________________
પ્રકાશકીય
જગતમાં અનેક પ્રકારની વિચિત્રતાઓ જોવા મળે છે. કોઈ ધનવાન હોય પણ પોતે રોગી હોવાને કારણે ધન ભોગવી શકતો નથી, જ્યારે કોઈ નિરોગી નિર્ધન હોવાને કારણે દુઃખી છે. કોઈ નિર્બળ છે, કોઈ સબળ છે, કોઈ મહેનત કર્યા પછી પણ કંઈ પામતો નથી અને ઘણા મહેનત કર્યા વગર જ અપાર સંપત્તિ પામે છે. આવી આવી અનેક વિચિત્રતાઓનાં કારણો શોધ્યાં જડતાં નથી. શાસ્ત્રકારો જણાવે છે કે દરેક જીવ પોતાનાં કર્મોને કારણે સુખ, દુઃખ આદિ પામે છે. જગતની વિચિત્રતાનાં કારણ પણ આ કર્મ જ છે. ભારતીય સંસ્કૃતિમાં કર્મનો સિદ્ધાંત જનજનમાં વ્યાપેલો છે. જ્યાં ક્યાંય પણ વિકટ પરિસ્થિતિ સર્જાય કે સામાન્ય માણસ દુઃખ પામે ત્યારે કહે છે કે આ બધું કર્મ આધીન છે ! આવો જવાબ અવારનવાર સાંભળવા મળે છે તે જ દર્શાવે છે કે ભારતમાં કર્મનો સિદ્ધાંત પુરાતન અને વ્યાપક છે. ભારતમાં તમામ ધર્મો અને દર્શનોએ કર્મ વિશે ચિંતન કર્યું છે. વૈદિક પરંપરામાં અને બૌદ્ધધર્મ પણ કર્મનો સ્વીકાર કર્યો છે. પરંતુ કર્મ અંગેના તેમના વિચારો બધી જ સમસ્યાઓનું સમાધાન આપવા સમર્થ નથી. માત્ર જૈનધર્મનો કર્મસિદ્ધાંત અત્યંત સૂક્ષ્મ અને ખૂબ જ ગહન છે. તેથી તેમાં મોટાભાગના તમામ પ્રશ્નોનો જવાબ મળી જાય છે. જૈનધર્મમાં કર્મવિષયક જેટલું ગહન ચિંતન જોવા મળે છે તેટલું અન્ય કોઈ દર્શનમાં જોવા મળતું નથી.
કર્મસિદ્ધાંત એ જૈનદર્શનનું જગતને બહુ જ મોટું અને મહત્ત્વનું પ્રદાન છે. સર્વ પ્રથમ તો કર્મનો સ્વીકાર અને કર્મ જેવા તત્ત્વની સિદ્ધિ જૈનધર્મે આગવી રીતે કરી છે. આ સિદ્ધાંત ઉપર લખાયેલ સાહિત્ય અતિશય વિશાળ અને સેંકડો ગ્રંથોપ્રમાણ છે. પ્રાચીન કાળથી અત્યાર સુધી રચાયેલું સાહિત્ય અત્યંત વિકટ અને દુર્ગમ પણ છે. આવા દુર્ગમ વિષયને સમજાવવા માટે સરળ પ્રકરણ ગ્રંથો પણ રચાયા છે. તેની ઉપર વિવેચનો/ટીકાઓ પણ રચાઈ છે. હવે તો તે ગ્રંથો સમજાવનાર નિષ્ણાતોની સંખ્યા પણ હવે અલ્પ થઈ