________________
156
નીલાંજના શાહ
SAMBODHI
ઉપસંહાર
માધવીયા ધાતુવૃત્તિ” માં મળતા, કાશ્યપ નામના આ પ્રસિદ્ધ વૈયાકરણના ધાતુઓ અંગેના ઉપર્યુક્ત મતો વાંચ્યા પછી એકબાજુ, એ બાબતનો અફસોસ થાય છે કે પાણિનીય. ધાતુપાઠનું તલસ્પર્શી વિવેચન કરનારી આવી સરસ વ્યાખ્યા કાળના પ્રવાહમાં લુપ્ત થઈ ગઈ, તો બીજી બાજુ સાયણનો આભાર માનવાનું પણ મન થાય છે કે એણે કાશ્યપના આટલા બધા મત ટાંકીને, પાણિનીય ધાતુપાઠના એક પ્રકાંડ વૃત્તિકારનો આપણને આછોપાતળો, પરિચય કરાવ્યો.
તેમના આ મતો પરથી એ ચોક્કસ થાય છે કે પાણિનીય ધાતુસૂત્રોના આ વ્યાખ્યાતાએ ધાતુઓના સ્વરૂપને સ્પર્શતી લગભગ બધી બાબતો, જેમકે તેમનું સ્વરૂપ દર્શાવવા પ્રયોજાતા વર્ણો, તેમને લગતા અનુબન્ધો, અમુક ધાતુઓના અવયવ તરીકે પ્રયોજાતા ઉપસર્ગો, વગેરે વિશે ગંભીરપણે વિચાર કર્યો છે. આ બધાની ધાતુઓનાં રૂપોની પ્રક્રિયા પર પડતી અસર પણ એમણે જણાવી છે.
ત્યારબાદ કાશ્યપે ધાતુઓમાં ક્યા ધાતુનો ક્યારે, ક્યા ક્રમમાં અને ક્યાં પાઠ કરવો, તે વિશે પણ તેમણે માર્ગદર્શન આપ્યું છે, જે ખૂબ મહત્ત્વનું છે. ધાતુઓના અર્થનિર્દેશ વિશે તેમણે ઉંડી વિચારણા કરી છે. ક્યો ધાતુછાંદસ છે, કયો ધાતુ પોપદેશ છે અને ક્યો નથી, તે વિશે, તેમજ ક્યા ધાતુઓ અનિટુ ગણાય અને ક્યા ન ગણાય તે વિશે પણ તેમણે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે.
મા.ધા.વૃ.” માં મળતા મતો પરથી એમ પણ કહી શકાય કે તેમણે ધાતુઓનાં, ખાસ કરીને અઘતન ભૂતકાળ, પરોક્ષ ભૂતકાળ, કૃદન્ત, સત્ત, યવુડન્તનાં રૂપો અને ન્યૂ માં પ્રયોજાતા રૂપોની ખાસ ચર્ચા કરી છે.
મા.ધા.વૃ. માં સાયણે કાશ્યપનો મત જ્યાં જ્યાં ટાંક્યા છે, ત્યાં ત્યાં તેમના મતને મળતા આવતા બીજા વૈયાકરણોના મત ટાંક્યા છે. આ કાશ્યપ સાયણ પહેલાં, એટલે કે ઈ.સ.ની ચૌદમી સદી પહેલાં થઈ ગયા, એટલી જ આપણને ખબર છે. કાશ્યપ, ક્ષીરસ્વામી પહેલાં થઈ ગયા કે તેમના પછી તે પણ ખબર નથી, પરંતુ ઉપર્યુક્ત મતોનો અભ્યાસ કરતાં એટલું જણાય છે કે તેમના લગભગ એક તૃતીયાંશ જેટલા મત ક્ષીરસ્વામી સાથે મળતા આવે છે. એવું શક્ય છે કે આ બંને વૈયાકરણો, ધાતુપાઠ અંગેની એક સમાન પરંપરાને અનુસરતા હોય. તે ઉપરાંત કાશ્યપના ઠીક ઠીક મતો મૈત્રેય અને સમ્મતાકારના મત સાથે પણ મળતા આવે છે.
કાશ્યપને પાણિનીય ધાતુપાઠના વૃત્તિકાર તરીકે ગૌરવ અપાવે એવી એક બાબત એ છે કે “મા.ધા.વૃ' ના અંતભાગના બેએક ધાતુસ્ત્રોમાં (પૃ.૫૪૮, પૃ.૫૬૨) સાયણે સ્પષ્ટ કહ્યું છે કે મૈત્રેય વગેરેએ અમુક ધાતુઓનો પાઠ નથી કર્યો, પણ કાશ્યપને પ્રમાણભૂત ગણીને એ ધાતુઓનો પાઠ હું કરું છું. આમ કહીને, સાયણ જેવા પાણિનીય ધાતુપાઠના પ્રાચીન અને મૂર્ધન્ય વૃત્તિકારે કાશ્યપનું ઘણું બહુમાન કર્યું છે. આવા મહાવૈયાકરણ કાશ્યપના મતોને ટાંકીને, તેમના ધાતુપાઠ અંગેના મૌલિક અભિગમનો પરિચય કરાવવા બદલ સાયણના આપણે ઋણી છીએ.