Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 72
________________ ચિકાગો પ્રશ્નોત્તર, જૈન મતકા સ્વરૂપ, ઇસાઇમત સમીક્ષા, ચતુર્થસ્તુતિનિર્ણય આ ઉપરાંત તેમણે સ્નાત્રપૂજા, અષ્ટપ્રકારી પૂજા, વીશસ્થાનક પદ પૂજા, સત્તરભેદી પૂજા, નવપદ પૂજા તેમજ સંખ્યાબંધ સ્તવનો, પદો અને સજ્જાયોની રચના કરી છે. આ બધા ગ્રંથોમાં એમણે જૈનધર્મ અને તત્ત્વદર્શનનાં વિવિધ પાસાંઓની ઘણી વિગતે છણાવટ કરી છે. જૈન તત્ત્વાદર્શ નામનો એમનો માત્ર એક દળદાર ગ્રંથ વાંચીએ તો પણ જૈનધર્મનો સમગ્ર સાર એમાં આવી ગયેલો જણાશે. આત્મારામજી મહારાજે જૈન ધર્મની અન્ય ધર્મો સાથે પણ તટસ્થ, તુલનાત્મક સમીક્ષા કરીને જૈન ધર્મની વિશેષતા શી છે તે દર્શાવી છે. અજ્ઞાનતિમિર ભાસ્કર નામના પોતાના ગ્રંથમાં એમણે વૈદિક યજ્ઞકર્મ, વૈદિક હિંસા, માંસાહાર, યજ્ઞનું સ્વરૂપ ઇત્યાદિની વિચારણા વેદો, ઉપનિષદો, પુરાણો વગેરેમાંથી આધાર આપીને કરી છે અને તેમાં રહેલી મિથ્યાત્વભરેલી અજ્ઞાન વિચારણાનું વિવેચન કરી, બૌદ્ધ, સાંખ્ય, જૈમિનેય વગેરે દર્શનોની મુક્તિના સ્વરૂપની વિચારણાનું વિશ્લેષણ કરી જૈન દર્શનના સિદ્ધાંતો કેવા અબાધિત અને દોષરહિત છે તે બતાવ્યું છે. ચતુર્થસ્તુતિનિર્ણય નામના ગ્રંથમાં એમણે ત્રણ થોય (સ્તુતિ) નહિ પણ ચાર થોય જ શાસ્ત્રોકત છે એ પૂર્વાચાર્યોકૃત બ્યાસી ગ્રંથોના આધારો ટાંકીને સિદ્ધ કરી બતાવ્યું છે. સમ્યકત્વ શલ્યોદ્ધાર નામના ગ્રંથમાં જૈન ધર્મ મૂર્તિપૂજામાં શા માટે માને છે તે એમણે આગમગ્રંથો અને ઈતિહાસમાંથી પુરાવા આપી સિદ્ધ કરી બતાવ્યું છે. તેઓ કવિ હતા, એટલે એમણે વિવિધ પૂજાઓ અને સ્તવનોની રચના હિન્દી ભાષામાં કાવ્યમાં કરી છે. એમાં એમની શાસ્ત્રીય સંગીતની જાણકારી ઉપરાંત જૈન શાસ્ત્રોના સિદ્ધાંતોને લોકભાષામાં વણી લેવાની ખૂબી પણ જોવા મળે છે. આ પ્રકારનું પૂજાસાહિત્ય હિન્દી ભાષામાં સૌ પ્રથમ તેમના તરફથી આપણને સાંપડે છે. આત્મારામજી મહારાજે પોતે રચેલા સાહિત્ય દ્વારા જૈનશાસનની બજાવેલી અનન્ય સેવાની સુવાસ અનેક વર્ષો સુધી મહેકતી રહેશે. શ્રી આત્મારામજી મહારાજ મંત્રવિદ્યાના પણ ઘણાસારા જાણકાર તથા ઉપાસક હતા. આ માહિતી એમના એક વિદ્વાન શિષ્ય શાંતિવિજય દ્વારા યતિ શ્રી બાલચંદ્રાચાર્યને મળી હતી. શ્રી શાંતિવિજય પાસે રોગોપહારિણી, અપરાજિતા, સંપાદિની વગેરે વિદ્યાઓ હતી અને તેની પ્રતીતિ યતિ શ્રી બાલચંદ્રાચાર્યને થતાં તેમણે શ્રી શાંતિવિજયને આ વિદ્યાઓ કોની પાસેથી મેળવી એવું પૂછ્યું ત્યારે શ્રી શાંતિવિજયે અંગત ખાનગી રીતે જણાવ્યું હતું કે એમને એ વિદ્યાઓ એમના ગુરુ શ્રી આત્મારામજી પાસેથી મળી હતી. શ્રી આત્મારામજી મહારાજને આ વિદ્યાઓ કોની પાસેથી મળી હતી એવું પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે મેડતામાં એક વયોવૃદ્ધ યુતિ ઘણી મંત્રવિદ્યાઓ જાણતા હતા, પરંતુ પાત્રતા વગરની કોઈ વ્યક્તિને તેઓ આપવા નહોતા ઈચ્છતા. શ્રી આત્મારામજી ને જોતાં જ તેમને પોતાના યોગબળથી લાગ્યું કે આ બાળબ્રહ્મચારી તેજસ્વી સાધુને એ મંત્રવિદ્યાઓ આપી શકાશે. એ એવી સિદ્ધ વિદ્યાઓ હતી કે માત્ર પઠન કરવાથી પણ સિદ્ધ થઈ શકતી હતી. ૬૪ Jain Education International શ્રી વિજયાનંદસરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75