Book Title: Samlekhna
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Catalog link: https://jainqq.org/explore/249491/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સંલેખના ‘સંલેખના’ એ જેનોમાં વપરાતો પારિભાષિક શબ્દ છે. સમ્યક્ જાયષાય लेखना इति संलेखना । એવી સંલેખનાની વ્યાખ્યા છે. કાયાને અને કષાયોને કૃશ કરવાં એટલે કે પાતળાં બનાવવાં એનું નામ સંલેખના. સંલેખના એ એક પ્રકારનું તપ છે. જૈન શાસ્ત્રોમાં બતાવેલાં છ પ્રકાનાં બાહ્ય અને છ પ્રકારનાં આત્યંતર તપમાં સંલેખનાનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, કારણ કે ‘સંલેખના’ એ તપ માટે વિશાળ અર્થમાં વપરાતો શબ્દ છે. તેમાં બાહ્ય અને આત્યંતર બંને પ્રકારનાં તપનો સમાવેશ થઈ જાય છે. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, ઇત્યાદિ બાહ્ય તપ તે કાયાને પાતળી બનાવવાને માટે છે અને પશ્ચાત્તાપ,વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન ઇત્યાદિ આપ્યંતર તપ તે મનમાં જાગતા વિકરો, દુર્ભાવો, કષાયોને પાતળા કરવા માટે છે. આમ, સંલેખનામાં બાહ્ય અને આવ્યંતર બંને પ્રકારનાં તપનો સમાવેશ થઈ જાય છે. સંલેખનાનો સાદો અર્થ ઉપર પ્રમાણે છે; પરંતુ એનો વિશિષ્ટ અર્થ છે : મૃત્યુ માટેની પૂર્વતૈયારી માટે લેવાતું વ્રત’. આ પ્રકારના વ્રત માટે ‘સંલેખના’ ઉપરાંત ‘અનશન’, ‘સંથારો’ વગેરે શબ્દ પણ વપરાય છે. આ વ્રતને વધારે સ્પષ્ટ કરવા માટે ‘મારણાંતિક અનશન' કે ‘મારણાંતિક સંથારો' એવા શબ્દો પણ પ્રયોજાય છે. જ્યારે વૃદ્ધાવસ્થા આવે અને શરીર બરાબર ચાલતું ન હોય, ઊઠવાબેસવામાં કે પથારીમાં પડખું ફરવામાં પણ અત્યંત શ્રમ પડતો હોય, શરીર રોગોથી એવું ઘેરાઈ ગયું હોય કે જેથી સાધુઓનો સંયમધર્મ પાળવાનું, સાધુઓના આચારોનું ચુસ્ત પાલન કરવાનું કઠિન બની જતું હોય, તેવે વખતે સ્વેચ્છાએ દેહ છોડવા માટે ગુરુમહારાજ પાસે અનુમતિ માગવામાં આવે છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ કોઈક વખત દુકાળ, યુદ્ધ કે એવી બીજી કોઈ આપત્તિ આવી પડે ત્યારે પણ ગુરુમહારાજની અનુમતિથી સ્વેચ્છાએ દેહ છોડવા માટે સંલેખનાદ્રત સ્વીકારવામાં આવે છે. મૃત્યુ જ્યારે સાવ નજીક દેખાતું હોય અથવા વિષમ સંજોગોમાં ધર્મને અને પોતાની જાતને અધર્મથી રક્ષવા માટે મૃત્યુ ઇષ્ટ ગણાતું હોય ત્યારે એવા કોઈ વિરલ સંજોગોમાં પણ ગુરુમહારાજ સંલેખનાદ્રત સ્વીકારવા માટે શિષ્ય-સાધુને કે ગૃહસ્થ ભક્તને અનુજ્ઞા આપે છે. આ પ્રકારે સ્વેચ્છાએ સ્વીકારેલું મૃત્યુ તે આત્મઘાત કે આપઘાત નથી, કારણ કે આપઘાત અને સંલેખના વચ્ચે તાત્વિક દૃષ્ટિએ ઘણો મોટો તફાવત છે. જન્મ અને મૃત્યુ એ જીવનની એક સ્વાભાવિક પ્રક્રિયા છે. “જે જાયું (જન્મે) તે જાય' એમ કહેવાય છે. જેનો જન્મ છે તેનું મૃત્યુ છે. જન્મજન્માંતરની દૃષ્ટિએ જોઈએ તો જીવન પછી મૃત્યુ છે, અને મૃત્યુ પછી મુક્તિ છે અથવા જીવન છે. પરંતુ મુક્ત દશાને પામવી એ સહેલી વાત નથી. એટલે સામાન્ય જીવો માટે તો જન્મજન્માંતરનું ચક્ર ચાલ્યા જ કરતું હોય છે. જન્મ અને મૃત્યુમાં ઘણોબધો ફરક છે. જીવનના બે અંતિમ છેડાનાં આ તત્ત્વો છે. સંસારમાં જન્મને લોકો આનંદમય, મંગળ માને છે અને મૃત્યુને અશુભ, અમંગળ માને છે. જન્મ સાથે આશા છે, મૃત્યુ સાથે નિરાશા છે. પરંતુ જ્ઞાનીઓ મૃત્યુને મંગળ માને છે, અને જન્મને અમંગળ માને છે. જે મૃત્યુ નવા જન્મને સ્થાન ન આપે એ મૃત્યુ મુક્તિ, મોક્ષ, નિર્વાણ અપાવે છે. જન્મ પછી અપવાદરૂપ પ્રસંગો સિવાય મૃત્યુ તરત જ હોતું નથી. જન્મ પછી જીવન છે – અને જીવનને અંતે મૃત્યુ છે. પરંતુ મૃત્યુ પછી કોઈક એક ગતિમાં ગર્ભ કે અન્ય રૂપે નવો જન્મ તરત જ હોય છે. જન્મમાં બહુ વૈવિધ્ય નથી હોતું. કોઈનો જન્મ થયો હોય ત્યારે કેવી રીતે જન્મ થયો એવો પ્રશ્ન સહેજે આપણને થતો નથી. પરંતુ કોઈકનું મૃત્યુ થાય છે ત્યારે કેવી રીતે મૃત્યુ થયું એવો પ્રશ્ન આપણને સહેજે થાય છે, કારણ કે મૃત્યુમાં અપાર વૈવિધ્ય છે. વૃદ્ધાવસ્થાથી, જીવલેણ રોગથી, ઝેરી કે હિંસક પ્રાણીઓના ભોગ બનવાથી, કોઈક અકસ્માતથી, ખૂનથી, આત્મહત્યા કે સ્વાર્પણથી, ઘરમાં કે ઘરની બહાર એમ વિવિધ રીતે મૃત્યુને માટે અવકાશ હોય છે. જે વિવિધ રીતે મૃત્યુ થાય છે, તેના મુખ્યત્વે સત્તર જુદા જુદા પ્રકાર જૈન શાસ્ત્રોમાં ગણાવવામાં આવ્યા છે : (૧) આવી ચીમરણ, Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સંલેખના (૨) અવધિમરણ, (૩) આત્યંતિકમરણ, (૪) બલાયમરણ, (૫) વશામરણ, (ક) અંત:શલ્યમરણ, (૭) તભવમરણ (૮) બાલમરણ, (૯) પંડિતમરણ, (૧૦) બાલપંડિતમરણ, (૧૧) છદ્મસ્થમરણ, (૧૨) કેવલીમરણ, (૧૩) હાયસમરણ, (૧૪) ગૃધ્રપૃષ્ઠમરણ (૧૫) ભક્તપરિજ્ઞામરણ, (૧૬) ઇંગિનીમરણ, (૧૭) પાદપોપગમનમરણ. આ બધા પ્રકારોની સમજણ જૈન શાસ્ત્રગ્રંથોમાં જોવા મળે છે. જે માણસોનાં જીવનમાં કોઈ પણ પ્રકારના સંયમને કે વિરતિને સ્થાન હોતું નથી અને મૃત્યુ આવતાં જેઓ અત્યંત ભયભીત થઈ જાય છે અને આરૌદ્ર ધ્યાનમાં, મમત્વ અને અહમના વિચારમાં જેમનું મૃત્યુ થાય છે તે પ્રકારના મૃત્યુને બાલમરણ કહેવામાં આવે છે. રેલવે, વિમાન કે મોટર ઇત્યાદિના અકસ્માતમાં જે માણસો અચાનક મૃત્યુ પામે છે તે માણસો સામાન્ય રીતે બાલમરણ પામતાં હોય છે. જે માણસોનું જીવન સંયમપૂર્વકનું હોય છે, જેમણે મૃત્યુના આગમન પૂર્વે બધાં વ્રત સ્વીકારી લીધાં હોય છે, દેહ અને આત્માની ભિન્નતા સમજીને જેઓ મૃત્યુને કુદરતના એક ક્રમ તરીકે વધાવી લેતાં હોય છે અને એ માટેની આધ્યાત્મિક પૂર્વતૈયારી કરી લેતાં હોય છે તેઓનું મૃત્યુ પંડિતમરણ કહેવાય છે. અંત સમયે તેઓને કોઈ વાસના હોતી નથી; પૂરી શાંતિ અને સમાધિથી તેઓ પોતાનો દેહ છોડે છે. એમાં પણ કેટલીક વ્યક્તિઓ તો ધ્યાનમાં, કાઉસગ્નમાં, પ્રભુના નામનું રટણ કરતાં કે મંત્રનો જાપ કરતાં કરતાં પોતાનો દેહ છોડે છે. આ ઉચ્ચતર સમાધિમરણ કોઈક વિરલ વ્યક્તિઓને જ સાંપડે છે. જેઓનાં જીવનમાં થોડેક અંશે ત્યાગ અને સંયમને સ્થાન હોય છે છતાં ક્યારેક ક્યારેક તેઓ અશુભ ભાવ ધરાવતા હોય છે એવા માણસો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તે મૃત્યુને બાલપંડિતમરણ કહેવામાં આવે છે. આમ બાલમરણથી પંડિતમરણ સુધીમાં ઘણી જુદી જુદી કોટિ હોઈ શકે છે અને એટલા માટે કેટલાક શાસ્ત્રકારો બાલમરણ, બાલપંડિતમરણ, પંડિતબાલમરણ, પંડિતમરણ, પંડિતપંડિતમરણ એવું વર્ગીકરણ પણ કરે છે. વસ્તુત: એમાં શુભ કે અશુભ ધ્યાનની તરતમતા અંત સમયે કેટલી હોય છે તેના ઉપર તે મરણના પ્રકારનો આધાર રહે છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જિનતત્ત્વ મૃત્યુના વિવિધ પ્રકારોને મુખ્ય બે પ્રકારોમાં વહેંચી શકાય : (૧) માણસને જીવવામાં રસ હોય, મૃત્યુ ગમતું ન હોય અને છતાં એના જીવનનો અંત આવે; (૨) માણસને જીવનમાંથી સ્વાભાવિક રીતે રસ ઊડી જાય અને સ્વેચ્છાએ તે પોતાના જીવનનો અંત આણે. અલબત્ત, આ બંને પ્રકારનાં મૃત્યુના ઘણા પેટાપ્રકાર હોઈ શકે છે. અહીં આપણે સ્વેચ્છાએ થતા મૃત્યુનો વિચાર કરીશું. જેઓ સ્વેચ્છાએ પોતાના જીવનનો અંત આણે છે, તેના પણ આત્મહત્યા, સ્વાર્પણ કે શહીદી, સમાધિ, સંથારો કે સંલેખના ઇત્યાદિ જુદા જુદા પ્રકારો પડે છે. અત્યંત દુ:ખ કે નિરાશા આવી પડતાં કે સામાજિક ભય કે લજ્જાને કારણે, અથવા એવા પ્રકારના માનસિક રોગને કારણે, માણસ જ્યારે પોતાના જીવનનો અકાળે અંત આણે છે ત્યારે તેને આપણે આત્મહત્યા કહીએ છીએ. આત્મહત્યામાં તીવ્ર આવેગ, જાત પ્રત્યેનો તિરસ્કાર, અસહિષ્ણુતા, ઉગ્ર રાગદ્વેષ અને તેનામાંથી જન્મતાં અશુભ ભાવ કે અશુભ ધ્યાન વગેરે હોય છે. આત્મહત્યા અશુભ, અમંગળ, નિંદ્ય અને પાપરૂપ ગણાય છે. કાયદાની દૃષ્ટિએ તે ગુનો લેખાય છે. કુટુંબને ખાતર, સમાજને ખાતર, રાષ્ટ્રને ખાતર, ધર્મને ખાતર જેઓ સ્વેચ્છાએ પોતાના પ્રાણને હોડમાં મૂકે છે અને જરૂર પડે ત્યારે પોતાના પ્રાણનો ભોગ પણ આપે છે, તેને આપણે બલિદાન, શહીદી, સ્વાર્પણ ઇત્યાદિ તરીકે ઓળખાવીએ છીએ. તેની પાછળ પોતાના પક્ષની દૃષ્ટિએ શુભ હેતુ હોય છે. પરંતુ એ હેતુ સાંસારિક હોય છે અને તેથી તેમાં ઉગ્ર રાગદ્વેષ હોવાનો સંભવ રહે છે. આ પ્રકારનું મૃત્યુ સ્વપક્ષમાં સ્તુત્ય અને વિપક્ષમાં નિદ્ય મનાતું હોય છે. જ્યાં સ્વપક્ષ કે વિપક્ષ જેવી ભેદરેખા નથી હોતી ત્યાં તે ઘણા લોકોના આદરને પાત્ર થાય છે. જે માણસો પ્રભુભક્તિમાં ખૂબ લીન થયાં હોય છે, અથવા અધ્યાત્મની ઊંચી કક્ષાએ પહોંચેલાં હોય છે, તેઓ દેહ અને આત્માની ભિન્નતાને સતત નિહાળ્યા કરે છે. દેહની ક્ષણભંગુરતા અને આત્માની અમરતા તેમનામાં એટલી વસી ગઈ હોય છે કે સ્વેચ્છાએ દેહ છોડી દેવાનો તેઓ વિચાર કરે છે. ખાસ કરીને સંયમના હેતુ માટે જ્યારે દેહ અવરોધરૂપ બનતો હોય છે ત્યારે આવો વિચાર વધુ થાય છે. કેટલાંક જળસમાધિ લેતાં હોય છે. કેટલાંક ભૂમિમાં ખાડો ખોદી તેમાં દટાઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ સંલેખના ભૂમિસમાધિ લેતાં હોય છે. કેટલાંક ચિતા પર ચઢી અગ્નિસમાધિ લેતાં હોય છે. કેટલાંક ડુંગરના શિખર પરથી પ્રભુના નામનું રટણ કરતાં કરતાં પડતું મૂકે છે. આ પ્રકારના મૃત્યુમાં જીવનનો અંત એના સ્વાભાવિક ક્રમે નહિ, પરંતુ સ્વેચ્છાએ અચાનક વહેલો આણવામાં આવે છે. જૈન સાધુઓ અનશન, સંથારો કે સંલેખના કરે છે તેમાં તે કરનાર વ્યક્તિ આહાર-પ્રાણી ક્રમે ક્રમે ઘટાડે છે; શરીરને કુશ બનાવે છે; આહારનિહારની કુદરતી હાજતો બંધ થઈ જતાં એક જ સ્થાનમાં રહે છે અને પ્રભુનું રટણ કરતાં કરતાં, મંત્રોચ્ચાર કરતાં કરતાં, શુભ ધ્યાનમાં પોતાના જીવનનો સ્વાભાવિક ક્રમે અંત આવવા દે છે. આમ, સંલેખના દ્વારા મૃત્યુ, એ તમામ પ્રકારના મૃત્યુમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે. મૃત્યુના જે વિવિધ પ્રકારો ગણાવવામાં આવે છે, તેમાં સંલેખના વ્રત માટે ત્રણ પ્રકારનાં મૃત્યુને ખાસ બતાવવામાં આવેલ છે : (૧) ભક્તપરિજ્ઞામરણ, (૨) ઇંગિનીમરણ અને (૩) પાદપોપગમનમરણ. (૧) ભક્તપરિજ્ઞામરણ: આ પ્રકારના મરણમાં સાધક ક્રમે ક્રમે પોતાનાં આહાર-પાણી ઓછો કરવા લાગે છે અને અમુક સમય પછી “ભક્ત” અર્થાત્ આહાર અને પાણી લેવાનાં સદંતર બંધ કરી દે છે. એમ કરવાથી દેહની શક્તિ ક્રમે ક્રમે ઘટતી જાય છે અને એક દિવસ દેહ એની મેળે અટકી પડે છે, અર્થાત્ સાધક દેહ છોડી દે છે. જે સમયે વ્રત લેવામાં આવે છે તે સમયથી તે દેહ છૂટે ત્યાં સુધીમાં, સાધકના શરીરની અવસ્થા પ્રમાણે, માસ-દોઢ માસ કે બે માસ જેટલો સમય વીતતો હોય છે. એથી વધારે સમય વીતે એવો સંભવ પહેલથી જણાતો હોય તો ગુરુમહારાજ સામાન્ય રીતે સંલેખના માટે અનુજ્ઞા આપતા નથી અથવા તો મારણાંતિક સંખનાને બદલે આરંભમાં થોડા થોડા સમય માટેની અનુજ્ઞા આપી, સાધકની આરાધનાનું અવલોકન કરી, ઠીક લાગે તો અને ત્યારે જ વ્રત ચાલુ રાખવા માટે ફરીથી અનુજ્ઞા આપે છે. કોઈ વિરલ સંજોગોમાં તપસ્વી સાધુઓ બાર વર્ષ અગાઉથી સંલેખનાવ્રત સ્વીકારે છે અને એમ કરવામાં ક્રમે ક્રમે એક પછી એક પ્રકારનો આહાર છોડતા જઈ છેવટે માસિક મારણાંતિક સંખના સુધી આવી પહોંચે છે, અને એ રીતે બાર વર્ષને અંતે પોતાનો દેહ છોડે છે. પરમ ઉચ્ચ સાધકો જ આવી રીતે બાર વર્ષ અગાઉથી સંખનાદ્રત અંગીકાર કરે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ (૨) ઇંગિનીમરણ : આ પ્રકારના મરણમાં સાધક ભક્તપરિજ્ઞા-મરણની જેમ આહાર-પાણી તો છોડી જ દે છે. પરંતુ પછી કોઈ એક નિશ્ચિત સ્થળમાં જ પોતાનો સંથારો (પથારી) કરીને એની બહાર ન જવાનો નિયમ કરે છે, અને મૌનવ્રત ધારણ કરીને બોલવાનું સદંતર બંધ કરે છે. મૃત્યુ આવતાં સુધી અનિવાર્ય હોય તેવા પ્રસંગે બીજા સાધુઓને જે કંઈ કહેવાનું હોય તે ઇંગિત એટલે કે ઇશારા દ્વારા જ તેઓ કહે છે. આમાં સાધક સંથારામાં ઊઠી-બેસી શકે છે. સૂતાં સૂતાં પડખું ફેરવી શકે છે. માત્ર સ્થળ, અન્ન-પાણી અને વાણીની મર્યાદા એ બાંધી દે છે, અને પોતાનો વ્યવહાર ઇશારા દ્વારા ચલાવે છે. માટે આ પ્રકારના મરણને ઇંગિનીમરણ કહેવામાં આવે છે. (૩) પાદપોપગમનમરણ: ભક્તિપરિજ્ઞામરણ કરતાં ઇંગિનીમરણ વધારે કઠિન મરણ છે, પરંતુ એના કરતાં પણ વધારે કઠિન મરણ તે પાદપોપગ મનમરણ છે. પાદપ એટલે વૃક્ષ. કોઈ પણ પ્રકારની ગતિ કર્યા વગર, પવન ન હોય ત્યારે વૃક્ષ જેમ નિશ્ચેષ્ટ, હલનચલન વગરનું દેખાય છે તેવી રીતે આ પ્રકારના મરણમાં સાધક કોઈ એકાંત સ્થળમાં જઈ મૃત્યુ આવે ત્યાં સુધી નિશ્રેષ્ટ રહે છે, તેઓ હાથપગ પણ હલાવતા નથી, કોઈની સાથે ઇશારાથી પણ કોઈ વ્યવહાર રાખતા નથી. પડખું પણ ફરતા નથી, અને ધ્યાનમગ્ન બનીને પોતાના દેહમાંથી આત્માને ફૂટી જવા દે છે. આ પ્રકારનું મરણ અત્યંત કઠિન છે. દેહ ઉપર અસાધારણ પ્રભુત્વ આવી ગયું હોય અને આત્મકલ્યાણની અખૂટ શ્રદ્ધા હોય ત્યારે આ પ્રકારના મરણ દ્વારા સંલેખનાવ્રત માટે ગુરુમહારાજ અનુજ્ઞા આપે છે. દીર્ઘ સમયના કઠિન અભ્યાસ પછી જ આ પ્રકારની સજ્જતા સાધકને પ્રાપ્ત થાય છે. કેટલાક સાધુઓએ ભગવાન મહાવીર પાસે પાદપોપગમ-મરણ માટે અનુજ્ઞા માગી અને ભગવાન મહાવીરે તે આપી હતી. તે પછી બીજા કેટલાક સાધુઓએ ભગવાનને પૂછ્યું હતું કે “આવું અપ્રતિમ આત્મબળ તેઓ ક્યાંથી મેળવે છે ?' ત્યારે ભગવાને કહ્યું હતું કે “જિનેશ્વર ભગવાનના વચનમાં અવિચલ અને ઉત્કટ શ્રદ્ધા હોય ત્યારે જ આ પ્રકારનું આત્મબળ સાધકમાં આવે છે.' જે વ્યક્તિ સંલેખાવત સ્વીકારે છે તે વ્યક્તિએ પોતાના વતનો ભંગ ન થાય તે માટે પાંચ પ્રકારના અતિચારથી બચવું જોઈએ. એ પાંચ અતિચાર આ પ્રમાણે છે : Page #7 -------------------------------------------------------------------------- ________________ સંલેખના ૨૫ (૧) જે વ્યક્તિ સંલેખનાવ્રત સ્વીકારે છે તે વ્યક્તિને ક્યારેક પોતાના વ્રતના પુણ્યોપાર્જનથી પછીના મનુષ્ય-જન્મમાં લૌકિક, ભૌતિક સુખ ભોગવવાની આકાંક્ષાઓ થવાનો સંભવ છે. એવી આકાંક્ષાઓ ન થવી જોઈએ. (૨) જેમ આ લોકનાં સુખની આકાંક્ષા ન થવી જોઈએ, એવી રીતે પરલોકમાં, દેવ વગેરે ગતિમાં પણ સુખ ભોગવવાની આકાંક્ષા ન થવી જોઈએ. (૩) વ્રત આચરનાર વ્યક્તિ પાસે આસપાસના લોકો ખૂબ પ્રેમ અને આદરથી આવતા હોય છે અને વંદન કરતા હોય છે. પ્રેમ-આદર અને ભક્તિ સંથારો લેનારને ગમવા લાગે અને એને પરિણામે થોડું વધુ જીવવા મળે તો સારું એવો ભાવ થવાનો સંભવ રહે છે; પરંતુ વધુ જીવવાનો તેવો ભાવ ન જ થવો જોઈએ. (૪) અન્ન-પાણીના ત્યાગ પછી દેહની અશાતા જ્યારે વધતી જતી હોય છે ત્યારે પોતાના જીવનનો અંત વહેલો આવી જાય તો જલદી છૂટાય એવો સાધકને ભાવ પણ થવાનો સંભવ છે. જેમ વધારે જીવવાની આકાંક્ષા ન થવી જોઈએ, તેમ મૃત્યુ વહેલું આવે એવી આકાંક્ષા પણ ન થવી જોઈએ. (૫) સંલેખનાના વ્રત દરમિયાન વ્યક્તિને પાછળથી ક્યારેક સારું ખાવાનું, સારું સાંભળવાનું કે અન્ય પ્રકારના ભોગ ભોગવવાનું મન થાય એવો સંભવ છે. એવે વખતે મનથી ભોગોપભોગની એવી ઇચછા ન થવી જોઈએ. આમ, પાંચેય પ્રકારના અતિચારની બાબતમાં વ્રત કરનારે સાવધાન રહેવું જોઈએ, કારણ કે અતિચાર થતાં અસમાધિ થવાનો સંભવ છે. સંલેખનાવ્રત સ્વીકાર્યા પછી મૃત્યુ સુધીનો સમય પસાર કરવો એ સહેલી વાત નથી. વ્રત લેનાર વ્રતથી કંટાળી જાય, વ્રતમાંથી પાછો આવી જાય, જાણતાં કે અજાણતાં વ્રતભંગ કરે વગેરે ધણાં ભયસ્થાનો આ પ્રકારના વ્રતમાં રહેલાં છે, કારણ કે મારણાંતિક સંલેખનાનું વ્રત પૂરું કરતાં કોઈકને દસ-પંદર દિવસ લાગે તો કોઈકને મહિનો કે બે મહિના પણ લાગે, અને એટલા લાંબા સમયમાં ચિત્ત સતત સ્વસ્થ, પ્રસન્ન અને ધ્યાનમગ્ન રહે એ સહેલી વાત નથી. વ્રત લેનાર વ્યક્તિને સમાધિમરણ પ્રાપ્ત થવું જોઈએ. એટલે વ્રતના કાળ દરમિયાન કોઈ પણ પ્રકારે અસમાધિ ન થાય તેવી સાવચેતી ગુરુમહારાજે રાખવાની હોય છે. વ્રત લેનારની પાત્રતા, સ્થળ અને સમયની અનુકૂળતા ઇત્યાદિ જોવાં, Page #8 -------------------------------------------------------------------------- ________________ જિનતત્ત્વ ઉપરાંત વ્રત લેનારની વૈયાવચ્ચ કરવા માટે ઓછામાં ઓછા બીજા બે (વધુમાં વધુ અડતાળીસ) સાધુઓ ન હોય ત્યાં સુધી ગુરુમહારાજ વ્રત માટે અનુજ્ઞા આપતા નથી હોતા. જે સાધુઓ આ પ્રકારની વૈયાવચ્ચ કરે છે તેને નિઝામણાં (નિર્ધામણા) કહેવામાં આવે છે. જ્યાં સુધી આહાર-પાણી લેવાની છૂટ હોય ત્યાં સુધી સાધકને માટે યોગ્ય સમયે, યોગ્ય આહાર મેળવવાની જવાબદારી તથા સાધકને બીજા લોકો આવીને વ્રતમાંથી ચલિત ન કરે તે જોવાની જવાબદારી, સાધકને સતત આત્મ-રમણતામાં રહેવા માટે પ્રોત્સાહિત કરવાની જવાબદારી અને સાધકને દેહભાવ આવી જતો હોય ત્યારે તેને આત્મભાવમાં સ્થિર કરવા માટે તેવા પ્રકારનાં વચનો, સ્તોત્રો, મંત્રો ઇત્યાદિ સંભળાવવાની જવાબદારી આ નિઝામણાં કરાવનાર સાધુઓની હોય છે, કારણ કે વ્રત લેવું એ તો કઠિન છે જ, પરંતુ અંત સુધી તેનું પાલન કરવું, અને અંત સમય સુધી અસમાધિનો ભાવ ન આવે તે જોવું એ તો એથી પણ અત્યંત કઠિન છે. સંલેખનાવ્રત સ્વીકારનારે અંતિમ સમયની વિવિધ આરાધનાઓ કરવાની હોય છે, જેમાં ચાર શરણ, ક્ષમાપના, પાપસ્થાનોની અને અતિચારોની આલોચના, પંચપરમેષ્ઠિને નમસ્કાર વગેરેનો સમાવેશ થાય છે. આમ, સંલેખનાવત જૈનોનું એક પરમ ઉચ્ચ વ્રત છે. દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ કરનાર વિરલ વ્યક્તિઓ જ આ વ્રત અંગીકાર કરી તેને સાંગોપાંગ પૂર્ણ કરી શકે છે.