________________
કલાકાર અને કથાકારની જુગલબંદી
- આચાર્યશ્રી વિજયશીલચન્દ્રસૂરિ
મારી નજર સામે, પીંછીના થોડાક લસરકાથી કેન્વાસના ફલક ઉપર અવતરેલી, એક કલાકારની સાધનાની સાક્ષી પૂરતી, રૂપભરી ચિત્રસૃષ્ટિ ઉપસ્થિત થાય છે. આ ચિત્રસૃષ્ટિ મને થોડીક પળો માટે, વિગત ૨૫ (પચીસ) સૈકાના વિશાળ કાળ-પટના વિભિન્ન ખંડોમાં દોરી જાય છે, અને જે વિશ્વને તેના ભૌતિક રૂપમાં મેં નથી અનુભવ્યું, તેની અનુભૂતિ મારી આંતર-ચેતનાના સ્તરે કરાવી, મને મંત્રમુગ્ધ કરી મૂકે છે.
રસિક-જનને ભાવ-સમાધિમાં તરબોળ કરવા માટે સર્વથા સમર્થ, રંગ-રૂપની આ સૃષ્ટિમાંથી બલાત્કારે બહાર નીકળીને વાસ્તવદર્શી બનું છું, તો મારી તર્ક-ચેતના તત્સણ ઝબકી ઊઠે છે, ને મને યાદ આવે છે પેલું શાસ્ત્રવાક્ય : “ચિત્તભિત્તિ ન નિઝાએ - નિગ્રંથ મુનિ, ભીંત (વગેરે) ઉપર આલેખેલાં ચિત્રો જોવાનું ટાળે.”
અને એ સાથે જ, ચિત્ત એક અનિર્વાચ્ય દ્વિધામાં ડૂબી જાય છે. એક તરફ છે ભગવાન સર્વજ્ઞની અમોઘ આજ્ઞા : જેનો અનાદર કે ઉલ્લંઘન સ્વપ્નમાંય સૂઝે નહીં. તો બીજી તરફ છે આ ચિત્રોની રૂપકડી દુનિયા : જેમાંથી પ્રગટતો શાંતરસ, મનની વિકૃતિઓને બાળી દેતો એ તારક પરમાત્માના અનુશાસન પ્રત્યે વધુ ને વધુ સમર્પિત થવાની પ્રેરણા પાઈ રહ્યો છે.
અનંત દ્વિધાઓની ભરમાળ-વચાળે પણ અનુકૂળ સમાધાન શોધી લેવામાં પાવરધા મનમાં, એકાએક, પેલું શાસ્ત્રવચન ગુંજી ઊઠે છે કે “જે પ્રવૃત્તિથી તારો રાગ અને દ્વેષ પાતળો પડી શકે, તે પ્રવૃત્તિ કરવામાં આજ્ઞા છે.” એ સાથે જ માનસપટ ઉપર તરી આવે છે મધ્યકાલનાં ભવ્ય કલામય સ્થાપત્યો અને તાડપત્રગ્રંથોમાં આલેખાયેલાં, રંગ-રેખાના ભવ્ય ખજાના સમાં લઘુચિત્રો. રાગ અને દ્વેષની વાસનાના પ્રક્ષાલન માટે જ પૂર્વના પુણ્યપુરુષોએ નિર્ભેલાં એ સ્થાપત્યો અને ચિત્રોના આલંબને કેટકેટલા આત્માઓ આરાધક બનીને કર્મની વૈતરણીને તરી ગયા હશે ! આ ખ્યાલ મનની અનંત જણાતી પેલી દ્વિધા અનાયાસ ખરી પડે છે, અને ચિત્રોનું પ્રસ્તુત વિશ્વ પણ, અનેક સુજ્ઞ દર્શકોને માટે ક્યારેક વાસનાલયનું તો ક્યારેક ભવ્ય ભૂતકાળ પ્રત્યે ઊગનારા અહોભાવનું ઉદાત્ત આલંબન બનશે, તેવી શ્રદ્ધાથી મન ભર્યું ભર્યું બની જાય છે.
ભારતીય પ્રાચીન | મધ્યયુગીન ચિત્રકલાના મૂળ સિદ્ધાંતો તથા ભૂમિકાને સમજવા માટે ‘વિષ્ણુધર્મોત્તર પુરાણ”નું ચિત્રસૂત્ર-પ્રકરણ એક આધારભૂત અને માન્ય સંદર્ભ છે. ચિત્રકલાના તેમજ ચિત્રકારના પાયાના નીતિ-નિયમો, સિદ્ધાંતો, વિધિ-નિષેધો તથા ગુણ-દોષોની વિસ્તૃત છતાં શાસ્ત્રીય વિચારણા / છણાવટ કરતું આ પ્રકરણ ચિત્રકલાનો મહિમા આ રીતે ગાય છે : “કલાનાં પ્રવરં ચિત્ર, ધર્મકામાર્થ-મોક્ષદમુ મંગલ્ય પરમેશ્વેતદ્ ગૃહે યત્ર પ્રતિષ્ઠિતમ્ //”
અર્થાતુ કલાઓ તો અનેક છે, પરંતુ એમાં શિરમોર તો ચિત્રકલા જ, ધર્મ, અર્થ, કામ તેમજ મોક્ષઆ ચારેય સંસ્કૃતિ-પ્રસિદ્ધ પુરુષાર્થોને મેળવવાનાં વિવિધ સાધનો શાસ્ત્રોએ નિરૂપ્યાં છે. તેમાં “વિષ્ણુધર્મોત્તર ”ના પ્રણેતા ‘ચિત્ર'ને પણ ચતુર્વર્ગસિદ્ધિનું એક સાધન લેખવે છે. અહીં યાદ કરવા જેવો છે ભગવાન પાર્શ્વનાથનો જીવનપ્રસંગ : વસંતઋતુના દિવસોમાં ઉદ્યાનક્રીડા કરવા રાણી સાથે નીકળેલા પાર્શ્વનાથ, સહજભાવે ચિત્રશાળામાં જઈ ચડે છે, ત્યાં ભીંત ઉપર આલેખેલાં નેમ-રાજુલનાં અદ્ભુત ચિત્ર-પ્રસંગોનાં દર્શને તેમનું હૈયું વૈરાગ્યરસભીનું બને છે. આ પ્રસંગ ચિત્રકલામાં, ધર્મ અને મોક્ષની સાધનામાં પણ સાધન બનવાની ક્ષમતા હોવા વિશે રહીસહી શંકાને પણ નિર્મૂળ કરવા માટે પર્યાપ્ત છે. અને આ સંદર્ભમાં જ વિચારીએ તો, “જે ગૃહમાં ઉત્તમ ચિત્રોનું આલેખન છે, તે ગૃહ પરમ મંગલનું ધામ બને”– એવું “ચિત્રસૂત્ર”નું વિધાન પણ સર્વથા સાર્થક બની રહે છે. ટૂંકમાં બીજી કલાઓનો લેશ પણ અનાદર કર્યા વિના પણ, એમ કહી શકાય કે, નૃત્તકલા, શિલ્પકલા વગેરે અનેક કલાઓની ખૂબીઓને પોતાનામાં સમાવી લેવાની ક્ષમતા ધરાવતી કલા એટલે ચિત્રકલા ચિત્રકાર પોતાની કલામાં સફળ ત્યારે જ થાય જ્યારે તે નૃત્તકલા એટલે કે સુસંસ્કૃત અભિનયકલાનાં તત્ત્વોમાં નિષ્ણાત હોય.
ચિત્રસૂત્રમાં પ્રાચીન કલાગ્રંથોમાં ચિત્રનાં મૂળભૂત ૬ અંગો વર્ણવવામાં આવ્યાં છે. અર્થાતુ એ છ અંગો જેમાં હોય તે ચિત્રને સર્વાગપૂર્ણ ચિત્ર ગણવું જોઈએ. એ છ અંગો તે આ : ૧. રૂપભેદ; ૨. પ્રમાણ; ૩. ભાવ;