________________
પ્રથમવૃત્તિ શ્રેષ્ઠિ દેવચન્દ્ર લાલભાઈ જૈનપુસ્તકોદ્ધાર સંસ્થાથી ગ્રંથાંક-૪૦ તરીકે વિ.સં. ૧૯૭૩માં પ્રકાશિત થયેલ હતી. ત્યારપછી આ ગ્રંથની શુદ્ધિકરણ પૂર્વક સંશોધિત કરેલી દ્વિતીયાવૃત્તિ શ્રીજૈનધર્મપ્રસારક સભા ભાવનગરથી વિ.સં.૧૯૮૪માં પ્રકાશિત થયેલ હતી. આજથી ૮૧ વર્ષો પૂર્વે પ્રકાશિત થયેલી પ્રતાકાર આ આવૃત્તિ જીર્ણ થયેલ હોવાથી આ ગ્રંથનું નવીનસંસ્કરણ પ્રકાશિત થાય તો પૂર્વના મહાપુરુષદ્વારા રચિત આ ગ્રંથનો વારસો આગળ વધે અને જિજ્ઞાસુવર્ગને ધર્મનું સ્વરૂપ જાણવા માટે પ્રેરણાદાયી બને એ શુભભાવનાથી સતત શ્રતોપાસનામાં લીન રહેતા સાધ્વી ચંદનબાલાશ્રીને મેં પ્રેરણા કરી અને મારી શુભપ્રેરણાને સહર્ષ વધાવીને તેમણે આ ગ્રંથનું નવીનસંસ્કરણ પરિશિષ્ટો વગેરે સહિત પુસ્તકાકારે તૈયાર કરેલ છે.
આ ગ્રંથ પ્રકાશન કાર્યમાં સાધ્વી ચંદનબાલાશ્રીની ઋતભક્તિથી પ્રભાવિત થઈને પરમપૂજ્ય પ્રેમ-ભુવનભાનુ-દેવસુંદરવિજય મહારાજના શિષ્યરત્ન સરસ્વતીલબ્ધપ્રસાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજની શુભપ્રેરણાથી શ્રીજેનશ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ (સાયન-શિવ-મુંબઈ-૨૨) આ ગ્રંથ પ્રકાશનનો સંપૂર્ણ લાભ શ્રીસંઘના જ્ઞાનદ્રવ્યમાંથી લીધેલ છે તે તેમની શ્રુતપ્રત્યેની પરમોચ્ચભક્તિ સૂચવે છે.
આ રીતે દરેક શ્રીસંઘો પોતાના જ્ઞાનદ્રવ્યમાંથી શ્રુતજીર્ણોદ્ધાર માટે લાભ લે તો અનેક પ્રાચીનગ્રંથોનો જીર્ણોદ્ધાર સુલભતાથી થઈ શકે અને પૂર્વના મહાપુરુષો રચિત શ્રુતનો વારસો જળવાઈ રહે.
- પ્રાંત અંતરની એ જ શુભભાવના વ્યક્ત કરું છું કે જેમ ઔષધ તેને આપેલી ઔષધિઓની ભાવના વડે ભાવવાથી ગુણકારી થાય છે તેમ ભાવસયિત કરેલો ધર્મ પ્રાણીને ફળદાયક થાય છે. દાન, શીલ ને તપરૂપ ધર્મ ભાવસંયુક્ત હોવાથી જ પૂર્ણ ફળને આપે છે, તેથી ભાવપૂર્વક રત્નત્રયીરૂપ ધર્મને આરાધી-સાધી હું અને સૌ કોઈ ભવ્યજીવો અષ્ટકર્મનો ક્ષય કરીને શાશ્વત એવા મુક્તિસુખના ભાગી બનીએ એ જ શુભભાવના !!
– પંચાસ વજસેનવિજય