Book Title: Bhagwan Buddha Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 2
________________ ભગવાન બુદ્ધ ૦ ૧૧૩ બ્રાહ્મણો વિશે જે સંવાદ કર્યો તે આ પ્રમાણે છે : બ્રાહ્મણો : હે ગૌતમ ! આજકાલના બ્રાહ્મણો જૂના બ્રાહ્મણોના બ્રાહ્મણધર્મના આચાર મુજબ વર્તનારા દેખાય છે ખરા? ગૌતમ : હે બ્રાહ્મણો ! આજકાલના આ બ્રાહ્મણો જૂના બ્રાહ્મણોના આચાર મુજબ વર્તન કરનારા દેખાતા નથી. બ્રાહ્મણો : જો આપ ગૌતમને આ ચર્ચા કરતાં ખાસ તકલીફ ન જણાતી હોય, તો આપ અમને જૂના બ્રાહ્મણોનો આચાર સમજાવો. ગૌતમ : હે બ્રાહ્મણો ! જૂના બ્રાહ્મણોનો આચાર તમારે સમજવો હોય અને તે વિશે તમારે સાંભળવું હોય, તો હું કહું છું તે ધ્યાન દઈને સાંભળો. બ્રાહ્મણો : વારુ, આપ કહો, અમે સાવધાન મન કરીને જે આપ કહેશો તેને બરાબર સાંભળીશું. ગૌતમ : જૂના બ્રાહ્મણો સંયમી હતા, તપસ્વી હતા અને પાંચ ઇંદ્રિયોના વિષયોનો ત્યાગ કરીને બ્રહ્મચિંતનમાં તત્પર રહેતા હતા. તે બ્રાહ્મણો પાસે પશુઓ નહોતાં, ધન ન હતું, ધાન્યનો સંગ્રહ પણ ન હતો. સ્વાધ્યાય એ જ તેમનું મહામૂલું ધન હતું અને તેઓ એ બ્રહ્મનિધિનું શ્રદ્ધા અને ભક્તિથી રક્ષણ કરતા રહેતા હતા. આમજનતા તેમને સારુ શ્રદ્ધાપૂર્વક ભોજન તૈયાર કરીને બારણામાં તેમના આવવાની રાહ જોતી ખડી રહેતી. આમજનતા એમ જ સમજતી કે આવા સંયમી અને તપસ્વીઓ માટે આ રીતે ભોજન આપવું એ જ યોગ્ય હતું. મોટાં મોટાં સંપન્ન રાષ્ટ્રો આવા બ્રાહ્મણોની પૂજા કરતા, આદર કરતા, બહુમાન કરતા. તેવા બ્રાહ્મણો હંમેશાને માટે અવધ્ય હતા અને ધર્મથી સુરક્ષિત હોવાને લીધે અજેય હતા તથા સદાચારસંપન્ન હોવાને કારણે તેઓ ગમે તે કુટુંબમાં જઈ શકતા તેમને ગમે તે ઘરમાં કે કુટુંબમાં જતાં કોઈ અટકાવતું ન હતું. પ્રાચીન બ્રાહ્મણો અડતાળીસ વર્ષ સુધી કૌમાર બ્રહ્મચર્યને વિશુદ્ધપણે પાળતા અને તે દરમિયાન પ્રજ્ઞાના વિકાસને તથા શીલની સંપત્તિને વધારતા. તે પ્રાચીન બ્રાહ્મણો કદી પરદારાગમન તો કરતા જ નહિ અથવા કોઈ કન્યા, સ્ત્રી કે વિધવાને વેચાતી કે ભાડે પણ ન રાખતા. સાચા સ્નેહવાળો સ્ત્રીસહવાસ જ તેમને માન્ય હતો. ઋતુસમય સિવાય તેઓ બીજે સમયે કદી પણ સ્ત્રીસંગ કરતા નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9