________________
ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારે! સામયિકમાં છૂટક છૂટક લેખો રૂપે પ્રસિદ્ધ કરેલું; પરંતુ જુલાઈ, ૧૯૭૦માં સમગ્ર પુસ્તક તરીકે તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું કે તરત જ એપ્રિલ ૧૯૭૧ સુધીમાં તેનું ૧૪ વખત પુનર્મુદ્રણ કરવું પડ્યું. વળી ૧૯૭૦ના વર્ષમાં જ તે પુસ્તકની જુદી જુદી બીજી બે આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ. ૧૯૭૧ના
ઑગસ્ટમાં તેની પેપર-બૅક આવૃત્તિ પ્રસિદ્ધ થઈ ત્યારે તેનું ૧૯૭૭ના ફેબ્રુઆરી સુધીમાં સાત વખત પુનર્મુદ્રણ કરવું પડ્યું. એ બધા ઈતિહાસમાં આપણે પડવાની જરૂર નથી. આપણે તે અત્યારની ટેકનોલૉજીકલ કાંતિ વડે
ઔદ્યોગિક ઉત્પાદન, સમાજ અને તેના વર્ગો, સંસ્થાઓ, સંગઠને, અરે મિત્રતા તેમ જ કૌટુંબિક સંબંધો બાબતમાં શું તૂટી રહ્યું છે અને શું નિપજી રહ્યું છે, તેના તેણે કરેલા વર્ણન સાથે જ લેવા-દેવા છે. કારણ કે, આધુનિક ભારતની નેતાગીરી ભારતને એ ટેકનોલૉજીના ઘમસાણમાં – વમળમાં – સીધુ ઉતારી દેવા માગે છે.
જેકે, ટોફલરે તે એકવીસમી સદીમાં શું નવું ઊભું કરવાનું છે કે જોવા મળવાનું છે તેની પણ કલ્પના રજૂ કરવા પ્રયત્ન કર્યો છે, પરંતુ ૨૦મી સદીને જે ભંગાર તેણે વર્ણવ્યો છે, તેમાંથી આપોઆપ એ નવું ફૂલ ખીલશે કે નહિ, એ તો સૌ કોઈને માટે માનવા-ન-માનવાની બાબત છે. નક્કર – નિશ્ચિત – કહી શકાય એવું તો એટલું જ છે કે, આધુનિક ટેકનોલોજીકલ કાંતિ અત્યાર સુધી માનવે હાંસલ કરેલું બધું નામશેષ કરવા બેઠી છે. તેથી જુદું એવું કંઈક આધુનિક ક્રાંતિમાં જ આગળ વધ્યે મળવાનું છે કે, કોઈ બીજા ગાંધીની દેરવણી હેઠળ ઊલટા જ માર્ગે પાછા વળીને મેળવવાનું છે, – અને ત્રીજો વિકલ્પ સર્વતોમુખી વિનાશ પણ છે જે - તે તે ટોફલર નહિ પણ તેને અને આપણા સૌને ભગવાન જાણતો હોય તે જાણે!
નેપાળદાસ પટેલ