિચરિત્રમહાકાવ્ય છે. તેમાં પ્રથમ તથા છેલ્લા સર્ગમાં વસ્તુપાલ તથા તેના ગુરુ અને બીજા જૈનાચાર્યો સંબંધી ઐતિહાસિક વૃત્તાંત છે, બાકીના ભાગમાં આદિનાથ અને નેમિનાથ વગેરે તીર્થંકરોના ચરિત્રો છે. પૂ. મલધારી નરચંદ્રસૂરિમહારાજે તેને સંશોધ્યું છે.
(૨) આરંભસિદ્ધ - આ જ્યોતિષનો અદ્ભુત ગ્રંથ છે.
(૩-૪) ષડશીતિ અને કર્મસ્તવ એ બે કર્મગ્રંથો ઉપર ટિપ્પન રચેલ છે.
(૫) ઉપદેશમાલાકર્ણિકાવૃત્તિ - વિ.સં. ૧૨૯૯માં પૂ. ધર્મદાસગણિકૃત ઉપદેશમાલા ઉપર ઉપદેશમાલાકર્ણિકા નામની ટીકા ધોળકામાં રચી પૂર્ણ કરેલ છે.
(૬) શબ્દબ્રહ્મોલ્લાસ - અપૂર્ણ-૪૬ ગાથા ખેતરવસીભંડાર પાટણમાં છે.
(જૈ.સા.સં.ઈ. નવી આ. પેરા / ૫૫૩-પૃ. ૨૫૬)
કર્ણિકાવૃત્તિ અંગે :
શરુઆતમાં જ ગાથા ૨-૩માં આદિજિન અને ચરમજનને મંગલાચરણરૂપે નમસ્કાર કરીને ત્યારપછી વૃત્તિકારે કવિવરશ્રી ૬૭૧ શ્લોકોમાં આદિજિનચરિત અને ૧૧૯૦ શ્લોકોમાં વીરજિનચરિત વિશાળ રીતે વર્ણવેલ છે. એમાં પ્રથમ આદિજિનચરિતમાં આદિનાથપ્રભુ શત્રુંજયગિરિ ઉપર પધારે છે ત્યાં કવિવરશ્રીએ શત્રુંજયગિરિનું વર્ણન કરતાં બે શ્લોકોમાં જે ઉત્પ્રેક્ષા કરી છે તે અતિ અદ્ભુત છે. જેમ કે,
"अथ प्रथमसर्वज्ञः स विज्ञाय महाद्भुतम् । तमद्रिमिह माहात्म्यनिधानमिव पिण्डितम् ॥६१२॥ समारोहन्महामोहद्रोहाय भवभाजिनाम् । शत्रुवित्रासनायेव कुञ्जरं वीरकुञ्जरः ॥६१३॥"
૬૨૧થી હુ૩૧ શ્લોકોમાં શત્રુંજયગિરિનું અતિ સુંદર માહાત્મ્ય વર્ણવ્યું છે, ત્યારપછી શ્લોક-૬૩૨માં આદિનાથ પ્રભુ પુંડરીકને કહે છે કે,
૧. મંત્રીશ્વરવસ્તુપાલના કુલગુરુ નાગેંદ્રગચ્છના વિજયસેનસૂરિએ રેવંતગિરિરાસો સં. ૧૨૮૭ આસપાસ રચ્યો છે. (જૈ.સા.સં.ઇ. નવી આવૃત્તિ પેરા / ૫૦૫)