________________
159
Vol. XXXI, 2007
ચાર્વાકદર્શન અને જૈનદર્શન માનતા નથી. તેઓ વેદને પણ માનતા નથી. યજ્ઞ, શ્રાદ્ધ આદિનો પણ વિરોધ કરે છે.
ચાર્વાકો માત્ર પ્રત્યક્ષને જ પ્રમાણ માને છે. અનુમાન, આગમ આદિ અન્ય તમામ પ્રમાણોનો નિષેધ કરે છે. પ્રત્યક્ષ પ્રમાણને જ માનતા હોવાને કારણે સર્વ પરોક્ષ વસ્તુનો નિષેધ કરે છે.
માત્ર પ્રત્યક્ષને જ પ્રમાણ તરીકે સ્વીકારતા ચાર્વાકોનું જૈનદાર્શનિકોએ ખંડન કર્યું છે. આચાર્ય હેમચંદ્રસૂરિએ અન્યયોગવ્યવચ્છેદિકામાં જણાવ્યું છે કે
विनानुमानेन पराभिसन्धिमसंविदानस्य तु नास्तिकस्य ।
न सांप्रतं वक्तुमपि क्व चेष्टा क्व दृष्टमात्रं च हहा प्रमादः ॥२०॥ અર્થાત્ અનુમાનને સ્વીકાર્યા વગર ચાર્વાક બીજાઓના અભિપ્રાયને સમજી નહીં શકે. આથી ચાર્વાકોએ બોલવાની ચેષ્ટા પણ ન કરવી જોઈએ. કારણ કે ચેષ્ટા અને પ્રત્યક્ષમાં બહુ મોટું અંતર છે. ચાર્વાકોનો આ કેવો પ્રમાદ છે.
પ્રમાણ તરીકે માત્ર પ્રત્યક્ષને જ માનવામાં આવે તો બીજાઓના અભિપ્રાયને સમજી નહીં શકાય. કારણ કે અભિપ્રાયને જાણવો એ અનુમાનનો વિષય છે. બીજા માણસને આપણી વાત સમજાણી છે કે નહીં તે તો તેના મુખના ભાવો પરથી જ અનુમાની શકાય.
બીજાના અભિપ્રાયને જાણવા માટે તેની ચેષ્ટા જ કારણ-હેતુ બને છે. હેતુભૂત મુખ આદિની ચેષ્ટા દ્વારા બીજાના અભિપ્રાયોને જાણી શકાય છે કે તે આપણી વાતને સમજી રહ્યો છે કે નહી? આથી બીજાના અભિપ્રાયને જાણવા માટે અનિચ્છાએ પણ અનુમાન પ્રમાણનો સ્વીકાર કરવો પડશે. કેમ કે પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા બીજાના મનનો અભિપ્રાય જાણી શકાતો નથી. અભિપ્રાય જાણવો તે ઇન્દ્રિયનો વિષય નથી. પ્રત્યક્ષજ્ઞાન ઇન્દ્રિયજન્ય હોય છે. અભિપ્રાય જાણવા માટે તો અનુમાન જ ઉપયોગી થાય છે. આ વાતને આચાર્ય મલ્લિષેણ સ્યાદ્વાદમંજરીનામક ટીકામાં એક દાંત દ્વારા સમજાવે છે કે આ પુરૂષ મારા વચનો સાંભળવાની ઇચ્છા ધરાવે છે. જો તેને આવી ઇચ્છા ન હોય તો તેવા પ્રકારના મુખના હાવભાવ જોવા ન મળે. આથી મારે બોલવું જોઈએ. આવા પ્રકારનું જ્ઞાન અનુમાન વિના સંભવે નહીં. માટે અનિચ્છાએ પણ ચાર્વાકોને પ્રત્યક્ષ સિવાય અનુમાન પ્રમાણ સ્વીકારવું પડશે. આચાર્ય હેમચન્દ્રસૂરિ પ્રમાણમીમાંસામાં જણાવે છે કે
व्यवस्थान्यधीनिषेधानां सिद्धेः प्रत्यक्षतरप्रमाणसिद्धिः ॥११॥२ પ્રમાણ-અપ્રમાણનો વિભાગ, પરબુદ્ધિ અને અતીન્દ્રિયનો નિષેધ અનુમાનાદિ પ્રમાણ વગર સિદ્ધ નહીં થઈ શકે.
આ સૂત્રમાં ચાર્વાક પ્રતિ પ્રમાણાન્તરની સિદ્ધિ કરવા માટે ત્રણ યુક્તિઓનો પ્રયોગ આચાર્ય હેમચંદ્ર કર્યો છે. આ જ તર્કોનો ઉપયોગ બૌદ્ધદાર્શનિક ધર્મકીર્તિએ પણ કર્યો છે. તેનો જ ઉપયોગ ઉત્તરવર્તી તમામ બૌદ્ધ, વૈદિક અને જૈન ગ્રંથોમાં થયેલો જોવા મળે છે. આચાર્ય હેમચંદ્રસૂરિજીએ વૃત્તિમાં વિસ્તારપૂર્વક ખંડન કરેલું છે જે સિદ્ધર્ષિના ન્યાયાવતાર વૃત્તિ સાથે પણ સામ્ય ધરાવે છે. વૃત્તિમાં જણાવેલ ખંડન નીચે પ્રમાણે છે : (૧) સંવાદી હોવાને કારણે કેટલીક જ્ઞાનવ્યક્તિને અવ્યભિચારી અને વિસંવાદી હોવાને કારણે અન્ય
જ્ઞાનવ્યક્તિને વ્યભિચારી જાણી, કાલાન્તરમાં સંવાદી અને વિસંવાદી જ્ઞાન-વ્યક્તિયોની પ્રમાણતા