Book Title: Samlekhna Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 4
________________ ૨૨ જિનતત્ત્વ મૃત્યુના વિવિધ પ્રકારોને મુખ્ય બે પ્રકારોમાં વહેંચી શકાય : (૧) માણસને જીવવામાં રસ હોય, મૃત્યુ ગમતું ન હોય અને છતાં એના જીવનનો અંત આવે; (૨) માણસને જીવનમાંથી સ્વાભાવિક રીતે રસ ઊડી જાય અને સ્વેચ્છાએ તે પોતાના જીવનનો અંત આણે. અલબત્ત, આ બંને પ્રકારનાં મૃત્યુના ઘણા પેટાપ્રકાર હોઈ શકે છે. અહીં આપણે સ્વેચ્છાએ થતા મૃત્યુનો વિચાર કરીશું. જેઓ સ્વેચ્છાએ પોતાના જીવનનો અંત આણે છે, તેના પણ આત્મહત્યા, સ્વાર્પણ કે શહીદી, સમાધિ, સંથારો કે સંલેખના ઇત્યાદિ જુદા જુદા પ્રકારો પડે છે. અત્યંત દુ:ખ કે નિરાશા આવી પડતાં કે સામાજિક ભય કે લજ્જાને કારણે, અથવા એવા પ્રકારના માનસિક રોગને કારણે, માણસ જ્યારે પોતાના જીવનનો અકાળે અંત આણે છે ત્યારે તેને આપણે આત્મહત્યા કહીએ છીએ. આત્મહત્યામાં તીવ્ર આવેગ, જાત પ્રત્યેનો તિરસ્કાર, અસહિષ્ણુતા, ઉગ્ર રાગદ્વેષ અને તેનામાંથી જન્મતાં અશુભ ભાવ કે અશુભ ધ્યાન વગેરે હોય છે. આત્મહત્યા અશુભ, અમંગળ, નિંદ્ય અને પાપરૂપ ગણાય છે. કાયદાની દૃષ્ટિએ તે ગુનો લેખાય છે. કુટુંબને ખાતર, સમાજને ખાતર, રાષ્ટ્રને ખાતર, ધર્મને ખાતર જેઓ સ્વેચ્છાએ પોતાના પ્રાણને હોડમાં મૂકે છે અને જરૂર પડે ત્યારે પોતાના પ્રાણનો ભોગ પણ આપે છે, તેને આપણે બલિદાન, શહીદી, સ્વાર્પણ ઇત્યાદિ તરીકે ઓળખાવીએ છીએ. તેની પાછળ પોતાના પક્ષની દૃષ્ટિએ શુભ હેતુ હોય છે. પરંતુ એ હેતુ સાંસારિક હોય છે અને તેથી તેમાં ઉગ્ર રાગદ્વેષ હોવાનો સંભવ રહે છે. આ પ્રકારનું મૃત્યુ સ્વપક્ષમાં સ્તુત્ય અને વિપક્ષમાં નિદ્ય મનાતું હોય છે. જ્યાં સ્વપક્ષ કે વિપક્ષ જેવી ભેદરેખા નથી હોતી ત્યાં તે ઘણા લોકોના આદરને પાત્ર થાય છે. જે માણસો પ્રભુભક્તિમાં ખૂબ લીન થયાં હોય છે, અથવા અધ્યાત્મની ઊંચી કક્ષાએ પહોંચેલાં હોય છે, તેઓ દેહ અને આત્માની ભિન્નતાને સતત નિહાળ્યા કરે છે. દેહની ક્ષણભંગુરતા અને આત્માની અમરતા તેમનામાં એટલી વસી ગઈ હોય છે કે સ્વેચ્છાએ દેહ છોડી દેવાનો તેઓ વિચાર કરે છે. ખાસ કરીને સંયમના હેતુ માટે જ્યારે દેહ અવરોધરૂપ બનતો હોય છે ત્યારે આવો વિચાર વધુ થાય છે. કેટલાંક જળસમાધિ લેતાં હોય છે. કેટલાંક ભૂમિમાં ખાડો ખોદી તેમાં દટાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8