Book Title: Vipashyana Shu Che
Author(s): Amarendravijay
Publisher: Gyanjyot Foundation

View full book text
Previous | Next

Page 9
________________ કરવા છતાં કશો સુધારો ન થયો, ઊલટાની દર્દની પકડ વધતી ગઈ. એમ કરતાં પચીસ વર્ષની ઉમ્મરે તો, વર્ષમાં એક-બે વારને બદલે, મહિને એક-બે વાર અસહ્ય પીડા ઊપડતી અને એક-બે દિવસ સુધી એ કેમે ય કરીને ઓછી થતી નહિ. તેમનું કુટુંબ ઘણું સમૃદ્ધ હતું. મૂળ ભારતીય પણ ત્રણ પેઢીથી બર્મામાં વેપાર-ધંધા અંગે વસેલું. ધીકતો ધંધો હતો, એટલે ઉપચારોમાં તો કશી મણા રાખી નહોતી. ચિકિત્સા અર્થે તેઓ પરદેશ પણ જઈ આવ્યા. યુરોપઅમેરિકા-જાપાનના જાણીતા દાકતરોની સલાહ સારવાર લીધી, પણ કંઈ વળ્યું નહિ. કોઈ આશાકિરણ દેખાતું નહોતું એ અવસરે એમના એક મિત્રે - જેઓ બર્માની સુપ્રિમ કોર્ટના જજ હતા - ‘ઈન્ટરનેશનલ મેડિટેશન સેન્ટર’માં જઈ ગૃહસ્થ-સંત ઉ બા ખિન પાસે વિપશ્યનાનો પ્રયોગ કરી લેવાની ભલામણ કરી. ‘ડૂબતો માણસ તરણું પકડે' એ ન્યાયે તેઓ એ સાધનાનો અખતરો કરવા તૈયાર થયા, પણ ધર્મવિષયક સાંપ્રદાયિક પૂર્વગ્રહો એમને પણ નડયા. એટલે તુરત તો એ પ્રયોગ તેઓ ન કરી શક્યા. છ માસ પછી, વ્યાધિથી થાકી-હારીને છેવટે તેઓ વિપશ્યના-શિબિરમાં જોડાયા અને દર્દમાંથી મુકિત મેળવી; એની સાથોસાથ તેમની જીવનદિષ્ટ પણ બદલાઈ. પછી તો અવારનવાર શિબિરોમાં ભાગ લીધો એટલું જ નહિ, વચ્ચે વચ્ચે પંદર દિવસ, મહિનો અને કોઈ કોઈ વાર છ મહિના પણ, શ્રી ઉ બા ખિનના સાંનિધ્યમાં રહીને સાધનામાં ખૂબ પ્રગતિ સાધી. બીજાઓને વિપશ્યનાનું પ્રશિક્ષણ આપવાની ક્ષમતા પણ પ્રાપ્ત કરી. ૧૯૬૯માં તેમની માતાની માંદગી નિમિત્તે તેઓ ભારત આવ્યા અને ભારતમાં સૌ પ્રથમ જુલાઈ ૧૯૬૯માં મુંબઈમાં પહેલી શિબિર કરી. મુખ્યતઃ એમનાં વૃદ્ધ માતા-પિતા અર્થે જ એ શિબિર ગોઠવેલી, પણ એ સાથે બીજા બાર જણ પણ જોડાયા, એટલે બધા મળીને ચૌદ સાધકોએ ત્યારે એ લાભ મેળવ્યો. પછી તો ભારતના વિવિધ ભાગોમાંથી એમને શિબિર માટેનાં આમંત્રણ મળવા લાગ્યાં અને આજે તો વિદેશોમાં પણ એમની શિબિરો યોજાય છે. આમ, બે દાયકામાં આ સાધના-પ્રક્રિયા, કોઈ પ્રચાર-ઝુંબેશ વિના જ દુનિયાભરમાં પ્રસરી ચૂકી છે.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16