________________
અંતિમ ક્ષમાપના
તેથી ઘોળકાથી પતાસાં લઈ વટામણ આવ્યાં. ગામમાંથી જે ખબર જોવા આવે તેમને પાંચ પાંચ પતાસાં આપી પોતાના થયેલા દોષોની છેલ્લી માફી માંગી ખમતખામણાં કરવાં લાગ્યાં. પછી વિચાર્યું કે પૂર્વે કંઈ ઘર્મની આરાધના કરી હશે તેના ફળરૂપે આ ઘન, વૈભવ, આબરૂ વગેરે આ કુટુંબમાં વિશેષ દેખાય છે. હવે ભવિષ્યમાં સુખની ઇચ્છા હોય તો આ ભવમાં ઘર્મની આરાધના અવશ્ય કરી લેવા યોગ્ય છે.
સંસાર ત્યાગી સાધુ થવાની ભાવના
પ.પૂ.પ્રભુશ્રીજીનું જન્મસ્થળ, વટામણ
તે વિચારે આખરે એવું સ્વરૂપ લીધું કે જો આ રોગ મટી જાય તો સંસારનો ત્યાગ કરી સાધુ થવું. પણ ઉપદેશ-વ્યાખ્યાન પ્રવૃત્તિ કરે તેવો કોઈ સાથે હોય તો ઠીક પડે. તેથી પોતાના ઘર પાડોશી મિત્ર જેવા દેવકરણજી જે તીક્ષ્ણબુદ્ધિના છે તે સાથે સાઘુ થાય તો બહુ સારું. રોજ ઉપાશ્રયમાં સામાયિક વખતે બન્ને ભેગા થતા હતા. ત્યાં લલ્લુભાઈએ દેવકરણજીને પૂછ્યું કે હું સાધુ થાઉં તો તું મારો ચેલો થાય? દેવકરણજીને લાગ્યું કે આવા સુખી કુટુંબનો અને એકનો એક દીકરો સંસારત્યાગ કરે એ બનવા યોગ્ય નથી. તેથી હા કહી કે તમે સાધુ થાઓ તો હું જરૂર તમારો શિષ્ય થાઉં. દેવકરણજીના માથે દેવું હતું તે પતાવી દેવાની પોતે કબુલાત કરી. તેથી દેવકરણજીને આ વાત સાચી લાગી અને સાથે આનંદ પણ થયો.