Book Title: Suratna Jinalayo Author(s): Chandrakant Kadia Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 6
________________ ઉપોદ્યાત રાજનગર-અમદાવાદ, ખંભાત અને પાટણનાં જિનાલયોના ત્રણ ગ્રંથો પેઢી તરફથી પ્રકાશિત થયા છે તે શ્રેણિમાં સુરતનાં જિનાલયો તથા વલસાડ તેમજ નવસારી જિલ્લાનાં જિનાલયોને આવરી લેતો આ ચતુર્થગ્રંથ એક નવી ભાત પાડે છે. અમદાવાદ, ખંભાત અને પાટણ ઐતિહાસિક દૃષ્ટિએ પ્રાચીન નગરો છે. તેની પરંપરા ભવ્ય છે. ત્યાંનાં જિનાલયો અપેક્ષાકૃત પ્રાચીન છે તેમજ શિલ્પ અને સ્થાપત્યતા અભુત છે. જ્યારે સુરત કંઈક અર્વાચીન ગણાય છતાંય તેની પરંપરા અને ઇતિહાસ ભવ્ય તથા રોચક છે. પ્રારંભથી જ સુરત શહેર વ્યાપાર-વાણિજ્યનું મથક રહ્યું છે તેથી વણિકો અને જૈનોની માનીતી નગરી બની ગઈ હતી. જૈનો જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં જિનાલયો અને ઉપાશ્રયોનું નિર્માણ અચૂક કરે છે. તેવી જ રીતે સુરતમાં તથા આસપાસના અનેક ગામોમાં અનેક જિનાલયો નિર્મિત થયાં છે. તેનો ઇતિહાસ તથા માહિતી પ્રસ્તુત ગ્રંથમાં આપવામાં આવી છે. નાનામાં નાના ગામમાં પણ જિનાલયોનું અસ્તિત્વ જૈનોની ભક્તિભાવ અને તે દ્વારા તન, મન, ધનને પાવન કરવાની ઉદાર વૃત્તિનું ઘોતક છે. જૈન ધર્મની ઉજ્જવળ પરંપરામાં જિનાલયોનું નિર્માણ એક અવિચ્છિન્ન ઘટક છે. પરમાત્માની ભક્તિ પણ ખૂબ જ ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક કરીને મનને પાવન કરવાની વૃત્તિ જૈન માત્રમાં સતત વહેતી રહી છે. નવી પેઢીને આવા પુનિત કાર્યમાં જોડવા માટે જિનાલયો સમર્થ અને સાર્થક નિમિત્ત બની જાય છે. આથી આજેય જૈન ધર્મની ધજા ગગનમાં ફરકી રહી છે. અને તેથી જિનશાસનની પ્રગતિ વધુ ને વધુ થઈ રહી છે તેમાં આવાં જિનમંદિરો કારણભૂત છે. સુરત, વલસાડ અને નવસારી જિલ્લાનાં જિનાલયોનો ઇતિહાસ અને તેની વિશેષતા પ્રસ્તુત ગ્રંથમાં આલેખવામાં આવી છે. તે ઉપરાંત તે તે જિલ્લાના સંઘો, ધર્મશાળાઓ, ભોજનશાળાઓ, જ્ઞાનભંડારો આદિની માહિતી પણ આપવામાં આવી છે. આ દર્શાવે છે કે જૈનો માત્ર જિનાલયો જ નહીં પરંતુ સાતેય ક્ષેત્રોને હર્યાભર્યા રાખવા સતત સજાગ રહ્યા છે અને સાતેય ક્ષેત્રોને સિંચન કરવામાં સદાય ઉદાર રહ્યા છે. આવી પ્રવૃત્તિઓનો પ્રમાણભૂત ઉલ્લેખ આ ગ્રંથમાં લેખક મહોદયે ખૂબ જ ચીવટ અને અપાર મહેનત કરી એકત્ર કર્યો છે. આમ આ ગ્રંથ અનેક ઉપયોગી માહિતીનો સંગ્રાહક ગ્રંથ બન્યો છે. માત્ર તે સ્થાનના વતનીઓને માટે જ નહીં પણ સમગ્ર જૈનો માટે આ એક ઉપયોગી ગ્રંથ સાબિત થશે. તેમાંય ખાસ કરીને સંશોધકો, ઇતિહાસકારો અને જિજ્ઞાસુઓ માટે તો સંદર્ભગ્રંથની ગરજ સારશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 594