________________
અતિશયોક્તિ – અલ્પોક્તિ – બન્નેથી બચી શકાય તેમ લાગે છે.
આ બધું જ મહત્ત્વનું / મહિમાવંતું છે, તે તો નિઃશંક. પરંતુ આ બધાંનો અને તેની મહત્તાનો પ્રાણ તો છે તેનું પ્રેરક પરિબળ : યોજક : “સ તુ તંત્ર વિશેષ દુશ્મ:, સપત્ત્પતિ કૃત્યવર્ત્ય ૫ઃ” અને “યોજકસ્તત્ર દુર્લભઃ" ઇત્યાદિ સુભાષિતો દ્વારા કવિઓએ જેનો મહિમા ગાયો છે તે ‘યોજક' જ આ બધી મહત્તાનું ચાલકબળ હોય છે. બધા જ યોગો ઉપલબ્ધ / ઉપસ્થિત હોવા છતાં યોજક વિના તે નગણ્ય જ બની રહેતાં હોય છે, તે સર્વવિદિત છે. તેથી જ, આ મહામંદિર, ચિત્રાંકનો તથા પ્રસ્તુત ચિત્રસંપુટ – આ તમામના પ્રેરક, યોજક અને કલ્પક પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીવિજયચંદ્રોદયસૂરિજી મહારાજ અને તેઓશ્રીનો આ કાર્યોમાં સહયોગી સર્વ સમૂહ. આવાં ઉત્તમ કલાવિધાનો જગત સમક્ષ રજૂ કરવા-કરાવવા બદલ સૌના અભિવાદનના સાચા અધિકારી છે. તેમને ભાવપૂર્વક વંદન.
એક કાળે જૈનસંઘમાં અતિ સૂક્ષ્મ કલા-દૃષ્ટિ, કલા-પ્રીતિ, કલા-પરખ હતાં જેનાં સુફળ આપણે દેલવાડા અને કુંભારિયા-રાણકપુરનાં કલામય સ્થાપત્ય રૂપે તથા અસંખ્ય પોથીચિત્રો વગેરે રૂપે પામીને ધન્ય જ નહીં, પણ કલા-સંપન્ન પણ બન્યા છીએ. વસ્તુતઃ તો આપણી, કલાની અદ્ભુત ઉપાસના તેમજ નિષ્ઠાનાં દર્શન કરાવતાં આ બધાં વાનાં અવલોક્માં પછી પણ, જો કોઈ, જૈનોને શુષ્ક જ્ઞાનમાર્ગી અને વૈરાગ્યજડ માનતો રહે તો તેમાં માનનારની બૌદ્ધિક જડતા જ પ્રગટ થવાની.
સૈકાઓ-જૂનો આ કલા-પ્રેમ છેલ્લા થોડા સમયથી કંઈક અંશે ઓસર્યો હોય અને કલા પ્રત્યે ઉપેક્ષાત્મક વલણ વધતું જતું હોય તેવી દહેશત પાકી બને ત્યાં જ, અચાનક, રણમાં મીઠી વીરડી જેવાં આ સમવસરણ-મંદિર જેવાં સ્થાપત્યોનો તથા તેની રમણીયતાને વિકસાવવા કાજે જ સર્જાયેલાં આવાં કલામંડિત ચિત્રોનો ફાલ ઊતરી આવ્યો ! વર્ષો પૂર્વે, શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ મારેલું ‘આધુનિક જૈનોનું કલાવિહીન જીવન' - એવું આકરું મહેણું જાણે કે આ નવસર્જનોએ ભાંગી નાખ્યું.
ભલે બહુ વિરલ પ્રમાણમાં, પણ આ નિર્માણોએ અનેક વ્યક્તિઓને પ્રેરણા તો અવશ્ય આપી છે કે માત્ર ધનવ્યય કરીને આરસપહાણનાં ચણતર ઊભાં કરવામાં જ ઇતિશ્રી નથી; એવાં ચણતરીની ખરી સાર્થકતા તો એમાં આવી કલા ઉગાડવામાં જ હોઈ શકે. કદાચ આવા જ કોઈ કારણે, હવે નિર્માણ પામતાં આયોજનોમાં ઓછા-વધતા અંશે પણ કલાનાં ધોરણોનો આગ્રહ રાખવાની વૃત્તિ તથા દૃષ્ટિ, ધીમી ગતિએ પણ, વિકસતી જતી જોવા મળે છે. આ એક આવકારાયક ભ ચિહ્ન ગણાય.
એક બીજો મુદ્દો પણ, અહીં જ નોંધવો ઘટે.
ચિત્રના બે પ્રકાર છે : એક તો રેખાચિત્ર, જેના વિશે ઉપર વિગતે નોંધવામાં આવ્યું છે; અને બીજું શબ્દચિત્ર, જેનું આલેખન કુશળ શબ્દ-સ્વામીઓ કરી શકે છે. કુશળ કલાકાર જેમ પીંછીના ઓછા-ઓછા લસરકા વડે જે દૃશ્યનું સુંદર-સંપૂર્ણ ચિત્રાંકન કરી શકે છે, તેમ કુશળ શબ્દ-શિલ્પી થોડાક શબ્દોની મદદ વડે જ પ્રસંગને સુરેખ અભિવ્યક્તિ આપી શકે છે.
પ્રસ્તુત ગ્રંથમાં દૃષ્ટિગોચર થતું પ્રત્યેક ચિત્ર જો એક વિરાટ જીવનકથાનું સંક્ષિપ્ત પણ કલામય નિદર્શન હોય તો તેની સાથે ૨જૂ થયેલ જીવનપરિચય તે જે તે જીવનકથાનું શબ્દાત્મક પ્રતિબિંબ હોવાનું સ્વીકારવું પડે. જીવનકથાનું પ્રતિફલન તે ચિત્રકથા, તો ચિત્રકથાનું પ્રતિબિંબ તે શબ્દથા. એ રીતે જોતાં એમ કહી શકાય કે આ ગ્રંથ એટલે ક્લાકાર અને કથાકારની જુગલબંદી.
આ શબ્દકથાના કથાકાર છે, ગુજરાતના લોકપ્રિય કલમ-નવેશ ડૉ. કુમારપાળ દેસાઈ.
પ્રત્યેક ચિત્રમાં વણી લેવાયેલ કથા-પ્રસંગોને શબ્દોમાં આવરી લેવાની શરતને આધીન રહીને પણ તેમણે લાઘવયુક્ત છતાં સરળ શૈલીમાં ચિત્રાંકિત કથાનકને જે સુરેખ ઢબે આલેખી બતાવ્યું છે તે કાબિલે દાદ છે.
ડૉ. કુમારપાળની કલમ તેની બે વિશેષતાઓને કારણે ગુજરાતમાં વિશેષ લોકપ્રિય છે : એક, સાદી-સરળ શબ્દગૂંથણી; બીજું, લોકભોગ્ય અભિવ્યક્તિ. લોકપ્રિય લેખક હોવા ઉપરાંત લોકપ્રિય વક્તા તરીકે તો તેઓ મશહૂર છે જ; પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમનું ધ્યાન જૈનદર્શન અને તેનાં સાહિત્યમાં ધરબાયેલી વ્યાપક લોકોપકારકતા પ્રત્યે વિશેષ રૂપે દોરાયું છે, અને એથી હવે તેમણે આ સાહિત્ય માટે તથા આવા અમૂલ્ય સાહિત્યના ભવ્ય વારસાના વારસદાર એવા જૈન સમાજના ઉત્કર્ષ માટે દેશ-પરદેશમાં ‘કંઈક’ નોંધપાત્ર કરી બતાવવાનું જાણે કે ‘પણ’ લીધું છે. આથી સાહિત્યપ્રીતિ અને લોકપ્રિયતાનાં બે પરિમાણો ધરાવતા તેમના વ્યક્તિત્વમાં વિચારભૂત ધર્મભક્તિનું ત્રીજું પરિમાણ ઉમેરાયું છે, જે જૈન જગત માટે આનંદજનક ઘટના છે.
એમની આ ધર્મનિષ્ઠાનું જ પરિણામ છે. પ્રસ્તુત ગ્રંથમાં તેમના દ્વારા આલેખાયેલા શબ્દચિત્રો કે શબ્દ કથાઓ. આપણે આ ચિત્રકથાઓની સાથે-સાથે આ શબ્દકથાઓનું પણ ઉમળકાભેર સ્વાગત કરીએ અને કલાકાર-કથાકારની આ જુગલબંદીને ભાવપ્રવણ હૈયે માણીએ.
૨૮-૫-૯૮