Book Title: Vadodarana Jinalyo Author(s): Parulben H Parikh Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 9
________________ નિર્માણ થયેલા જોવા મળે છે. પ્રાચીન સમયના લાટ દેશની રાજધાની એવા ભરૂચ શહેરના જિનાલયોનો પણ આ ગ્રંથમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સંખ્યાની દૃષ્ટિએ વડોદરા કરતાં ભરૂચમાં ઘણા ઓછા જિનાલયો છે, પરંતુ પ્રાચીનતા તો વડોદરાની સરખામણીમાં ભરૂચની જ વધુ છે. વર્તમાન ચોવીસીના વીસમા તીર્થંકર પરમાત્મા શ્રી મુનિસુવ્રત સ્વામીએ આ પ્રાચીન ભૃગુકચ્છ નગરીની સ્પર્શના કરી હતી તેમજ શ્રી ગૌતમ સ્વામીએ પણ જગચિંતામણિ નામના ચૈત્યવંદન સૂત્રમાં તેનો મહિમા ગાયો છે. કેટલાય વિદ્વાન પૂર્વ આચાર્યોએ તેનો મહિમા જાણી ભરૂચ તીર્થભૂમિને વધુ પાવન બનાવી છે. ભરૂચ જિલ્લો તેમજ તેની આસપાસના ત્રણ નાના જિલ્લાઓના – પંચમહાલ, દાહોદ અને નર્મદા જિલ્લાના - જિનાલયોની માહિતી પણ આ ગ્રંથમાં સમાવી લેવામાં આવી છે. ગુજરાતના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં પણ આજે જૈન ધર્મને અનુસરનારા શ્રાવકોનો મોટો વર્ગ ઊભો થયો છે. અને તેઓ તીર્થંકર પરમાત્માની પૂજા-અર્ચના અર્થે નવા-નવા જિનાલયો નિર્માણ કરાવતા ગયા છે. વડોદરા જિલ્લા તેમજ પંચમહાલ જિલ્લાના કેટલાક ગામો આના શ્રેષ્ઠ ઉદાહરણો છે. આ ગ્રંથમાં ભરૂચ શહેરનાં ૧૩ જિનાલયો, વડોદરા શહેરનાં ૬૮ જિનાલયોની માહિતી ઉપરાંત ભરૂચ જિલ્લાનાં ૩૪ જિનાલયો, વડોદરા જિલ્લાનાં ૭૪ જિનાલયો, પચંમહાલ જિલ્લાનાં ૨૭ જિનાલયો, દાહોદ જિલ્લાનાં ૮ જિનાલયો તેમજ નર્મદા જિલ્લાનાં ૪ જિનાલયોની માહિતી સમાવિષ્ટ કરવામાં આવી છે. ભરૂચનું ઐતિહાસિક શ્રી અશ્વાવબોધ તીર્થ તરીકે સુપ્રસિદ્ધ એવું શ્રી મુનિસુવ્રત સ્વામીનું મુખ્ય જિનાલય તેમજ કાવી, ગંધાર અને ઝગડિયા એમ ચાર મુખ્ય તીર્થોની અલગ પુસ્તિકા પ્રકાશિત કરવાની હોવાથી આ ચાર જિનાલયો તેમજ વડોદરાના સુમેરૂ તીર્થ, અણસ્તુ તીર્થ, પાવાગઢ, બોડેલી, ડભોઈ આદિ તીર્થ સમાન જિનાલયોનો આ ગ્રંથમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. સમયાંતરે તેની અલગ પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવશે. ગ્રંથ પ્રકાશન માટે પ્રત્યક્ષ મુલાકાત ઉપરાંત ચૈત્યપરિપાટીઓની લેખિત કૃતિઓ મેળવવાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ પ્રાપ્ત થઈ શકી નથી. એકમાત્ર કવિવર શ્રી દીપવિજયજી રચિત વડોદરાની ગઝલ પ્રાપ્ત થઈ છે. જો કે તેમાં વડોદરાના જિનાલયોની સંખ્યા આદિ કોઈ વિશેષ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી તેમ છતાં પરિશિષ્ટમાં તેને સ્થાન આપેલ છે. અગાઉ પ્રકાશિત ગ્રંથોની જેમ જ જિનાલયોની પ્રત્યક્ષ મુલાકાતોને આધારે શક્ય તેટલું વિગતવાર વર્ણન કરેલ છે. જેથી પ્રાચીન જિનાલયોની ભવ્યતા અને અનુપમ કલાકારીગરીનો અંશતઃ પણ ખ્યાલ આવી શકે. વિશિષ્ટ કારીગરી ધરાવતા કેટલાક જિનાલયોના જે તે ભાગના ફોટાઓનો પણ આ ગ્રંથમાં સમાવેશ કરેલ છે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 442