Page #1
--------------------------------------------------------------------------
________________
૧૪. ભગવાન બુદ્ધ
વૈશાખી પૂનમને દિવસે ક્ષત્રિય કુળભૂષણ ધર્મસંશોધક રાજપુત્ર સિદ્ધાર્થ બુદ્ધ થયા. રાજપુત્ર સિદ્ધાર્થે સળગતા સંસારને જોઈને તેને શાંતિ પમાડવાની દષ્ટિએ અને પોતે પણ પરમશાંતિ મેળવવાના હેતુથી ભિક્ષપદ સ્વીકાર્યું. આકરાં તપ કર્યો, શરીર માત્ર હાડકાંનો માળો બની ગયું, નસેનસ દેખાવા લાગી, સગડીમાં ભરેલા કોલસા સગડીને ચલવતાં ખખડવા લાગે, તેમ રાજપુત્રના શરીરનાં તમામ હાડકાં ખખડવા લાગ્યાં. કેવળ પાણી ઉપર ઘણો વખત વિતાવ્યો, કેવળ ખડધાન્ય ઉપર પણ મહિનાઓના મહિના ચલાવ્યું, ગોમૂત્ર અને ગોબર ઉપર પણ શરીરને ટકાવી રાખ્યું; સખત તાપમાં, ઠંડીમાં અને મુશળધાર વરસતે વરસાદે પણ આસનને ચલિત ન થવા દીધું, પોતાની પાછળ પડેલી તૃષ્ણાની સેનાને પણ દાદ ન દીધી અને આમ કઠોરાતિકઠોર, ઘોરાતિઘોર સાધના કરતાં કરતાં બેભાન પણ બની જવાનો પ્રસંગ આવી ગયો; છતાં તે વજકાય વીરનર ઢીલો ન પડ્યો તે ન જ પડ્યો, અને છેવટે તેણે ગયામાં બોધિવૃક્ષને નીચે બેસીને બુદ્ધત્વ પ્રાપ્ત કર્યા પછી જ હાશ કરી.
એ મહાત્યાગી સમર્થ સંશોધક બુદ્ધ ભગવાને પોતાના સમયના ધર્મસમાજનો ચિતાર આપતાં “સુત્તનિપાત નામના ગ્રંથમાં ૧૯મા બ્રાહ્મણધમિકસુત્તમાં પ્રાચીન બ્રાહ્મણો અને અર્વાચીન બ્રાહ્મણો વિશે જે હકીકત વર્ણવેલી છે, તે આજે પણ એટલી જ સાચી છે; તેનો સાર આ પ્રમાણે છે :
“એક વાર ભગવાન બુદ્ધ શ્રાવસ્તી નગરીના જેતવનમાં અનાથપિડિક શેઠે ભિક્ષુઓને માટે અર્પણ કરેલા આરામમાં રહેતા હતા. તે વખતે કોશલદેશના વતની કેટલાક ઘરડા કુલીન બ્રાહ્મણો ભગવાન પાસે આવ્યા. ભગવાનને કુશલ સમાચાર અને સુખસંયમની હકીકત પૂછી તેઓ બધા એક બાજુએ બેઠા, અને તેમણે ભગવાનની સાથે પ્રાચીન બ્રાહ્મણો અને અર્વાચીન
Page #2
--------------------------------------------------------------------------
________________
ભગવાન બુદ્ધ ૦ ૧૧૩ બ્રાહ્મણો વિશે જે સંવાદ કર્યો તે આ પ્રમાણે છે :
બ્રાહ્મણો : હે ગૌતમ ! આજકાલના બ્રાહ્મણો જૂના બ્રાહ્મણોના બ્રાહ્મણધર્મના આચાર મુજબ વર્તનારા દેખાય છે ખરા?
ગૌતમ : હે બ્રાહ્મણો ! આજકાલના આ બ્રાહ્મણો જૂના બ્રાહ્મણોના આચાર મુજબ વર્તન કરનારા દેખાતા નથી.
બ્રાહ્મણો : જો આપ ગૌતમને આ ચર્ચા કરતાં ખાસ તકલીફ ન જણાતી હોય, તો આપ અમને જૂના બ્રાહ્મણોનો આચાર સમજાવો.
ગૌતમ : હે બ્રાહ્મણો ! જૂના બ્રાહ્મણોનો આચાર તમારે સમજવો હોય અને તે વિશે તમારે સાંભળવું હોય, તો હું કહું છું તે ધ્યાન દઈને સાંભળો.
બ્રાહ્મણો : વારુ, આપ કહો, અમે સાવધાન મન કરીને જે આપ કહેશો તેને બરાબર સાંભળીશું.
ગૌતમ : જૂના બ્રાહ્મણો સંયમી હતા, તપસ્વી હતા અને પાંચ ઇંદ્રિયોના વિષયોનો ત્યાગ કરીને બ્રહ્મચિંતનમાં તત્પર રહેતા હતા.
તે બ્રાહ્મણો પાસે પશુઓ નહોતાં, ધન ન હતું, ધાન્યનો સંગ્રહ પણ ન હતો. સ્વાધ્યાય એ જ તેમનું મહામૂલું ધન હતું અને તેઓ એ બ્રહ્મનિધિનું શ્રદ્ધા અને ભક્તિથી રક્ષણ કરતા રહેતા હતા.
આમજનતા તેમને સારુ શ્રદ્ધાપૂર્વક ભોજન તૈયાર કરીને બારણામાં તેમના આવવાની રાહ જોતી ખડી રહેતી. આમજનતા એમ જ સમજતી કે આવા સંયમી અને તપસ્વીઓ માટે આ રીતે ભોજન આપવું એ જ યોગ્ય હતું.
મોટાં મોટાં સંપન્ન રાષ્ટ્રો આવા બ્રાહ્મણોની પૂજા કરતા, આદર કરતા, બહુમાન કરતા.
તેવા બ્રાહ્મણો હંમેશાને માટે અવધ્ય હતા અને ધર્મથી સુરક્ષિત હોવાને લીધે અજેય હતા તથા સદાચારસંપન્ન હોવાને કારણે તેઓ ગમે તે કુટુંબમાં જઈ શકતા તેમને ગમે તે ઘરમાં કે કુટુંબમાં જતાં કોઈ અટકાવતું ન હતું.
પ્રાચીન બ્રાહ્મણો અડતાળીસ વર્ષ સુધી કૌમાર બ્રહ્મચર્યને વિશુદ્ધપણે પાળતા અને તે દરમિયાન પ્રજ્ઞાના વિકાસને તથા શીલની સંપત્તિને વધારતા.
તે પ્રાચીન બ્રાહ્મણો કદી પરદારાગમન તો કરતા જ નહિ અથવા કોઈ કન્યા, સ્ત્રી કે વિધવાને વેચાતી કે ભાડે પણ ન રાખતા. સાચા સ્નેહવાળો સ્ત્રીસહવાસ જ તેમને માન્ય હતો. ઋતુસમય સિવાય તેઓ બીજે સમયે કદી પણ સ્ત્રીસંગ કરતા નહિ.
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૧૪ ૦ સંગીતિ
તે પ્રાચીન બ્રાહ્મણો બ્રહ્મચર્ય, શીલ, સરળતા, કોમળતા, નમ્રતા, તપ, સમાધિ, અહિંસા અને ક્ષમા વગેરે ગુણોની સ્તુતિ કરતા અને પોતામાં એ બધા ગુણો પૂર્ણપણે વિકસે એ માટે સતત પ્રયત્ન કરતા રહેતા..
તેમનો બ્રહ્મા નામનો આગેવાન પુરુષ દૃઢ પરાક્રમી હતો. તેણે તો સ્વપ્રે પણ કદી સ્ત્રીસંગ કર્યો નથી.
આજે પણ તેવા પ્રાચીન બ્રાહ્મણોનો આચારધર્મ કેટલાક સુન્ન બ્રાહ્મણો સાચવી રહ્યા છે અને તેઓ એ પ્રાચીન બ્રાહ્મણોના બ્રહ્મચર્ય, શીલ તથા ક્ષમા વગેરે ગુણોની પ્રશંસા કરતા દેખાય છે..
તે પ્રાચીન બ્રાહ્મણો બેસવાનાં પાથરણાં-આસનો, વસ્ત્ર, ઘી, ચોખા અને તેલ વગેરે પદાર્થોને ભિક્ષામાં માગી લાવીને અથવા ધાર્મિક રીતે તે પદાર્થોને એકઠા કરીને યજ્ઞ કરતા. તે યજ્ઞમાં તેઓ કદી ગોવધ કરતા જ નહિ.
તે પ્રાચીન બ્રાહ્મણો એમ સમજતા, કે જેવાં પોતાનાં માબાપ છે, જેવાં પોતાનાં ભાઈ-ભાંડુ છે, જેવાં પોતાનાં બીજાં સગાંવહાલાં છે એવી જ આ ગાયો છે. આ ગાયો અમારું અને આમજનતાના પોષણનું અવલંબન છે, સૌને સુખ આપનારી છે, પરમમિત્રરૂપ છે અને આખાય સંસારને જેનાથી પોષણ મળે છે એવી ખેતી આ ગાયો ઉપર જ ટકી રહી છે. આ ગાયો અન્ન આપનારી છે, બળ દેનારી છે, કાંતિ વધારનારી છે, સુખશાંતિને ફેલાવનારી છે; આ બધું બરાબર સમજીને તે પ્રાચીન બ્રાહ્મણો યજ્ઞમાં કદી પણ ગાયોનો વધ કરતા જ નહીં.
વળી એ તેજસ્વી પ્રાચીન બ્રાહ્મણો મજબૂત બાંધાવાળા હતા, યશસ્વી હતા અને પોતાના ધર્મના આચાર પ્રમાણે દઢપણે વર્તનારા હતા તથા કૃત્ય અને અકૃત્યનો વિવેક કરવામાં ભારે કુશળ હતા અને જ્યાં સુધી એ બ્રાહ્મણો પોતાના ધર્મમાં દઢપણે સ્થિર રહ્યા, ત્યાં સુધી તેઓ અને આમજનતા પણ સુખી હતાં.
પરંતુ રાજાઓ તરફથી મળતી દક્ષિણાઓ, ધનના ઢગલાઓ અને ઘરેણાંઓથી સુશોભિત સ્ત્રીઓ જેવી અત્યંત ક્ષુદ્ર વસ્તુઓ તેમને મળવા લાગી, ત્યારથી તેમની બુદ્ધિ બદલાઈ ગઈ.
રાજાઓ પોતાના સ્વચ્છંદને પોષવા માટે તેમની પાસે નવી નવી વ્યવસ્થાઓ કરાવવા સારું જ્યારથી ઉત્તમ ઘોડા જોડેલા રથો તેમને દક્ષિણામાં આપવા લાગ્યા, ઉત્તમ મહેલો તેમને ભેટ કરવા લાગ્યા તથા ગાયોનાં ટોળાં
Page #4
--------------------------------------------------------------------------
________________
ભગવાન બુદ્ધ ૦ ૧૧૫ તેમને અર્પણ કરવા લાગ્યા અને ઓછામાં પૂરું સુંદર સ્ત્રીઓનાં નજરાણાં તેમને રાજાઓ તરફથી થવા લાગ્યાં, ત્યારથી તે તમામ અસાર અને નિઃસત્ત્વ વસ્તુઓમાં બ્રાહ્મણો લોભાઈ ગયા અને તે લાલચને લીધે તેઓ પોતાનો પ્રાચીન ધર્મ ચૂકી ગયા.
આથી તેઓએ એટલે આ લાલચુ બ્રાહ્મણોએ નવા નવા મંત્રોની રચના કરવી શરૂ કરી અને તેઓ રાજા ઇક્ષ્વાકુ પાસે પહોંચ્યા અને તેઓ તેને કહેવા લાગ્યા કે, ‘‘હે રાજા ! તારી પાસે પુષ્કળ ધન છે, ધાન્ય છે માટે તું યજ્ઞ કર તથા તારી પાસે સંપત્તિ ખૂબ છે માટે પણ તું યજ્ઞ કર.”
જ્યારે ઇક્ષ્વાકુ રથર્ષભ રાજાને બ્રાહ્મણોએ આમ સમજાવ્યું, ત્યારે તે રાજાએ અશ્વમેધ, પુરુષમેધ, સમ્યક્પાશ, વાજપેય અને નિરર્ગળ યજ્ઞો કરીને બ્રાહ્મણોને દક્ષિણામાં ખૂબ ધન આપ્યું અને ગાયો પણ મોટી સંખ્યામાં ભેટ કરી, તથા રંગબેરંગી વસ્ત્રો ભેટ ધર્યાં; નવાં નવાં સુંદર પાથરણાં, આસનો આપ્યાં અને ઉત્તમ ઘોડા જોડેલા રથો તથા અલંકારો પહેરેલી સુંદર સ્ત્રીઓની પણ ભેટ કરી. આ ઉપરાંત ઉત્તમ મહેલો, ઇમારતો અને ધાન્યથી ભરેલી કોઠીઓની કોઠીઓ પણ અર્પણ કરી.
આ રીતે યજ્ઞોમાં વિવિધ દક્ષિણાઓ મેળવીને ત્યાગી અપરિગ્રહી બ્રાહ્મણો પરિગ્રહી પૈસાદાર બન્યા. એમ કરતાં કરતાં તેમની લોલુપતા વધવા લાગી અને તૃષ્ણામાં તેઓ તણાવા લાગ્યા.
પછી તો તેઓ પોતે મેળવેલી પંડિતાઈને બળે વારેવારે મંત્રો રચીને રાજાઓ પાસે જવા લાગ્યા અને કહેવા લાગ્યા, કે ‘‘હે રાજાઓ ! તમારી પાસે જમીન છે, જલાશયો છે, સોનું છે, રૂપું છે, ધાન્યના કોઠાર છે, ગાયો પણ બેસુમાર છે અને મનુષ્યોને ઉપભોગમાં આવે એવી ચીજવસ્તુઓનો તો તમારી પાસે પાર નથી, તેથી તમે યજ્ઞ કરો.’
આવી રીતે રાજાઓને બ્રાહ્મણોએ સમજાવ્યા તેથી તે રાજાઓએ યજ્ઞોમાં લાખો ગાયોને મારી નાંખી.
જે ગાયો તદ્દન ગરીબ અને રાંકડી હતી, જે ગાયો પગથી કે શિંગડાંથી કોઈને જરા પણ ઈજા કરતી ન હતી, જે ગાયો પોતાના એક પણ અવયવથી કોઈને કશી હરકત પહોંચાડતી નહીં અને ઘેટાં જેવી તદ્દન ગભરૂ શાંત હતી તથા ઘડા ભરી ભરીને રોજ દૂધ આપ્યા કરતી તેવી હજારો અને લાખો ગાયોને શિંગડાએ ઝાલી ઝાલીને રાજાઓ યજ્ઞમાં મારવા લાગ્યા.
આ રીતે અધર્મરૂપ ગોવધને ધર્મનું રૂપ મળવાથી દેવો, પિતૃઓ, ઇંદ્રો,
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૧૬ • સંગીતિ અસુરો અને રાક્ષસો હાહાકાર કરવા લાગ્યા અને ગાયો ઉપર શસ્ત્ર પડ્યું જાણી ભારે નારાજ થઈ ગયા.
બહુ પ્રાચીન સમયમાં લોકોને માત્ર ત્રણ રોગ હતા : ૧ ઇચ્છા, ર ભૂખ અને, ૩ ઘડપણ. પણ આ રીતે ગોવધના ફેલાવાથી તથા યજ્ઞમાં બીજાં બીજાં પશુઓનો ઘાત થતો હોવાથી જનતામાં બીજા અનેક રોગો ઊભરાયા, ફેલાયા અને એને લીધે તમામ લોકો કમોતે મરવા લાગ્યા.
ગોવધ વા પશુવધરૂપ એક જૂનો જંગલી અધમ ઉત્પન્ન થયો તેથી યાજકો નિર્દોષ ગાયોને વા અન્ય પશુઓને યજ્ઞમાં મારવા લાગ્યા અને ધર્મનો નાશ કરવા લાગ્યા.
સુજ્ઞ અને વિચારક લોકો આવા હિંસામય યજ્ઞોની નિંદા કરવા લાગ્યા અને યાજકોને જોતાં જ તેમની ધૃણા કર્વા લાગ્યા.
આ પ્રકારે ધર્મ–ખરો અહિંસાનો આચાર-વિપત્તિમાં આવી પડ્યો તેથી જનતામાં બુદ્ધિભેદ વધવા લાગ્યો, વૈશ્યો અને શૂદ્રો સૌ જે એક હતા તેઓ જુદા પડી ગયા, ક્ષત્રિયોમાં પણ ભંગાણ પડ્યું અને પત્નીઓ પતિઓની અવગણના કરવા લાગી.
આવો ભ્રષ્ટવાડો ફેલાતાં સારા સારા ક્ષત્રિયો, બ્રાહ્મણો અને બીજા લોકો પણ હવે કોઈ પ્રકારનો ભય રાખ્યા વિના સ્વચ્છેદે વર્તવા લાગ્યા અને ભોગવિલાસનાં ચેન ઉડાવવા લાગ્યા.
બ્રાહ્મણો : હે ભગવાન ! તમે અમને સાચી વાત કરી છે, સાચી હકીકતની માહિતી આપી છે; માટે હે ગૌતમ! હવે અમે બધા તમારે શરણે આવીએ છીએ, ધર્મનું શરણું સ્વીકારીએ છીએ તથા ભિક્ષુસંઘનું શરણ લઈએ છીએ અને આજથી અમે બધા હવે તમારા ઉપાસક બનીએ છીએ. ભગવાન બુદ્ધ અને મારની સેના
तं मं पधानपहितत्तं नर्दि नेरंजरं पति ।
विपरकम्म झायंतं योगक्खेमस्स पत्तिया ॥ સાર શ્રી ગૌતમબુદ્ધ પોતે જ કહે છે કે નિરંજરા નદીને કાંઠે ઘટાદાર વડના ઝાડની નીચે સ્થિર આસન જમાવી જ્યારે હું નિર્વાણની શોધ માટેના પ્રયત્નમાં ગરકાવ થઈ ગયો હતો, ત્યારે લાલચ અને તૃષ્ણારૂપ માર પોતાના લાવલશ્કર સાથે આવીને મને આમ કહેવા લાગ્યો :
नमुची करुणं वाचं भासमानो उपागमि । किसो त्वमसि दुव्वण्णो अंतिके मरणं तव ॥
Page #6
--------------------------------------------------------------------------
________________
ભગવાન બુદ્ધ ૧૧૭ સાર: એ માર મારી પાસે આવીને જાણે મારી દયા ખાતો હોય તેમ મને કહેવા લાગ્યો : “અરે સુકુમાળ રાજપુત્ર ! તું ઘણો દૂબળો પડી ગયો છે, તારું રૂપ પણ જતું રહ્યું છે અને તું ઝાડના ઠૂંઠા જેવો દુર્વર્ણ લાગે છે. અરે ભલા યુવાન ! મને લાગે છે કે હવે તારું મોત તારી અડોઅડ આવી ગયું છે.
सहस्सभागो मरणस्स एकंसो तव जीवितं ।
जीव भो जीवितं सेय्यो जीवं पुज्ञानि काहसि ॥ સાર : “અરે ભોળાભાઈ ! તારામાં મરણનાં તો હજારો ચિહ્નો દેખાઈ રહ્યાં છે, તારું જીવન તો માત્ર હવે એક ટકો જ બાકી છે. ભલા માણસ ! જીવવાનો પ્રયત્ન કર, જીવવું એ જ શ્રેય છે, જીવતો નર ભદ્રા પામે એ વાત તું કેમ ભૂલી જાય છે?
चरतो च ते ब्रह्मचरियं अग्गिहत्तं च जूहतो ।
पहूतं चीयते पुलं किं पधानेन काहसि ॥ સાર : “ભલે ને તું બ્રહ્મચર્ય પાળ, અગ્નિહોત્ર કરીને હવન હોમ કર્યા કર અને એમ કરવાથી તને ઘણું ઘણું પુણ્ય મળશે, તો પછી તું આ નિર્વાણની શોધના લફરામાં કયાં પડ્યો ?
दुग्गो मग्गो पधानाय दुक्करो दुरभिसंभवो ।
इमा गाथा भणं मारो अट्ठा बुद्धस्स सन्तिके ॥ સાર : “અરે ભાઈ! નિર્વાણનો રસ્તો ભારે કઠણ છે, એ રસ્તે ચાલી શકવું વિશેષ મુસીબતભર્યું છે અને લગભગ માણસ માટે તો એ તદ્દન અસંભવિત જેવું છે, માટે હું તને ચેતવું છું કે અહીંથી જ તું પાછો વળી જા.”
આ ગાથાઓને બોલતો અને ડર બતાવતો માર (તૃષ્ણાની સેના) બુદ્ધની પાસે આવીને ઊભી રહી.
तं तथावादिनं मारं भगवा एतदवि ।
पमत्तबंधु पापिम येनत्थेन इधागतो ॥ સાર : જ્યારે મારે ભગવાનને ઉપર પ્રમાણે કહ્યું, ત્યારે ધીરગંભીર પ્રશમમય બુદ્ધ તેને જવાબ આપતાં શરૂઆતમાં જ જણાવી દીધું કે, “હે પાપિયા, પ્રમાદીવૃત્તિવાળાના બેલી! તું અહીં શા માટે આવ્યો છે, તે હું બધું બરાબર જાણું છું.”
अणुमत्तेनऽपि पुओनं अत्थो महं न विज्जति । येसं च अत्थो पुनं ते मारो वत्तुमरहति ॥
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૧૮ ૦ સંગીતિ
સાર : “માર ! તેં મને બ્રહ્મચર્ય પાળવાની અને હોમહવન કર્યા કરી પુણ્યનો સંચય કરવાની સુફિયાણી શિખામણ આપી, પરંતુ મારે તો માત્ર એક નિર્વાણની જ અપેક્ષા છે. મારે તેં કહેલા એવા પુણ્યની જરૂર જ નથી; છતાં જેઓને તારી સૂચના પ્રમાણેના પુણ્યસંચયની જરૂર હોય, તેને તું તારી વાત સમજાવી શકે છે.
अस्थि सद्धा ततो विरियं पञ्ञा च मम विज्जति । एवं मे पहितत्तं पि किं जीवमनुपुच्छसि ॥
સાર : “હે માર ! તું સમજી લે કે મારામાં અચળ શ્રદ્ધા છે, અને એ શ્રદ્ધા પ્રમાણે જ મારો અડગ પુરુષાર્થ છે અને મારી પ્રજ્ઞા પણ એવી જ તેજ છે. આ પ્રકારે હું આ મારા સાધ્ય એવા નિર્વાણના માર્ગમાં દૃઢચિત્ત છું, છતાં તું મને જીવવાની વાત શા માટે પૂછે છે ? અહીં તો ‘કરેંગે યા મરેંગે’ એ જ એક જીવનસૂત્ર છે. કાં તો નિર્વાણ મેળવવું યા દેહને પાડી દેવો.
लोहिते सुस्समानम्हि पित्तं सेम्हं च सुस्सति । मंसेसु खीयमानेसु भिय्यो चित्तं पसीदति । भिव्यो सति च पञ्ञा च समाधि मम तिट्ठति ॥
સાર : “અરે માર ! આ સાધનાથી ચિત્તમાં પ્રસન્નતા થાય છે તેની તને શી ખબર પડે ? કઠોર સાધના કરવાથી લોહી સુકાઈ જાય છે એ ખરું, અને લોહી સુકાઈ જતાં પિત્ત અને કફ એ બન્ને સુકાય છે અને માંસ તથા ચરબી વગેરે પણ ક્ષીણ થાય છે; એ બધી તારી વાત ખરી છે, પણ એમ થતાં મારા ચિત્તમાં ભારે પ્રસન્નતા પ્રગટે છે, એમ થવાથી મારી સ્મૃતિ ભારે તેજ બને છે; અને સ્મૃતિ તેજ બનતાં મને સુંદર સમાધિ સાંપડે છે, માટે માર ! મારા લોહી સુકાવાની તારે ચિંતા કરવાનું કશું કારણ નથી.
तस्स मेवं विहरतो पत्तस्सुत्तमवेदनं ।
कामे नापेक्खते चित्तं पस्स सत्तस्स सुद्धतं ॥
સાર : “આ રીતે ઉત્તમ અનુભવ મેળવતો હું નિત્યપ્રતિ ઉલ્લાસપૂર્વક રહું છું, મારા મનમાં કામોની (કામસુખોની) લેશ પણ અપેક્ષા નથી. તું આ મારું શુદ્ધ સત્ત્વ જો, તો તને ખબર પડે.
कामा ते पढमा सेना दुतिया अरति वुच्चति । ततिया खुप्पिपासा ते चतुत्थी तण्हा पवुच्चति ॥
Page #8
--------------------------------------------------------------------------
________________
ભગવાન બુદ્ધ • ૧૧૯ पंचमं थीनमिद्धं ते छट्ठा भीरुपवुच्चति । सत्तमी वितिकिच्छा ते मक्खो थंभो ते अट्ठमो । लाभो सिलोको सक्कारो मिच्छालद्धो च यो यसो । यो चत्तानं समुक्कंसे परे च अवजानति ॥ एसा नमुचि ते सेना कण्हस्साभिप्पहारिनी ।
न तं असूरो जिनाति जेत्वा च लभते सुखं ॥ સાર : “હે કાળિયા માર ! તારી સેનાની મને બરાબર ખબર છે. પહેલાં તો તું માણસને રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ એવા આકર્ષક વિષયો દ્વારા લલચાવે છે. પછી તારો બીજો પ્રહાર બેચેની ઉપજાવવાનો શરૂ થાય છે. ત્રીજી વારનો તારો ઘા ભૂખ અને તરસની પીડા ઊભી કરવાનો છે અને ચોથી તારી સેના ચિત્તમાં તૃષ્ણા-આશા-વાસનાને ઊભી કરવારૂપ છે. તારું પાંચમું શસ્ત્ર આળસ પેદા કરવાનું છે. તને ખબર છે કે ભલભલા શૂરા લોકો પણ એક માત્ર આળસ-બેદરકારીને લીધે પોતાનું કામ બગાડી નાખે છે. તારું છઠ્ઠ હથિયાર બિવડાવવાનું છે; અર્થાત્ કોઈ પણ શૂર ભયથી ઠરી જાય એવા ભયંકર બિહામણાં દશ્યો સાધકની આંખ સામે તું ઊભાં કરવા માંડે છે. તારો સાતમો ઘા સાધકના મનમાં શંકાકુશંકા ઊભી કરવાનો છે અર્થાત્ સાધક ઘણા લાંબા સમય સુધી કઠોરાતિકઠોર સાધના કરે અને તેનું પરિણામ ન જુએ તો તેને એમ થવા લાગે છે કે “શું મારું સાધ્ય બરાબર છે કે કલ્પિત છે? શું એ સાધ્ય કોઈએ મેળવ્યું હશે કે નહીં ? વા આ જગતમાં એવું કોઈ સાધ્ય હશે ખરું ?' આમ ડામાડોળ થયેલો સાધક પોતાના લક્ષ્યથી ભ્રષ્ટ થાય જ. હે માર ! તારું આઠમું હથિયાર તો વિવિધ પ્રકારનું છે : તું માણસના મનમાં ક્રોધ કે ઈર્ષ્યા ઊભી થાય તેવું વાતાવરણ ઊભું કરી દે છે. તેમાં ન ફાવે તો અહંકાર ઊભરાઈ જવા જેવી સ્થિતિ સરજે છે. એમાંય તું ન ફાવે તો ઉપરાઉપર લાભો બતાવીને લલચાવે છે અને એ રીતે સાધકને ફસાવે છે. એ જ રીતે માનપ્રતિષ્ઠા અને મિથ્યા આડંબરથી કીર્તિ મળે તેમાં સાધક ફસાઈ જાય એવી ઘટના કરે છે. આમ થતાં અસાવધાન સાધક ફુલાઈ જાય અને પોતાની જાતને વધારેમાં વધારે ઉત્તમ, મોટી, પ્રતિષ્ઠિત માનવા લાગે અને બીજા તમામ મનુષ્યોની નિંદા વા અવજ્ઞા કરવા તૈયાર થઈ જાય અને એવી વાસના વા વૃત્તિ પેદા થતાં સાધક એકદમ પોતાના લક્ષ્યથી ભ્રષ્ટ થઈ જાય છે. હે કાળિયા માર ! તારી સેના ભારે જીવલેણ ઘા કરનારી છે. જે શૂરવીર ન હોય તેને તો તું હરાવી જ નાખે. પરંતુ જે ખરેખરો સાવધાન શૂરવીર
Page #9
--------------------------------------------------------------------------
________________ 120 * સંગીતિ હોય, તે તો તેને જીતી જાય છે અને પૂર્ણ શાંતિને પામે છે. एस मुजं परिहरे धिरत्थु इय जीवितं / संगामे मे मतं सेय्यो यं चे जीवे पराजितो // સાર: “માર ! તું એમ સમજી લે કે આ સાધક જેવો-તેવો નથી, તેણે તો લડાઈમાં મરવું સ્વીકારીને જ આ સંગ્રામ શરૂ કરેલો છે અને એ માટે તો આ મુંજનું ઘાસ માથે બાંધેલું છે. જે યોદ્ધો લડાઈમાં હારીને પાછો ફરે તેનું જીવન ધિક્કારને પાત્ર છે. હારીને જીવવા કરતાં તો મરવું જ શ્રેયરૂપ છે એમ મારો દઢ સંકલ્પ છે.” છેવટ માર થાક્યો અને તે બોલવા લાગ્યો કે : सत्त वस्सानि भगवंतं अनबंधि पदापदं / ओतारं नाधिगच्छिस्सं संबद्धस्स सतीमतो // સાર: “હું ભગવાનની પાછળ પાછળ નિરંતર સાત વરસ સુધી ફર્યા કર્યો, પણ આ ભારે ચકોર અને તીવ્ર જાગ્રત સ્મૃતિવાળા સંબુદ્ધ પુરુષમાં કયાંય પેસવા જેટલું જરા પણ કાણું મેળવી શક્યો નહીં.” આ રીતે મહાશૂર સિદ્ધાર્થ રાજપુત્રે સાત વરસ સુધી મારની સેના સાથે ખાંડાના ખેલ ખેલ્યા; પરંતુ છેવટે માર પોતે જ હાર્યો અને વૈશાખી પૂર્ણિમાને દિવસે આજથી પચીસસો વરસ પહેલાં એ રાજપુત્ર સિદ્ધાર્થ, ભગવાન બુદ્ધ બની ગયા અને સારા ભારતમાં ભારે પ્રકાશ ફેલાવ્યો. - અખંડ આનંદ, મે - 1955